Categories
વાચન સમૃદ્ધિ

ટગબોટ

રેલવેના એન્જિન માફક બજરાઓ(barges)ને તથા સમુદ્રની મોટી ખેપ કરતી સ્ટીમરોને બારામાં ધક્કા(dock) સુધી અને બારા બહાર મધદરિયા સુધી ખેંચી લાવતું શક્તિશાળી અને ઝડપી નાનું જહાજ. કોઈ કારણસર જહાજ લાધી ગયું હોય કે તેનાં યંત્રો કામ કરતાં બંધ પડ્યાં હોય તો તેવા જહાજને સુરક્ષિત રીતે ખેંચી લાવવાનું કામ પણ તે કરે છે. વરાળયુગના પ્રારંભમાં ઈ. સ. ૧૮૦૦ની આસપાસ પૅડલ-વ્હીલ (paddle – ક્ષેપણી) સંચાલિત ટગબોટ કામ કરતી હતી. ૧૮૫૦માં સ્ક્રૂ-સંચાલિત ટગબોટ અસ્તિત્વમાં આવી હતી. ઈ. સ. ૧૯૦૦થી વરાળ-એન્જિનનું સ્થાન ડીઝલ-એન્જિને લીધું હતું. ૧૭૩૬માં જોનાધન હલે (ગ્લૉસેસ્ટરશાયર, ઇંગ્લૅન્ડ) ન્યૂકોમેન સ્ટીમ-એન્જિન દ્વારા સંચાલિત ટગબોટ માટે પેટન્ટ લીધો હતો. સર્વપ્રથમ બંધાયેલ ટગબોટ ‘શાર્લોટ ડુન્ડાસ’ હતી, જેનું સંચાલન વૉટ એન્જિન અને પૅડલ-વ્હીલ દ્વારા થતું હતું, તેનો ઉપયોગ સ્કૉટલૅન્ડની ફૉર્ડ નદી અને ક્લાઇડ નદીની નહેરમાં જહાજોને લાવવા લઈ જવા થતો હતો. યુ.એસ.માં ૧૮૫૦માં સ્ક્રૂ પ્રોપલ્ઝનવાળી ટગબોટનો ઉપયોગ થતો હતો.

જહાજને ખેંચી લાવતી ટગબોટ

ઓગણીસમી સદી દરમિયાન ટગનું કદ એકસરખું અને સ્થિર (૨૧ મી.થી ૬૪ મી. સુધીનું) રહ્યું હતું. અગાઉની ટગ કરતાં હાલમાં વપરાતી ટગનું એન્જિન દસગણી વધારે શક્તિ ધરાવે છે. કેટલીક ટગનાં તો ૩૦૦૦ હો.પા.થી વધારે પાવરનાં એન્જિનો હોય છે. સામાન્ય રીતે માત્ર બારામાં જ હેરફેર કરતી ટગ ૨૧.૪૬ મી. લાંબી, એક સ્ક્રૂવાળી અને ૧૭૫૦ હોર્સપાવરવાળી હોય છે. ખુલ્લા સમુદ્રમાંથી લાધેલાં જહાજને કાંઠે બારામાં ધક્કા સુધી લાવવા વધારે શક્તિશાળી ટગની જરૂર પડે છે. લાધી ગયેલા જહાજને કાંઠે લાવતી ટગ ૩૮ મી.થી ૬૦ મી. લાંબી હોય છે અને તેનું એન્જિન ૫૦૦૦ હો.પા. સુધીનું હોય છે. આંતરિક જળમાર્ગ માટે યંત્રવિહીન બજરા(dumb barge)ને ખેંચવા ટગ વપરાય છે. રેલવેના ડબાની માફક દોરડાં કે સાંકળ દ્વારા ૧૦થી ૨૦ બજરાઓને ટગ ખેંચે છે. ધક્કા સુધી બજરાને કે જહાજને ખેંચી લાવતી ટગનું ખોખું (hull) સ્થિતિસ્થાપક (resilient) લાકડાનું બનેલું હોય છે, જેથી જહાજ કે ટગને ખેંચવાથી નુકસાન થતું નથી. ટગ સહેલાઈથી અવરજવર કરી શકે તે માટે તેની લંબાઈ ઓછી અને તેનો મોરો (stern) સાંકડો હોય છે. પાણી ઉપર તેના પ્રૉપેલરની સારી પકડ રહે તે માટે તેની ગતિ ધીમી હોય છે. ટેમ્સ નદીમાં ફરતી ટગો ૨૪ મી.થી ૩૬ મી. લાંબી હોય છે. દુનિયાના અન્ય ભાગોમાં તેનો દેખાવ, લંબાઈ વગેરે જુદાં જુદાં હોય છે. જર્મનીની રહાઇન નદી અને યુ.એસ.ની મિસિસિપી નદીમાં લાંબા અંતર સુધી ઘણા દિવસો સુધી બજરાઓના સમૂહને ટગ ખેંચી જતી હોય છે. આવી ટગોમાં ટગના કર્મચારીઓ માટે રહેવાની તથા ખોરાક વગેરે સંઘરવાની સગવડ હોય છે. લાધી ગયેલાં જહાજોને સલામત લાવતી ટગ ખૂબ જ શક્તિશાળી અને દરિયામાં લાંબો વખત રહી શકે તેવી હોય છે. જહાજને ખેંચી લાવવા ભારે ગિયર કે ગેરવાળી ટગ હોય છે. આવી ટગમાં લોખંડના તારનાં દોરડાં, પાણી ઉલેચવાનો પંપ તથા અગ્નિ શમાવવાનાં સાધનો હોય છે. ગુજરાતમાં ઘોઘામાં ૨૦૦ ટનથી ૨૫૦ ટનની ટગ બંધાય છે. મુંબઈ, કૉલકાતા તથા વિશાખાપટ્ટનમમાં પણ તે જરૂર પ્રમાણે બંધાય છે. ડચ લોકો ટગના બાંધકામ માટે સમગ્ર દુનિયામાં જાણીતા છે. તેમણે ૬૫ મી. લાંબી, ૧૫.૬ મીટરના સ્તંભવાળી ૧૬,૦૦૦ કિવૉ.ની શક્તિશાળી ‘સ્મીટ લંડન’ ટગ બાંધી હતી, જે ગમે તેવા વિશાળકાય જહાજને ખેંચી લેવા સમર્થ હતી.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

હેન્રી કિસિંજર

જ. ૨૭ મે, ૧૯૨૩ અ. ૨૯ નવેમ્બર, ૨૦૨૩

એક અમેરિકન રાજદ્વારી અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે જાણીતા હેન્રી કિસિંજરનો જન્મ જર્મનીના બાવેરિયાના ફર્થમાં થયો હતો. તેમનાં માતાનું નામ પૌલા અને પિતાનું નામ લૂઈસ હતું. વૉશિંગ્ટન હાઇટ્સ, મેનહટનમાં જર્મન-અમેરિકન સમુદાયમાં હાઈસ્કૂલનાં વર્ષો પસાર કર્યાં બાદ તેમણે ન્યૂયૉર્કની સિટી કૉલેજમાં એકાઉન્ટિંગનો અભ્યાસ કર્યો હતો. તેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન યુ.એસ. આર્મીમાં સેવા આપી હતી. યુદ્ધ બાદ તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, જ્યાં તેમણે  શૈક્ષણિક રીતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. બાદમાં તેઓ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા અને પરમાણુ શસ્ત્રો તેમજ વિદેશનીતિના નિષ્ણાત તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા. રાષ્ટ્રપતિ નિકસન દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને બાદમાં રાજ્યના સચિવ તરીકે નિયુક્ત થયા તે પહેલાં તેમણે સરકારી એજન્સીઓ, થિંક ટૅન્ક, નેલ્સન રોકફેલર અને નિકસનના રાષ્ટ્રીય કક્ષાના વિવિધ અભિયાનોમાં સલાહકાર તરીકે કામ કર્યું હતું. રિયલ પોલિટિક ક્ષેત્રે જાણીતા અને ભૂરાજનીતિ પ્રત્યે વ્યાવહારિક અભિગમના હિમાયતી એવા હેન્રી કિસિંજરે સોવિયેત યુનિયન સાથે અટકાયત નીતિનો પાયો નાખ્યો હતો અને ચીન સાથે સંબંધો શરૂ કર્યા હતા. યોમ કિપ્પુર યુદ્ધનો અંત લાવવા માટે મધ્યપૂર્વમાં ‘શટલ ડિપ્લોમસી’માં વ્યસ્ત રહી તેમણે પૅરિસ શાંતિ કરારો માટે જરૂરી વાટાઘાટો કરી હતી. જેને લીધે વિયેટનામ યુદ્ધમાં અમેરિકન સંડોવણીનો અંત આવ્યો હતો. આથી ઘણા અમેરિકન વિદ્વાનો તેમને એક અસરકારક સેક્રેટરી ઑફ સ્ટેટ માનતા હતા. ૨૦૦૨માં ભારતની મુલાકાત લીધી હતી. સરકાર છોડ્યા પછી કિસિંજરે, કિસિંજર ઍસોશિયેટ્સની સ્થાપના કરી હતી, જે એક આંતરરાષ્ટ્રીય ભૂ-રાજકીય સલાહકાર કંપની છે જે તેમણે ૧૯૮૨થી મૃત્યુપર્યંત ચલાવી હતી. તેમણે રાજદ્વારી ઇતિહાસ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર એક ડઝનથી વધુ પુસ્તકો લખ્યાં છે. હેન્રી કિસિંજરને તેમની લશ્કરી સેવાઓ માટે બ્રૉન્ઝ સ્ટાર નામના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ૧૯૭૩ના નોબેલ શાંતિ પુરસ્કારથી પણ તેઓ વિભૂષિત થયા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

અંગત સ્નેહનો સ્પર્શ

ચાર વખત અને બાર વર્ષ સુધી પદે રહેનાર અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ(૧૮૮૨થી ૧૯૪૫)નો અંગત સચિવ પ્રમુખની એક આદતથી  પરેશાન થઈ ગયો. સચિવ ડિક્ટેશન લઈને પત્ર ટાઇપ કરીને રૂઝવેલ્ટની પાસે લાવતો, ત્યારે રૂઝવેલ્ટ કાં તો એમાં કોઈ સુધારો કરતા અથવા તો એમાં કશુંક સુધારીને લખતા, ક્યારેક તો થોડું નવું લખાણ લખીને ટાઇપ કરેલા કાગળ સાથે જોડી દેતા. સચિવને એમ થાય કે રૂઝવેલ્ટ શા માટે પત્ર લખાવતાં પૂર્વે મનમાં વિગતો વ્યવસ્થિત ગોઠવીને લખાવતા નથી. આમ વારંવાર બનતું હતું. એક વાર સચિવે પત્ર લખ્યો. ટાઇપ કરીને રૂઝવેલ્ટ પાસે હસ્તાક્ષર લેવા આવ્યો એટલે રૂઝવેલ્ટે એમાં એક-બે વાક્યોનો ઉમેરો કર્યો. સચિવ અકળાઈ ઊઠ્યો. એણે હિંમત કરીને પૂછી લીધું,  ‘આપ પત્રમાં જે લખાવવા માંગતા હો, તે ડિક્ટેશનમાં જ કેમ લખાવી દેતા નથી ? ટાઇપ કરેલા કાગળમાં આવું હાથ-લખાણ સારું લાગતું નથી. આ સાંભળી પ્રમુખ રૂઝવેલ્ટ હસ્યા અને પ્રેમથી બોલ્યા,  ‘દોસ્ત ! આ  માન્યતા તારી ભૂલભરેલી છે. ટાઇપ કરેલા કાગળમાં હું સ્વ-હસ્તાક્ષરમાં કંઈ લખું, તો તે પત્રને બગાડનારી બાબત નથી, પરંતુ એની શોભા વધારનારી છે. મારા હસ્તાક્ષરમાં લખાયેલા આ શબ્દો જોઈને એ વ્યક્તિને એમ થશે કે આ માત્ર ઔપચારિક પત્ર નથી. એને એમ લાગશે કે રાષ્ટ્રપતિએ જાતે લખીને એના પ્રત્યે ખાસ સ્નેહ દાખવ્યો છે. આમ હસ્તાક્ષરમાં થોડું લખવાથી એ પત્ર આત્મીય અને સૌહાર્દપૂર્ણ બને છે.  પ્રમુખનો અંગત સચિવ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો અને એના મનમાં રૂઝવેલ્ટ પ્રત્યેનો આદર વધી ગયો. અમેરિકાના પ્રમુખનો હોદ્દો ધારણ કરનારી વ્યક્તિ અન્યની લાગણીની કેટલી બધી માવજત કરે છે, એ જોઈને આશ્ચર્ય થયું. પોલિયોને કારણે શારીરિક તકલીફો ધરાવતા ફ્રેન્કલિન રૂઝવેલ્ટ ૧૯૩૨, ૧૯૩૬, ૧૯૪૦ અને ૧૯૪૪માં ડેમૉક્રૅટિક પક્ષ તરફથી પ્રમુખપદના ઉમેદવાર તરીકે ચૂંટાયા અને અમેરિકાના રાજકીય ઇતિહાસમાં ચાર વખત પ્રમુખપદે ચૂંટાનાર સર્વપ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે.