Categories
વાચન સમૃદ્ધિ

સારનાથ

બૌદ્ધો અને જૈનોનું ધાર્મિક સ્થળ. સારનાથ બનારસ(કાશી)થી ૧૩ કિમી. દૂર આવેલું છે. ભગવાન બુદ્ધને ગયામાં જ્ઞાન લાયું. આ જ્ઞાનનો પ્રથમ ધર્મોપદેશ તેમણે સારનાથમાં આપ્યો માટે તે મોટું તીર્થ ગણાયું. તે ઉપરાંત જૈનોના અગિયારમા તીર્થંકર શ્રેયાંસનાથનું નિર્વાણ અહીં થયું હતું. બૌદ્ધ સાહિત્યમાં આ સ્થળને ‘ૠષિપત્તન’, ‘મૃગદાવ’ અથવા ‘મૃગદાય’ તરીકે ઓળખાવ્યું છે. અહીં મૂલગંધકુટિ વિહાર નામનો મઠ છે. તેમાં ભગવાનના જીવનપ્રસંગોનાં સુંદર ચિત્રો છે. પીપળાનું બોધિવૃક્ષ છે. એક જૈનમંદિર પણ છે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રસાર અર્થે અહીં ધર્મરાજિકા નામનો સ્તૂપ બંધાવ્યો હતો. અને સિંહશીર્ષ સાથેનો એકાશ્મક સ્તંભ ઊભો કરાવ્યો હતો. ચાર સિંહોની આકૃતિ ધરાવતી આપણા દેશની રાજમુદ્રા આ સ્તંભના શિરોભાગમાંથી લેવામાં આવી છે. કુષાણો તથા ગુપ્તોના સમય દરમિયાન સારનાથમાં ઘણી ધાર્મિક અને કલાવિષયક પ્રવૃત્તિઓ થઈ હતી. હર્ષવર્ધનના સમય દરમિયાન ચીની યાત્રી યુઅન શ્વાંગે (હ્યુ એન સંગે) સારનાથની મુલાકાત લીધી હતી. પુરાતત્ત્વની દૃષ્ટિએ સારનાથ ઘણું અગત્યનું હોવાથી અહીં જુદા જુદા સમયે ખોદકામ થયાં હતાં.

ધમેખ સ્તૂપ, સારનાથ

સારનાથમાં જોવાલાયક પુરાવશેષોમાં ધમેખનો સ્તૂપ કે ધર્મરાજિક્ સ્તૂપ, મુખ્ય મંદિર અને સિંહ-શિરાવટીવાળા અશોકના શિલાસ્તંભનો સમાવેશ થાય છે. ધમેખના સ્તૂપની બહારનું સુંદર શિલ્પકામ ગુપ્તકાલનું હોવાનું મનાય છે. મૂળ સ્તૂપ કાદવ અને ઈંટોનો બાંધેલો છે. કનિંગહામને ખોદકામ દરમિયાન મૌર્યકાલીન ઈંટોના અવશેષો મળ્યા હતા. તેથી એવું માનવામાં આવે છે કે મૂળ સ્તૂપ મૌર્યકાલ દરમિયાન બાંધવામાં આવ્યો હતો. ધર્મરાજિકાનો સ્તૂપ તથા સિંહ-શિરાવટી ધરાવતો એકાશ્મક સ્તંભ સમ્રાટ અશોકે બંધાવ્યો હતો. સિંહોના મસ્તક પર એક વખત ૩૨ આરાવાળું ધર્મચક્ર મૂકેલું હતું, જે હાલ ખંડિત છે. અહીંનાં જોવાલાયક બીજાં સ્થળોમાં ધર્મરાજિકા સ્તૂપ પાસેનું મુખ્ય મંદિર, એકાશ્મક વેદિકા, વિહારો, જૈનમંદિર અને મ્યુઝિયમનો સમાવેશ થાય છે. દર વર્ષે ઘણા યાત્રાળુઓ તથા પ્રવાસીઓ સારનાથની મુલાકાતે આવે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

તંજાવુર બાલાસરસ્વતી

જ. ૧૩ મે, ૧૯૧૮ અ. ૯ ફેબ્રુઆરી, ૧૯૮૪

નૃત્ય-અભિનયમાં ઉત્તમ પ્રતિભા ધરાવનાર નૃત્યાંગના. કર્ણાટક સંગીત અને નૃત્યનો ભવ્ય કલાવારસો ધરાવનાર કુટુંબમાં જન્મ્યાં હોવાથી બાળપણથી જ નૃત્ય-સંગીત શીખ્યાં. પ્રતિષ્ઠિત નૃત્ય શિક્ષક કે. કંડપ્પન પિલ્લાઈના હાથ નીચે ચાર વર્ષની ઉંમરે ભરતનાટ્યમની તાલીમ શરૂ થઈ. બાલારસસ્વતીની કારકિર્દીની શરૂઆત સાત વર્ષની ઉંમરથી થઈ. સોળ વર્ષની ઉંમરે ૧૯૩૪માં કૉલકાતામાં પ્રથમ પ્રદર્શન કર્યું અને નૃત્યનિર્દેશક ઉદયશંકરે તેમના વિદેશપ્રવાસમાં બાલા જોડાય તેવી ઇચ્છા વ્યક્ત કરી, પરંતુ માતાને લાગ્યું કે બંનેની નૃત્યશૈલીનો મેળ નહીં ખાય તેથી સંમતિ ન આપી. ત્યારબાદ લખનઉમાં રવીન્દ્રનાથ ટાગોરે તેનું નૃત્ય જોઈને શાંતિનિકેતનમાં નૃત્ય માટે આમંત્રણ આપ્યું. ૧૯૬૦ના દાયકાની શરૂઆતમાં તેમણે પૂર્વ એશિયા, યુરોપ અને ઉત્તર અમેરિકામાં કાર્યક્રમો કર્યા ત્યારબાદ ૧૯૭૦ના દાયકામાં અને ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં તેમણે વારંવાર અમેરિકામાં એક શિક્ષક અને કલાકાર તરીકે પ્રવાસ કર્યા. ૧૯૬૧માં ટોકિયો ખાતે કૉન્ફરન્સમાં કપિલા વાત્સ્યાયનના અથાગ પરિશ્રમને કારણે બાલાસરસ્વતીનો કાર્યક્રમ રખાયો. હૃદય અને સાંધાની બીમારી હોવા છતાં ઘણાં વર્ષો તેમણે કાર્યક્રમો આપ્યા. આમ બાલાસરસ્વતીએ ભારતમાં અને વિદેશમાં ભરતનાટ્યમની પરંપરાગત શૈલીથી અનેક પ્રેક્ષકોને પરિચિત કરાવ્યા, તેમનામાં રુચિ જગાડી, અને ઘણાને તાલીમ પણ આપી. તેમણે તેમની નૃત્યકારકિર્દી માટે દેશ-વિદેશમાં અનેક સન્માનોથી નવાજવામાં આવ્યાં. તેમાં ભારત સરકાર દ્વારા ૧૯૫૭માં પદ્મભૂષણ, ૧૯૭૭માં પદ્મવિભૂષણ તથા ૧૯૭૮માં શાંતિનિકેતનની વિશ્વભારતી યુનિવર્સિટીએ ડી.લિટ.ની પદવી એનાયત કરી હતી. દક્ષિણ ભારતનો સર્વોચ્ચ સંગીત કલાનિધિ પુરસ્કાર ૧૯૭૩માં આપવામાં આપ્યો હતો. અમેરિકાઝ ઇરિપ્લેસેબલ ડાન્સ ટ્રેઝર : ધ ફર્સ્ટ હન્ડ્રેડ(૨૦૦૦)ના સંકલનમાં તેઓ એકમાત્ર ભારતીય હતાં. સત્યજિત રેએ તેમના પર ૧૯૭૬માં ‘બાલા’ નામની દસ્તાવેજી ફિલ્મ બનાવી હતી. ૨૦૧૦માં ભારત સરકારે તેમની સ્મૃતિમાં ટપાલટિકિટ બહાર પાડી હતી.

Categories
સાંપ્રત કાર્યક્રમો

શ્રી મનસુખભાઈ જે. મેદાણીપ્રેરિત સ્વાસ્થ્ય-યોગશ્રેણી

વિષય : મનમાં જાગતી વ્યગ્રતા (Anxiety) : ઓળખ અને નિવારણ

વક્તા : અર્પણ યાજ્ઞિક |

31 મે 2025, શનિવાર, સાંજે 5-30 | ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ

રમેશપાર્કની બાજૂમાં

વિશ્વકોશમાર્ગ ઉસ્માનપુરા