Categories
વાચન સમૃદ્ધિ

ઝુરિક (Zurich)

સ્વિટ્ઝર્લૅન્ડનું મોટામાં મોટું નગર, પરગણાનું પાટનગર તથા દેશનું પ્રમુખ ઔદ્યોગિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : ૪૭° ૨૫´ ઉ. અ. અને ૮° ૪૦´ પૂ. રે.. દેશમાં ઉત્તરે ઝુરિક સરોવરના વાયવ્ય છેડા પર તે આવેલું છે. દેશના પાટનગર બર્નથી ૯૬ કિમી. અંતરે છે. પડખેની આલ્પ્સ પર્વતમાળાને લીધે તેના પ્રાકૃતિક સૌંદર્યમાં સવિશેષ વધારો થાય છે. નગરની વસ્તી ૪,૪૮,૬૬૪ (૨૦૨૪, આશરે) છે. નગરનો વાર્ષિક સરેરાશ વરસાદ ૧૨૭૦ મિમી. તથા તાપમાન જાન્યુઆરીમાં ૦° સે. તથા જુલાઈમાં ૧૮° સે. વચ્ચે બદલાયા કરે છે. મોટા ભાગના લોકો જર્મનભાષી છે. ઇટાલિયન અને ફ્રેન્ચભાષી લોકોની સંખ્યા પણ નોંધપાત્ર છે.

ઝુરિક શહેર

અઢારમી સદીના અંતિમ દાયકામાં નગરની તે વખતની વસ્તીના એક ચતુર્થાંશ જેટલા લોકો કાપડ-ઉદ્યોગમાં રોકાયેલા હતા. ૧૮૩૦ તથા ૧૮૬૯માં દેશના બંધારણમાં આર્થિક ઉદારીકરણની નીતિને પોષક એવા જે ફેરફારો કરવામાં આવ્યા તેને લીધે નગરના આર્થિક વિસ્તરણને  ઉત્તેજન મળ્યું. હાલ નગરમાં યંત્રો, યંત્રોનાં ઓજારો, ધાતુની ચીજવસ્તુઓ કાપડ તથા તૈયાર પોશાક, રેશમની બનાવટો, છાપકામ વગેરેનો વેપાર ચાલે છે. આધુનિક વિશ્વની નાણાવ્યવસ્થામાં આ નગરે અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યાંનું નાણાબજાર ખૂબ સંવેદનશીલ અને સક્રિય છે. પ્રથમ કક્ષાની ૮૦ જેટલી અગ્રણી બૅંકો ત્યાં આવેલી છે. ત્યાંનું શૅરબજાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. બૅન્કિંગ ઉપરાંત વાણિજ્ય અને વીમા-વ્યવસાયનું પણ તે અગત્યનું કેન્દ્ર છે. બીજા વિશ્વયુદ્ધ પછી નગરના કાપડ-વ્યવસાયનું અગ્રિમ સ્થાન યંત્ર-ઉદ્યોગે લીધું છે. ઔદ્યોગિક ક્ષેત્રે નગરે ઝડપભેર પ્રગતિ કરેલી હોવા છતાં ઔદ્યોગિક પ્રદૂષણથી તે મુક્ત રહ્યું છે. નગરમાં નાટ્યગૃહો, ઑપેરા, સ્વિસ નૅશનલ સંગ્રહાલય (૧૮૯૮), યુનિવર્સિટી (૧૮૩૩) પૉલિટૅકનિક (૧૮૮૫), કાર્લ ગુસ્તાફ યુંગ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍનાલિટિકલ સાઇકોલૉજી (૧૯૪૮) તથા જિલ્લાનું મુખ્ય દેવળ (cathedral) આવેલાં છે. દર વર્ષે એપ્રિલ અને સપ્ટેમ્બરમાં બે મોટા મહોત્સવો અહીં યોજવામાં આવે છે. પડખે જ આલ્પ્સ પર્વત આવેલો હોવાથી નગરજનો દ્વારા પર્વતારોહણની પ્રવૃત્તિ વ્યાપક પ્રમાણમાં ચાલતી હોય છે. પર્યટકો માટે આ નગર મોટું આકર્ષણ છે. ઘણી આંતરરાષ્ટ્રીય પરિષદો માટે ભૂતકાળમાં આ નગરની પસંદગી થયેલી છે. સ્વિટ્ઝર્લૅન્ડ તથા યુરોપનાં મહત્ત્વનાં શહેરો સાથે આ નગર રેલમાર્ગ દ્વારા જોડાયેલું છે. નગરથી ૧૦ કિમી. અંતરે આવેલું ઝુરિક ક્લોટેન આંતરરાષ્ટ્રીય વિમાનમથક વિશ્વના અત્યંત કાર્યરત એવાં વિમાનમથકોમાંનું એક છે. આ સ્થળે પ્રાગૈતિહાસિક કાળમાં સર્વપ્રથમ વસવાટ થયો હતો એવા પુરાવા સાંપડ્યા છે. ઈ. સ. પૂ. ૫૮માં રોમન શાસકોએ નગર પર આધિપત્ય જમાવ્યું. ત્યારે નગરનું નામ ટુરિકમ હતું. લિમ્માટ નદીના જમણા કિનારા પર વસેલા લોકોએ યુરોપના અન્ય વ્યાપારી માર્ગોનો ઉપયોગ કરી વ્યાપારમાં ખૂબ વિકાસ સાધ્યો. ૧૨૧૮માં સામ્રાજ્યના મુક્ત નગર (Imperial Free City) તરીકે તે સ્વીકારાયું. ૧૩૫૧માં સ્વિસ પ્રજાસત્તાક સાથે તેનું જોડાણ થયું. ૧૪૦૦માં આ નગર સામ્રાજ્યમાંથી અલગ થયું. ઓગણીસમી સદીના ચોથા દાયકામાં ત્યાં  ઉદારમતવાદ પર આધારિત લોકશાહી વ્યવસ્થા આવી અને તે દ્વારા ધારાસભા તથા કારોબારી પાંખ પર નાગરિકોએ ચૂંટેલા પ્રતિનિધિઓનો અંકુશ દાખલ થયો. આ પગલાંને લીધે ઝુરિક નગરમાં ઔદ્યોગિકીકરણ આધારિત નવા યુગની શરૂઆત થઈ અને ત્યારથી આ નગરે ઝડપી આર્થિક પ્રગતિ સાધી.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

પુનિત મહારાજ

જ. ૧૯ મે, ૧૯૦૮ અ. ૨૭ ઑગસ્ટ, ૧૯૬૨

સેવાપરાયણ સંત, લોકભજનિક પુનિત મહારાજનો જન્મ ધંધૂકામાં શંકરભાઈ તથા લલિતાબહેનને ત્યાં થયો હતો. છ વર્ષની વયે પિતાનું અવસાન થતાં તેઓ આર્થિક મુશ્કેલીને કારણે મૅટ્રિક સુધી જ અભ્યાસ કરી શક્યા. તારખાતાની તાલીમ લઈ, અમદાવાદની તારઑફિસમાં નોકરીએ લાગ્યા. માતાથી હાડમારી ન જોવાતાં વતન પાછા બોલાવી લીધા. ધંધૂકા જઈ ‘ગર્જના’ દૈનિકમાં કારકુની કરી, આડકતરી રીતે પત્રકારત્વમાં પ્રવેશ કર્યો. અમૃતલાલ જી. શાહ સાથે ‘લલિત’ નામના માસિક અને ‘વીણા’ નામના સાપ્તાહિકના તંત્રી બન્યા. નીડર અને પ્રામાણિક પત્રકાર તરીકે પ્રતિષ્ઠા મેળવી સાથે ન્યૂ હાઈસ્કૂલમાં શિક્ષક અને ક્લાર્કની  નોકરી પણ કરી. માધ્યમિક શાળાના અભ્યાસથી જ શાંતિમિયાં નામના મુસલમાન શિક્ષકના સંપર્કથી કાવ્યસર્જનનાં બીજ રોપાયાં. કાવ્યસર્જનની સરવાણી ફૂટી. રોજના એક કાવ્યનો નિયમ થઈ પડ્યો. નિષ્ઠાપૂર્ણ અભ્યાસ અને લગનના પરિણામે ભજન અને આખ્યાનોની રચના થવા માંડી. એમના જીવન દરમિયાન એમણે ૩૫૦૦થી વધુ ભજનો, ચૈતન્ય મહાપ્રભુ, તુકારામ, નામદેવ, તુલસીદાસ, નરિંસહ મહેતા વગેરેના જીવન ઉપર આધારિત આખ્યાનો, ‘નવધાભક્તિ’ના ૧થી ૧૧ ભાગ; ‘પુનિત ભાગવત’ જેવો વિસ્તૃત ગ્રંથ; ‘વડલાનો વિસામો’, ‘જીવનનું ભાથું’, ‘પુનિત પ્રસાદી’ જેવી દૃષ્ટાંતકથાઓ એમ બધા મળીને ૬૦ જેટલા ગ્રંથો આપ્યા છે. પોતે ભજનો રચતા અને મધુર કંઠે ગાતા. કોઈ ભક્તનું આખ્યાન કહેતાં કહેતાં વચ્ચે ભજનો મૂકીને અવિરત કથા સાથે કીર્તનરસનું પાન પણ કરાવતા. કથ્ય વિષયને આબેહૂબ જીવંત રૂપે રજૂ કરી શ્રોતાઓને તરબોળ કરી દેતા. ભાખરીદાન, મફત રોગનિદાન યજ્ઞો, રાહતદરે દવાઓ જેવી પ્રવૃત્તિઓ એમણે જીવનભર કરી. ‘જનકલ્યાણ, ‘પુનિત સેવાશ્રમ’ અને મોટી કોરલનો સેવાશ્રમ તેમની માનવસેવા અને સમાજસેવાનાં ઉત્તમ ઉદાહરણ છે. તેમણે અંગત હિત ખાતર કોઈ દિવસ ભેટનો સ્વીકાર કર્યો નહોતો કે ખર્ચ લઈને ભજન નહોતાં કર્યાં. સમગ્ર ગુજરાતના ગામડે ગામડે ભજનો કરવા મંડળી સાથે  ચાલી નીકળતા અને સાથે સાથે માનવસેવાનાં કામો અને રાહતકામો કરતા. તેમણે સ્થાપેલ આશ્રમ અને ‘જનકલ્યાણ’ સામયિક હજુ પણ ઉત્તમ રીતે જનસેવા કરે છે.

Categories
વાચન સમૃદ્ધિ

કટાક્ષથી ઉત્તર

નાટ્યલેખક, વિવેચક અને વીસમી સદીના અગ્રણી વિચારક જ્યોર્જ બર્નાર્ડ શૉ(ઈ. સ. ૧૮૫૬થી ઈ. સ. ૧૯૫૦)ને ૧૯૨૫માં નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવેલા. તેમણે રોકડ રકમનો અસ્વીકાર કર્યો હતો. એમને મુક્ત ચિંતક, મહિલાઅધિકારોના પુરસ્કર્તા અને સમાજની આર્થિક સમાનતાના હિમાયતી તરીકે ઓળખવામાં આવ્યા. તેઓ એમના હાજરજવાબીપણા માટે પ્રસિદ્ધ હતા. તેઓ કોઈ પણ વ્યક્તિના કટાક્ષનો એવો પ્રત્યુત્તર આપતા કે સામેની વ્યક્તિ તદ્દન નિરુત્તર બની જતી.  એક વાર તેઓ એક હાસ્યલેખકને મળવા ગયા. એ હાસ્યલેખકે એમનો ઉષ્માપૂર્ણ અતિથિસત્કાર કર્યો. ઘણા લાંબા સમય સુધી બંનેએ અલકમલકની વાતો કરી અને અંતે બર્નાર્ડ શૉએ એ હાસ્યલેખક સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. બર્નાર્ડ શૉએ કહ્યું, ‘આપણા બંનેના હાસ્યમાં ઘણી પ્રભાવક લાક્ષણિકતાઓ છે. જો આપણે બંને સાથે મળીને એક પુસ્તક લખીએ, તો એમાં હાસ્યની બેવડી મજા આવે.’ જ્યોર્જ બર્નાર્ડ શૉનો આ પ્રસ્તાવ બીજા હાસ્યલેખકને સ્વીકાર્ય નહોતો, આથી એણે એનો ઇન્કાર કરવા વિચાર્યું, પરંતુ એમ થયું કે સીધેસીધો આ પ્રસ્તાવ ઠુકરાવીશ, તો યોગ્ય નહીં ગણાય. વળી પોતે હાસ્યકાર છે એ સિદ્ધ કરવા માટે જવાબ તો કટાક્ષપૂર્ણ જ આપવો જોઈએ. એણે કહ્યું, ‘મિ. શૉ, તમારા પ્રસ્તાવ વિશે વિચારતાં મને એમ લાગે છે કે શું ક્યારેય ઘોડા અને ગધેડાને એકસાથે જોડી શકાય ખરા ?’ જ્યોર્જ બર્નાર્ડ શૉએ તત્કાળ ઉત્તર આપ્યો, ‘મિત્ર, તમને મારો પ્રસ્તાવ પસંદ પડ્યો નહીં, તેનો કંઈ વાંધો નહીં, પરંતુ મને કશાય કારણ વગર માણસમાંથી ઘોડો કેમ બનાવી રહ્યા છો ?’

બર્નાર્ડ શૉનો ઉત્તર સાંભળી વ્યંગ્યકાર છોભીલો પડી ગયો.