Categories
વાચન સમૃદ્ધિ

નરેન્દ્ર કોહલી

જ. 6 જાન્યુઆરી, 1940 અ. 17 એપ્રિલ, 2021

હિન્દી સાહિત્યના સુપ્રસિદ્ધ સર્જક નરેન્દ્ર કોહલીનો જન્મ પાકિસ્તાનમાં આવેલા સિયાલકોટમાં થયો હતો. પિતા પરમાનંદ અને માતા વિદ્યાવતી. નરેન્દ્રનું પ્રારંભિક શિક્ષણ લાહોર અને સિયાલકોટમાં થયું હતું. દેશ-વિભાજન પછી પરિવાર ભારતમાં આવ્યો અને જમશેદપુરમાં સ્થાયી થયો. પછીનો અભ્યાસ જમશેદપુરમાં થયો. તેમણે જમશેદપુર કો-ઑપરેટિવ કૉલેજમાંથી બી.એ. અને દિલ્હી યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે કારકિર્દીની શરૂઆત દિલ્હીની પી.જી.ડી.એ.વી. કૉલેજથી કરી. 1965માં મોતીલાલ નહેરુ કૉલેજ, દિલ્હીમાં જોડાયા અને 1 નવેમ્બર, 1995ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યાં સુધી તેમણે ત્યાં જ અધ્યાપન કર્યું. તેમને બાળપણથી જ લેખનનો શોખ હતો. આઠમા ધોરણમાં હતા ત્યારે શાળાના મુખપત્રમાં ઉર્દૂમાં ‘હિન્દુસ્તાન : જન્નત નિશાન’ વાર્તા પ્રકાશિત થઈ હતી એ પછી ‘કિશોર’, ‘અવાજ’ વગેરે સામયિકોમાં રચનાઓ પ્રગટ થઈ. તેમની નવલકથાઓમાં આધુનિકતા હોવા છતાં તે પાશ્ચાત્ય અસરથી મુક્ત છે. તેમણે ભારતની સાંસ્કૃતિક પરંપરા અને મૂલ્યોને પ્રતિબિંબિત કર્યાં છે. તેમણે રામાયણની કથાનો ઉપયોગ કરીને ચાર ખંડોમાં 1800 પાનાંની નવલકથા લખી. 1975માં ‘દીક્ષા’ના પ્રકાશનથી હિન્દી સાહિત્યમાં નવો યુગ શરૂ થયો. તેમણે શ્રીકૃષ્ણની કથા પર આધારિત ‘અભિજ્ઞાન’, મહાભારત આધારિત ‘મહાસમર’ અને સ્વામી વિવેકાનંદના જીવન આધારિત ‘તોડો કારા તોડો’ નવલકથા લખી. તેમણે સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ ઉપરાંત નવલિકા, નાટક, વ્યંગ્ય, નિબંધ, પ્રવાસવર્ણન અને બાળસાહિત્યમાં વિપુલ સર્જન કર્યું છે. તેમનાં પુસ્તકોનો કન્નડ, નેપાળી, ઊડિયા, મરાઠી, અંગ્રેજી અને પંજાબી ભાષામાં અનુવાદ થયો છે. તેમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને ભારત સરકાર દ્વારા 2017માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2023થી તેમનો જન્મદિવસ 6 જાન્યુઆરી હિન્દી સાહિત્યજગતમાં ‘સાહિત્ય લેખક દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

તારંગા

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલું જૈન તીર્થસ્થાન. આ યાત્રાધામ ખેરાલુ તાલુકાના ટીમ્બા ગામની નજીકમાં આશરે 24° ઉ. અ. તથા 72° 46´ પૂ. રે. પર આવેલું છે. વળી મહેસાણાને સાંકળતા બ્રૉડગેજ રેલમાર્ગનું અંતિમ રેલ-મથક ‘તારંગાહિલ’ તેનાથી પૂર્વમાં લગભગ 10 કિમી.ને અંતરે છે. તારંગા અને અંબાજીને સાંકળતા રેલમાર્ગનું પણ આયોજન થયું છે. તારંગાની મુખ્ય ટેકરીનું શિખર સમુદ્રસપાટીથી 486 મી. અને તારામાતાના મંદિર પાસેની ટેકરીનું શિખર 446 મી.ની ઊંચાઈ ધરાવે છે. તારંગાની ટેકરીઓમાંથી રૂપેણ નદી નીકળે છે. આ સમગ્ર પ્રદેશ આછી વનરાજિથી છવાયેલો છે. વળી આ ટેકરીઓના પૂર્વભાગમાં થઈને સાબરમતી નદી વહે છે અને તેના પરનો ધરોઈ બંધ નજીકમાં આવેલો છે.

તારંગાનું પ્રસિદ્ધ જૈન દેરાસર

‘પ્રભાવકચરિત’માં જૈન તીર્થ તારંગનાગ ગિરિનો ઉલ્લેખ છે. ‘વ્રજસ્વામિ પ્રબંધ’માં તારણગિરિનો ઉલ્લેખ છે, જે તારંગગિરિ હોવાનું જણાય છે. આર્ય ખપુટાચાર્યના સમકાલીન વેણી વત્સરાજ નામે બૌદ્ધ ધર્માનુયાયી રાજાએ ગિરિ (તારંગા) ઉપર તારાઉર (તારાપુર) નામનું નગર વસાવી એમાં બૌદ્ધ દેવી તારાનું મંદિર બંધાવ્યું, આર્ય ખપુટાચાર્યના ઉપદેશથી રાજાએ જૈન ધર્મ અંગીકાર કર્યો. ત્યાં એણે મહાવીરની શાસનદેવી સિદ્ધાર્થિકાનું મંદિર બંધાવ્યું. તારંગા ડુંગરની તળેટીની ઉત્તર દિશામાં હાલના અજિતનાથ જૈન મંદિરથી અંદાજે 2.5 કિમી.ના અંતરે તારણ માતાનું સ્થાનક આવેલું છે. આ સ્થાનકની બાજુમાં એક ગુફામાં ધારણદેવીનું સ્થાનક છે. અહીંની એક બીજી ગુફા જોગીડાની ગુફા તરીકે ઓળખાય છે. એમાં તામ્રવર્ણા પાષાણ ઉપર બૌદ્ધિવૃક્ષ નીચે ચાર બૌદ્ધમૂર્તિઓ કંડારેલી છે. તારંગા ડુંગર પર કુમારપાળે અજિતનાથનું મંદિર બંધાવ્યું હોવાના ઉલ્લેખો ‘કુમારપાલપ્રતિબોધ’, ‘પ્રભાવકચરિત’, ‘કુમારપાલપ્રબંધ’, ‘વીરવંશચરિત’ તથા ‘ઉપદેશતરંગિણી’માં મળે છે. વસ્તુપાલે તારંગાના અજિતનાથચૈત્યમાં આદિનાથ અને નેમિનાથનાં બિંબ વિ. સં. 1284 (ઈ. સ. 1228)માં સ્થાપ્યાનો અભિલેખ મળ્યો છે. મંદિરના પ્રાંગણમાં આવેલા એક નાના કીર્તિસ્તંભ પર કુમારપાળના રાજ્યકાળના છેલ્લા વર્ષ વિ. સં. 1230 (ઈ.સ. 1174–75)નો અભિલેખ છે. તીર્થસ્થાનની આજુબાજુનો વિસ્તાર ટેકરીઓથી ઘેરાયેલો હોવાથી પર્યટકો માટે પણ આ તીર્થધામ આકર્ષણનું સ્થાન બન્યું છે. અહીંની વસ્તી 1,687 (2011) હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, તારંગા, પૃ. 806 અથવા જુઓ https://gujarativishwakosh.org/તારંગા/)

Categories
વાચન સમૃદ્ધિ

મન્સૂર અલીખાન પટૌડી

જ. 5 જાન્યુઆરી, 1941 અ. 22 સપ્ટેમ્બર, 2011

ફક્ત 21 વર્ષ 77 દિવસની વયે ભારતીય ક્રિકેટટીમના સૌથી યુવા કપ્તાન નિયુક્ત થનારા અને ‘ટાઇગર પટૌડી’ના હુલામણા નામે પ્રખ્યાત મન્સૂર અલીખાન પટૌડીનો જન્મ ભોપાલમાં થયો હતો. તેઓ પ્રખ્યાત ક્રિકેટર ઇફ્તિખાર અલીખાન અને બેગમ સાજીદા સુલતાનના પુત્ર હતા. તેમણે અલીગઢમાં મિન્ટો સર્કલ અને દેહરાદૂનમાં વેલ્હામ બૉય્ઝ સ્કૂલ, હર્ટફોર્ડશાયરમાં લોકર્સ પાર્ક પ્રેપ સ્કૂલ અને વિન્ચેસ્ટર કૉલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ઑક્સફર્ડની બલિઓલ કૉલેજમાં અરબી અને ફ્રેન્ચ ભાષા શીખી હતી. 1952માં તેમના અગિયારમા જન્મદિવસે દિલ્હીમાં પોલો રમતી વખતે તેમના પિતાનું અવસાન થતાં, મન્સૂર પટૌડી નવમા નવાબ બન્યા હતા. તેઓ જમોડી બૅટ્સમૅન હતા. તેમણે 1957માં 16 વર્ષની ઉંમરે સસેક્સ માટે ફર્સ્ટક્લાસ ડેબ્યૂ કર્યું હતું અને યુનિવર્સિટીમાં હતા ત્યારે ઑક્સફર્ડ માટે પણ રમ્યા હતા. 1961ની પહેલી જુલાઈએ સાંજે મોટર-અકસ્માત થતાં તેમને જમણી આંખની રોશની લગભગ ગુમાવવી પડી હતી. તેમ છતાં બે ઑપરેશન અને ચાર મહિનાના પ્રયત્ન બાદ તેમણે એક આંખે રમવાનું શીખી લીધું હતું. અકસ્માતના માત્ર છ મહિના બાદ ચેન્નાઈમાં એમણે ભારત વતી સદી નોંધાવી હતી. તેમણે 1961થી 1975 દરમિયાન ભારત માટે 46 ટેસ્ટ રમી હતી, જેમાં 34.91ની ટેસ્ટ બૅટિંગ એવરેજથી 2793 રન બનાવ્યા હતા, જેમાં છ ટેસ્ટ-સદીનો સમાવેશ થાય છે. પટૌડી તેમની 46 મૅચોમાંથી 40 મૅચોમાં ભારતીય ક્રિકેટટીમના કૅપ્ટન હતા, જેમાંથી માત્ર નવ મૅચોમાં તેમની ટીમને વિજય મળ્યો હતો, જેમાં 19 હાર અને 19 ડ્રૉ રહી હતી. તેમની જીતમાં 1968માં ન્યૂઝીલૅન્ડ સામે ભારતનો વિદેશમાં પ્રથમ ટેસ્ટમૅચ વિજયનો સમાવેશ થતો હતો. 1970થી 72 સુધી તેઓ ટેસ્ટ રમ્યા નહોતા. 1973માં અજિત વાડેકરની આગેવાનીમાં ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટ માટે તેઓ ભારતીય ટીમમાં પાછા ફર્યા હતા. 1974-75માં વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનું નેતૃત્વ કર્યું હતું. તેમણે અભિનેત્રી શર્મિલા ટાગોર સાથે લગ્ન કર્યાં હતાં. 1971માં તેમણે ગુડગાંવ મતવિસ્તારમાંથી અને 1991માં ભોપાલ મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી લડી હતી પણ અસફળ રહ્યા હતા. 1964માં અર્જુન પુરસ્કાર, 1967માં પદ્મશ્રી અને 2001 સી. એ. નાયડુ પુરસ્કારથી તેમને સન્માનવામાં આવ્યા હતા. તેમણે ‘ટાઇગર્સ ટેલ’ નામની ક્રિકેટકથા લખી છે.