Categories
વાચન સમૃદ્ધિ

સ્થિરવાસનું સરનામું

ગ્રીસના તત્ત્વચિંતક ડાયોજિનિસ તત્ત્વવેત્તા સૉક્રેટિસના શિષ્ય એમ્ટિસ્થેનિસના શિષ્ય હતા. એમણે સ્વાવલંબી જીવન જીવવાનો આગવો માર્ગ બનાવ્યો. દિવસે ફાનસ લઈને ઍથેન્સ શહેરની શેરીઓમાં ઘૂમતા હતા અને કહેતા કે દિવસે ફાનસના અજવાળે પ્રમાણિક માણસને શોધવા નીકળ્યો છું. એક વાર તત્ત્વવેત્તા ડાયોજિનિસ પાસે ઉતાવળે આવેલા એક યુવાને પ્રશ્ન કર્યો, ‘મને જલદી કહો, ધર્મ એટલે શું ?’ ડાયોજિનિસે કહ્યું, ‘અરે ભાઈ, એમ ઉતાવળે ધર્મની વ્યાખ્યા થઈ શકે નહીં.’ આગંતુકે કહ્યું, ‘પણ હું બહુ ઉતાવળમાં છું. મને પાંચેક મિનિટમાં ધર્મની વ્યાખ્યા સમજાવો.’ ડાયોજિનિસે અકળાઈને યુવાનને કહ્યું, ‘જેમ તમે ઉતાવળમાં છો એમ હું પણ ઉતાવળમાં છું. આટલા ઓછા સમયમાં ધર્મ વિશે સમજાવવું મુશ્કેલ છે, માટે તમારું સરનામું આપો તો હું તમને લેખિત રૂપે ધર્મની વ્યાખ્યા મોકલી આપીશ.’ આગંતુકે કાગળ અને પેન લીધાં, સરનામું લખ્યું અને ડાયોજિનિસને આપ્યું. ત્યારે ડાયોજિનિસે પૂછ્યું, ‘આ તારા સ્થાયી નિવાસનું સરનામું છે ને ? અહીંથી બીજે ક્યાંય જતો નથી ને !’ ‘એવું બને છે કે ક્યારેક હું બીજે સ્થળે જાઉં છું. લાવો એનું પણ સરનામું તમને આપી દઉં.’ એ સમયે ડાયોજિનિસે કહ્યું, ‘મામલો સ્થાયીનો છે, અસ્થાયીનો નહીં. જ્યાં તમારો સ્થિરવાસ હોય તે કહો. નહીં તો હું પત્રવ્યવહાર કેવી રીતે કરી શકીશ ?’ ડાયોજિનિસની એકની એક વાત સાંભળીને યુવાને અકળાઈને પોતાની જાતને બતાવતાં કહ્યું, ‘જુઓ, હું અહીંયાં રહું છું. કંઈ કહેવું હોય તો કહો, નહીં તો આ ચાલ્યો.’ ડાયોજિનિસ બોલ્યા, ‘બસ ભાઈ, આ જ તો ધર્મ છે. ધર્મનો અર્થ છે પોતાનામાં રહેવું, પોતાની જાતને ઓળખવી અને આત્મચિંતન કરવું. આ જ એની વ્યાખ્યા છે.’

Categories
વાચન સમૃદ્ધિ

વિલિયમ ગોલ્ડિંગ

જ. ૧૯ સપ્ટેમ્બર, ૧૯૧૧ અ. ૧૯ જૂન, ૧૯૯૩

ઈ. સ. ૧૯૮૩નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિલિયમ ગોલ્ડિંગનો જન્મ ઇંગ્લૅન્ડના સેંટ કોલંબસ માઈનાર નામના સ્થળે થયો હતો. પિતાનું નામ એલેક અને માતાનું નામ મિલ્ફ્રેડ. જન્મસ્થળ માર્લબરો ગ્રામર સ્કૂલમાં પ્રારંભિક શિક્ષણ લઈ તેઓ ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં દાખલ થયા. કૉલેજ- શિક્ષણ પૂરું કરી તેમણે અધ્યાપનક્ષેત્રે કાર્ય કર્યું. ઑક્સફર્ડની જે સંસ્થામાંથી તેમણે સ્નાતકની પદવી લીધી હતી ત્યાં જ તેઓ માનાર્હ ફેલો થયેલા. ઈ. સ. ૧૯૪૦માં એન બ્રુકફિલ્ડ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. સંગીત અને ગ્રીક ભાષાનું વાચન તેમના શોખના વિષયો હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે તેઓ નૌકાદળમાં જોડાયા. ૧૯૪૪માં તેઓ એક યુદ્ધનૌકાના કમાન્ડર હતા. જર્મન યુદ્ધ-જહાજ ‘બિસ્માર્ક’ને તેમણે સમુદ્રમાં ગરકાવ થતું જોયું હતું. યુદ્ધ પૂરું થયા બાદ તેઓ પુન: અધ્યાપનકાર્યમાં જોડાઈ ગયા હતા. વિશ્વયુદ્ધો ચાલતાં હતાં ત્યારના મોટા ભાગના સાહિત્યસર્જકો પર યુદ્ધના વિનાશની ઘેરી અસર પડી હતી. વળી ગોલ્ડિંગને તો સાગર અને વિશ્વયુદ્ધ બંનેનો અનુભવ હતો, તેથી તેમનાં લખાણોમાં આ બંનેનું પ્રાધાન્ય રહેલું છે. તેઓ માનતા હતા કે દરેક મનુષ્યમાં એક પશુ છુપાયેલું છે. ૧૯૫૪માં તેમની પ્રથમ નવલકથા ‘લૉર્ડ ઑફ ધી ફ્લાઇઝ’ પ્રકાશિત થઈ. વિશ્વની ૨૮ ભાષાઓમાં તેનો અનુવાદ થયો છે. એમની પાસેથી ‘ધી ઇનહેરીટર્સ’, ‘ફ્રી ફૉલ’, ‘ધી સ્પાયર’, ‘ડાર્કનેસ વિઝિબલ’ વગેરે નવલકથાઓ મળી છે. ૧૯૮૭માં તેઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. લેખક તરીકે તેઓ ગંભીર પ્રકૃતિના હતા. તેમણે નાટકો પણ લખ્યાં છે ને અભિનય પણ કર્યો હતો. ઈ. સ. ૧૯૬૬માં તેમને ‘સર’નો ખિતાબ આપવામાં આવ્યો હતો. તેમને અનેક સંસ્થાઓ તરફથી ડી. લિટ.ની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. છેલ્લે તેઓ કુટુંબ સાથે સેલ્સબરી પાસે આવેલ વિલ્ટશાયરમાં રહેતા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સ્કેટિંગ

નાનાં પૈડાંવાળાં વિશિષ્ટ પ્રકારનાં પગરખાં બાંધીને કઠણ સપાટી ઉપરથી સરકવાની રમત. રોલર-સ્કેટની સૌપ્રથમ શોધ બેલ્જિયમના મર્લિને ૧૭૬૦માં કરી હતી; પરંતુ ચાર પૈડાંવાળી સર્વાનુકૂલ રોલર-સ્કેટનો સૌપ્રથમ પ્રચાર અમેરિકાના પ્લિમ્ટને ૧૮૬૩માં કર્યો હતો. સૌપ્રથમ સ્કેટિંગ-ક્લબ ૧૭૪૨માં સ્કૅન્ડિનેવિયામાં સ્થાપવામાં આવી હતી. ૧૭૭૨માં સ્કેટિંગ અંગેનું પુસ્તક લંડનમાં પ્રગટ થયું હતું. ૧૮૪૨માં લંડનમાં સ્કેટિંગ-ક્લબની સ્થાપના થઈ. હાલમાં વિશ્વકક્ષાએ રોલર-સ્કેટિંગ રમતનું સંચાલન કરતી સંસ્થા ઇન્ટરનેશનલ રોલર સ્કેટિંગ ફેડરેશનનું મુખ્ય મથક સ્પેનના બાર્સિલોનામાં છે. રોલર-સ્કેટના મુખ્ય બે ભાગ હોય છે : બૂટ અને સ્કેટના અન્ય ભાગો (ઍસેમ્બ્લી). બૂટ મોટા ભાગે ચામડાના બનેલા હોય છે. આર્ટિસ્ટિક સ્કેટિંગમાં બૂટ ઘૂંટીથી ઉપર સુધીના  હોય છે જ્યારે સ્પીડ-સ્કેટિંગના બૂટ બેઠા ઘાટના હોય છે. સ્કેટ બનાવવા માટે ધાતુ કે પ્લાસ્ટિકના પાટિયા(પ્લેટ)ને બૂટના તળિયા સાથે ચોંટાડી દેવામાં આવે છે. તે પાટિયા(પ્લેટ)ની નીચે ટ્રક-ઍસેમ્બ્લી લગાવવામાં  આવે છે. તેનાથી સ્કેટરને ખૂણા પર સીધો વળાંક (શાર્પ ટર્ન) લેવામાં મદદ થાય છે. પૈડાંની જોડીને એક્સેલની મદદથી ટ્રક-ઍસેમ્બ્લી સાથે જોડવામાં આવે છે. ટો-સ્ટૉપ નામનો ભાગ બૂટ નીચે આગળ લગાડવામાં આવ્યો હોય છે. તે સ્કેટરને અચાનક ઊભા રહેવામાં મદદ કરે છે. ૧૯૮૦માં સ્પી-રોલર-સ્કેટિંગ માટે એક જ સીધી લીટીમાં ચાર પૈડાંઓ લગાવેલા સ્કેટ પણ પ્રચલિત થયા છે. પહેલાં સ્કેટનાં પૈડાં ધાતુ કે લાકડાનાં બનતાં હતાં, પણ હવે તે કઠણ પ્લાસ્ટિક પૉલિયુરિથેન (polyurethane)નાં બને છે.

સ્કેટિંગ કરતાં બાળકો

સ્કેટિંગની રમત ત્રણ પ્રકારે રમવામાં આવે છે : (૧) સ્પીડ-રોલર-સ્કેટિંગ, (૨) આર્ટિસ્ટિક રોલર-સ્કેટિંગ, (૩) રોલર-હૉકી. સ્પીડ-રોલર-સ્કેટિંગની સ્પર્ધાઓ રિન્ક ઉપર અથવા ખુલ્લા રસ્તાઓ પર યોજાય છે. પુરુષો તથા મહિલાઓ માટે અલગ સ્પર્ધાઓ રાખવામાં આવે છે. સ્પર્ધકોને તેમની ઉંમર પ્રમાણે જુદા જુદા વર્ગોમાં વહેંચી દેવામાં આવે છે. જે સ્પર્ધા સ્કેટિંગ-રિન્કમાં યોજાય છે તેમાં ૧૦૦ મીટરથી ૫૦૦૦ મી. સુધીનું અંતર કાપવાનું હોય છે. જ્યારે રસ્તા ઉપર યોજાતી સ્પર્ધાઓમાં ૩૦૦ મી.થી ૨૦,૦૦૦ મી.ના અંતર સુધીની સ્પર્ધાઓ યોજાય છે. રિલે-સ્પર્ધા પણ રાખવામાં આવે છે. આર્ટિસ્ટિક સ્કેટિંગમાં ફ્રી સ્કેટિંગ તથા ફિગર-સ્કેટિંગનો સમાવેશ થાય છે. ફ્રી સ્કેટિંગમાં સ્પર્ધક સંગીતના તાલે તાલે સરકવાની, ગોળ ગોળ ઘૂમવાની (spin) અને ઊછળકૂદ (jumps) કરવાની પોતાની ચરણગતિની કૌશલ્યકળા રજૂ કરે છે. આ સ્પર્ધા બેની જોડીમાં પણ યોજાય છે, જેમાં એક પુરુષ અને એક સ્ત્રી સાથે સાથે રહી સ્કેટિંગ કરે છે. ડાન્સ-સ્કેટિંગમાં સ્પર્ધક સંગીતના તાલે નૃત્ય કરે છે.  ખેલાડીએ નિયત સમયમર્યાદામાં પોતાની કૃતિઓનું નિદર્શન કરવાનું હોય છે. ફિગર-સ્કેટિંગમાં સ્પર્ધકે રિન્ક ઉપર દોરેલાં વર્તુળો પર જુદી જુદી આકૃતિઓ રચવાની હોય છે; જેમાં વર્તુળ, વળાંક, કૌંસ, અંગ્રેજી આઠડો વગેરેના આકારોનો સમાવેશ થાય છે. રોલર-હૉકીમાં સ્કેટ પહેરી હૉકી રમવાની હોય છે. વિદેશમાં આઇસ-સ્કેટિંગ કરવામાં આવે છે. તેમાં બરફથી આચ્છાદિત રિન્ક ઉપર સ્કેટિંગ કરવામાં આવે છે. આઇસ-સ્કેટિંગના બૂટના તળિયે પૈડાંને બદલે બ્લેડ લગાવવામાં આવે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૧૦