Categories
વાચન સમૃદ્ધિ

કરુણાશંકર કુબેરજી ભટ્ટ

જ. ૨૨ ઑગસ્ટ, ૧૮૭૩ અ. ૨ ઑક્ટોબર, ૧૯૪૩

શિક્ષણ દ્વારા સંસ્કારિંસચન કરનાર આજીવન ઉત્તમ કોટિના શિક્ષક કરુણાશંકર ભટ્ટનો જન્મ સારસા(જિ.આણંદ)માં થયો હતો. તેમણે બાવીસ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી. માતા દિવાળીબા અને મામા કેશવરામનો તેમના ઘડતરમાં મહત્ત્વનો ફાળો રહ્યો. પ્રાથમિક શિક્ષણ મેળવી તેઓ વડોદરાની પુરુષ અધ્યાપન પાઠશાળામાં જોડાયા. આચાર્ય મણિશંકર ભટ્ટ ‘કાન્ત’ને લીધે તેમણે અંગ્રેજી સાહિત્ય અને શિક્ષણના ઇતિહાસનો અભ્યાસ કર્યો. શિક્ષક તરીકેની પદવી મેળવ્યા પછી તેમને સંખેડા તાલુકાના કોસિંદ્રા ગામમાં પ્રથમ નિમણૂક મળી. ત્યાં સાત વર્ષ રહી વિદ્યાર્થીઓનું ઘડતર કર્યું. તેમણે ગ્રામજનોને પણ ભણાવ્યા. ગામ પર ધાડપાડુઓ ત્રાટકતાં તેમણે આગેવાની લીધી અને તલવાર લઈને નીકળી પડ્યા હતા. કોસિંદ્રાથી બદલી થતાં માછિયાપુર, વડોદરા અને ત્યાંથી ભાદરણ પાસેના ગંભીરા ગામે શિક્ષણકાર્ય કર્યું. તેઓ ગુજરાતી ઉપરાંત હિંદી, પાલિ, સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી અને બંગાળી સાહિત્યના અભ્યાસી હતા. મોતીભાઈ અમીનના આગ્રહથી તેમણે રાજ્યની નોકરી છોડી અને પેટલાદની ખાનગી માધ્યમિક શાળામાં મૅટ્રિક માટે ગુજરાતીના શિક્ષક તરીકે જોડાયા. તેમણે પેટલાદથી પ્રકાશિત થતા સામયિક ‘શિક્ષક’માં ‘એક શિક્ષકની ડાયરી’ પ્રકાશિત કરી. આર્થિક ખોટને કારણે મૅટ્રિકનો વર્ગ બંધ થતાં તેમને છૂટા કરવામાં આવ્યા. એ પછી એમણે શેઠ અંબાલાલ સારાભાઈનાં બે સંતાનોના પૂર્ણ સમયના શિક્ષક તરીકે કાર્ય કર્યું. એમના પ્રભાવના કારણે સારાભાઈ પરિવારના પાશ્ચાત્ય રહેણીકરણીમાં બદલાવ આવ્યો અને ગુજરાતી રહેણીકરણી થઈ. તેમના કારણે સારાભાઈ પરિવારનો ગિજુભાઈ, ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોર સાથે  સંબંધ બંધાયો. નિવૃત્તિજીવન માટે નોકરીના પ્રથમ ગામ કોસિંદ્રાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ તેમને આગ્રહપૂર્વક ગામમાં રહેવા કહ્યું. તેઓ ત્યાં આશ્રમ સ્થાપીને ત્રણ વર્ષ રહ્યા. શેઠ અંબાલાલ સારાભાઈના આગ્રહને કારણે તેઓ ફરી અમદાવાદ આવ્યા. આ પછી પારિવારિક કારણોસર મુંબઈ ગયા. ત્યાં બ્લડપ્રેશર અને લકવાને લીધે તેમનું અવસાન થયું. તેમની જન્મશતાબ્દી નિમિત્તે ‘સંસ્કાર શિક્ષક, ‘સંસ્કારલક્ષી શિક્ષણ : ગ્રંથ ૧ :  પત્રો અને સંસ્કારલક્ષી શિક્ષણ : ગ્રંથ ૨ : નોંધપોથીઓ – ભાગ ૧ અને ૨ પ્રગટ કરવામાં આવ્યા છે.

Categories
વાચન સમૃદ્ધિ

સૂરજમુખી (સૂર્યમુખી)

દ્વિદળી વર્ગમાં આવેલો દિવસભર સૂર્યની સન્મુખ રહેતો પીળાં પુષ્પો ધરાવતો ઊંચો છોડ. સૂરજમુખી(સૂર્યમુખી)ની ૬૦થી વધારે જાતો થાય છે. કેટલીક એકવર્ષીય તો કેટલીક બહુવર્ષીય જાતો હોય છે. સૂર્યમુખીનો ઉદભવ ઉત્તર અમેરિકામાં થયો હતો. ત્યારબાદ તેના છોડને યુરોપમાં અને અન્ય દેશોમાં પણ લઈ જવામાં આવ્યો. રશિયામાં સૂર્યમુખીની ખેતી સૌથી મોટા પ્રમાણમાં થાય છે. સૂર્યમુખીનો છોડ ૧થી ૩ મીટર ઊંચો હોય છે. તેનું પ્રકાંડ રુવાંટીવાળું અને બરછટ હોય છે. તેનાં પાન સાદાં, એકાંતરિત, લાંબા દંડવાળાં અને અંડાકાર હોય છે. પાનની બંને બાજુએ રુવાંટી હોય છે. મુખ્ય પ્રકાંડ કે શાખાઓની ટોચ પર દેખાતું એક પીળા રંગનું પુષ્પ વાસ્તવમાં અનેક પુષ્પોનો સમૂહ હોય છે. તેને સ્તબક (પુષ્પનો ગુચ્છ) કહે છે. આ પુષ્પગુચ્છ ચપટો રકાબી આકારનો હોય છે. તેની બહારની સપાટીએ મોટાં, પીળાં, જીભ આકારનાં અને મધ્યમાં બદામી-જાંબલી નળી આકારનાં પુષ્પો હોય છે. બહારની સપાટીએ આવેલાં પુષ્પો કિરણપુષ્પકો અને મધ્યમાં આવેલાં પુષ્પોને બિંબપુષ્પકો કહે છે. દરેક પુષ્પકમાં એક બીજ અને દરેક સ્તબકમાં આશરે ૧૦૦૦ જેટલાં બીજ ઉત્પન્ન થાય છે. બીજ નળાકાર કે ઊંધું– અંડાકાર, દબાયેલું, સફેદ, કાળું કે ભૂખરી પટ્ટીવાળું હોય છે.

સૂર્યમુખીના સ્તબકની એક ખાસિયત છે. તે હંમેશાં સૂર્યની સન્મુખ રહે છે. દિવસભર સૂર્ય આકાશમાં પૂર્વથી પશ્ચિમ ગતિ કરે છે. તો તે પણ તે પ્રમાણે પોતાની સ્થિતિ બદલી હંમેશાં સૂર્યની સામે જ રહે છે. આ ખાસિયતને લીધે તેનું નામ ‘સૂર્યમુખી’ પડ્યું છે. તે ઘણો મધુર રસ (nectar) ધરાવે છે. તેમાંથી મધમાખી મધ બનાવે છે. સૂર્યમુખી પુષ્પો મધનો સારો સ્રોત ગણાય છે. સૂર્યમુખીનાં બીજમાં ૨૨-૩૬% જેટલું તેલ હોય છે. તેલ આછા બદામી રંગનું અને આનંદદાયી સુગંધવાળું હોય છે. શુદ્ધ કરેલું તેલ આછા પીળા રંગનું હોય છે, તેનું પોષણ-મૂલ્ય ઓલિવ તેલ જેટલું હોય છે. તેથી તેલ માટે સૂર્યમુખીની મોટા પાયે ખેતી થાય છે. તેનાં બીજને શેકી થોડુંક મીઠું નાખી મુખવાસની જેમ ખવાય છે. આ ઉપરાંત બીજનો પાંજરામાં રહેતાં પક્ષીઓના ખોરાક માટે ઉપયોગ થાય છે. તેના છોડ ઢોરને ખાવામાં ઉપયોગી છે. આથી ઢોરના ચારા માટે પણ સૂર્યમુખીની ખેતી થાય છે. સૂર્યમુખી જમીનમાંથી વિવિધ ખનિજદ્રવ્યો શોષી લે છે. આથી જમીનની ફળદ્રૂપતા જાળવવા માટે તેની સાથે ગવાર, ચણા કે તુવેર જેવા પાક લેવાય છે. સૂર્યમુખીના તેલનો ઉપયોગ રાંધવામાં, માર્ગરિન બનાવવામાં અને બેકરી-ઉદ્યોગમાં થાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ઊંજણ તરીકે, દીવો સળગાવવા તથા કાપડની બનાવટમાં થાય છે. તેનાં બીજ તથા પર્ણનો આયુર્વેદિક ઔષધિ તરીકે ઉપયોગ થાય છે. સૂર્યમુખી અવાજ સુધારનાર; કફ, દમ, ઉધરસ, તાવ, ફોલ્લા, કોઢ અને પથરી જેવા રોગોમાં ઉપયોગી છે. તેના મૂળનો ઉકાળો દાંતને મજબૂત કરે છે અને દાંતનો દુખાવો મટાડે છે. તેનાં પાન ઊલટી કરાવનાર છે અને કમરની પીડાનો નાશ કરે છે. ભારતમાં સૂર્યમુખીનું વાવેતર મુંબઈ, મૈસૂર, પશ્ચિમ બંગાળ, ચેન્નાઈ તથા પંજાબના વિસ્તારોમાં થાય છે. ઉદ્યાનમાં શોભાના છોડ તરીકે પણ સૂર્યમુખીને ઉગાડવામાં આવે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ઇસ્મત ચુગતાઇ

જ. ૨૧ ઑગસ્ટ, ૧૯૧૫ અ. ૨૪ ઑક્ટોબર, ૧૯૯૧

ભારતીય ઉર્દૂ નવલકથાકાર, ટૂંકી વાર્તા-લેખિકા અને ક્રાંતિકારી વિચારધારા ધરાવતાં લેખિકા. ઇસ્મત ચુગતાઇનો જન્મ ઉત્તરપ્રદેશના બદાયૂંમાં થયો હતો. નાનપણથી જ બંડખોર સ્વભાવ ધરાવતાં ઇસ્મતે ઘર અને સમાજનો ઉગ્ર વિરોધ છતાં શાળા અને કૉલેજનું પણ શિક્ષણ લીધું. ૧૯૩૮માં લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી અને ૧૯૩૯માં અલીગઢ યુનિવર્સિટીમાંથી બી.ઍડ્.ની ડિગ્રી મેળવી. આમ બબ્બે ડિગ્રી મેળવનાર તેઓ પ્રથમ ભારતીય મુસ્લિમ મહિલા હતાં. તેઓ બરેલીની મુસ્લિમ ગર્લ્સ સ્કૂલમાં શિક્ષિકા બન્યાં અને એક વર્ષ બાદ મુંબઈની મુસ્લિમ ગર્લ્સ સ્કૂલમાં સુપરિન્ટેન્ડેન્ટ બન્યાં. આ સાથે તેમણે ટૂંકી વાર્તાઓ લખી સાહિત્યક્ષેત્રે પણ પદાર્પણ કર્યું. ઉર્દૂ સામયિક ‘સાકી’ માટે ‘ફસાદી’ નામનું નાટક એ તેમનું પ્રથમ પ્રકાશિત લેખન હતું. તેમની શરૂઆતની કૃતિઓમાં ‘બચપન’, ‘કાફિર’ અને ‘ઘીત’નો સમાવેશ થાય છે. આદર્શવાદના સ્થાને વાસ્તવિકતાને મહત્ત્વ આપતા સમાજમાં પ્રવર્તતા દંભ, મહિલાઓ પર લાદવામાં આવતાં નિયંત્રણો, કુંઠિત જીવનમાંથી ઉદભવતા અવૈધ સંબંધો અને દૂષણોનો ચિતાર વેધકતાથી નિરૂપતાં. પરદામાં રહેતી સ્ત્રીઓની ઈર્ષા અને જાતીય વિકૃતિઓને રજૂ કરતી પોતાની વાર્તા ‘લિહાફ’ (રજાઈ) ૧૯૪૪માં તેમણે પ્રગટ કરી ત્યારે સાહિત્યકારોમાં ઊહાપોહ થયો અને લાહોર અદાલતમાં અશ્લીલતા નિરૂપવાના આરોપ બદલ કેસ ચાલ્યો. આ ઉપરાંત ‘ચૌથી કા જોડા’, ‘દો હાથ’ અને ‘બેકાર’ જેવી વાર્તાઓ જાતીય સંબંધોને સ્પર્શે છે. તેમણે ‘ગર્મ હવા’, ‘સોને કી ચિડિયા’ અને ‘જિદ્દી’ તથા ‘આરઝૂ’ ફિલ્મો માટે પટકથા પણ લખેલી. શાહિદ લતીફ નામના પટકથાલેખક સાથે લગ્ન કરી ‘ફિલ્મ ઇન્ડિયા કૉર્પોરેશન’ નામની કંપની સ્થાપી પાંચ ફિલ્મોનું નિર્માણ કર્યું. તેમણે ૮ વાર્તાસંગ્રહો, ૭ નવલકથાઓની રચના કરી છે અને ઘણાના અંગ્રેજી અનુવાદો પણ થયા છે. તેમને ઉર્દૂ સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર ‘ગાલિબ પુરસ્કાર’, ‘ઇકબાલ સંમેલન’ અને ‘સોવિયેત લૅન્ડ નહેરુ ઍવૉર્ડ’ પણ એનાયત થયેલ છે. તેમની વાર્તા ‘ગર્મ હવા’ને શ્રેષ્ઠ વાર્તાનો ફિલ્મ અને ફિલ્મફેર ઍવૉર્ડ મળેલ છે. ૧૯૭૬માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી તેમને સન્માનિત કરવમાં આવ્યાં હતાં.