Categories
વાચન સમૃદ્ધિ

કવલમ અયપ્પા પાનીકર

જ. ૧૨ સપ્ટેમ્બર, ૧૯૩૦ અ. ૨૩ ઑગસ્ટ, ૨૦૦૬

જાણીતા મલયાળમ કવિ અને વિવેચકનો જન્મ કેરળના અલાપ્પુઝા નજીક કાવલમ્ ગામમાં ઈ. નારાયણન અને એમ. મીનાક્ષીઅમ્માને ત્યાં થયો હતો. માત્ર બાર વર્ષની ઉંમરે માતા ગુમાવી. માતાના અવસાનની વેદના અને એકાંત એમની કવિતામાં પ્રતિબિંબિત થયું. માત્ર સોળ વર્ષની ઉંમરે તેમની પ્રથમ કવિતા ‘માતૃભૂમિ’ સાપ્તાહિકમાં પ્રકાશિત થયેલી. તેમણે તિરુવનંતપુરમની યુનિવર્સિટી કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ. કર્યું અને કેરળ યુનિવર્સિટીમાંથી માસ્ટરની ડિગ્રી મેળવી. અમેરિકાના બ્લૂમિંગ્ટનની ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી રોબર્ટ લૉવેલની કવિતા વિશે ૧૯૭૧માં પીએચ.ડી. કર્યું. ત્યારબાદ તેમણે ૧૯૮૧-૮૨માં યેલ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં પોસ્ટ ડૉક્ટરેટ કર્યું. તેમણે કારકિર્દીની શરૂઆત ૧૯૫૧માં કોટ્ટાયમની સીએમએસ કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે કરી હતી. ત્યારબાદ તિરુવનંતપુરમ્ યુનિવર્સિટીની કૉલેજમાં અને પછી કેરળ યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયના અધ્યાપક, રીડર, વિભાગીય વડા તરીકે કામ કર્યું. ૧૯૮૦માં કેરળ યુનિવર્સિટીમાં આર્ટ્સ ફૅકલ્ટીના ડીન બન્યા. તેમણે ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેમના કાવ્યસંગ્રહનો ‘પૉએટ્રી ઍટ મિડનાઇટ’ નામે અંગ્રેજીમાં અનુવાદ થયો છે. અયપ્પા પાનીકર ઘણાં વર્ષો અમેરિકામાં રહ્યા હોવાથી પશ્ચિમના અદ્યતન સાહિત્યિક પ્રવાહોથી પરિચિત હતા. આ બધા પ્રવાહોથી કેરળના કાવ્યસાહિત્યને તેમણે સમૃદ્ધ કર્યું. તેમની શરૂઆતની કવિતા પર કવિ ટી. એસ. એલિયટનો પ્રબળ પ્રભાવ હતો, પરંતુ પછી નિજી પ્રતિભા ધરાવતી કવિતાઓ આપી. તેમણે ગેય અને છંદોવિહીન કવિતા પણ આપી છે. તેમની કવિતામાં વિષય અને નિરૂપણરીતિનું પ્રચુર વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. તેમના સમગ્ર સાહિત્યને સમાવતા ‘અયપ્પાપાનીકેરુત કૃતિકલ’ના પાંચ ગ્રંથો પ્રકાશિત થયા છે. તેમને ૨૦૦૫માં સરસ્વતી સન્માનથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત તેમને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ પણ એનાયત થયો છે. તેઓ આધુનિક અને અનુઆધુનિક સાહિત્યિક સિદ્ધાંતો તેમજ પ્રાચીન ભારતીય સૌંદર્યશાસ્ત્ર અને સાહિત્યિક પરંપરાઓમાં વિદ્વાન હતા.

Categories
વાચન સમૃદ્ધિ

પ્રવાસીનો પરિગ્રહ

પોલૅન્ડમાં હાફૅઝ ચાઇમ નામના ધર્મગુરુ વસતા હતા. આ ધર્મગુરુ અપરિગ્રહનો આદર્શ મનાતા હતા. એમનું જીવન સાવ સીધું-સાદું અને જરૂરિયાતો તદ્દન ઓછી.  એમની જીવનશૈલીની વાત સાંભળીને સહુને આશ્ચર્ય થતું. આ તે કેવા ધર્મગુરુ, કે જે ઓછામાં ઓછી ચીજવસ્તુઓથી જીવે. એક બાજુ ભૌતિક માનવી ચીજ-વસ્તુઓના ખડકલા કરીને જીવતો હોય, એના વગર એનું જીવન ચાલે નહીં, ત્યાં આ ધર્મગુરુની વાત સહુને આશ્ચર્યકારક લાગતી. એક અમેરિકને હાફૅજ ચાઇમની નામના સાંભળી. એને ધર્મગુરુના દર્શનની ઇચ્છા જાગી અને શોધતો શોધતો પોલૅન્ડમાં એ યહૂદી ધર્મગુરુના ઘરમાં આવી પહોંચ્યો. એનું ઘર જોઈને અમેરિકન પ્રવાસી અતિ આશ્ચર્ય પામ્યો. આ તે કેવું ઘર ? જ્યાં ન કોઈ ટેબલ-ખુરશી મળે, ન કોઈ જરૂરી સામાન દેખાય. ઘરની દીવાલો સાવ કોરી, ક્યાંય કશો શણગાર નહીં ! પ્રવાસી અમેરિકને આશ્ચર્ય સાથે ધર્મગુરુને પૂછ્યું, ‘અરે, આ તો આપનું નિવાસસ્થાન છે. સેંકડો લોકો આપને મળવા આવે છે અને આપ એને જીવનનો સાચો રાહ બતાવો છો, પણ ઘરમાં કેમ કશું રાખતા નથી ?’ હાફૅઝ ચાઇમે કહ્યું, ‘છે ને, આ મારા જીવનસંગાથી જેવાં પુસ્તકો છે, પછી બીજું જોઈએ શું ?’ ‘એ તો ઠીક, પણ ઘરમાં ફર્નિચર તો હોવું જોઈએ ને ! આપના માટે અને આવનારને માટે તો એની જરૂર પડે ને ! સંત હાફૅઝે વળતો પ્રશ્ન કર્યો, ‘મારી વાત છોડ, પણ તારી વાત કહે, તારું ફર્નિચર ક્યાં છે ?’ ‘મારું ફર્નિચર, મારા જેવા પ્રવાસીની સાથે ફર્નિચર ક્યાંથી હોય ? હું કઈ રીતે મારી સાથે રાચરચીલું રાખું ? આજે અહીં, તો કાલે બીજે.’ ‘બસ, ભાઈ, હું પણ આવો જ આ દુનિયાનો પ્રવાસી છું.’

Categories
વાચન સમૃદ્ધિ

લાલા અમરનાથ

જ. ૧૧ સપ્ટેમ્બર, ૧૯૧૧ અ. ૫ ઑગસ્ટ, ૨૦૦૦

દૃષ્ટિવંત સુકાની, આક્રમક બૅટ્સમૅન, નિપુણ મધ્યમ ઝડપી ગોલંદાજ, સફળ વિકેટકીપર, સમર્થ સુકાની અને સિલેક્શન કમિટીના દીર્ઘદ્રષ્ટા સિલેક્ટર તરીકે લાલા અમરનાથે ભારતીય ક્રિકેટમાં આગવી નામના હાંસલ કરી હતી. ભારતીય ક્રિકેટમાં સી. કે. નાયડુ પછી ભારતના ક્રિકેટ-શોખીનોનાં દિલોદિમાગ પર અઢી દાયકા સુધી છવાઈ જનાર પ્રતિભાશાળી ઑલરાઉન્ડર અને સમર્થ સુકાની લાલા અમરનાથની સેવાઓ અવિસ્મરણીય છે. લાલા અમરનાથ ૧૯૩૩માં ભારત તરફથી સર્વપ્રથમ ટેસ્ટ-સદી નોંધાવનારા બન્યા અને આઝાદ ભારતના સર્વપ્રથમ ટેસ્ટ-સુકાની બન્યા. ૧૯૫૨માં એમના નેતૃત્વ હેઠળ ભારતે પાકિસ્તાન સાથે પ્રથમ વાર ખેલાયેલી ટેસ્ટશ્રેણીમાં વિજય મેળવ્યો હતો. બૅટ્સમૅન તરીકે ઑફ-સાઇડના સ્ટ્રૉકનું પ્રભુત્વ ધરાવનાર લાલા અમરનાથ ‘સ્ક્વેર-કટ’ અને ‘સ્ક્વેર-ડ્રાઇવ’ લગાવવામાં કાબેલ હતા તેમજ ‘શૉર્ટ પીચ દડાને સ્ક્વેર લેગ તરફ મોકલી આપતા હતા. ઇંગ્લૅન્ડના પ્રભાવશાળી ગોલંદાજો સામે પોતાની પ્રથમ ટેસ્ટમાં ૨૧ બાઉન્ડ્રી સાથે ૨૧૦ મિનિટમાં ૧૧૮ રન કર્યા હતા. વિકેટકીપર તરીકે ક્રિકેટ ખેલવાનો પ્રારંભ કર્યો. સાહસિક બૅટ્સમૅન તરીકે ચોંકાવનારો પ્રવેશ કર્યો અને એ પછી ગોલંદાજ તરીકે વધુ ને વધુ ખીલતા રહ્યા અને એમની કારકિર્દીનું સમાપન જગતના ચુનંદા ઑલરાઉન્ડર તરીકે થયું. સ્વમાની અમરનાથની આસપાસ ક્યારેક વિવાદો પણ સર્જાયા હતા અને એક વાર એમને પ્રવાસ દરમિયાન અધવચ્ચેથી ભારત પાછા મોકલવામાં આવ્યા હતા. સ્વાધીન ભારતીય ટીમને વિદેશ લઈ જનારા આ સર્વપ્રથમ સુકાનીનું માન ધરાવનારા લાલા અમરનાથ ટેસ્ટશ્રેણીમાં ભારતને ‘રબર’ અપાવનારા પહેલા ગૌરવશાળી સુકાની છે. અમરનાથ ઇન-સ્વિંગર્સ નાખનારા મધ્યમ ઝડપી ગોલંદાજ હતા. જન્મજાત સુકાની તરીકે એમની પાસે વિકેટને પારખવાની અને વિદેશપ્રવાસનાં ભયસ્થાનોને સમજવાની ઊંડી સૂઝ હતી. ખેલાડી તરીકે વિદાય લીધા પછી ટીમના મૅનેજર તરીકે, રેડિયો-ટી.વી. કૉમેન્ટેટર તરીકે અને સિલેક્ટર તરીકે કામગીરી બજાવી. એમના પુત્ર સુરિન્દર અને મોહિન્દર અમરનાથ ટેસ્ટ ખેલાડી તરીકે અને સૌથી નાનો પુત્ર રાજિન્દર રણજી ટ્રૉફી ખેલાડી તરીકે રમ્યા હતા.