Categories
વાચન સમૃદ્ધિ

ડાકર

પશ્ચિમ આફ્રિકામાં કેપવર્ડ દ્વીપકલ્પના દક્ષિણ છેડે આટલાંટિક કિનારે આવેલું  સેનેગલનું  પાટનગર  અને મહત્ત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : ૧૫° ઉ. અ., ૧૭° ૩૦´ પ. રે.. ગાંબિયા અને સેનેગલ નદીઓના મુખપ્રદેશ વચ્ચે તે આવેલું છે. વોલોફ લોકોની ભાષાના શબ્દ તથા લેબ્રુ લોકોના આ જ નામના ગામ ‘ડાકહર’ ઉપરથી આ નામ પડ્યું છે. તે દક્ષિણ અમેરિકાના પ્રદેશથી સૌથી નજીક અને તે દેશો સાથેના વેપારનું મહત્ત્વનું કેન્દ્ર છે. તેની પૂર્વે આવેલાં માલી અને મોરેટાનિયા રાજ્યોનું તે પ્રવેશદ્વાર છે. વિસ્તાર ૫૫૦ ચોકિમી. જેટલો છે. 2023 મુજબ આ શહેરની વસ્તી આશરે 40 લાખ જેટલી છે. તેની આબોહવા ઉષ્ણકટિબંધમાં આવેલા દેશો જેવી ભેજવાળી છે, પણ સમુદ્ર ઉપરથી વાતા પવનોને કારણે ત્યાં તાપમાન ઓછું રહે છે. અહીં સરાસરી જાન્યુઆરીનું તાપમાન ૨૨.૨° સે. અને જુલાઈનું ૨૭.૮° સે. રહે છે. એથી ઑક્ટોબર દરમિયાન ૫૪૦ મિમી. વરસાદ પડે છે. તેની આબોહવા ખુશનુમા છે.

ડાકર શહેર

અહીં મગફળીનું મોટા પાયે વાવેતર થાય છે. અનાજમાં બાજરી અને મકાઈ તથા ફળો પૈકી કેળાં છે. અહીં ટ્રકોના જુદા જુદા ભાગોનું જોડાણ, મગફળીનું પિલાણ તથા શુદ્ધીકરણ, જહાજોની મરામત, પ્રક્રિયા બાદ માછલીનું ડબામાં પૅકિંગ, ખાંડ, કાગળ, ચર્મઉદ્યોગ (પગરખાં), ઠંડાં પીણાં, રસાયણ, સાબુ, કાગળ વગેરે ઉદ્યોગો વિકસ્યા છે. હાન ખાતે ઔદ્યોગિક વસાહત છે. ગોરીમાં દરિયાઈ સંગ્રહસ્થાન અને ડાકરમાં ઇતિહાસ, નૃવંશશાસ્ત્ર, પુરાતત્ત્વનાં સંગ્રહસ્થાનો છે. પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટ તથા ૧૯૪૯માં સ્થપાયેલી ડાકર યુનિવર્સિટીનું તે મથક છે. ફ્રેન્ચ સંસ્કૃતિ અને સ્થાપત્યની અસર અહીં જોવા મળે છે. અનેક દેશો સાથે જોડાયેલું હવાઈ માર્ગોનું આ ટર્મિનસ યુરોપ અને દક્ષિણ અમેરિકાના દેશો વચ્ચે વેપારવિનિમય માટે સેતુ સમાન છે. આ બંદર પરથી પેટ્રોલિયમ, યંત્રો વગેરેની આયાત અને મગફળી, મગફળીનું તેલ અને ફૉસ્ફેટની નિકાસ થાય છે. ૧૯૫૯થી તે ટ્યૂના માછલી પકડવા માટેનું બંદર બન્યું છે. ૧૮૬૬માં દક્ષિણ અમેરિકા જતી ફ્રેન્ચ સ્ટીમરો અહીં કોલસા લેવા થોભતી હતી. ૧૮૮૫માં સર્વપ્રથમ વેસ્ટ આફ્રિકન રેલવે સેન્ટ લુઈથી ડાકર સુધી અને ૧૯૨૪માં તે ફ્રેન્ચ સુદાન કે માલી સુધી લંબાવાઈ હતી. ઇતિહાસ : અહીં યુરોપીય પ્રજાઓ પૈકી ડચો સર્વપ્રથમ વસ્યા હતા. તેમણે ૧૬૧૭માં ડાકર પૉઇન્ટ નજીકનો ગોરી ટાપુ કબજે કર્યો હતો. ૧૬૭૭માં આ ટાપુ ફ્રેન્ચોએ જીતી લીધો હતો. ૧૮૫૭ સુધીમાં સ્થાનિક લોકોના સામનાનો અંત આવ્યો હતો. આ જ વરસે ડાકર ખાતે ધક્કો બંધાવ્યો હતો. ૧૮૮૯માં તે ફ્રેન્ચ કૉમ્યૂન ઇલાકો બન્યું. ૧૯૦૨માં ફ્રેન્ચ નૈર્ઋત્ય આફ્રિકાના ગવર્નર-જનરલનું તે નિવાસસ્થાન બન્યું. ૧૯૦૪માં સેન્ટ લુઈને બદલે ડાકર ફ્રેન્ચ પશ્ચિમ આફ્રિકાનું પાટનગર બન્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તેનું મહત્ત્વ વધ્યું હતું. ૧૯૪૦માં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન તાબેદારી સ્વીકારનાર વીચી ખાતેની ફ્રેન્ચ સરકારને તેણે ટેકો અને સહકાર આપ્યા હતા. ૧૯૪૧માં બ્રિટિશ તથા સ્વતંત્ર ફ્રેન્ચ લશ્કરના હુમલાનો તેણે સામનો કર્યો હતો. ૧૯૪૩માં તે મિત્રરાજ્યો સાથે જોડાયું હતું. ૧૯૫૯–૧૯૬૦ના થોડા સમય દરમિયાન તે માલી સમવાયતંત્રનું પાટનગર બન્યું હતું, પણ આ જોડાણ અલ્પજીવી નીવડતાં ૧૯૬૦ના અંતભાગમાં તે સેનેગલના સ્વતંત્ર રાજ્યનું પાટનગર બન્યું હતું.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

એમ. એસ. સુબ્બુલક્ષ્મી

જ. ૧૬ સપ્ટેમ્બર, ૧૯૧૬ અ. ૧૧ ડિસેમ્બર, ૨૦૦૪

અત્યંત મધુર કંઠ, સંસ્કૃત ભાષાના ઉચ્ચારની સ્પષ્ટતા, આરોહ-અવરોહની ખૂબી તથા લય અને તાલની મોહિની ધરાવતાં એમ. એસ. સુબ્બુલક્ષ્મીનો જન્મ મદુરાઈમાં એક જાણીતા સંગીત પરિવારમાં થયો હતો. તેથી બાળપણથી જ સુબ્બુલક્ષ્મીને સંગીતના સંસ્કાર મળ્યા હતા. ફક્ત ચાર ધોરણ સુધી અભ્યાસ કરી તેમણે શાળાકીય શિક્ષણ લેવાનું છોડી દીધું અને સમગ્ર ધ્યાન સંગીતસાધનામાં પરોવ્યું. કિશોરાવસ્થા સુધીમાં તો તેઓ કર્ણાટકી શાસ્ત્રીય સંગીતમાં નિપુણતા મેળવી ચૂક્યાં હતાં. ૧૯૪૦માં તેમનાં લગ્ન શ્રી ટી. સદાશિવમ્ સાથે થયાં હતાં. પતિ પાસેથી તેમને સંગીતમાં માર્ગદર્શન, મદદ અને મમતાભરી માવજત મળી. ૧૯૪૪માં મુંબઈમાં અખિલ ભારતીય સંગીત સંમેલનમાં કાર્યક્રમ રજૂ કરી તેમણે ભારતભરમાંથી આવેલા સંગીતકારોને પ્રભાવિત કર્યા હતા. સૌંદર્ય અને સૂરોનો અનોખો સંગમ ધરાવતાં આ કલાકારે ૧૮ વર્ષની ઉંમરે તમિળ ફિલ્મોમાં અભિનેત્રી તરીકે પદાર્પણ કર્યું. તેમની ફિલ્મ ‘મીરાં’એ અદભુત સફળતા પ્રાપ્ત કરી હતી. આ ફિલ્મમાં ૧૮ જેટલાં ભજનો તેમણે પોતાના સુરીલા કંઠે ગાયાં હતાં જે ખૂબ જ લોકપ્રિય બન્યાં હતાં. સુબ્બુલક્ષ્મીએ કર્ણાટકી સંગીતનું શિક્ષણ માતાથી માંડીને અરિયકુડી રામાનુજ આયંગર જેવા મહાન દક્ષિણ ભારતીય સંગીતકારો દ્વારા પ્રાપ્ત કર્યું તો દ્વિજેન્દ્રલાલ રૉય પાસેથી ઉત્તર હિન્દુસ્તાની શૈલીના ‘ખયાલ’ અને સિદ્ધેશ્વરી દેવી પાસેથી ‘ઠૂમરી’ અને ‘ટપ્પા’નું શિક્ષણ મેળવ્યું હતું. મીરાંનાં ભજનો ગાયાં બાદ સૂરદાસ, કબીર, તુલસીદાસ, નરસિંહ મહેતા વગેરે અનેક ભક્તકવિઓનાં ભજનો અને પદોને મધુર કંઠ આપ્યો હતો. તેમણે અનેક વાર ગાંધીબાપુની સમક્ષ સંગીત પીરસ્યું હતું. ૧૯૬૬માં ન્યૂયૉર્કમાં તેમણે રાષ્ટ્રસંઘની સામાન્ય સભા સમક્ષ પણ સંગીત પીરસ્યું હતું. સુબ્બુલક્ષ્મીએ દેશ-વિદેશમાં કરેલા પોતાના કાર્યક્રમો દ્વારા અનેક સંસ્થાઓને સમાજોપયોગી કાર્યો માટે લાખો રૂપિયાનું નાણાભંડોળ એકત્રિત કરી આપ્યું હતું. ૧૯૫૪માં ‘પદ્મભૂષણ’, ૧૯૫૬માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર, ૧૯૭૪માં મૅગ્સેસે ઍવૉર્ડ, ૧૯૭૫માં ‘પદ્મવિભૂષણ’ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ૧૯૯૮માં તેમને ‘ભારતરત્ન’નો સર્વોચ્ચ ખિતાબ પણ એનાયત થયો હતો. આ સન્માન મેળવનારાં તેઓ સર્વપ્રથમ સંગીતકાર હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રશંસાનો પ્રત્યુત્તર

દ્વિતીય વિશ્વયુદ્ધમાં બ્રિટનને સફળ આગેવાની પૂરી પાડનાર રાજપુરુષ વિન્સ્ટન ચર્ચિલ (જ. ૩૦ નવેમ્બર ૧૮૭૪; અ. ૨૪ જાન્યુઆરી, ૧૯૬૫) મહામુત્સદ્દી અને કુશળ લેખક હતા. હિટલરના ભયની સામે અંગ્રેજ પ્રજાનું ખમીર અને દેશાભિમાન ટકાવી રાખનાર વિન્સ્ટન ચર્ચિલ અંગ્રેજી ભાષાની વાક્છટાને કારણે તથા આગવી લેખનશૈલીને કારણે પણ પ્રસિદ્ધ થયા હતા. એમની પાસે વ્યક્તિના મનોભાવોને પારખવાની આગવી સૂઝ હતી. બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ અમેરિકા પ્રવાસે ગયા હતા, ત્યારે અમેરિકાની એક સ્કૂલમાં ભાષણ આપવા માટે ગયા. સ્કૂલની મુખ્ય અધ્યાપિકાએ વિન્સ્ટન ચર્ચિલને આવકાર આપ્યો. એમની અતિપ્રશંસા કરવા લાગ્યાં. વિન્સ્ટન ચર્ચિલ આવા આડંબરથી અકળાઈ ઊઠ્યા હતા, પરંતુ એમણે અણગમો વ્યક્ત કરવાને બદલે મૌન ધારણ કરવાનું ઉચિત માન્યું.

એ પછી ભાષણને માટે સ્કૂલના વિશાળ ખંડમાં ગયા, ફરી મુખ્ય અધ્યાપિકા એમને વિશે અતિશયોક્તિભરી પ્રશંસાના ઉદગારો કાઢવા લાગ્યાં. મુખ્ય અધ્યાપિકાએ ચર્ચિલને પૂછ્યું, ‘મિસ્ટર ચર્ચિલ, તમારી અવર્ણનીય વક્તૃત્વ કલાની વાત શી કરવી ? તમારાં વક્તવ્યોએ તો બ્રિટિશ પ્રજામાં ઉત્સાહ પ્રેર્યો અને એને વિશ્વયુદ્ધમાં વિજયી બનાવ્યું.’ ચર્ચિલે સહેજ સ્મિત કરીને ઉત્તર આપવાનું ટાળ્યું. પેલી મહિલાએ પ્રશ્ન કર્યો, ‘તમારા દરેક ભાષણ સમયે હૉલ ખીચોખીચ ભરેલો હોય છે, ત્યારે તમને કેવું લાગે છે ? એ જોઈને તમારા મનમાં શો વિચાર જાગે છે ?’ ચર્ચિલે હસતાં હસતાં કહ્યું, ‘માત્ર એક જ વિચાર જાગે છે કે, મારું રાજનીતિવિષયક ભાષણ સાંભળવા માટે આટલી મોટી ભીડ એકઠી થાય છે, તો જો મને ફાંસી આપવામાં આવે તો કેટલી મોટી ભીડ થાય.’