Categories
વાચન સમૃદ્ધિ

જેતલપુર

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાનું ગામ. ભૌગોલિક સ્થાન : આશરે ૨૨° ૫૪´ ઉ. અ. અને ૭૨° ૩૦´ પૂ. રે.. તે અમદાવાદથી દક્ષિણ તરફ ૧૬ કિમી.ને અંતરે તથા બારેજડીથી ૯ કિમી.ને અંતરે અમદાવાદ-મુંબઈને જોડતા ૮ નંબરના રાષ્ટ્રીય ધોરી માર્ગ પર આવેલું છે. તેની પૂર્વ તરફ જેટલે અંતરે ખારી નદી વહે છે, એનાથી બમણા અંતરે પશ્ચિમ તરફ સાબરમતી નદી વહે છે, આ કારણે તેનું ભૂપૃષ્ઠ નદીકાંપના સમતળ મેદાની પ્રદેશનું બનેલું છે. જેતલપુરની સીમની ક્યારીની જમીનોમાં મુખ્યત્વે ડાંગરનો પાક લેવાય છે. કૃષિપાકોને ખારીકટ કૅનાલનો લાભ મળે છે. અહીં નળકૂપ (ટ્યૂબવેલ) પણ તૈયાર કરવામાં આવેલા છે. ખેડૂતોને અદ્યતન કૃષિસાધનો માટે સહાય આપવામાં આવે છે. અહીં ડાંગર છડવાની આશરે ૩૦થી વધુ મિલો આવેલી છે તથા ડેરીનો ગૃહઉદ્યોગ ચાલે છે. અમદાવાદના કેટલાક ઉદ્યોગોનો બોજો ઘટાડવા અહીં કેટલાંક ગોદામો ઊભાં કરાયાં છે. ખેડૂતો તેમજ ગ્રામજનોની સુવિધા જળવાય તે માટે રાષ્ટ્રીયકૃત અને સહકારી બૅન્કો સ્થાપવામાં આવેલી છે.

સ્વામિનારાયણ મંદિર, જેતલપુર

ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળા, કન્યાવિદ્યાલય, છાત્રાલય અને શ્રી એમ. પી. પંડ્યા વિવિધલક્ષી હાઈસ્કૂલની સગવડ છે. અહીં એક જૂનો જર્જરિત કિલ્લો, રાણીનો મહેલ તથા ગામની ભાગોળે એક તળાવ આવેલાં છે. આ ઉપરાંત અહીં રામજી મંદિર, શિવમંદિર, જૈન મંદિર, ચર્ચ તથા જેને કારણે જેતલપુરનું નામ જાણીતું બનેલું છે તે સ્વામિનારાયણ મંદિર આવેલાં છે. આ સ્વામિનારાયણ મંદિર વિલક્ષણ શોભાવાળું અને વિશિષ્ટ બાંધણીવાળું છે. આ મંદિરનાં ત્રણ શિખરો અને ઘુમ્મટો  બે મજલાનાં બાંધવામાં આવ્યાં છે. અષ્ટકોણાકાર મંડપ ઉપર મંદિરના મુખ્ય ઘુમ્મટ ઉપરાંત ચાર સ્તંભો વચ્ચે રચાતા દરેક ચોરસ પર લઘુ ઘુમ્મટોની રચના પણ કરવામાં આવી છે. મંદિરની પ્રવેશ-ચોકીઓના સ્તંભો તથા બહારની અને અંદરની સ્તંભાવલિને ઈંટ-ચૂનાની સાદી અર્ધ-વૃત્ત ખંડોની બનેલી મુઘલ કમાનોથી અલંકૃત કરવામાં આવી છે. આમ આ મંદિરની શોભા અનેરી છે. દર વર્ષે ભાદરવા સુદ અગિયારસે આ ગામમાં દેવ-સરોવરના કિનારે જળઝીલણા મેળો ભરાય છે, આજુબાજુથી હજારો લોકો આ મેળો માણવા અહીં ઊમટી પડે છે. ઇતિહાસ : આ ગામની સ્થાપના ઈ. સ. ૧૩૩૯ના અરસામાં થયેલી છે. ગુજરાતના સૂબા શાહજહાંએ તેના પિતા જહાંગીર વિરુદ્ધ બળવો કર્યો, ત્યારે દીવાન સાફીખાન જહાંગીરને વફાદાર રહ્યો; તેથી શાહજહાંના સૈન્ય અને સાફીખાનના સૈન્ય વચ્ચે ૧૪ જૂન, ૧૬૨૩ના રોજ જેતલપુર પાસે લડાઈ થઈ. તેમાં સાફીખાન જીત્યો. જહાંગીરે સાફીખાનને ‘સૈફખાં’નો ખિતાબ આપી, ગુજરાતનો સૂબો નીમ્યો. તેણે જેતલપુરનો ગઢ, સૈફબાગ, મહેલ વગેરે બાંધકામો કરાવ્યાં. કિલ્લાનાં ખંડેરો હાલ મોજૂદ છે. ગાયકવાડે અમદાવાદ જીતીને પોતાની હકૂમત સ્થાપ્યા બાદ, હવેલી પરગણાનું મુખ્ય મથક જેતલપુર થયું અને જેતલપુરના ગઢમાં તાલુકાની ગાયકવાડી કચેરી સ્થપાઈ. મરાઠી કચેરીનું થાણું જેતલપુરમાં ઈ. સ. ૧૮૦૯ સુધી રહ્યું. જેતલપુર મુકામે ઈ. સ. ૧૮૦૯માં સહજાનંદ સ્વામીએ પ્રથમ એક અહિંસક યજ્ઞ કર્યો. તેની છત્રી અને યજ્ઞપીઠિકા મહેલની બાજુમાં મોજૂદ છે. સહજાનંદ સ્વામીની આજ્ઞાથી આનંદાનંદ સ્વામીએ જેતલપુરનું મંદિર બંધાવ્યું. આ મંદિરમાં અનેક ઉત્સવો, મહાયજ્ઞો અને પાટોત્સવો અવારનવાર ઊજવાય છે. ગુજરાતના જાણીતા કવિ અખા ભગત જેતલપુરના વતની હતા અને પછીથી અમદાવાદ આવીને વસ્યા હતા.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

નીતિન કોઠારી, જયકુમાર ર. શુક્લ

Categories
વાચન સમૃદ્ધિ

અતુલચંદ્ર ઘોષ

જ. ૨ માર્ચ, ૧૮૮૧ અ. ૧૫ ઑક્ટોબર, ૧૯૬૧

ભારતની આઝાદીની ચળવળના બંગાળના એક અગ્રણી રાજકીય નેતા. તેમનો જન્મ ખાંડઘોષા, બર્દવાન, બંગાળમાં થયો હતો. પિતા શિક્ષક હતા. બાળપણમાં માતાપિતાનું અવસાન થતાં અન્યત્ર બે કુટુંબો દ્વારા ઉછેર થયો. શરૂઆતનું શિક્ષણ બર્દવાનમાં અને તે પછી કૉલકાતાની મેટ્રોપૉલિટન ઇન્સ્ટિટ્યૂટમાં, પરંતુ તે અધવચ્ચે છોડી દેવું પડેલું. ૧૯૦૮માં પુરબિયા ખાતે વકીલાત શરૂ કરી. નિબારણચંદ્ર દાસગુપ્તાના સાથમાં તેમણે બંગાળના પુરબિયા જિલ્લામાં તેલ્કાપાડા ગામ ખાતે ‘શિલ્પાશ્રમ’ની સ્થાપના કરી, જેમાં ગ્રામોદ્યોગને પ્રોત્સાહન આપ્યું. ગાંધીજીના પ્રભાવ હેઠળ ૧૯૨૧માં વકીલાત બંધ કરી, અસહકારની ચળવળમાં જોડાયા, ત્યાંથી જાહેરજીવનની શરૂઆત થઈ. આઝાદીને પ્રેરક કામો શરૂ કર્યાં. બંગાળી સાપ્તાહિક પત્ર ‘મુક્તિ’ના તે સંપાદક હતા. બિહાર પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સભ્ય બન્યા. ૧૯૨૧-૩૫ દરમિયાન માનભૂમ જિલ્લા કૉંગ્રેસ સમિતિના સેક્રેટરી અને ૧૯૩૫-૪૭ દરમિયાન તેના પ્રમુખ હતા. ૧૯૩૦માં મીઠાના સત્યાગ્રહ દરમિયાન જિલ્લાની સત્યાગ્રહ સમિતિના સેક્રેટરી તરીકે કારાવાસ ભોગવ્યો. આ ઉપરાંત ૧૯૩૨, ૧૯૪૫માં પણ કારાવાસ ભોગવેલો. ૧૯૪૭માં કૉંગ્રેસ પક્ષનો ત્યાગ કર્યો અને ‘લોકસેવક સંઘ’ની સ્થાપના કરી. ૧૯૫૨માં ચૂંટણી યોજાઈ તેમાં જે ઢંઢેરો આ સંસ્થાએ બહાર પાડેલો તેમાં ગાંધીજીની વિચારણાનો પડઘો સ્પષ્ટપણે જોવા મળે છે. માનભૂમની પ્રજાના ન્યાયી અધિકારો માટે ૧૯૫૦-૫૨ દરમિયાન તેમણે વારંવાર સત્યાગ્રહ કર્યો હતો. તેમનું સમગ્ર કુટુંબ તેમની આ પ્રવૃત્તિમાં સતત તેમની સાથે સક્રિય રહેલું હતું. સંતાનોને તેમણે સ્વતંત્રતા અને સ્વદેશીના સંસ્કારો આપ્યા હતા. તેમનાં પત્ની લાવણ્યપ્રભા ઘોષ પણ આઝાદીની ચળવળનાં સૈનિક હતાં. અતુલચંદ્ર ઘોષનું અવસાન કૉલકાતામાં થયું હતું. લોકો પ્રેમથી તેમને ‘માનભૂમ કેસરી’ નામે સંબોધતા અને તેમનાં પત્નીને ‘માનભૂમ જનની’ તરીકે સંબોધતા.

અમિતાભ મડિયા

Categories
વાચન સમૃદ્ધિ

ગુસ્સાનું માધ્યમ

અમેરિકાના મિઝુરીમાં જન્મેલા સૅમ્યુઅલ લેંગહોર્ન ક્લૅમન્સ સાહિત્યજગતમાં માર્ક ટ્વેનને નામે વિખ્યાત બન્યા. માર્ક ટ્વેને અમેરિકાના વસાહતીઓમાં ચાલી આવતી ટોળ-ટપ્પાની પ્રક્રિયા પકડી અને એમાં અહોભાવરહિત અભિગમ અને લાક્ષણિક શૈલીનું ઉમેરણ કરીને વિશિષ્ટ પ્રકારનો વિનોદ સર્જ્યો. ‘ધ ઇન્સન્ટ્સ અબ્રોડ’, ‘રફિંગ ઇટ’ જેવી કૃતિઓમાં એમનો આ વિનોદ જોવા મળે છે. આ વિખ્યાત હાસ્યલેખક અને નિપુણ વક્તાને ભાગ્યે જ ગુસ્સો આવતો, પરંતુ જ્યારે ગુસ્સો આવે તો એ તત્કાળ પત્ર લખવા બેસી જતા અને એમાં એ વ્યક્તિ પરનો પોતાનો સઘળો ગુસ્સો ઠાલવી દેતા. કોઈ વ્યક્તિએ એમની ટીકા કરી તો તરત જ માર્ક ટ્વેને એને સણસણતો જવાબ લખ્યો કે ‘ખબરદાર, તમે કરેલી વાત અહીં જ દબાવી દો. જો એમ નહીં કરો તો હું તમને જોઈ લઈશ. આવી જ રીતે એક વાર એક સામયિકમાં એમના લેખમાં જોડણીની અશુદ્ધિઓ રહી ગઈ. માર્ક ટ્વેન અકળાઈ ઊઠ્યા. એમણે સામયિકના તંત્રીને પત્ર લખ્યો કે, લેખ છાપતાં પૂર્વે એમણે એ જોવું જોઈએ અને ચકાસવું જોઈએ કે પ્રૂફરીડરે એ લેખની જોડણી કે વિરામચિહનો બરાબર કર્યાં છે કે નહીં અને પછી માર્ક ટ્વેને એ ગુસ્સો પ્રૂફરીડર પર ઉતારતાં તંત્રીને લખ્યું, ‘હવે પછી મારી લખેલી કૉપી પ્રમાણે તમારે મૅટર ગોઠવવું અને પ્રૂફરીડરનાં સૂચનો એના સડી ગયેલા મગજના પોલાણ સુધી જ રહે, તેનો બરાબર ખ્યાલ રાખવો.’ માર્ક ટ્વેન માટે પત્રલેખન એ ગુસ્સો ઠાલવવાનું માધ્યમ હતું. એ રીતે તેઓ પોતાના મનમાંથી ગુસ્સાની વરાળ દૂર કરતા હતા. આવા પત્રોથી કોઈ સંબંધોમાં તિરાડ પડે કે કોઈને માઠું લાગે એવું બનતું નહીં. આનું કારણ એ હતું કે આવા પત્રો પોસ્ટ થાય તે પહેલાં જ માર્ક ટ્વેનનાં પત્ની છાનાંમાનાં એ પત્રો કાઢી લેતાં, જેથી જેના પર એમણે કચકચાવીને ગુસ્સો કાઢ્યો હોય તેમના સુધી એ પત્રો પહોંચતા જ નહીં.

કુમારપાળ દેસાઈ