Categories
વાચન સમૃદ્ધિ

ડલાસ

યુ.એસ.ના ટૅક્સાસ રાજ્યમાં આવેલું મહત્ત્વનું ઔદ્યોગિક અને વ્યાપારી નગર તથા સાંસ્કૃતિક કેન્દ્ર. ભૌગોલિક સ્થાન : ૩૨° ૪૬´ ઉ. અ. અને ૯૬° ૪૭´ પ. રે.. ટૅક્સાસ રાજ્યની ઈશાનમાં આવેલું આ નગર ડલાસ પરગણાનું મુખ્ય વહીવટી મથક છે. મેક્સિકોના અખાતથી આશરે ૪૦૦ કિમી. અંતરે આવેલું આ શહેર સમુદ્રસપાટીથી ૧૩૨–૨૧૬ મી. ઊંચાઈ પર વસેલું છે. યુ.એસ.નાં મોટાં નગરોમાં તેની ગણના થાય છે. તેનો કુલ વિસ્તાર ૧૪૦૭ ચોકિમી. અને મહાનગર સાથે ૯૨૮૭ ચોકિમી. છે. શહેરની વસ્તી ૧૩,૨૬,૦૦૦ (૨૦૨૪, આશરે), અર્બન વસ્તી ૫૭,૩૨,૦૦૦ (૨૦૨૪, આશરે) અને મહાનગરની વસ્તી ૭૬,૩૭,૦૦૦ (૨૦૨૪, આશરે) જેટલી છે. કુલ વસ્તીમાં ૨૫%થી ૩૦% અશ્વેત પ્રજા છે. ટ્રિનિટી નદી તેને બે ભાગમાં વહેંચી નાખે છે. જાન્યુઆરી માસમાં તેનું સરેરાશ તાપમાન ૮° સે. તથા જુલાઈ માસમાં ૨૯° સે. હોય છે. નગરનો સરેરાશ વાર્ષિક વરસાદ ૮૮૦ મિમી. છે.

ટૅક્સાસ રાજ્યનું ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર ડલાસ નગર

અમેરિકાનું તે ખૂબ ઝડપથી વિકસતું ઔદ્યોગિક નગર છે. ત્યાં આશરે ૪૦૦૦ નાનામોટા ઔદ્યોગિક એકમો છે. ત્યાંના મુખ્ય ઉદ્યોગોમાં વીજળીનાં ઉપકરણો, ઇલેક્ટ્રૉનિક્સ, પ્રક્ષેપાસ્ત્રોના છૂટા ભાગ, હવાઈ જહાજ તથા સ્ત્રીઓના પોશાકનું ઉત્પાદન કરતા એકમોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત યંત્રો, ખાદ્યપ્રક્રમણ, છાપકામ તથા પ્રકાશનને લગતા એકમો નોંધપાત્ર છે. તેની આસપાસ કપાસનું ઉત્પાદન મોટા પાયા પર થતું હોવાથી વિશ્વનાં મહત્ત્વનાં કપાસ-બજારોમાં આ નગરની ગણના થાય છે. નગરની આસપાસના ૮૦૦ કિમી. વિસ્તારમાં યુ.એસ.ના ખનિજતેલનો આશરે ૭૫% હિસ્સો કેન્દ્રિત થયેલો હોવાથી તેને લગતી ઘણી કંપનીઓનાં  અને ઘણી વીમાકંપનીઓનાં મુખ્ય કાર્યાલયો તથા મોટી બૅંકો ત્યાં આવેલાં છે. ટૅક્સાસ રાજ્યનું તે મહત્ત્વનું શૈક્ષણિક તથા સાંસ્કૃતિક કેન્દ્ર છે. ત્યાં બિશપ કૉલેજ (૧૮૮૧), બેલર સ્કૂલ ઑવ્ ડેન્ટિસ્ટ્રી (૧૯૦૫), સધર્ન મેથૉડિસ્ટ યુનિવર્સિટી (૧૯૧૧), યુનિવર્સિટી ઑવ્ ટૅક્સાસ, હેલ્થ સાયન્સ સેન્ટર (૧૯૪૩) તથા યુનિવર્સિટી ઑવ્ ડલાસ (૧૯૫૫) જેવી શિક્ષણ-સંસ્થાઓ જુદી જુદી વિદ્યાશાખાનું શિક્ષણ આપે છે. નગરમાં ઘણાં વસ્તુસંગ્રહાલયો, નાટ્યગૃહો, ઑપેરા-કેન્દ્રો, પાશ્ચાત્ય સંગીતની સંસ્થાઓ, ઉદ્યાનો વગેરે છે. ફૂટબૉલ, બેઝબૉલ તથા  બાસ્કેટબૉલની રમતો માટે આ નગર જાણીતું છે. આ રમતોના ઘણા રમતવીરોનું  તે આશ્રયસ્થાન રહ્યું છે. ત્યાંનું ફૂટવર્થ વિમાનમથક દેશનાં અત્યંત પ્રવૃત્તિશીલ ગણાતાં મથકોમાંનું એક ગણાય છે. યુ.એસ.ના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ જ્હૉન એફ. કૅનેડી(૧૯૬૧-૬૩)ની આ નગરમાં જ હત્યા થઈ હતી. ઇતિહાસ : જ્હૉન નીલી બ્રાયન નામના એક વકીલે ૧૮૪૧માં આ નગરની સ્થાપના કરી હતી. ૧૮૪૬માં ત્યાં વસવાટ શરૂ થયો. ૧૮૪૬માં ગામને નગર(town)નો દરજ્જો તથા ૧૮૭૧માં શહેરનો દરજ્જો પ્રાપ્ત થયો. ૧૮૬૫માં ફ્રાન્સમાંથી સ્થળાંતર કરી ત્યાં આવેલા ઘણા વૈજ્ઞાનિકો, કલાકારો, લેખકો, કવિઓ અને સંગીતકારોએ આ નગરમાં કાયમી વસવાટ કરવાનું નક્કી કર્યું અને ત્યારથી ધીમે ધીમે કલા અને સંસ્કૃતિના એક કેન્દ્ર તરીકે તેનો વિકાસ થયો છે. અમેરિકાના આંતરવિગ્રહ (૧૮૬૧-૬૫) દરમિયાન તે સંઘીય લશ્કરનું પુરવઠાકેન્દ્ર હતું. ઓગણીસમી સદીના આઠમા દશકા દરમિયાન ત્યાં રેલવે આવતાં ત્યારપછીના ગાળામાં દેશના એક ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર તરીકે તેનો ઝડપથી વિકાસ થયો છે.

ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮

Categories
વાચન સમૃદ્ધિ

હેમુ ગઢવી

જ. ૮ સપ્ટેમ્બર, ૧૯૨૯ અ. ૨૦ ઑગસ્ટ, ૧૯૬૫

ગુજરાતી લોકસંગીતના ગાયક, અભિનેતા અને નાટ્યકાર હેમુ ગઢવીનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકણિયા ગામે થયો હતો. તેમના પિતાનું નામ નાનભા, માતાનું નામ બાલુબા અને પત્નીનું નામ હરિબા હતું. લોકગીત અને ભજનનો તેમને બાળપણથી જ શોખ હતો, તેથી તેઓ ૧૪ વર્ષની ઉંમરે શક્તિપ્રભાવ કલામંદિરમાં મહિને ૧૨ રૂપિયાના પગારે જોડાયા હતા. જેમાં તેમણે પ્રથમ નાટક મુરલીધરમાં કૃષ્ણની ભૂમિકા ભજવીને લોકોનાં દિલ જીતી લીધાં હતાં. તે દરમિયાન તેમણે ‘ગામડું મુજને પ્યારું ગોકુળ’ પ્રથમ ગીત ગાયું હતું. જામનગર શહેરમાં ભજવાયેલ ‘રાણકદેવી’ નાટકમાં તેમની રાણકદેવીની ભૂમિકાથી પ્રભાવિત થઈને ‘રાણકદેવી’ ચલચિત્રના નિર્માતાએ છેક મુંબઈથી આવીને બાળ-કલાકાર હેમુ ગઢવીને નવાજ્યા હતા. આમ ધીરે ધીરે તેઓ ચારણી સાહિત્યનો અભ્યાસ કરતા ગયા અને તેનો લોકગીત ગાવામાં અને નાટક ભજવવામાં ઉપયોગ કરતા હતા. તેમણે છેક ૧૯૫૫ સુધીમાં વાંકાનેરની નાટક કંપની અને રાજકોટની ચૈતન્ય નાટક કંપનીમાં પણ કામ કર્યું હતું. હેમુ ગઢવી ૧૯૫૫માં તાનપુરા કલાકાર તરીકે રાજકોટ આકાશવાણીમાં જોડાયા હતા. ૧૯૬૫ સુધીના તેમના દસ વર્ષના આકાશવાણીના કાર્યકાળમાં તેમણે ઝવેરચંદ મેઘાણી અને દુલા ભાયા ‘કાગ’નાં સાહિત્યનો અભ્યાસ કરીને લોકસંગીતને ગુજરાતના ઘર ઘર સુધી ગુંજતું કર્યું હતું. એચ.એમ.વી. કંપનીએ હેમુ ગઢવીની ‘અમે મહિયારા રે, ‘શિવાજીનું હાલરડું’ અને ‘મોરબીની વાણિયણ’ જેવી રેકર્ડ બહાર પાડી હતી. જે આજપર્યંત લોકોનાં માનસપટ ઉપર છવાયેલી રહી છે. આ ઉપરાંત તેમણે ‘સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર’ અને ‘પૃથ્વીરાજ ચૌહાણ’ જેવાં યાદગાર નાટકો કર્યાં હતાં. હેમુ ગઢવીને રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનના હસ્તે શ્રેષ્ઠ લોકસંગીતનો પુરસ્કાર, ગુજરાત સરકારનો શ્રેષ્ઠ લોકગાયકનો ગૌરવ પુરસ્કાર, ‘કસુંબીનો રંગ’ ગુજરાતી ચલચિત્રના શ્રેષ્ઠ પાર્શ્વગાયનના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં એક જાહેર માર્ગને હેમુ ગઢવી માર્ગ અને એક ઑડિટોરિયમને હેમુ ગઢવી હૉલ નામ આપવામાં આવ્યું છે. માત્ર ૩૬ વર્ષની વયે તેમનું અવસાન થયું. તેમના પુત્ર બિહારીભાઈએ તેમનો વારસો સુપેરે જાળવ્યો છે.

Categories
વાચન સમૃદ્ધિ

ચાલ, વિજેતા બન !

ચીનના સૌથી પ્રાચીન તાઓ ધર્મના સ્થાપક ‘લાઓત્સે’ વિશેષણનો અર્થ ‘પ્રાચીન ગુરુ’ થાય છે. લાઓત્સેનું ખરું નામ ‘લી’ હતું અને તેઓ કૉન્ફ્યૂશિયસ પહેલાં લગભગ પચાસ વર્ષ પૂર્વે ચીનમાં થઈ ગયા. આ લાઓત્સે માત્ર શબ્દોના સાધક નહોતા, પરંતુ અનુભૂતિના આરાધક પણ હતા. એમને મન શુષ્ક જ્ઞાનની કશી કિંમત નહોતી. આવા પ્રખર ચિંતક અને ધર્મપુરુષ લાઓત્સેએ ગ્રીસના સૉક્રેટિસની માફક જે ઉપદેશ આપ્યો તેનું આચરણ કરી બતાવ્યું અને જેનું આચરણ કર્યું, તેનો જ ઉપદેશ આપ્યો. લાઓત્સે વિશ્વની સંચાલક પરમ શક્તિ કે પરમ ગૂઢ તત્ત્વ વિશે વિચાર કરતા હતા, એવામાં એક પહેલવાન એમની પાસે આવ્યો. એણે જોયું તો લાઓત્સેનું શરીર ઘણું મજબૂત છે એટલે એને મન થયું કે આને કુસ્તી કરીને પછાડી દઉં, તો જ હું ખરો પહેલવાન. એને બિચારાને લાઓત્સેના જ્ઞાનની કશી ખબર નહોતી. એટલે એણે તો આવીને લાઓત્સેને પડકાર ફેંક્યો કે ‘મારે તમારી સાથે કુસ્તી ખેલવી છે અને તમને ચિત કરી દેવા છે.’ લાઓત્સેએ વિચાર્યું કે આ માણસને બીજાને ચિત કરવામાં બહુ આનંદ આવે છે. બાકી આવી રીતે કોઈને પછાડીએ તો મળે શું ? એમણે વિચાર્યું કે આ બિચારો ભલે મને પરાજિત કરીને વિજયનો આનંદ માણે. લાઓત્સે એની સાથે કુસ્તી ખેલવા માટે ઊભા થયા અને પછી અખાડામાં જઈને જમીન પર સૂઈ ગયા અને કહ્યું, ‘ચાલ, હવે મારી છાતી પર બેસી જા. વિજેતા બન. તું જીત્યો અને હું હાર્યો.’ પહેલવાન તો આ સાંભળીને પરેશાન થઈ ગયો. આવી તે કંઈ કુસ્તી હોય ? એણે કહ્યું કે ‘મારે તમને હરાવવા છે.’ ત્યારે લાઓત્સેએ ઉત્તર આપ્યો, ‘અરે ભાઈ ! વિજયની ઇચ્છા થવી એ જ દુ:ખનું મૂળ છે. જે ઇચ્છાને જીતે છે એના જેવો કોઈ સુખી નથી અને જેનામાં બીજાને પરાજય આપીને વિજય મેળવવાની ઇચ્છા પ્રબળ છે, એના જેવો બીજો કોઈ દુ:ખી નથી.’