Categories
વાચન સમૃદ્ધિ

સઈદ જાફરી

જ. 8 જાન્યુઆરી, 1929 અ. 15 નવેમ્બર, 2015

આગવી અદાકારી અને અભિનય માટે જાણીતા ભારતીય સિનેજગતના અભિનેતા સઈદ જાફરીનો જન્મ પંજાબમાં થયો હતો. હિન્દી, પંજાબી, ઉર્દૂ, અંગ્રેજી ભાષાઓ પર એમનું પ્રભુત્વ હતું, જેનો ઉપયોગ તેઓ વિવિધ પાત્રોની ભજવણી વખતે કરતા હતા. પિતા હમિદહુસૈન જાફરી, સરકારી સ્વાસ્થ્ય ખાતામાં તબીબી હોવાને કારણે નોકરીમાં અનેક વાર બદલીઓ આવી. જ્યાં સઈદ જાફરીએ વિવિધ અનુભવો લીધા. બ્રિટિશ શાસન દરમિયાન અંગ્રેજી માધ્યમની શાળા અને કૉલેજમાં અભ્યાસ કરવાથી બ્રિટિશ અંગ્રેજીનો સારો મહાવરો રહ્યો. અનુસ્નાતકના અભ્યાસ દરમિયાન રેડિયો બી.બી.સી. સાથે કામ કરવાની તક મળી. ત્યારબાદ નાટકોમાં અભિનય કરતા. 1977માં સત્યજિત રેની ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ સાથે હિન્દી ફિલ્મોમાં પદાર્પણ કર્યું જેમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા ફિલ્મફેર ઍવૉર્ડ પ્રાપ્ત થયો. ‘હિના’, ‘રામ તેરી ગંગા મૈલી’, ‘ચશ્મેબદદુર’, ‘સાગર’, ‘કિસીસે ના કહેના’, ‘ગાંધી’, ‘માય બ્યૂટીફુલ લૉન્ડ્રેટ’ જેવી અનેક ફિલ્મોમાં યાદગાર અભિનય કર્યો હતો. હોલિવુડમાં સૌથી વધુ ફિલ્મોમાં અભિનય કરનાર ભારતીય અભિનેતા છે. તેમણે 150થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે. 1958થી 1966 સુધી તેઓ માધુરી જાફરી સાથે લગ્ન સંબંધમાં રહ્યા. 1980માં જેનિફર સોરેલ સાથે બીજાં લગ્ન કર્યાં. પહેલા લગ્નમાં ત્રણ પુત્રીઓ છે. 80 અને 90ના દાયકામાં બ્રિટનનો ટૉપ એશિયન ઍવૉર્ડ તેમને પ્રાપ્ત થયો. લંડનમાં બ્રેઇનહેમરેજના કારણે એમનું અવસાન થયું. અવસાન બાદ 2016માં ભારત સરકાર દ્વારા એમને પદ્મશ્રીના સન્માનથી નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

દર્પણમાં ચહેરો જુઓ !

ગ્રીસના મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ સદૈવ વિચારનો મહિમા અને મહત્ત્વ કરતા હતા અને દૃઢપણે માનતા હતા કે વિચાર જીવનમાં પ્રતિબિંબિત થવો જોઈએ. ‘જે વિચાર જીવન સાથે સંકળાયેલો ન હોય, એ વિચારનું કોઈ મૂલ્ય હોતું નથી.’ અને એટલે જ એણે એમ કહ્યું હતું કે ‘મારું જીવન એ જ મારું તત્ત્વજ્ઞાન છે.’ શિલ્પી પિતા અને દાયણ માતાના પુત્ર સૉક્રેટિસ પોતાને વિશે એમ કહેતા કે જેમ દાયણ માતાના ગર્ભમાંથી બાળકને બહાર કાઢે છે, તેમ તેઓ લોકોના મનમાંથી અજ્ઞાન બહાર ખેંચી કાઢે છે અને જેમ શિલ્પી પથ્થરમાં માનવઆકૃતિ કંડારે છે તેમ તેઓ માનવવ્યક્તિત્વને કંડારે છે. આવા દાર્શનિક સૉક્રેટિસનો બાહ્ય દેખાવ અત્યંત બેડોળ હતો. ઠીંગણું કદ, ચીબુ નાક, આગળ પડતી મોટી આંખો – આમ છતાં એ વારંવાર દર્પણમાં પોતાનું મુખ જોતા હતા. એક વાર એના કેટલાક શિષ્યો એની પાસે ગયા, ત્યારે એમને સૉક્રેટિસનું આ વર્તન સમજાયું નહીં. વિચારવા લાગ્યા કે શા માટે કુરૂપ ચહેરા ધરાવતા ગુરુ વખતોવખત દર્પણમાં પોતાનો ચહેરો જોતા હશે. આખરે એક શિષ્યએ સાહસ કરીને પૂછી લીધું, ‘ગુરુજી, શા માટે આપ વારંવાર દર્પણમાં તમારો ચહેરો જુઓ છો ?’ શિષ્યની વાત સાંભળીને સૉક્રેટિસ હસી પડ્યા અને બોલ્યા, ‘વાત તો તારી સાચી. જેનો ચહેરો કુરૂપ હોય, એને દર્પણ જોવાની વળી શી જરૂર ? પરંતુ મારા પ્રિય શિષ્ય, સહુએ દર્પણ જોવું જોઈએ, પછી તે રૂપવાન હોય કે કુરૂપ હોય.’ શિષ્ય અધવચ્ચે બોલી ઊઠ્યો, ‘પણ ગુરુજી કુરૂપને તો પોતાના બદસૂરત ચહેરાની વાસ્તવિકતાની ખબર છે, પછી એ શા માટે દર્પણમાં જોતો હશે ? એમ કરવાથી તો દુ:ખ પહોંચે.’ સૉક્રેટિસે કહ્યું, ‘કુરૂપે એ માટે દર્પણ જોવું જોઈએ કે એને ખ્યાલ આવે કે પોતે કુરૂપ છે અને એણે ઉત્તમ કાર્યો દ્વારા પોતાની કુરૂપતાને સુંદર બનાવીને ઢાંકવાની છે અને રૂપવાન વ્યક્તિએ દર્પણ એ માટે જોવું જોઈએ કે ઈશ્વરે એને સૌંદર્ય આપ્યું છે, તેથી એ હંમેશાં એને અનુરૂપ સુંદર કાર્યો કરે.’

Categories
વાચન સમૃદ્ધિ

ઇરફાન ખાન

જ. 7 જાન્યુઆરી, 1967 અ. 29 એપ્રિલ, 2020

ભારતીય ફિલ્મ અભિનેતા અને નિર્માતા ઇરફાન ખાનનો જન્મ રાજસ્થાનના ટોંકમાં થયો હતો. તેઓ હિન્દી સિનેમા ઉપરાંત બ્રિટિશ અને હોલિવુડ ફિલ્મોમાં ઉત્કૃષ્ટ અભિનય માટે ખ્યાતનામ છે. તેમનાં માતા સઇદાબેગમ ખાન અને પિતા યાસીન અલી ખાન. ઇરફાન ખાનનું બાળપણ શરૂમાં ટોંકમાં અને પછીથી જયપુરમાં વીત્યું. જયપુરની કૉલેજમાંથી જ તેમણે એમ.એ.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ક્રિકેટના કુશળ ખેલાડી હતા. તેઓ અંડર 23 સી. કે. નાયડુ ટ્રૉફી માટે ઊભરતા ખેલાડી તરીકે રમવા માટે પસંદગી પામ્યા હતા, પરંતુ આર્થિક પરિસ્થિતિને કારણે તેમાં સામેલ થઈ શક્યા નહીં. ત્યારબાદ જોધપુરમાં તેમના મામાના પ્રભાવ હેઠળ તેમને અભિનય પ્રત્યે રુચિ જાગૃત થઈ. 1984માં અભિનયની તાલીમ માટે તેમણે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય(એન.એસ.ડી.)માં પ્રવેશ મેળવ્યો. 1987માં એન.એસ.ડી.માં સ્નાતક બન્યા બાદ તેમણે ખૂબ સંઘર્ષ કર્યો અને અંતે તેમણે સૌપ્રથમ મીરા નાયરની ફિલ્મ ‘સલામ બૉમ્બે’માં એક નાનકડી ભૂમિકા ભજવવાથી અભિનય કારકિર્દીનો આરંભ કર્યો. તેમની મુખ્ય ભૂમિકાવાળી પ્રથમ ફિલ્મ 2005માં ‘રોગ’ હતી. તે પછી તેમણે ‘ધ નેમસેક’, ‘લાઇફ ઇન મેટ્રો’, ‘મકબૂલ’, ‘ગૂંડે’, ‘પિકૂ’, ‘જજબા’, ‘ધ લન્ચબૉક્સ’, ‘પાનસિંહ તોમર’ ‘હિન્દી મિડિયમ’, ‘અંગ્રેજી મિડિયમ’ વગેરે જેવી અનેક ફિલ્મોમાં અભિનયનાં અજવાળાં પાથર્યાં. તેમણે નિર્માતા તરીકે ‘મદારી’, ‘કરીબ કરીબ સિંગલ’ જેવી ફિલ્મો કરી. જ્યારે ‘કહાની’, ‘ખામોશી’ વગેરે જેવી ફિલ્મો માટે સંવાદ-લેખનનું કાર્ય કર્યું હતું. બોલિવુડમાં સફળતા મેળવ્યા બાદ તેમણે દૂરદર્શન પર ધારાવાહિકોનું સંચાલન કર્યું અને અભિનય કર્યો. તેમણે કેટલીક લઘુ- ફિલ્મો અને નાટકોમાં પણ અભિનય કર્યો. તેમને માટે કહેવાતું કે તેઓ શબ્દોથી વધુ આંખો દ્વારા અભિનય કરતા. તેમણે અનેક વૈવિધ્યસભર પ્રભાવશાળી ભૂમિકાઓ ભજવી. તેમણે ‘ધ માઇટી હાર્ટ’, ‘ધ દાર્જિલિંગ લિમિટેડ’, ‘સ્લમડૉગ મિલિઓનર’ વગેરે જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં પણ પ્રશંસનીય અભિનય કર્યો છે. 2011માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અનેક ઍવૉર્ડ જીતનાર ખાનને 2018માં ‘હિન્દી મિડિયમ’ ફિલ્મ માટે ફિલ્મફેરનો સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.