Categories
વાચન સમૃદ્ધિ

બહેરામજી મલબારી

જ. ૧૮ મે, ૧૮૫૩ અ. ૧૨ જુલાઈ, ૧૯૧૨

બહેરામજી મલબારી ભારતીય કવિ, લેખક અને સમાજસુધારક હતા, જેઓ મહિલાઓના અધિકારોના રક્ષણ અને બાળલગ્ન સામેની તેમની પ્રવૃત્તિઓ માટે તેમના પ્રખર હિમાયત માટે જાણીતા હતા. બહેરામજી મલબારીનો જન્મ વડોદરા ખાતે થયો હતો. તેઓ પારસી કારકુન ધનજીભાઈ મહેતા અને ભીખીબાઈના પુત્ર હતા. તેમને મેરવાનજી નાનાભાઈ મલબારી દ્વારા દત્તક લેવામાં આવ્યા હતા. મેરવાનજી માલાબાર કિનારે ચંદનનાં લાકડાં અને મસાલાનો વેપાર કરતા હતા, તેથી તેમનું નામ ‘મલબારી’ પડ્યું. ગુજરાતી અને અંગ્રેજી ભાષા ઉપર સારું પ્રભુત્વ હોવાથી મલબારીએ કવિ તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને ૧૮૭૫ની શરૂઆતમાં તેમણે ગુજરાતીમાં કવિતાઓનો એક ગ્રંથ પ્રકાશિત કર્યો. ત્યારબાદ ૧૮૭૭માં ‘The Indian Muse in English Garb’ નામનું પ્રકાશિત થયું, જેના દ્વારા તેમને પ્રસિદ્ધિ મળી. તેમનો ઝોક સાહિત્ય તરફ પણ વિશેષ હતો. પરિણામે અંગ્રેજી અને ગુજરાતી – બંને ભાષામાં કાવ્યો રચ્યાં. કોઈક સમયે, મલબારીએ બૉમ્બે (હાલનું મુંબઈ) શહેરમાં સ્થળાંતર કર્યું. ૧૮૮૦માં મલબારી ‘The Indian Spectator’ નામના પત્રના સંપાદક બન્યા અને વીસ વર્ષ સુધી તેનું સંપાદન કર્યું અને તેના માધ્યમથી ઘણા સામાજિક મુદ્દાઓને ઉઠાવ્યા. તેમણે ‘નીતિવિનોદ’ (૧૮૭૫), ‘ધ ઇન્ડિયન મ્યુઝ ઇન ઇંગ્લિશ ગેર્બ’ (૧૮૭૭), ‘ધ  ઇન્ડિયન આઇ ઑન ઇંગ્લિશ લાઇફ’ (૧૮૯૩) અને ‘ગુજરાત ઍન્ડ ગુજરાતીઝ’ (૧૮૮૨) જેવાં પુસ્તકો લખ્યાં છે. તેમણે બાળલગ્નને રોકવા માટે કાયદાકીય વ્યવસ્થાની માંગ કરી. તેમના પ્રયત્નોથી The Age of Consent Act ૧૮૯૧ પસાર થયો, જેના દ્વારા છોકરીઓના લગ્નની ન્યૂનતમ વય ૧૦ વર્ષથી વધારીને ૧૨ વર્ષની કરાઈ. મલબારીએ ભારતીય સમાજસુધારણા માટે આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવ્યું. તેમણે  ઇંગ્લૅન્ડની યાત્રા કરી અને ત્યાં ભારતીય મહિલાઓના હક્ક માટે અવાજ ઉઠાવ્યો. બહેરામજી મલબારીએ જીવનના અંત સુધી લેખન અને ભાષણો દ્વારા સમાજસુધારણા માટે કામ કરવાનું ચાલુ રાખ્યું. તેમની આત્મકથા ‘The Life and Work of Behramji M. Malabari’ તેમના વિચારો અને યોગદાનને સમજવા માટે મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે. ૧૯૦૧માં તેઓ માસિક ઈસ્ટ ઍન્ડ વેસ્ટના સંપાદક બન્યા, જે પદ તેઓ ૧૨ જુલાઈ, ૧૯૧૨ના રોજ સિમલામાં તેમના મૃત્યુના થોડા સમય પહેલાં સુધી સંભાળતા રહ્યા. તેમના મૃત્યુ પછી પણ ભારતીય સમાજસુધારણા અને સ્ત્રીઅધિકારના આગવા યોદ્ધા તરીકે તેમને યાદ કરવામાં આવે છે.

Categories
વાચન સમૃદ્ધિ

સારસ

ભારતનું સૌથી મોટું પક્ષી. સારસ, માણસના ખભા સુધી આવે તેટલું ઊંચું, દેખાવે ગંભીર અને શાંત હોય છે. તેની ચાલ ધીમી અને પ્રભાવશાળી હોય છે. સારસનું માથું રાખોડી અને પીંછાં વિનાનું હોય છે. સારસના પગ ગુલાબી, ચાંચ લાલાશ પડતી હોય છે. તેના પગ અને ચાંચ લાંબાં હોય છે. તેની પાંખો બંધ હોય છે ત્યારે તેમનાં પીંછાં પૂંછડી ઉપર ઢળકતાં રહે છે. સારસની ઊંચાઈ આશરે ૧.૫ મીટર અને પાંખોનો વિસ્તાર ૨ મીટર જેટલો હોય છે. નર અને માદા દેખાવમાં સરખાં લાગે છે.

સારસ પક્ષી

સામાન્ય રીતે નર-માદા જોડીમાં ફરે છે. આ પક્ષીઓ મૂંગાં મૂંગાં ચરતાં હોય છે પણ જો એક પક્ષી બોલે તો બીજું તેમાં સાદ પુરાવે છે. સારસબેલડીનો રણશિંગા જેવો કર્ણપ્રિય અવાજ વાતાવરણને પ્રફુલ્લિત બનાવે છે. સારસ માણસથી ભડકતાં કે શરમાતાં નથી. નર તથા માદાને એકબીજા માટે ખૂબ ભાવ હોય છે. તેમની જોડી જીવનભર ટકી રહે છે. એવું મનાય છે કે સારસબેલડીમાંથી એકનું મૃત્યુ થાય તો બીજું પણ તેની પાછળ ઝૂરી ઝૂરીને મરી જાય છે.  સારસ પાંખ વીંઝીને ઊડે છે. ઉડાન વખતે તે ડોક આગળ અને પગ પાછળ લંબાવેલા રાખે છે. તે જમીનથી બહુ ઊંચું ઊડતું નથી. સારસ જમીન પર જ વસે છે, ત્યાંથી વનસ્પતિ, જીવડાં, દેડકાં અને ધાન્ય મેળવી લે છે. માળો જમીન પર જ બાંધે છે. સારસ પક્ષી ગ્રામજનોને પરિચિત અને શહેરી જનોને અપરિચિત લાગે છે. ગ્રામજનો આ પક્ષીને હેરાન કરતા નથી અને તેને અવધ્ય ગણે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ખુરશીદ નરીમાન

જ. ૧૭ મે, ૧૮૮૩ અ. ૪ ઑક્ટોબર, ૧૯૪૮

સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા, જેઓ વીર નરીમાન તરીકે પણ જાણીતા છે. બી.એ., એલએલ.બી.નો અભ્યાસ કરીને વકીલાત શરૂ કરી. તેઓ ૧૯૩૫માં મુંબઈના મેયર તરીકે ચૂંટાયા હતા. મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં રહીને તેમણે મુંબઈના પછાત વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ સ્થાપી અને ગંદકી નાબૂદ કરવાની ઝુંબેશ ચલાવી હતી. તેમણે યુવકપ્રવૃત્તિમાં રસ લીધો. ઘણાં વર્ષો સુધી તેઓ ‘બૉમ્બે બ્રધરહુડ’ અને ‘બૉમ્બે યૂથ લીગ’ના પ્રમુખ રહ્યા હતા. તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને મુંબઈ કૉંગ્રેસના લોકપ્રિય નેતા બન્યા. ૧૯૩૪માં મુંબઈ ખાતે ભરાયેલ કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનની સ્વાગત સમિતિમાં પ્રમુખ તરીકે કામગીરી કરી હતી. ૧૯૩૦માં ગાંધીજીએ શરૂ કરેલા સવિનય કાનૂનભંગના આંદોલન વખતે મુંબઈમાં મીઠાના કાયદાનો ભંગ કરી જેલમાં ગયા હતા. ૧૯૩૨ સુધીમાં તેઓ ચાર વખત જેલમાં ગયા. ૧૯૩૨માં જેલમાંથી છૂટ્યા પછી તેમણે ‘Whither Congress’ પુસ્તક લખ્યું હતું. તેમનો મત એવો હતો કે કૉંગ્રેસે રાજકીય સંગઠન તરીકે જ કાર્ય કરવું જોઈએ. બીજી પ્રવૃત્તિઓ કરીને પોતાની શક્તિ વેડફવી જોઈએ નહિ. ૧૯૩૭માં નરીમાનને સરદાર પટેલ સાથે ઘર્ષણ થયું હતું. તેઓ કૉંગ્રેસ તરફથી ધારાસભામાં ચૂંટાયા હતા, પરંતુ તેમને પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું. દ્વિતીય વિશ્વયુદ્ધને અંતે દિલ્હીમાં આઝાદ હિંદ ફોજના સૈનિકો સામે ચાલેલા કેસમાં સૈનિકોના કાનૂની બચાવ માટે અન્ય ધારાશાસ્ત્રીઓ સાથે  ખુરશીદ નરીમાન પણ હતા. મુંબઈના નરીમાન પૉઇન્ટનું નામ તેમના નામ પરથી રાખવામાં આવ્યું છે.