Categories
વાચન સમૃદ્ધિ

ઝિમ્બાબ્વે

દક્ષિણ આફ્રિકાની ઉત્તર સરહદે આવેલો પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : ૨૦o દ. અ. અને ૩૦o પૂ. રે.. તેના પર બ્રિટિશ શાસન હતું ત્યારે તે દક્ષિણ રોડેશિયા તરીકે ઓળખાતું હતું. આ પ્રદેશના શોધક સેસિલ રોડ્ઝના નામ ઉપરથી તેનું નામ રોડેશિયા રખાયું હતું. આઝાદી (૧૯૮૦) બાદ આ દેશ ઝિમ્બાબ્વે તરીકે ઓળખાય છે. તે વિષુવવૃત્તની દક્ષિણે દક્ષિણ ગોળાર્ધમાં આવેલું છે. હરારે તેનું પાટનગર છે. ઉત્તરે ઝામ્બિયા, ઈશાન અને પૂર્વ દિશાએ મોઝામ્બિક, દક્ષિણે દક્ષિણ આફ્રિકા અને પશ્ચિમે બોત્સવાના આવેલ છે. તેનું ક્ષેત્રફળ ૩,૯૦,૭૫૭ ચોકિમી. તથા તેની વસ્તી ૧.૬૮ કરોડ (૨૦૨૪, આશરે) છે. વસ્તીના ૭૨% ગ્રામ વિસ્તારમાં તથા બાકીના ૨૮% શહેરી વિસ્તારમાં વસે છે. વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. ૨૬ છે. અગ્નિથી ઈશાન ખૂણા સુધી આવેલો મોટા ભાગનો ઉચ્ચપ્રદેશ ૧૨૨૦ મી.થી પણ વધુ ઊંચાઈ પર છે, જે તેના કુલ વિસ્તારના ૨૫% જેટલો થાય છે. મોટા બંધ કે પાળા (Great Dyke) તરીકે ઓળખાતો ડુંગરાળ અને ખનિજોથી સમૃદ્ધ પ્રદેશ ૪૮૩ કિમી. સુધી વિસ્તરેલો છે.

હાઇવેલ્ડના ઉચ્ચપ્રદેશનું સરાસરી માસિક તાપમાન ઑક્ટોબરમાં ૧૮ અને જુલાઈમાં ૧૧ સે. રહે છે. એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન શિયાળામાં ઉચ્ચપ્રદેશમાં હિમ પડે છે. ઉત્તરની ઝામ્બેઝી નદીની ખીણમાં ઑક્ટોબરમાં ૩૦ સે. અને જુલાઈમાં ૨૦ સે. તાપમાન રહે છે. દેશમાં સરાસરી વરસાદ ૨૬૦૦ મિમી.થી થોડો વધુ પડે છે. પાટનગર હરારે નજીક સરેરાશ વાર્ષિક વરસાદ ૮૧૦ મિમી. અને અગ્નિખૂણે આવેલ અર્ધરણ વિસ્તારમાં ૪૫૫ મિમી.થી થોડો વધુ પડે છે. ઝામ્બેઝી અને લિમ્પોપો નદીઓની ખીણોમાં સરેરાશ વાર્ષિક ૨૫૦ મિમી. જેટલો ઓછો વરસાદ પડે છે. એકંદરે ઉચ્ચપ્રદેશની આબોહવા ઊંચાઈને લીધે આનંદદાયક ને હૂંફાળી રહે છે પણ નદીઓની ખીણોનો ભાગ ગરમ રહે છે. આખું વરસ દેશમાં ભેજનું પ્રમાણ ઓછું રહે છે.

ઝિમ્બાબ્વેનું વન્યજીવન

ઉચ્ચપ્રદેશના મોટા ભાગમાં સવાના પ્રકારનું ઊંચું ઘાસ અને નીચાં કાંટાળાં વૃક્ષો (scrubs) જોવા મળે છે. ઝામ્બેઝીના નીચાણવાળા વેલ્ડ પ્રદેશમાં સૂકા પર્ણપાતી પ્રકારના સાગ, બાઓબાબ અને મોપાની વૃક્ષો જોવા મળે છે. આ દેશમાં હાથી, હરણ, ઝીબ્રા, સિંહ અને દીપડા જેવાં જંગલી પ્રાણીઓ જોવા મળે છે. ઢોરની સંખ્યા ઓછી છે. આ પ્રદેશમાં ત્સેત્સે માખીનો ઉપદ્રવ શરૂ થયો છે. તે સ્લીપિંગ સિકનેસ નામથી ઓળખાતો રોગ ફેલાવે છે. આ દેશના ઉચ્ચપ્રદેશમાંથી તાંબું, ક્રોમિયમ, સોનું, ઍસ્બેસ્ટૉસ, બૉક્સાઇટ, રૉક-ફૉસ્ફેટ, પ્લૅટિનમ અને નીચાણવાળા ભાગમાંથી કોલસો મળે છે. દેશની કેટલીક જમીન રેતાળ અને બિનફળદ્રૂપ છે. જમીનના ધોવાણથી તે નિક્ષેપનવાળી (leached) બની છે. અહીં બાજરી, મકાઈ, જુવાર, ઘઉં, તમાકુ, શેરડી, મગફળી, શિંગો, કપાસ અને ચા થાય છે. કુલ વસ્તીના ૩૫% લોકો ખેતીવાડીમાં રોકાયેલા છે. શ્વેત લોકોનાં મોટાં ખેતરોમાં રોકડિયા અને નિકાસલક્ષી પાકો જેવા કે ચા, કપાસ, મકાઈ, શેરડી, તમાકુ વગેરેનું વાવેતર થાય છે. અશ્વેત લોકો બાજરી, જુવાર વગેરેનું વાવેતર કરે છે, જે ફક્ત તેમની આજીવિકા પૂરતું જ હોય છે. ઝામ્બેઝી નદી ઉપર બાંધવામાં આવેલા બંધથી કરીબુ સરોવરની ૪.૫ બિલિયન કિ.વોટ વીજળી ઝામ્બિયા અને ઝિમ્બાબ્વેને મળે છે. આ સરોવર તથા સુબી તથા લુંબી નદીઓના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થાય છે. હરારે અને બુલવાયો નગરોમાં લોખંડ અને પોલાદ, સુતરાઉ કાપડ, રસાયણ, કાગળ, પરિવહનનાં વાહનો, તમાકુ અને ચામડાની વસ્તુઓનો તથા ખાદ્યપ્રક્રમણના ઉદ્યોગો વિકસ્યા છે. દેશમાં કુલ ૩૪૩૪ કિમી. લાંબી રેલવે છે. એક માર્ગ બુલવાયોથી બોત્સવાના થઈને દક્ષિણ આફ્રિકા જાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતીવિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ઝિમ્બાબ્વે, પૃ. ૧૪૯)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

આતંકવાદના ગણિતનો તાળો મળતો નથી

આતંકવાદનું આખું ગણિત સાવ અવળું છે. આતંકવાદી પાસે જીવન હોતું નથી, પરંતુ ભય હોય છે અને એ ભય ફેલાવીને પોતાના સિદ્ધાંત માટે પ્રેમની ચાહના રાખતો હોય છે. ભય સદૈવ મૃત્યુ આપે છે, ક્યારેય આનંદ નહીં. આથી ભય પમાડનારા આતંકીની ગતિવિધિ તો એવી છે કે એના હાથમાં પથ્થર છે અને અન્ય પાસેથી આશા પુષ્પની રાખે છે. પોતાની સત્તા જમાવવા માટે ભયનો આશરો લે છે અને ઇચ્છા લોકચાહનાની રાખે છે. એના રાજકીય ગણિતની રકમો જ ખોટી મંડાઈ હોય છે અને એને પરિણામે એના ધ્યેય અને એના કાર્ય વચ્ચે મોટી ખાઈ ઊભી થાય છે. એનું ધ્યેય છે ભયથી પ્રભાવ પાથરવાનું, પરંતુ એનો એ ભય કોઈ પ્રભાવ પાથરી શકતો નથી. થોડો સમય એને એની ક્રૂરતાનો આનંદ મળે, પણ એ ક્રૂરતા કોઈને રીઝવી શકતી નથી. આથી આ આતંકવાદી એવા છે કે જેમની જીવનધારા સુકાઈ ગઈ છે. એમના હૃદયમાં પ્રેમનું ઝરણું તો શું, પણ પ્રેમનું જળિંબદુ પણ નથી. આતંક કોણ ફેલાવે છે તે જુઓ. જીવનની ઉચ્ચ ભાવનાઓનો શિરચ્છેદ કરીને આતંકવાદી પોતાના સ્થૂળ હેતુની પ્રાપ્તિ માટે સહુનો શિરચ્છેદ કરવા નીકળે છે. ભયના શ્વાસે એ જીવે છે. પોતાની માગણી કે લાગણી એ અન્યને પહોંચાડવા ચાહે છે, પરંતુ એની લાગણી કે માગણીને બદલે અન્યને તો એની ક્રૂરતાનો જ અનુભવ થાય છે. વિચાર જ્યારે ઝનૂનનું સ્વરૂપ લે ત્યારે વિવેક ઓલવાઈ જાય છે. કર્તવ્યને નામે માણસ કોઈનું કાસળ કાઢવા શસ્ત્રો ઉગામે છે. એના હૃદયમાં લાગણીનો જુવાળ એવો જાગ્યો હોય છે કે ત્યારે એ પોતાના પ્રાણની ફિકર કર્યા વિના બીજાના પ્રાણ લેવા મરણિયો બન્યો હોય છે.

Categories
વાચન સમૃદ્ધિ

સાબર

મૃગ કે હરણ નામે ઓળખાતાં સસ્તન પ્રાણી પૈકીની એક જાત.

ભારતમાં વસતાં સાબર (सं. शम्बर) અન્ય દેશોનાં સાબર કરતાં કદમાં સૌથી મોટાં હોય છે. જાવા, બાલી, ફિલિપાઇન્સ તથા ચીનમાં સાબર વસે છે. ગુજરાતમાં તે સૌરાષ્ટ્રની ખીણમાં તેમ જ બરડાના પ્રદેશમાં જોવા મળે છે. સાબરની ઊંચાઈ ૧.૩ મીટર અને વજન ૨૦૦થી ૩૦૦ કિલોગ્રામ જેટલું હોય છે. સાબરનો રંગ સામાન્યપણે પીળાશ પડતો કે રાખોડી-કથ્થાઈ હોય છે. પુખ્ત વયનાં સાબર ક્યારેક સંપૂર્ણ કાળાં હોય છે. સાબર શરમાળ પ્રાણી છે. તે ટોળામાં રહેવાનું પસંદ કરે છે. તે ચારાની શોધમાં સૂર્યાસ્ત પછી બહાર નીકળે છે. તેની ગણના નિશાચર પ્રાણીમાં થાય છે. તે ઝાડીઝાંખરાંમાં સંતાતું ફરે છે. લીલું, તાજું ઘાસ, કુમળાં પાંદડાં અને ડાળીઓ તેને ખૂબ ભાવે છે. આ ઉપરાંત આમળાં અને હળદરવાની છાલ તથા ઠળિયા વિનાનાં રસદાર ફળો તેનો પ્રિય ખોરાક છે.

નર સાબરને જ શિંગડાં હોય છે. આ શાખામય શિંગડાંને ફરતે રોમયુક્ત ચામડીનું આવરણ હોય છે. સાબરના ૠતુકાળના (ચોમાસાના) અંતે તેનાં શિંગડાં ખરી જાય છે. ત્યારબાદ ચાર-પાંચ મહિના બાદ તેને નવાં શિંગડાં ઊગે છે. આમ સાબરનાં શિંગડાં અલ્પજીવી હોય છે. દર વર્ષે નવાં ઊગતાં શિંગડાંઓમાં શાખાઓમાં વધારો થાય છે. સાબરનાં શિંગડાં(સાબરશિંગ)નો લેપ અગર ભસ્મ દમ, ખાંસી, ઉધરસ કે ક્ષય જેવા રોગોમાં ઔષધિ તરીકે વપરાય છે. સાબર જંગલમાં પોતાનો વિસ્તાર અલગ પાડે છે. તે માટે તે કાદવવાળી જગ્યા પર, ઝાડની છાલ પર સંકેતો દર્શાવે છે. દુશ્મનના ખતરા સામે સાબર અન્ય સાબરને સાવચેત કરવા માટે પણ સંકેતો દર્શાવે છે. માદા સાબર આઠેક મહિના ગર્ભધારણ કરી એક બચ્ચાને જન્મ આપે છે. તેનું વજન લગભગ ૧૦ કિલોગ્રામ જેટલું હોય છે. ભારતમાં ‘હંગલ’ તરીકે ઓળખાતી સાબરની જાત કાશ્મીરના દાયીગામ અભયારણ્યમાં જોવા મળે છે. આ જાત યુરોપની રૅન્ડિયરની જાતના સાબરની છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી