Categories
વાચન સમૃદ્ધિ

અર્થી બંધાય, તે પહેલાં જીવનનો અર્થ પામીએ !

રસ્તા પરથી પસાર થતી નનામી જોતાં વિચાર આવે કે નનામી પર એક વ્યક્તિ સૂતી છે અને તમે જાગો છો. એ ચિર નિદ્રામાં છે અને તમે  સતત જાગ્રત અવસ્થામાં ચાલો છો. આ જગત પરથી એની વિદાય નિશ્ચિત છે અને હજુ તમારી વિદાય ક્યારે છે તે અનિશ્ચિત છે, પરંતુ તમારી નિશ્ચિત વિદાય આવે તે પહેલાં આ અનિશ્ચિત જીવનનો સાર્થક ઉપયોગ કરવાની તમારી પાસે તક છે, આથી જ પ્રત્યેક વ્યક્તિનું મૃત્યુ એ તમારે માટે એક પડકાર છે અને તત્કાળ જાગ્રત થવાનો સંદેશ છે. એ નનામી પર સૂતેલા માણસ વિશે કોઈ એમ કહેશે કે ‘એ બિચારો ચાલ્યો ગયો’, તમે હજી એવા ‘બિચારા’ થયા નથી, પરંતુ જો સમયસર જીવનનો અર્થ સમજ્યા નહીં, તો તમે પણ ‘બિચારા’ બનીને વિદાય પામશો. એનો અર્થ જ એ કે અર્થી બંધાય તે પહેલાં જીવનનો અર્થ જાણી લેવો જોઈએ, નહીં તો મહાઅનર્થ થઈ જશે. રસ્તા પરથી પસાર થતી નનામી તમને સવાલ કરે છે કે તમે નામી છો કે બદનામી છો ? નામી છો તો નનામી પર વિદાય લેવી સાર્થક છે અને બદનામી છો, તો તમારી નનામી નિરર્થક છે, કારણ કે જેનું મૃત્યુ નિરર્થક એનું જીવન અર્થહીન. આખરે તો મૃત્યુ એ જીવનમાં ગાળેલા અને ગણેલા ગણિતના આંકડાઓનો અંતિમ સરવાળો છે. સ્મશાનયાત્રા એ માનવીને માટે અંતરયાત્રા બને છે. યાત્રા ઊર્ધ્વીકરણ માટે હોય છે. વ્યક્તિ જેમ જેમ યાત્રા કરતી જાય તેમ તેમ ભીતરથી ઊર્ધ્વીકરણ સાધતી જાય છે. આથી બને છે એવું કે સ્મશાને સહુ કોઈ જાય છે, સ્મશાનયાત્રામાં કોઈ જતું નથી.

Categories
વાચન સમૃદ્ધિ

મેજર રામાસ્વામી પરમેશ્વરન

જ. ૧૩ સપ્ટેમ્બર, ૧૯૪૬ અ. ૨૫ નવેમ્બર, ૧૯૮૭

‘પેરી સાબ’ના હુલામણા નામે જાણીતા મેજર રામાસ્વામી પરમેશ્વરનનો જન્મ મુંબઈમાં તમિળ બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પિતા કે. એસ. રામાસ્વામી અને માતા જાનકી. તેમણે ૧૯૬૩માં સાઉથ ઇન્ડિયન એજ્યુકેશન સોસાયટી (SIES) હાઈસ્કૂલમાંથી શાળેય શિક્ષણ પૂર્ણ કર્યું. ૧૯૬૮માં SIES કૉલેજમાંથી વિજ્ઞાન વિષયમાં સ્નાતક થયા. પછી તેઓ ચેન્નાઈની ઑફિસર્સ ટ્રેનિંગ એકૅડેમીમાં જોડાયા અને ૧૯૭૨માં પાસ થયા. ૧૫મી મહાર રેજિમેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે જોડાયા. ૮ વર્ષ સેવા આપી. તેઓ ૧૯૭૪માં લેફ્ટનન્ટ, ૧૯૭૯માં કૅપ્ટન અને ૧૯૮૪માં મેજર બન્યા. શ્રીલંકામાં ‘ઑપરેશન પવન’ માટે આઠમી મહાર બટાલિયનમાં તેમને શ્રીલંકા મોકલવામાં આવ્યા. ૨૪ નવેમ્બર, ૧૯૮૭ના રોજ રામાસ્વામીને બાતમી મળી કે કંતારોદાઈ ગામના ધર્મલિંગમને ત્યાં હથિયારો આવવાનાં છે. તેમણે કૅપ્ટન ડી. આર. શર્માને દસ જવાનો સાથે મોકલ્યા. રસ્તામાં મંદિર પાસે પહોંચતાં જ ટુકડી પર ગોળીબાર શરૂ થયો. આગળ વધવાનું શક્ય ન બનતાં રામાસ્વામી વીસ જવાનો સાથે કંતારોદાઈ પહોંચ્યા. ધર્મલિંગમના ઘરમાંથી કશું ન મળ્યું. પાછા ફરતી વખતે તમિળ ટાઇગર્સે તેમના પર હુમલો કર્યો. પોતાના સૈનિકોને બચાવવા તેમણે દસ સૈનિકોને સાથે લઈ દુશ્મનોને ઘેરવાની યોજના બનાવી. પોતાની સલામતીની ચિંતા કર્યા વગર તેઓ પેટથી ઘસડાઈને નાળિયેરીના બગીચા તરફ આગળ વધ્યા. એક ગોળી તેમના ડાબા કાંડા પર વાગી. તેમનો ડાબો હાથ લગભગ કપાઈ ગયો. તેમણે જમણા હાથથી ગોળીબાર ચાલુ રાખ્યો. તેમણે એક તમિળ ટાઇગરની રાઇફલ છીનવી તેને ગોળી મારી અને લડવાનું ચાલુ રાખ્યું. એ વખતે હેવી મોટર ગનની ગોળીઓ તેમની છાતીમાં વાગી. તેઓ સાથીદારોને દોરવણી આપતાં આપતાં વીરગતિ પામ્યા. બહાદુરી અને નિષ્ઠાપૂર્વક પોતાના સાથીદારોની જિંદગી બચાવવાના કાર્ય બદલ ભારત સરકારે લશ્કરના સર્વોચ્ચ સન્માન પરમવીરચક્ર(મરણોત્તર)થી તેમને નવાજ્યા. આર્મી વેલ્ફેર હાઉસિંગ ઑર્ગેનાઇઝેશન(AWHO)એ ૧૯૯૮માં તેમની યાદમાં ચેન્નાઈમાં આર્કોટ રોડ પરથી એક વસાહતનું નામ AWHO પરમેશ્વરન વિહાર રાખ્યું છે.

Categories
વાચન સમૃદ્ધિ

ડહેલિયા

વનસ્પતિના દ્વિદળી વર્ગમાં આવેલા એસ્ટરેસી કુળની નાની પ્રજાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Dahlia Variabilis, Dest છે. તે બહુવર્ષાયુ શાકીય વનસ્પતિ છે અને ગુચ્છેદાર સાકંદ (tuberous) મૂળ અને સુંદર સ્તબક પુષ્પવિન્યાસ ધરાવે છે. તેનાં લગભગ ૩,૦૦૦ બાગાયત સ્વરૂપોનું નામકરણ થયું છે. તેનાં પર્ણો સમ્મુખ અને એકપીંછાકાર (unipinnate) કે દ્વિપીંછાકાર (bipinnate) હોય છે. ખૂબ જ સુંદર આકારનાં લગભગ બધા રંગનાં (એક ભૂરા રંગ સિવાય) પુષ્પવિન્યાસથી શોભતો મોસમી પુષ્પોનો આ છોડ ઉદ્યાનની શોભા અનેરી રીતે વધારી મૂકે છે, ૩૦–૪૦ સેમી.થી એકાદ મીટર ઊંચા થાય તેવા છોડવાળી જાતો બજારમાં પ્રાપ્ય છે. પુષ્પના કદ અને પાંખડીઓની રચનાને આધારે તેની જુદી જુદી જાતો આવે છે; દા.ત., સિંગલ જાત, ડબલ જાત (પાંદડીઓ કમળની માફક ભરાવદાર અને પુષ્પ ૧૦ –૧૫ સેમી. વ્યાસવાળાં), કૅક્ટસ ડહેલિયા (પાંખડીઓ ઉપર પ્રમાણે પણ લગભગ ઊભી), રિફ્લેક્સ ડહેલિયા (પાંખડીઓ બહિર્વલિત), પૉમ્પોન ડહેલિયા (પાંખડીઓ ડબલ, સજ્જડ અને પુષ્પ પ્રમાણમાં નાનાં અને લગભગ ગોળ), ડહેલિયાની વામન જાત અને ઊંચી જાત – એમ પણ વર્ગીકરણ કરવામાં આવે છે અને તે માટે ઑગસ્ટથી તે ઑક્ટોબર સુધીમાં રોપવામાં આવે છે. સમગ્ર ભારતનાં ઉદ્યાનોમાં પુષ્કળ પ્રમાણમાં ઉગાડાય છે. ગુજરાતમાં મુખ્યત્વે શિયાળામાં પુષ્પનિર્માણ થાય છે. તે ક્યારામાં તેમજ કૂંડામાં ઉછેરી શકાય છે. રેતાળ અને ગોરાડુ (sandy loam) પણ ફળદ્રૂપ જમીન, સૂર્યનો તડકો અને સીધા પવનથી પૂરતું રક્ષણ તથા પૂરતા પ્રમાણમાં પાણી એ ડહેલિયાની જરૂરિયાત છે.

ડહેલિયાની જુદી જુદી જાતો

વંશવૃદ્ધિ જુદી જુદી રીતે થાય છે : (૧) બીજથી. આ પદ્ધતિથી ઇચ્છિત જાત મળતી નથી. (૨) ગુચ્છેદાર સાકંદ મૂળને છૂટાં કરીને તથા (૩) કંદમાંથી ઊગેલા છોડમાંથી શરૂ શરૂમાં કટિંગ કરી લેવાથી દુર્લભ જાતો અધિરોપણ (grafting) દ્વારા તૈયાર કરી શકાય છે. પ્રદર્શન માટે એક છોડ ઉપર એક કે બે પુષ્પ રાખી તેની ખૂબ દરકાર લેવામાં આવે છે. ઉદ્યાન માટે છૂટથી પુષ્પ ખીલવા દેવામાં આવે છે. ક્યારેક છોડ લચી પડે છે. આમ ન બને તે માટે શરૂ શરૂમાં ટોચનું કૃન્તન (pruning) કરવામાં આવે છે, જેથી બાજુમાં શાખાઓ વધારે ફૂટે છે. પુષ્પનિર્માણ બાદ છોડને સુકાવા દેવામાં આવે છે અને એના સાકંદ મૂળને કાઢીને રેતીમાં ઠંડકવાળી જગ્યાએ બીજી મોસમ સુધી સાચવી રાખવામાં આવે છે. ગુજરાતમાં આ રીતે સાચવવામાં ઘણી મુશ્કેલી પડે છે એટલે મોટે ભાગે બહારથી જ છોડ મંગાવવામાં આવે છે. ડહેલિયાનાં સાકંદ મૂળ લિવ્યુલોઝના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે સાકંદ મૂળના શુષ્ક વજનના ૬૨% ઇન્યુલિન ધરાવે છે, જેના જલવિભાજનથી લિવ્યુલોઝ ઉત્પન્ન થાય છે. સાકંદ મૂળ લગભગ ૮૩.૩% પાણી, ૦.૭૪ % નાઇટ્રોજનયુક્ત પદાર્થો, ૧૦.૩૩% ઇન્યુલિન અને ૧.૨૭% અપચાયક (reducing) શર્કરાઓ ધરાવે છે. તેમાં ફાઇટિન, આર્જિનિન, એસ્પરજિન, હિસ્ટીડિન, ટ્રાઇગોનેલિન અને વેનિલિન વગેરે રાસાયણિક પદાર્થોની હાજરી માલૂમ પડી છે. પુષ્પનો રંગ ફ્લેવૉન અને ઍન્થોસાયનિન નામનાં દ્રાવ્યરંજક દ્રવ્યોને આભારી છે. જુદી જુદી જાતોમાંથી મળી આવેલાં રંજક દ્રવ્યોમાં એપીજેનિન, લ્યુટિયોલિન, ડાયોસ્મિન અને ફ્રેગેસિનનો સમાવેશ થાય છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮