Categories
વાચન સમૃદ્ધિ

સાયપ્રસ

ભૂમધ્ય સમુદ્રના ઈશાનકોણમાં આવેલો ટાપુદેશ.

તે ૩૫° ૦૦´ ઉ. અ. અને ૩૩° ૦૦´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તે ટર્કીથી આશરે ૬૪ કિમી. દક્ષિણ તરફ સ્થિત છે. તેનો વિસ્તાર આશરે ૯,૨૫૧ ચોકિમી. જેટલો છે. તેની વસ્તી આશરે ૧૩,૫૮,૨૮૨ (૨૦૨૪, આશરે) જેટલી છે. નિકોસિયા તેનું પાટનગર તથા મોટામાં મોટું શહેર છે. નિકોસિયાનો ઘણોખરો ભાગ ગ્રીક વિસ્તારમાં રહેલો છે, જ્યારે તેનો થોડો ભાગ ટર્કી વિસ્તારમાં ગણાય છે. ભૌગોલિક રીતે આ દેશ એશિયામાં છે, પરંતુ ત્યાંના લોકોની જીવનશૈલી યુરોપના લોકોને વધુ મળતી આવે છે. ૧૯૬૦(૧૬-૮-૧૯૬૦)માં સાયપ્રસ સ્વતંત્ર દેશ બન્યો છે. સાયપ્રસમાં ટ્રુડોસ અને કાયરેનિયા – એમ બે પર્વતમાળાઓ આવેલી છે. તે બંનેની વચ્ચે મેસોરિયાનું ફળદ્રૂપ મેદાન આવેલું છે. નૈર્ૠત્ય સાયપ્રસની ટ્રુડોસ પર્વતમાળા પ્રમાણમાં મોટી છે. ૧,૯૫૨ મીટરની ઊંચાઈ ધરાવતું, માઉન્ટ ઑલિમ્પસ તેનું સર્વોચ્ચ શિખર છે. આ પર્વતમાળાનો ભાગ ગીચ જંગલોથી છવાયેલો છે. કાયરેનિયા પર્વતમાળા સાયપ્રસને ઉત્તર કાંઠે વિસ્તરેલી છે. અહીંનો સમુદ્રકંઠારપટ સોનેરી રેતીવાળો છે. પેડિયસ અહીંની મુખ્ય નદી છે.

સાયપ્રસની રાજધાની નિકોસિયા

આ દેશની આબોહવા લગભગ આખું વર્ષ ખુશનુમા રહે છે. શિયાળામાં ટ્રુડોસના ઊંચાઈવાળા ભાગો પર હિમવર્ષા થાય છે. મેદાની ભાગોમાં સરેરાશ વાર્ષિક વરસાદ ૩૦૦થી ૪૦૦ મિમી. જેટલો પડે છે, પરંતુ ટ્રુડોસ પર્વતો પર ૧,૦૦૦ મિમી. જેટલો વરસાદ પડે છે. દેશની મુખ્ય પેદાશોમાં સિમેન્ટ, સિગારેટ, પગરખાં, ઑલિવ ઑઇલ, કાપડ અને દારૂનો સમાવેશ થાય છે. જવ, ગ્રેપફ્રૂટ, દ્રાક્ષ, લીંબુ, ઑલિવ, નારંગી, કેળાં, બટાકા અને ઘઉં મુખ્ય ખેતપેદાશો છે. મુખ્ય ખનિજોમાં ઍસ્બેસ્ટૉસ અને ક્રોમાઇટનો સમાવેશ થાય છે. તાંબાની ખાણો પણ હતી જે હવે ખાસ પ્રમાણમાં રહી નથી. પ્રવાસન આ દેશનો મહત્ત્વનો ઉદ્યોગ છે. અહીંનો રમણીય સમુદ્રકંઠારપટ, ખાબડખૂબડ પહાડી પ્રદેશ, ટેકરીઓને મથાળે બાંધેલા કિલ્લા અને જૂનાં દેવળો  જોવાલાયક છે. દર વર્ષે અંદાજે ૨૪ લાખ લોકો અહીંનાં રમણીય દૃશ્યો, ઐતિહાસિક સ્થળો અને ખુશનુમા આબોહવાની મોજ માણવા આવે છે. સાયપ્રસમાં રેલમાર્ગો નથી, પરંતુ સડકમાર્ગો સારા છે. લિમાસોલ, કાયરેનિયા અને લાર્નેકા અહીંનાં મુખ્ય બંદરો છે. દેશનું હવાઈ મથક લાર્નેકા ખાતે આવેલું છે. દેશની વસ્તીના આશરે ૭૦% લોકો શહેરમાં વસે છે, જોકે મોટા ભાગના લોકો મેસોરિયાના મેદાની પ્રદેશમાં વસે છે. ગ્રીક અને તુર્કી અહીંની સત્તાવાર ભાષાઓ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-9, સાયપ્રસ, પૃ. 117)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

કાર્યપદ્ધતિનું સ્મરણ

અમેરિકાના પ્રમુખ થિયોડોર રૂઝવેલ્ટ (૧૮૫૮થી ૧૯૧૯) રિપબ્લિકન પક્ષ તરફથી ન્યૂયૉર્ક રાજ્યની ધારાસભામાં ચૂંટાઈ આવ્યા. એ પછી પ્રમુખના નૌકાદળના મદદનીશ સચિવ બન્યા. અમેરિકાની સ્પેન સાથેની લડાઈમાં એમણે યશસ્વી વિજય અપાવ્યો અને ન્યૂયૉર્કના ગવર્નર થયા બાદ થિયોડોર રૂઝવેલ્ટ ૧૯૦૧થી ૧૯૦૯ સુધી અમેરિકાના પ્રમુખપદે રહ્યા. આ સમય દરમિયાન એમણે મોટાં મોટાં વ્યાપારી-ગૃહોની સત્તાને પડકાર ફેંક્યો. પનામા નહેર ખોદીને એમણે આટલાન્ટિક અને પૅસિફિક મહાસાગરો વચ્ચે અમેરિકન નૌકાકાફલો જઈ શકે તેવી નહેર બનાવી. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પ્રભાવ ધરાવનારા થિયોડોર રૂઝવેલ્ટે રશિયા અને જાપાન વચ્ચેનું યુદ્ધ બંધ કરવામાં અને સંધિ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. અનેક કપરા આંતરરાષ્ટ્રીય નિર્ણયો લેતી વખતે થિયોડોર રૂઝવેલ્ટના દિવસો મૂંઝવણમાં પસાર થતા. તેઓ ચિંતિત હોય ત્યારે ખુરશી પર ટેકો દઈને બેસી રહેતા. એ પછી અમેરિકન પ્રમુખના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં તેમના ડેસ્ક પાછળ ટીંગાડેલા અબ્રાહમ લિંકનની મોટા કદની તસવીર તરફ થોડી વાર જોઈ રહેતા. તેઓ વિચારતા કે અબ્રાહમ લિંકને કેવી દૃઢતા અને નિર્ભયતાથી અમેરિકાને છિન્નભિન્ન થતું બચાવી લીધું. સાહસિક નિર્ણયશક્તિ દાખવીને લાખો ગુલામોને કાયદેસરની મુક્તિ અપાવી. કેવા સંઘર્ષો ખેડીને એમણે દેશહિતના નિર્ણયો કર્યા. આમ અબ્રાહમ લિંકન એમના પ્રેરણાસ્રોત હતા અને પછી તસવીર નિહાળ્યા બાદ થિયોડોર રૂઝવેલ્ટ પોતાની જાતને પ્રશ્ન કરતા, ‘મારી જગાએ અબ્રાહમ લિંકન હોય તો શું કરે? આ સમસ્યાનો તેઓ કઈ રીતે ઉકેલ શોધે ?’ અને પછી અબ્રાહમ લિંકનના ગુણો અને કાર્યપદ્ધતિનું સ્મરણ કરતાં એમને કપરી પરિસ્થિતિ પાર કરવાનો ઉકેલ મળી રહેતો.     

Categories
વાચન સમૃદ્ધિ

ઝીબ્રા (Equus zebra or Zebra zebra)

સસ્તન વર્ગમાં ખરીધારી (perissodactyla) શ્રેણીના ઇક્વિડી કુળનું પ્રાણી. તે આફ્રિકા અને દક્ષિણ સહરાનું વતની છે. ઝીબ્રા, ઘોડા અને ગધેડાં ઇક્વિડી કુળનાં પ્રાણીઓ છે. આથી તેમનામાં ઘણું સામ્ય જોવા મળે છે. ઝીબ્રાની  ઊંચાઈ સામાન્ય રીતે ૧થી ૧.૫૦ મીટર જેટલી હોય છે. તેના કર્ણપલ્લવ લાંબા, કેશવાળી ટૂંકી અને પૂંછડી ભરાવદાર પ્રકારની હોય છે. તેની ત્વચાનો રંગ મુખ્યત્વે સફેદ કે ઝાંખો બદામી, જેના પર કાળા કે બદામી રંગના આડા તેમજ ઊભા પટ્ટા આવેલા હોય છે. આવા પટ્ટાઓ ઉદર અને જાંઘની અંદરના ભાગમાં નહિવત્ જણાય છે. ખૂંધ પરના પટ્ટા પૃષ્ઠ બાજુના પટ્ટા સાથે જોડાયેલા નથી હોતા. ઝીબ્રાની ત્વચા પરની ભાતને આધારે તેની વિવિધ જાતિઓ, ઉપજાતિઓ બને છે. આ પ્રાણીના આવા બાહ્ય દેખાવને કારણે તેને ‘A horse in tiger’s skin’ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રાણીની મુખ્યત્વે ચાર જાતિઓ જોવા મળી છે : (૧) Mountain zebra (E. zebra) પર્વતીય ઝીબ્રા, (૨) Burchell’s zebra (E. burchelli) બર્ચેલ ઝીબ્રા, (૩) Grevy’s Zebra (Equus grevyi) ગ્રેવી ઝીબ્રા, (૪) Grant’s zebra (Equus quagga boehmi) ગ્રાન્ટ ઝીબ્રા. આ ચાર જાતિઓની વિવિધ ઉપજાતિઓ પણ મળી આવે છે. ઝામ્બિયા, અગોલા, મોઝામ્બિક જેવા વિસ્તારો ઝીબ્રાની વિપુલ સંખ્યા ધરાવે છે. પૂર્વ આફ્રિકાના સારંગેટી પાર્ક વિસ્તારમાં આશરે ૩ લાખ જેટલી સંખ્યા નોંધાયેલી છે.

આ પ્રાણી સામાન્ય રીતે એકાકી જોવા મળતું નથી, તે ટોળામાં વિચરતું હોય છે. તે શાકાહારી છે. તેના દાંતની રચના ઘોડાના દાંતને મળતી આવે છે. ખરી ધરાવતાં, પ્રાણીનાં ઉપાંગોમાં ત્રીજા નંબરની આંગળી કાર્યક્ષમ હોય છે. આ પ્રાણી કલાકના ૬૦ કિમી.ની ઝડપથી દોડી શકે છે; પરંતુ સિંહ તેનો સહેલાઈથી શિકાર કરી શકે છે. સિંહ માટે તે મનગમતું ભોજન છે. ઝીબ્રા, તેની ચામડીની રક્ષણાત્મક ગોપનીયતાને આધારે, તેનાં દુશ્મન પ્રાણીઓથી સામાન્ય રીતે બચી શકે છે. ઘોડા અને ગધેડાની માફક ઝીબ્રાને પણ ભાર વહન કરવા કે સવારી કરવા માટે કેળવી શકાય છે. અલબત્ત, તે માટે અથાગ પ્રયત્ન જરૂરી છે. ખેતરોમાં ઊભા પાકને ઝીબ્રા પારાવાર નુકસાન પહોંચાડે છે. તેથી તેનો શિકાર કરીને પાકને થતું નુકસાન અટકાવવામાં આવે છે. આ પ્રાણીની વિવિધ જાતિઓ મેળવવા માટે ઘોડા સાથેના તેના સંકરણપ્રયોગો કરવામાં આવ્યા છે. તેમની વચ્ચે આંતરપ્રજનન દ્વારા ઉદભવેલી સંકર જાત ઉપયોગી સાબિત થઈ શકી નથી. ઘોડા, ખચ્ચર કે ગધેડાની સરખામણીમાં તે નિર્બળ પુરવાર થઈ. આ પ્રાણીમાં સામાજિકતા હોય છે. પ્રાણી સંગ્રહાલયમાં ઘોડા અને ઝીબ્રાને સાથે રાખતાં તેઓમાં મૈત્રી કેળવાયેલી જોવા મળી. આવી જ રીતે ખુલ્લાં જંગલોમાં તે જિરાફ, ચોશિંગા કે શાહમૃગના ટોળા સાથે સાહજિકતાથી ભળી જાય છે. કોઈક દૃષ્ટાંતોમાં પાલતુ ઢોર સાથે પણ ઝીબ્રાનું સાહચર્ય અનુભવાયું છે. આ પ્રાણીમાં ગર્ભાવધિકાળ ૧૧થી ૧૩ માસનો જોવા મળે છે. શરીરના કદના પ્રમાણમાં ઝીબ્રાનો આ ગર્ભાવધિકાળ પ્રમાણમાં ટૂંકો કહી શકાય, તેનું કારણ તેનો ગ્રીષ્મ વસવાટ છે. ઠંડા પ્રદેશમાં વસતાં પ્રાણીઓમાં ગર્ભાવધિકાળ લાંબો જોવા મળે છે. ઝીબ્રાની ઉપર દર્શાવ્યા પ્રમાણેની કેટલીક જાતિઓ પૈકી ગ્રેવી ઝીબ્રા સૌથી મોટા કદનું પ્રાણી છે. તેની ખભા સુધીની ઊંચાઈ ૧.૭૫ મીટર હોય છે. તે ખડકાળ વિસ્તારમાં વધુ જોવા મળે છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી