Categories
વાચન સમૃદ્ધિ

અનુભૂતિ બની પ્રતીતિ

થિયેટરોથી ઊભરાતા અમેરિકાના પ્રસિદ્ધ બ્રૉડવેમાં નિર્માતા ફ્લોરેન્સ ઝીગફેલ્ડ નાટ્યજગતમાં એક જાદુગર તરીકે જાણીતા હતા. તેઓ તદ્દન સામાન્ય સ્ત્રી કે પુરુષને કુશળ અભિનેતા કે અભિનેત્રીમાં પરિવર્તિત કરી શકવાની અપ્રતિમ કલા ધરાવતા હતા. સાવ સામાન્ય વસ્ત્રોવાળી અને સાધારણ દેખાવ ધરાવતી સ્ત્રીમાં પણ અભિનયની સતત તાલીમ અને પરિશ્રમથી અસાધારણ ફેરફાર કરી શકતા. રસ્તે કોઈની નજરે પણ ન ચડે એવી સ્ત્રીને આ નિર્માતા એને અતિ સુંદરતા અને પ્રબળ આકર્ષકતા સાથે રંગભૂમિ પર રજૂ કરી શકતા. સહુને આશ્ચર્ય થતું કે ફ્લોરેન્સ ઝીગફેલ્ડ કઈ રીતે આવું પરિવર્તન સર્જે છે ? ફ્લોરેન્સ ઝીગફેલ્ડનો એક સિદ્ધાંત હતો કે પ્રત્યેક વ્યક્તિને આત્મસન્માન આપવું. એનો આત્મવિશ્વાસ વધારવો. પોતાની જાતને સાવ સામાન્ય માનતી વ્યક્તિને એની જાત વિશેની સામાન્યતાની દૃઢ અને બંધિયાર માન્યતામાંથી બહાર લાવવી. એના મનમાં પલાંઠી મારીને આસન જમાવી બેઠેલી લઘુતાગ્રંથિને દૂર કરવી. જીવન વિશેના નૅગેટિવ અભિગમને પૉઝિટિવ બનાવવો અને એમની સુષુપ્ત શક્તિ પ્રગટ થાય, તે માટે અવિરત પ્રયાસ કરવો. આવા માનસિક અભિગમની સાથે વ્યવહારુ દૃષ્ટિ પણ અપનાવતા હતા. અઠવાડિયે માત્ર ત્રીસ ડૉલર મેળવતી યુવતીઓનું મહેનતાણું એમણે ૧૭૫ ડૉલર કર્યું ! નવોદિત કલાકારોની શક્તિનાં ભારોભાર વખાણ કરવા લાગ્યા. નાટકના પ્રથમ પ્રયોગ વખતે એ મુખ્ય કલાકારોને શુભેચ્છાના તાર મોકલતા અને રંગમંચ પર કામ કરતી યુવતીઓની ‘અમેરિકન બ્યૂટી’ તરીકે પ્રશંસા કરીને એમનામાં રહેલા આત્મવિશ્વાસને જગાડતા, એટલું જ નહીં, પણ તેઓ આગવી નાટ્યકલા ધરાવતા પ્રતિભાવાન કલાકાર છે એવી અનુભૂતિ કરાવતા. આને પરિણામે કલાકાર જીવ રેડીને અભિનય કરતો તથા ફ્લોરેન્સ ઝીગફેલ્ડની શાબાશીને યોગ્ય પુરવાર થવા પ્રયત્ન કરતો. આ અનુભૂતિ કલાકારની પ્રતીતિ બની જતી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

બી. આર. ચોપરા

જ. ૨૨ એપ્રિલ, ૧૯૧૪ અ. ૫ નવેમ્બર, ૨૦૦૮

બહુમુખી પ્રતિભા ધરાવતા પીઢ ફિલ્મસર્જક. તેમનું પૂરું નામ બળદેવ રાજ ચોપરા હતું. તેમનો જન્મ લાહોરમાં ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. બાળપણથી જ તેમને સાહિત્ય અને કળા તરફ રુચિ હતી. લાહોરની સરકારી કૉલેજમાંથી એમ.એ. થયા. કૉલેજકાળ દરમિયાન લલિત નિબંધો અને ટૂંકી વાર્તાઓ લખતા. અહીં તેમણે ૧૯૪૫ના ગાળામાં ‘સિને હેરલ્ડ’ નામનું સામયિક શરૂ કર્યું હતું. દેશના ભાગલા પડતાં ૧૯૪૭ના ઑગસ્ટમાં મુંબઈ આવ્યા. તેમણે ૧૯૫૨માં ‘શોલે’ અને ૧૯૫૪માં ‘ચાંદની ચોક’ નામે ફિલ્મો બનાવી, જે ખૂબ સફળ રહી. ૧૯૫૫માં સ્વતંત્ર બૅનર સાથે બી. આર. ફિલ્મ્સ કંપનીની સ્થાપના કરી. આ બૅનર તળે બનેલી સૌપ્રથમ ફિલ્મ હતી ‘એક હી રાસ્તા. તેઓ દરેક ફિલ્મમાં સ્વચ્છ મનોરંજન સાથે સમાજના નીતિરીતિ અને વાસ્તવિકતાઓનું પ્રતિબિંબ પડે તેનું ધ્યાન રાખતા. રસિક કથાનક, છટાદાર સંવાદો અને કલાત્મકતા તેમની વિશેષતા હતી. ‘નયાદૌર’, ‘સાધના’, ‘ધૂલ કા ફૂલ, ‘કાનૂન’, ‘ધર્મપુત્ર’, ‘ગુમરાહ’, ‘વક્ત’, ‘હમરાજ’, ‘આદમી ઔર ઇન્સાન’ જેવી સફળ, યાદગાર અને ભાવનાત્મક ફિલ્મો તેમણે બનાવી હતી. તેમણે પોતાની સર્જનાત્મકતાથી ફિલ્મોનું સર્જન કર્યું હતું. જે ખૂબ લોકપ્રિય બન્યું હતું. તેમણે દૂરદર્શનના નાના પડદા માટે ફિલ્મો બનાવેલી. ધારાવાહિક શ્રેણી ‘મહાભારત’ તેમનું એક અમર અને અણમોલ સર્જન છે. આ માટે ચોપરાને ખૂબ યશ, ધન અને નામના મળ્યાં છે. તેમને ‘કાનૂન’ના દિગ્દર્શન માટે ૧૯૬૨માં ‘ફિલ્મફેર ઍવૉર્ડ, ૨૦૦૮માં ‘દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ’ પ્રાપ્ત થયા હતા. ૨૦૦૧માં તેમને ભારત સરકાર દ્વારા ‘પદ્મભૂષણ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સાઉથ સુદાન

આફ્રિકા ખંડમાં આવેલો દેશ.

સાઉથ સુદાન ૩° અને ૧૩° ઉ. અ. અને ૨૪° અને ૩૬° પૂ. રે. વચ્ચે ૬,૧૯,૭૪૫ ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ સુદાનનો જ ભાગ હતો, પરંતુ ૨૦૧૧માં તે સુદાનથી છૂટો પડી એક સ્વતંત્ર દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો. આ દેશ એની બધી દિશાઓમાં ભૂમિભાગોથી ઘેરાયેલો છે. તેની ઉત્તરે સુદાન, પૂર્વમાં ઇથિયોપિયા, દક્ષિણમાં કેન્યા, યુગાન્ડા અને કૉંગો (પ્રજાસત્તાક) તથા પશ્ચિમે મધ્ય આફ્રિકન પ્રજાસત્તાક દેશો આવેલા છે. અહીં વ્હાઇટ નાઇલ નદી દ્વારા રચાયેલો પંક-વિસ્તાર ‘સુદ’ (Sudd) આવેલો છે, જે બહર અલ્ જેબલ તરીકે જાણીતો છે. તેની રાજધાની જુબા છે. તે દસ રાજ્યોમાં વિભાજિત છે. તેની વસ્તી ૧,૨૭,૦૩,૭૧૪ (૨૦૨૩, આશરે) જેટલી છે. તે યુનોનું પણ સભ્ય છે. સાઉથ સુદાનની દક્ષિણે યુગાન્ડાની સીમા પર ઇમાતોન્ગ પર્વતોની હારમાળા વિસ્તરેલી છે. તેનું કિન્યેતી (Kinyeti) શિખર ૩,૧૮૭ મીટરની ઊંચાઈ ધરાવે છે. લોતુકે શિખર ૨,૭૮૫ મીટરની તેમ જ ગુમ્બીરી શિખર ૧,૭૧૦ મીટરની ઊંચાઈ ધરાવે છે. તે પછી પશ્ચિમ તરફ ઊંચાઈ ઘટતી જાય છે. વ્હાઇટ નાઇલ સાઉથ સુદાનની મુખ્ય નદી છે, જે યુગાન્ડા-કૉંગો પ્રજાસત્તાકની સીમા પાસેના પહાડી ક્ષેત્રમાંના આલ્બર્ટ સરોવરમાંથી ઉદભવે છે. તેને મળતી બહર-અલ્-ઘઝલ તથા સોબાત નદીઓ પણ મહત્ત્વની છે. અન્ય નદીઓમાં પૉન્ગો (Pongo), કુરુન (Kurun), બૉરો, જુલ, પિબોર, યેઇ, સ્યૂ (Sue) વગેરેનો સમાવેશ થાય છે.

રાજધાની જુબાનું એક દૃશ્ય

સાઉથ સુદાન ઉષ્ણકટિબંધીય આબોહવા ધરાવે છે, જેમાં ભેજયુક્ત વર્ષાૠતુનો સમાવેશ થાય છે. યુગાન્ડા સાથેના સીમાવિસ્તારો આશરે ૨૪૦૦ મિમી. જેટલો વાર્ષિક વરસાદ મેળવે છે. તેનો સરેરાશ વાર્ષિક વરસાદ લગભગ ૧,૧૧૮ મિમી. જેટલો છે. પાટનગર જુબાનું જાન્યુઆરીનું તાપમાન ૨૭.૩૦° સે. જ્યારે જુલાઈનું તાપમાન ૨૪.૫૦° સે. રહે છે. સાઉથ સુદાનમાં ટૂંકું ઘાસ, ઊંચા ઘાસનાં બીડ, કાંટાળાં ઝાંખરાં અને બાવળનાં વૃક્ષોનાં જૂથ જોવા મળે છે. આયર્નસ્ટોન ઉચ્ચપ્રદેશ પાનખર-જંગલો અને સવાના પ્રકારની વનસ્પતિથી છવાયેલો છે. છેક દક્ષિણે સદાહરિત વિષુવવૃત્તીય જંગલો જોવા મળે છે. અહીંનાં જંગલોમાં વિવિધ પ્રકારનાં પ્રાણીઓ તથા પક્ષીઓ જોવા મળે છે. અહીંના બાન્ડિનજિલો રાષ્ટ્રીય ઉદ્યાન, બોમા (Boma) નૅશનલ પાર્ક તથા સુદ પંકભૂમિ વિસ્તારમાં હાથી, જિરાફ, સિંહ, જંગલી ભેંસ, કોબ (Kob), ટૉપી (Topi) જેવાં પ્રાણીઓ જોવા મળે છે. અહીં આવેલાં અભયારણ્યોમાં હાથી, ચિમ્પાન્ઝી વાનરો તથા અસંખ્ય હરણો વસવાટ કરે છે. અહીં વરસાદી ખેતીના મુખ્ય વિસ્તારો આવેલા છે, જ્યાં ગ્રામવિસ્તારના આદિવાસીઓ જમીનફેરબદલી(land rotation)-પદ્ધતિથી જુવાર, બાજરી, તલ તથા દુરા જેવાં ધાન્યો ઉપરાંત કપાસ અને બીજા પાકોની ખેતી કરે છે. વ્હાઇટ નાઇલની ઉપલી ખીણના વિસ્તારોમાં ઘાસનાં બીડ આવેલાં છે. અહીં બાન્ટુ તથા સુદાનિક લોકોનું જાતિમિશ્રણ ધરાવતી અઝાન્ડે પ્રજા મોટી સંખ્યામાં વસે છે. પાટનગર જુબા ઉપરાંત મલાકાલ, વાઉ, મારીદી (Maridi) અગત્યનાં શહેરો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાઉથ સુદાન, પૃ. ૯3)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી