Categories
વાચન સમૃદ્ધિ

સાંત્વના અને આશ્વાસન સત્યથી વેગળું છે

જેને આધાર રૂપે સ્વીકારીને વ્યક્તિ પોતાનું સમગ્ર જીવન જેના પર ટેકવી દે છે એ સત્ય છે કે માત્ર સાંત્વના છે, એની એણે ખોજ કરવી જોઈએ. વ્યક્તિ સત્ય પામવા રાજી હોતો નથી, કારણ કે એ સત્ય આકરું હોય છે અને એની પ્રાપ્તિ માટે ઘણી તાવણીમાં તપવું પડે છે. સત્ય એ કોઈ જાતની બાંધછોડ કે શિક્ષક કહેશે તોપણ હું ચોરી નહીં કરું. એમાં સત્યનો સ્વીકાર છે, જ્યારે સાંત્વના શોધનારો માણસ એમ કહેશે કે જ્યારે શિક્ષક જ ચોરી કરવાનું કહે છે, તો પછી ચોરી કરવામાં વાંધો શો ? ચોરી કરી શકાય. આમ સાંત્વના એ કોઈ એક એવું આશ્વાસન શોધી કાઢશે અને પછી વ્યક્તિ એને સર્વમાન્ય ગણીને એનું જીવન ગાળતો રહેશે. આવી સાંત્વનાઓની જનની જૂઠાણું છે. એક ખોટી કે જુઠ્ઠી વાતને સ્વીકારીને વ્યક્તિ એમાંથી આશ્વાસન મેળવતો હોય છે. એ પોતાની નિષ્ફળતાને સમજવાને બદલે પોતાનાં કર્મોને દોષ આપતો હોય છે. ક્યારેક તો પૂર્વજન્મમાં કરેલાં કાર્યોને કારણે આવું થયું હશે એમ કહીને મનને મનાવતો હોય છે. ક્યારેક એ ઋણાનુબંધનો આશરો લેતો હોય છે અને જેની સાથે એને દુર્ભાવ હોય, એને અંગે એમ માનતો હોય છે કે એની સાથે એનો ઋણાનુબંધ નથી ! ક્યારેક આવી સાંત્વના મેળવવા માટે એ તંત્ર, મંત્ર કે જ્યોતિષનો આશરો લેતો હોય છે અને જ્યોતિષી એને એમ કહે કે એના જીવન પર કોઈ ગ્રહની કુદૃષ્ટિ છે એટલે એ જીવનમાં આવતી બધી જ મુશ્કેલીઓને માટે ગ્રહની કુદૃષ્ટિનું આશ્વાસન મેળવી લે છે. આમ અસત્ય વસ્તુઓને પણ પરમ સત્ય તરીકે સ્વીકારવા લાગે છે અને એનું પરિણામ એ આવે છે કે એનું આખુંય જીવન એ સાંત્વના અને આશ્વાસનનાં સ્થાનો શોધવામાં જાય છે. સત્યના સૂર્યનું એક કિરણ પણ એને લાધતું નથી.

Categories
વાચન સમૃદ્ધિ

નારાયણ ગુરુ

જ. ૨૦ ઑગસ્ટ, ૧૮૫૪ અ. ૨૦ સપ્ટેમ્બર, ૧૯૨૮

કેરળના સમાજસુધારક સંતનો જન્મ ચેમ્પાઝન્તી ગામે એળુવા નામની અસ્પૃશ્ય મનાતી જાતિમાં થયો હતો. પિતાનું નામ માતન આશન અને માતાનું નામ કુટ્ટી અમ્મા. પિતા મલયાળમ અને સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. વૈદ્ય હોવાથી ઘણા લોકો તેમની પાસે ઉપચાર માટે આવતા. લોકો તેમને લાડમાં ‘નાણુ’ કહેતા. ઘરનું વાતાવરણ સંસ્કારી હતું. તેમની માતાનું તેમની બાલ્યાવસ્થામાં જ અવસાન થયું હતું. તેમણે રામન પિળ્ળૈ નામના વિદ્વાન પાસે સંસ્કૃતનો અભ્યાસ કર્યો. ૧૮૭૬થી ૧૮૭૯ના ત્રણ વર્ષમાં તેમણે તમિળ, સંસ્કૃત ભાષા તથા વેદાન્તનું અધ્યયન કર્યું. પિતા પાસેથી આયુર્વેદનું શિક્ષણ મેળવ્યું. ચટ્ટામ્પિ સ્વામી તથા તૈક્કડ અય્યુવૂ યોગીઓના માર્ગદર્શન નીચે યોગનો અભ્યાસ કર્યો. કન્યાકુમારીમાં મરુતવાભલૈ નામના સ્થળે પિલ્લાથાઈમ ગુફામાં તેમણે ઘોર તપસ્યા કરી. પછી સમાજજીવનના નિરીક્ષણ માટે તમિળનાડુ તથા કેરળમાં વિવિધ સ્થળે યાત્રા કરી. નારાયણે સમાજસુધારાનું કાર્ય શરૂ કર્યું. તેમણે પહેલું કાર્ય અસ્પૃશ્યો માટે મંદિરનું નિર્માણ કર્યું. અરુવિપ્પુરમ્ ગામે નેપ્યાર નદીના કાંઠે ૧૮૮૮માં શિવાલય બનાવ્યું અને ત્યાં પોતાનો સ્થાયી આશ્રમ સ્થાપ્યો. તેમણે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌને આવકાર્યા. તેમાં શિક્ષણ અને આરોગ્યને પ્રથમ સ્થાન આપ્યું. તેમણે ઠેર ઠેર મંદિરો બંધાવ્યાં. અસ્પૃશ્ય વર્ગને સંન્યાસ લેવાની સગવડ કરી આપી. ૧૮૯૪માં ગુરુના આશ્રમમાં કુમારન્ આશન જોડાયા. પાછળથી તે મલયાળમ ભાષાના મહાકવિ કહેવાયા. ૧૮૯૭માં ગુરુએ અરુવિપ્પુરમમાં મલયાળમ ભાષામાં વેદાન્તના મહાગ્રંથ ‘આત્મોપદેશતકમ’ની રચના કરી. ‘સદાચાર એ જ સાચો ધર્મ’ – એમ તેમણે લોકોને શીખવ્યું. તેમણે અનેક સંસ્થાઓની સ્થાપના કરેલી. ૧૯૨૨માં રવીન્દ્રનાથ ટાગોરે અને ૧૯૨૫માં ગાંધીજીએ પણ આશ્રમની મુલાકાત લીધેલી. જીવનના અંતિમ વર્ષ સુધી તેઓ પ્રવૃત્તિશીલ રહેલા. બરકમ ગામે મહાસમાધિપૂર્વક તેમણે દેહત્યાગ કર્યો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

ટ્રિનિડાડ અને ટોબેગો

વેસ્ટ ઇન્ડીઝ ટાપુઓના સમૂહમાં તેના દક્ષિણ છેડા પર આવેલો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : ૧૧° ૦૦´ ઉ. અ. અને ૬૧° ૦૦´ પ. રે.. વિસ્તારની દૃષ્ટિએ તે ટાપુઓમાં બીજા ક્રમનો છે. તે ૨ મુખ્ય તથા ૨૧ નાના ટાપુઓનો બનેલો દેશ છે. તેનો કુલ વિસ્તાર ૫,૧૩૧ ચોકિમી. તથા તેના દરિયાકિનારાની લંબાઈ ૪૭૦ કિમી. છે. તે વિષુવવૃત્તની ઉત્તરે આશરે ૧૦° પર, ઓરિનોકો મુખત્રિકોણની સામે, અમેરિકાની ઉત્તર કિનારાની નજીક છે. માળખાગત તથા ભૌગોલિક બંને રીતે તેને વેસ્ટ ઇન્ડિયન ટાપુ કરતાં દક્ષિણ અમેરિકાનો ટાપુ ગણાય. ટોબેગો ટાપુનું ટ્રિનિડાડ સાથે ૧૮૯૮માં વિલીનીકરણ થયું. ટોબેગોનો કુલ વિસ્તાર ૩૦૦ ચોકિમી. છે અને તે ટ્રિનિડાડના ઈશાન ખૂણે ૩૧ કિમી. અંતરે આવેલો છે. ટ્રિનિડાડ અને ટોબેગો બંનેની કુલ વસ્તી ૧૫,૦૮,૬૩૫ (૨૦૨૪) તથા વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. ૨૫૪ છે. કુલ વસ્તીના ૬૯% શહેરી વિસ્તારમાં તથા ૩૧% ગ્રામવિસ્તારમાં રહે છે, બંને ટાપુઓના કુલ ભૂભાગનો ૯૫% ભૂભાગ તથા કુલ વસ્તીના આશરે ૯૫% વસ્તી ટ્રિનિડાડની છે. પૉર્ટ ઑવ્ સ્પેન તેનું પાટનગર, મુખ્ય બંદર, મહત્ત્વનું વ્યાપારી કેન્દ્ર તથા મોટામાં મોટું શહેર છે. આ ટાપુઓની મુખ્ય ભાષા અંગ્રેજી છે.

કોકોની ખેતી

પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ આ વૈવિધ્યપૂર્ણ પ્રદેશના ત્રણ મુખ્ય ભૌગોલિક ભાગ પાડી શકાય : (૧) ઉત્તરમાં પર્વતોની શૃંખલા, જે ટાપુઓની કુલ પહોળાઈને આવરી લઈ પશ્ચિમથી પૂર્વ તરફ ફેલાયેલી છે. હકીકતમાં આ પર્વતશૃંખલા વેનેઝુએલાની શૃંખલાનો ભાગ છે. આ ભાગમાં વ્યાપારી પવનો મુખ્યત્વે પૂર્વમાંથી ઈશાન તરફ વહે છે. ટાપુના પૂર્વ તરફના પ્રદેશમાં અને ખાસ કરીને પર્વતશૃંખલાના ઈશાનમાં ભારે વરસાદ પડે છે, જે ઘણી વાર વાર્ષિક સરેરાશ ૩,૭૫૦ મિમી.ને વટાવી જાય છે. (૨) ટાપુના ઉત્તર તરફના ભાગમાં ગીચ જંગલો તથા ઊંડી  ખીણો આવેલાં છે. અન્ય બે પર્વતશૃંખલાઓમાં મધ્ય તથા દક્ષિણની ઊંડી ખીણો  તરફની પર્વત-શૃંખલાઓનો સમાવેશ થાય છે, જે દક્ષિણ તરફ ક્રમશ: ઘટતી જાય છે. ત્રણે પર્વતશૃંખલાઓ : ઉત્તર, મધ્ય તથા દક્ષિણનાં શિખરોની ઊંચાઈ ૧૫૨.૩ મી.થી ૧૫૨૩ મી. વચ્ચે છે. ઉત્તર તરફની પર્વતશૃંખલાનાં ઘણાં શિખરોની ઊંચાઈ ૯૧૪ મી. કરતાં પણ વધારે છે. માઉન્ટ એરિપો શિખર ઊંચામાં ઊંચું (૯૪૦ મીટર) છે. મોટાભાગની કાંપની જમીન પૉર્ટ ઑવ્ સ્પેનની પૂર્વે તથા કોકોસ ઉપસાગરની પશ્ચિમે આવેલી છે. (૩) ટાપુના મધ્ય વિસ્તારની પર્વતશૃંખલાઓ તથા કિનારા સુધીની પર્વતશૃંખલાઓ વચ્ચેનો પ્રદેશ સપાટ અથવા ક્વચિત્ સમુદ્રતરંગ જેવો દેખાય છે અને તેમાંનો ઘણો ભાગ કળણભૂમિથી વ્યાપેલો છે. પશ્ચિમ તરફના બે દ્વીપકલ્પોનો વિશાળ પ્રદેશ પારિયાની ખાડી તરીકે ઓળખાય છે, જેમાં છીછરો દરિયો ભરાય છે. ટ્રિનિડાડના કુલ ભૌગોલિક વિસ્તારના ત્રીજા ભાગ જેટલી જમીન ખેતીક્ષેત્ર હેઠળ આવરી લેવામાં આવી છે. ખાંડ અને કોકો ત્યાંની મુખ્ય પેદાશો છે. પશ્ચિમના દરિયાકાંઠાના સૂકા મેદાની પ્રદેશમાં શેરડીની ખેતી થાય છે, જ્યારે ઉત્તરના પર્વતીય ઉષ્ણ પ્રદેશની ખીણોમાં કોકોની પેદાશ થાય છે. ઉપરાંત, કૉફી, નારિયેળ, કેળાં તથા મોટાં સંતરાં જેવાં, સ્વાદે સહેજ કડછાં હોય તેવાં ગ્રેઇપ-ફ્રૂટની પેદાશ ઠીક ઠીક પ્રમાણમાં થાય છે. ટાપુના નિકાસ વ્યાપારમાં નારિયેળ તથા તેની પેદાશો અગ્રસ્થાને રહે છે. સ્થાનિક ખોરાક માટે નારિયેળનું તેલ તથા ઘરગથ્થુ વપરાશ માટે સાબુનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે. તાજેતરનાં વર્ષોમાં સ્થાનિક વપરાશ માટે ચોખાની પેદાશમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. લીંબુ, નારંગી, મોસંબી, મોટાં લીંબુ તથા અન્ય ખાટાં ફળો અને તેના રસની નિકાસોને સહકારી સંસ્થાઓ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવે છે. શેરડી તથા કોકોની પેદાશ કંપનીઓની માલિકી હેઠળની જમીનો પર થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટ્રિનિડાડ અને ટોબેગો,
પૃ. 402)