Categories
વાચન સમૃદ્ધિ

હિંમતે મર્દા

વિદ્યુત ચુમ્બકત્વની ઘટના સમજવામાં મહત્ત્વનું પ્રદાન કરનાર અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી અને રસાયણશાસ્ત્રી માઇકલ ફૅરડે(ઈ. સ. ૧૭૯૧-૧૮૬૭)નો જન્મ અત્યંત સાધારણ પરિવારમાં થયો હતો. પોતાના ભરણપોષણને માટે લંડન શહેરના રસ્તાઓ પર એ અખબારો વેચતો હતો. વળી વચ્ચે સમય મળે ત્યારે અભ્યાસ કરી લેતો. એને એક પ્રકાશનગૃહમાં મદદનીશની નોકરી મળી અને એ પુસ્તકોનું બાઇન્ડિંગ કરવા લાગ્યો. ખાટા લીંબુમાંથી લીંબુનું મધુર સરબત બનાવવાનો કીમિયો માઇકલ ફૅરડે પાસે હતો. એને બુકબાઇન્ડરને ત્યાં નોકરી કરવાની સાથોસાથ જુદા જુદા વિષયનાં પુસ્તકો વાંચવાની તક મળી. એનો પરિશ્રમ, પ્રતિભા, અને પ્રામાણિકતા જોઈને પ્રકાશનગૃહના માલિક પ્રભાવિત થયા અને એક દિવસ એમની ભલામણને કારણે માઇકલ ફૅરડેને ફિલૉસૉફીનો અભ્યાસ કરવાની તક મળી.  ધીરે ધીરે એની રુચિ વિજ્ઞાનમાં વિકસતી ગઈ. એણે વિખ્યાત અંગ્રેજ રસાયણશાસ્ત્રી સર હમ્ફ્રી ડેવીનું પ્રવચન સાંભળ્યું. એમનાં ચાર પ્રવચનોનાં વિષયવસ્તુ પર આધારિત લેખ લખીને રૉયલ સોસાયટીને મોકલ્યો, પરંતુ કોઈ પ્રત્યુત્તર મળ્યો નહીં. આમ છતાં એ હિંમત હાર્યો નહીં. એણે એ ભાષણો પર નવેસરથી લખીને એ લેખ ખુદ સર હમ્ફ્રી ડેવીને જ મોકલ્યો. એક વાર એ સૂવાની તૈયારી કરતો હતો, ત્યારે હમ્ફ્રી ડેવી સ્વયં એને મળવા આવ્યા અને એકવીસ વર્ષના આ યુવાનને પોતાના મદદનીશ તરીકે રાખી લીધો. એ પછી તો માઇકલ ફૅરડેએ વિદ્યુત મોટરના સિદ્ધાંતની શોધ કરી. ક્લોરિન વાયુનું પ્રવાહીકરણ કરનાર પ્રથમ વિજ્ઞાની બન્યા. કોલહારમાંથી બેન્ઝિનને અલગ પાડ્યું અને એમણે કરેલું પ્રકાશના ધ્રુવીભવન-તલના ભ્રમણનું સંશોધન ‘ફૅરડે ઇફેક્ટ’ તરીકે આજેય પ્રસિદ્ધ છે. માઇકલ ફૅરડે ઘણું ઓછું ભણ્યો હતો, પણ વિશ્વના અત્યંત પ્રભાવક વિજ્ઞાનીઓમાંનો એક બન્યો. ઇલેક્ટ્રિક મોટર ટૅકનૉલૉજીમાં એનાં સંશોધનો પાયારૂપ બન્યાં અને એના અથાગ પુરુષાર્થને પરિણામે ટૅકનૉલૉજીમાં વિદ્યુતનો ઉપયોગ થવા લાગ્યો. આ રીતે ફૅરડે એક કુશળ પ્રયોગ-વીર હતો અને પોતાના વિચારોને સ્પષ્ટ અને સરળ ભાષામાં પ્રગટ કરી શકતો હતો.

Categories
વાચન સમૃદ્ધિ

કુલદીપ નાયર

જ. ૧૪ ઑગસ્ટ, ૧૯૨૩ અ. ૨૩ ઑગસ્ટ, ૨૦૧૮

ભારતીય પત્રકાર, સિન્ડિકેટેડ કૉલમલેખક અને લંડનમાં ભારતના હાઇકમિશનર તરીકે રહી ચૂકેલા કુલદીપ નાયરનો જન્મ હાલ પાકિસ્તાનમાં આવેલા સિયાલકોટમાં થયો હતો. તેમણે લાહોરમાંથી બી.એ., એલએલ.બી.નો અભ્યાસ કર્યો. ત્યારબાદ ૧૯૫૨માં સ્કોલરશિપ મળતા નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કર્યો. ૧૯૬૭થી ૧૯૭૫ સુધી તેઓ દિલ્હીના ‘ધ સ્ટેટ્સમૅન’ના તંત્રી તથા યુ.એન.આઈ. સમાચારસંસ્થાના મૅનેજર તરીકે કાર્યરત હતા. ૧૯૭૫થી ૧૯૮૧ સુધી ઍક્સપ્રેસ જૂથ અખબારોના તંત્રી હતા. કટોકટીના અંતમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. ૧૯૭૮માં તેમણે એડિટર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાની સ્થાપના કરી. તેમણે રાષ્ટ્રીય અખંડિતતા પરિષદ, પ્રેસ કાઉન્સિલ, બ્રિટનની ‘જેમિની’ના વ્યવસ્થાપક મંડળના સભ્ય તથા ભારતીય સંસ્થા ‘સિટીઝન્સ ફોર ડેમોક્રસી’ના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી. ૧૯૯૦ના માર્ચથી ડિસેમ્બર સુધી લંડન ખાતે ભારતના હાઇકમિશનર તરીકે પણ રહી ચૂક્યા છે. પત્રકાર તરીકે તેમણે અનેક સ્કૂપ લખ્યા છે. ૧૯૮૮-૮૯માં પાકિસ્તાન પાસે અણુબૉમ્બ છે એ સમાચાર સૌપ્રથમ તેમણે આપ્યા હતા.  સંશોધનાત્મક પત્રકારત્વમાં તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે. ૧૯૮૫થી ‘બિટવીન ધ લાઇન્સ’ નામની કૉલમ લખતા હતા જે ૧૪ ભાષાઓમાં ૭૦થી વધુ અખબારોમાં પ્રગટ થતી હતી. તેઓ મોટે ભાગે વર્તમાન રાજકીય મુદ્દાઓ પર નિર્ભીક રીતે પોતાનાં મંતવ્યો રજૂ કરતા હતા. ‘ઇન્ડિયા : ધ ક્રિટિકલ ઇયર્સ, ‘ડિસ્ટન્ટ નેબર્સ’, ‘સપ્રેશન ઑવ્ જજિઝ’, ‘ઇન્ડિયા આફટર નહેરુ’, ‘ધ જજમેન્ટ’, ‘ઇન રિપોર્ટ ઓન અફઘાનિસ્તાન’, ‘ધ ટ્રૅજેડી ઑવ્ પંજાબ’, ‘ઇન્ડિયા હાઉસ’, ‘ધ માર્ટિર’, ‘વોલ એટ વાઘા’, ‘સ્કૂપ’, ‘વિધાઉટ ફિચર’, ‘ટેલ્સ ઑફ ટુ સીટીઝ’ વગેરે પુસ્તકો તેમણે લખ્યાં છે. તેમની આત્મકથા ‘બિયોન્ડ ધ લાઇન્સ ૨૦૧૨માં પ્રકાશિત થઈ હતી. તેમને ૨૦૦૩માં પ્રેસ ફ્રીડમ માટે એસ્ટોર ઍવૉર્ડ અને ૨૦૦૭માં તેમના સમગ્ર કાર્ય માટે શહીદ નિયોગી મેમોરિયલ ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. ૨૦૧૫માં રામનાથ ગોએન્કા જીવન પુરસ્કાર અને ભારત સરકાર દ્વારા ૨૦૧૯માં  પદ્મભૂષણ(મરણોત્તર)થી તેમને નવાજવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

સુરખાબ (Flamingo)

જળાશય પાસે રહેતું મોટા કદનું આકર્ષક પક્ષી. સુરખાબ લાંબી ડોક, લાંબા પગ, લાલ વાંકી ચાંચ અને સફેદ તથા ગુલાબી પાંખોવાળું, આગવી છટા ધરાવતું પક્ષી છે. તે છીછરાં પાણીવાળા કાદવિયા પ્રદેશમાં વસે છે. સુરખાબ સ્થળાંતર કરતું પક્ષી છે. તેઓ ગુજરાતના કચ્છના મોટા રણમાં સમૂહમાં વસવાટ કરતાં હોય છે. આથી આ પક્ષીને ગુજરાતના રાજ્ય-પક્ષીનું સન્માન મળ્યું છે. આ પક્ષી હંજ નામે પણ ઓળખાય છે. સુરખાબ વિશ્વમાં ઘણા ભાગોમાં વસે છે. તે તળાવ તથા કાદવવાળા જમીન-વિસ્તારમાં તેમ જ દરિયાકિનારે રહે છે. તેની પાંચ જાતિઓ (species) જોવા મળે છે. સુરખાબ ૯૦થી ૧૫૦ સેમી. ઊંચું હોય છે. તેની પાંખનાં પીંછાં ઘેરા લાલથી માંડીને આછા ગુલાબી રંગનાં હોય છે. કોઈક પક્ષી અપવાદ રૂપે કાળાં પીંછાં પણ ધરાવતું હોય છે. સુરખાબની ચાંચમાં સૂક્ષ્મ વાળ જેવા દાંતિયાવાળા કાંસકા જેવી રચના હોય છે, જેના વડે સુરખાબ કાદવમાંથી ખોરાક શોધી કાઢે છે અને ગળણી જેવી રચનાને કારણે તેમાંથી રેતી અને કાદવ ગળાઈ જાય છે અને મુખમાં પ્રવેશ કરતાં નથી. સુરખાબ પાણીમાં વસતા નાના જિંગા, નાની માછલીઓ અને શેવાળ ખાય છે. તેના પગની આંગળીઓ જળચર પક્ષીની જેમ ચામડીથી જોડાયેલી હોય છે. આ પક્ષી વધારે સમય પાણીમાં વિતાવે છે સુરખાબ તીવ્ર વેગથી ઊડે છે. ઊડતી વખતે ડોક અને ચાંચ આગળ તરફ લંબાવે છે અને પગ પાછળ તરફ આકાશમાં V આકારની રચના કરી તે ઊડે છે.

સુરખાબ (ફ્લૅમિંગો), કચ્છ

સુરખાબ વસાહતમાં હજારોની સંખ્યામાં વસે છે. ઠંડા પ્રદેશોમાંથી સ્થળાંતર કરી ગુજરાતમાં ઠેકઠેકાણે તે આવે છે. કાદવવાળા પ્રદેશમાં, નદીઓના મુખપ્રદેશોમાં, ખાડીઓ અને જળાશયોમાં ચોમાસા પછી તે ટોળામાં આવે છે. માદા સુરખાબ કાદવવાળી જમીન પર ૧૫થી ૩૦ સેમી. ઊંચા શંકુ આકારના રેતીના ઢૂવા બનાવે છે. તેમાં એક કે બે ઈંડાં મૂકે છે. ૩૦ દિવસ સુધી નર અને માદા ઈંડાંને સેવે છે. બચ્ચાં જન્મ બાદ આશરે પાંચ દિવસ પછી માળામાંથી બહાર આવે છે, નાનાં ટોળાં બનાવે છે. માદા તથા નર પક્ષી બચ્ચાંને તેમની હોજરીમાંથી કાઢેલું પ્રવાહી પિવડાવી મોટાં કરે છે. બે અઠવાડિયાં પછી બચ્ચાં પોતાની મેળે ખોરાક શોધી લે છે. સુરખાબ ૧૫થી ૨૦ વર્ષનું આયુષ્ય ભોગવે છે. થોડા સમય પછી સુરખાબ સ્થળાંતર કરી તેમના વતન પહોંચી જાય છે. ભારતમાં આવતાં સુરખાબ ગ્રેટર ફ્લૅમિંગો પેટાજાતિનાં હોય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી