Categories
વાચન સમૃદ્ધિ

આતંકવાદના ગણિતનો તાળો મળતો નથી

આતંકવાદનું આખું ગણિત સાવ અવળું છે. આતંકવાદી પાસે જીવન હોતું નથી, પરંતુ ભય હોય છે અને એ ભય ફેલાવીને પોતાના સિદ્ધાંત માટે પ્રેમની ચાહના રાખતો હોય છે. ભય સદૈવ મૃત્યુ આપે છે, ક્યારેય આનંદ નહીં. આથી ભય પમાડનારા આતંકીની ગતિવિધિ તો એવી છે કે એના હાથમાં પથ્થર છે અને અન્ય પાસેથી આશા પુષ્પની રાખે છે. પોતાની સત્તા જમાવવા માટે ભયનો આશરો લે છે અને ઇચ્છા લોકચાહનાની રાખે છે. એના રાજકીય ગણિતની રકમો જ ખોટી મંડાઈ હોય છે અને એને પરિણામે એના ધ્યેય અને એના કાર્ય વચ્ચે મોટી ખાઈ ઊભી થાય છે. એનું ધ્યેય છે ભયથી પ્રભાવ પાથરવાનું, પરંતુ એનો એ ભય કોઈ પ્રભાવ પાથરી શકતો નથી. થોડો સમય એને એની ક્રૂરતાનો આનંદ મળે, પણ એ ક્રૂરતા કોઈને રીઝવી શકતી નથી. આથી આ આતંકવાદી એવા છે કે જેમની જીવનધારા સુકાઈ ગઈ છે. એમના હૃદયમાં પ્રેમનું ઝરણું તો શું, પણ પ્રેમનું જળિંબદુ પણ નથી. આતંક કોણ ફેલાવે છે તે જુઓ. જીવનની ઉચ્ચ ભાવનાઓનો શિરચ્છેદ કરીને આતંકવાદી પોતાના સ્થૂળ હેતુની પ્રાપ્તિ માટે સહુનો શિરચ્છેદ કરવા નીકળે છે. ભયના શ્વાસે એ જીવે છે. પોતાની માગણી કે લાગણી એ અન્યને પહોંચાડવા ચાહે છે, પરંતુ એની લાગણી કે માગણીને બદલે અન્યને તો એની ક્રૂરતાનો જ અનુભવ થાય છે. વિચાર જ્યારે ઝનૂનનું સ્વરૂપ લે ત્યારે વિવેક ઓલવાઈ જાય છે. કર્તવ્યને નામે માણસ કોઈનું કાસળ કાઢવા શસ્ત્રો ઉગામે છે. એના હૃદયમાં લાગણીનો જુવાળ એવો જાગ્યો હોય છે કે ત્યારે એ પોતાના પ્રાણની ફિકર કર્યા વિના બીજાના પ્રાણ લેવા મરણિયો બન્યો હોય છે.

Categories
વાચન સમૃદ્ધિ

સાબર

મૃગ કે હરણ નામે ઓળખાતાં સસ્તન પ્રાણી પૈકીની એક જાત.

ભારતમાં વસતાં સાબર (सं. शम्बर) અન્ય દેશોનાં સાબર કરતાં કદમાં સૌથી મોટાં હોય છે. જાવા, બાલી, ફિલિપાઇન્સ તથા ચીનમાં સાબર વસે છે. ગુજરાતમાં તે સૌરાષ્ટ્રની ખીણમાં તેમ જ બરડાના પ્રદેશમાં જોવા મળે છે. સાબરની ઊંચાઈ ૧.૩ મીટર અને વજન ૨૦૦થી ૩૦૦ કિલોગ્રામ જેટલું હોય છે. સાબરનો રંગ સામાન્યપણે પીળાશ પડતો કે રાખોડી-કથ્થાઈ હોય છે. પુખ્ત વયનાં સાબર ક્યારેક સંપૂર્ણ કાળાં હોય છે. સાબર શરમાળ પ્રાણી છે. તે ટોળામાં રહેવાનું પસંદ કરે છે. તે ચારાની શોધમાં સૂર્યાસ્ત પછી બહાર નીકળે છે. તેની ગણના નિશાચર પ્રાણીમાં થાય છે. તે ઝાડીઝાંખરાંમાં સંતાતું ફરે છે. લીલું, તાજું ઘાસ, કુમળાં પાંદડાં અને ડાળીઓ તેને ખૂબ ભાવે છે. આ ઉપરાંત આમળાં અને હળદરવાની છાલ તથા ઠળિયા વિનાનાં રસદાર ફળો તેનો પ્રિય ખોરાક છે.

નર સાબરને જ શિંગડાં હોય છે. આ શાખામય શિંગડાંને ફરતે રોમયુક્ત ચામડીનું આવરણ હોય છે. સાબરના ૠતુકાળના (ચોમાસાના) અંતે તેનાં શિંગડાં ખરી જાય છે. ત્યારબાદ ચાર-પાંચ મહિના બાદ તેને નવાં શિંગડાં ઊગે છે. આમ સાબરનાં શિંગડાં અલ્પજીવી હોય છે. દર વર્ષે નવાં ઊગતાં શિંગડાંઓમાં શાખાઓમાં વધારો થાય છે. સાબરનાં શિંગડાં(સાબરશિંગ)નો લેપ અગર ભસ્મ દમ, ખાંસી, ઉધરસ કે ક્ષય જેવા રોગોમાં ઔષધિ તરીકે વપરાય છે. સાબર જંગલમાં પોતાનો વિસ્તાર અલગ પાડે છે. તે માટે તે કાદવવાળી જગ્યા પર, ઝાડની છાલ પર સંકેતો દર્શાવે છે. દુશ્મનના ખતરા સામે સાબર અન્ય સાબરને સાવચેત કરવા માટે પણ સંકેતો દર્શાવે છે. માદા સાબર આઠેક મહિના ગર્ભધારણ કરી એક બચ્ચાને જન્મ આપે છે. તેનું વજન લગભગ ૧૦ કિલોગ્રામ જેટલું હોય છે. ભારતમાં ‘હંગલ’ તરીકે ઓળખાતી સાબરની જાત કાશ્મીરના દાયીગામ અભયારણ્યમાં જોવા મળે છે. આ જાત યુરોપની રૅન્ડિયરની જાતના સાબરની છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

શારીરિક શ્રમનો પ્રભાવ

રોડ્ઝ સ્કૉલર અને ન્યૂયૉર્કના એટર્ની કર્નલ ઇડી ઇગાન કામમાં અત્યંત વ્યસ્ત રહેતા હતા. ક્યારેક એમ વિચારતા કે ઘાણીના બળદની માફક એમને સતત મહેનત કરીને માનસિક ચકરાવા લેવા પડે છે. મન પર સતત ચિંતાનાં વાદળો રહેતાં હતાં, આમાંથી બહાર નીકળવા માટે એમણે એક નવો ઉપાય શોધી કાઢ્યો. એમણે જોયું કે જ્યારે જ્યારે એ કોઈ શારીરિક શ્રમ કરતા, ત્યારે મન પર ઘેરાયેલાં માનસિક ચિંતાનાં વાદળો વીખરાઈ જતાં હતાં. આથી એમણે જિમ્નેશિયમમાં જઈને પોતાની પસંદગીની રમત સ્ક્વોશ ખેલવાનું શરૂ કર્યું. આ સમયે એમનું મન પેલી ચિંતાઓના બોજથી મુક્ત થઈ જતું. એ પછી ક્યારેક ગૉલ્ફ કોર્ટનું ચક્કર લગાવતા અથવા તો પૅડલ ટેનિસની રમત રમતા. આ શારીરિક શ્રમ કરતી વખતે એમને સતત એવો અનુભવ થયો કે આવા શ્રમને પરિણામે કાયદાની આંટીઘૂંટીમાં જકડાયેલું એમનું ચિત્ત એની સમસ્યાઓમાંથી મુક્ત થઈ જતું હતું અને હળવાશ અનુભવતું હતું. એક પ્રકારની નવી તાજગી અને નવી શક્તિ આવી હોય તેમ લાગતું. કર્નલ ઇડી ઇગાને જોયું કે એ જ્યારે બૉક્સિંગ કરતા, ત્યારે એમના મનમાં કોઈ ચિંતા જાગવાની શક્યતા જ રહેતી નહીં. બૉક્સિંગમાં એવી ધારદાર એકાગ્રતાની જરૂર પડતી તેમજ પ્રતિસ્પર્ધી પર સતત એવી નજર ઠેરવવી પડતી કે મનમાં ચિંતા તો શું, પણ કોઈ બીજો વિચાર જાગે એવી પણ શક્યતા રહેતી નહીં અને એને પરિણામે પછીના સમયમાં નવીન વિચારો આસાનીથી આવતા અને કપરાં કાર્યો સાવ સરળ લાગવા માંડતાં. આથી એમણે મનમાં એક સૂત્ર રાખ્યું કે મન જ્યારે ચિંતાગ્રસ્ત બને ત્યારે માનસિક શ્રમ લેવાને બદલે શારીરિક શ્રમ કરવા માંડો. એના પરિણામથી તમે પોતે નવાઈ પામશો અને ન્યૂયૉર્કના આ એટર્ની ઑલિમ્પિક લાઇટ-હેવીવેઇટ ચૅમ્પિયન પણ થયા અને એ જ રીતે કાયદાની દલીલબાજીની જેમ મુક્કાબાજીમાં પણ માહેર બની ગયા.