Categories
વાચન સમૃદ્ધિ

ઝવેરીલાલ દલપતરામ મહેતા

જ. ૭ ઑગસ્ટ, ૧૯૨૮ અ. ૨૭ નવેમ્બર, ૨૦૨૩

ગુજરાતના જાણીતા ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાનો જન્મ હળવદમાં થયો હતો. મૅટ્રિક સુધીનું શિક્ષણ ધ્રાંગધ્રામાં લીધા બાદ સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં અભ્યાસ કર્યો. મુંબઈમાં ‘ચેત મછંદર’ નામના સામયિકમાં પ્રૂફવાચનનું કામ કર્યું, પરંતુ અમદાવાદની અરિંવદ મિલમાં ટેક્સટાઇલ આર્ટિસ્ટ તરીકે નોકરી મળી અને સત્તર વર્ષ કામ કર્યું. એ સમય દરમિયાન તેઓ ફોટોગ્રાફી કરતા હતા. તેમની લાક્ષણિક તસવીરો જીવન-વિષયને સ્પર્શતી અને ‘જનસત્તા’માં ‘મારે જીવવું છે’ શીર્ષક હેઠળ પ્રકાશિત થતી. ૧૯૭૨થી તેઓ ‘ગુજરાત સમાચાર’ સાથે જોડાયા. તેમને માત્ર તસવીરથી સંતોષ થતો નહીં, તેઓ હંમેશાં તસવીરની નીચે સુંદર શબ્દોમાં તેમને લગતું લખાણ લખતા અને એ રીતે લોકોને તેમની ‘ફોટો સ્ટોરી’ વાંચવામાં અત્યંત રસ પડતો. તેમને કારણે તેમની ‘ફોટો સ્ટોરી’ અખબારના પ્રથમ પાને અથવા છેલ્લા પાને આવવા લાગી. આમ તેમની લોકપ્રિયતા સતત વધતી રહી. તેઓ ક્યારેય ફ્લૅશનો ઉપયોગ નહોતા કરતા. કુદરતી પ્રકાશમાં જ બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફોટા પાડતા. ડિજિટલ કૅમેરા આવ્યા છતાં ફિલ્મ કૅમેરાનો જ ઉપયોગ કરતા હતા. તેઓ તસવીરકલા ક્ષેત્રે રઘુ રાય અને કિશોર પારેખને પોતાના ગુરુ માનતા. કિશોરકુમાર જેવી મૂછો, જીન્સ અને માથે હૅટ જેવા વિશિષ્ટ લાક્ષણિક પહેરવેશથી એમના વ્યક્તિત્વની આગવી છાપ ઊપસતી. તેમની ચાર દાયકાની કારકિર્દી  દરમિયાન ગુજરાતના તેર મુખ્યમંત્રીઓનાં જીવન અને કાર્યકાળનું  દસ્તાવેજીકરણ કર્યું. તે  ઉપરાંત ૧૯૮૭માં રાજસ્થાનના દેવરાલામાં સતીની ઘટના, ૧૯૮૮માં કચ્છમાં આવેલ વાવાઝોડું, અયોધ્યાયાત્રા, ૨૦૦૧નો કચ્છમાં આવેલો ધરતીકંપ જેવી ઘટનાઓની અનેક કલાત્મક તસવીરો પ્રકાશિત થઈ હતી. પત્રકારત્વના ક્ષેત્રે તેમના વિશિષ્ટ યોગદાન બદલ ૨૦૧૮માં ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

શ્વાસ જેવું જ્ઞાન

શિલ્પી પિતા અને દાયણ માતાના પુત્ર તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ (ઈ. સ. પૂ. ૪૬૯થી ઈ. સ. પૂ. ૩૯૯) એમ કહેતા કે મેં મારાં માતાપિતાનો વારસો બરાબર જાળવ્યો છે. જેમ શિલ્પી પથ્થરમાંથી માનવની આકૃતિ કંડારે છે, એ જ રીતે હું મારા વિચારોથી માનવવ્યક્તિત્વને કંડારું છું અને જેમ દાયણ માતાના ગર્ભમાંથી બાળક બહાર કાઢે છે, એ રીતે હું લોકોના મનમાંથી અજ્ઞાન બહાર કાઢું છું. આવા અત્યંત ઉમદા ચારિત્ર્ય ધરાવતા મહાન તત્ત્વજ્ઞાની સૉક્રેટિસ પાસે એક યુવાન આવ્યો અને એણે કહ્યું, ‘મારે તમારી માફક ખૂબ જ્ઞાન મેળવવું છે. સમર્થ જ્ઞાની બનવું છે. તમારા જેવા થવું છે, તો જ્ઞાની બનવાનો કોઈ ઉપાય બતાવો ને ?’ સૉક્રેટિસે એ યુવાનને પોતાની પાછળ આવવા ઇશારો કર્યો અને પછી એને દરિયાની વચ્ચે લઈ ગયા અને એનું માથું પકડીને દરિયાના પાણીમાં ડુબાડ્યો. યુવક ગૂંગળાઈ ગયો. એનો શ્વાસ રૂંધાવા લાગ્યો. સૉક્રેટિસની પકડમાંથી છૂટવા અને પાણીમાંથી બહાર નીકળવા હવાતિયાં મારવા લાગ્યો. એને સામે મૃત્યુ દેખાવા લાગ્યું. આખરે એને એમ લાગ્યું કે હવે તો એ મરી જશે, ત્યારે સૉક્રેટિસે એને પાણીમાંથી બહાર કાઢ્યો. યુવાનના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે સૉક્રેટિસને કહ્યું, ‘તમે આવું હિંસક કૃત્ય કેમ કર્યું ?’ ત્યારે સૉક્રેટિસે કહ્યું, ‘એ કૃત્ય કરવાના કારણમાં જ તારી વાતનો જવાબ છે. જ્યારે તું ગૂંગળાઈ મરવાની તૈયારીમાં હતો, ત્યારે તને સૌથી વધુ શેની જરૂર લાગી હતી?’ યુવાને કહ્યું, ‘શ્વાસની, હવાની. તરફડિયાં મારતો હતો, ત્યારે એમ લાગ્યું કે હવે મારું આયુષ્ય પૂરું થઈ રહ્યું છે. શ્વાસ લેવા મળશે, તો જ બચીશ.’ ‘બસ, તો જ્યારે શ્વાસ જેટલી જરૂર તને જ્ઞાનની લાગે, ત્યારે જ તું જ્ઞાની બની શકીશ. ખ્યાલ આવ્યો ને !’ યુવાન સૉક્રેટિસની વાતનો મર્મ પારખી ગયો.

Categories
વાચન સમૃદ્ધિ

શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈ

જ. ૬ ઑગસ્ટ, ૧૯૦૮ અ. ૩ એપ્રિલ, ૨૦૦૦

વાર્તા, નાટક, નિબંધ અને ઇતિહાસના ગ્રંથો લખીને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવનાર શંભુપ્રસાદનો જન્મ ચોરવાડ, જૂનાગઢમાં થયો હતો. પિતા હરપ્રસાદ જૂનાગઢ રાજ્યના વહીવટદાર હતા. શંભુપ્રસાદે માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં તથા ઉચ્ચશિક્ષણ અમદાવાદ અને જૂનાગઢમાં લીધું હતું. તેમણે ૧૯૩૦માં ઇતિહાસ વિષય સાથે બી.એ.ની પરીક્ષા પાસ કરી હતી. એલએલ.બી. પાસ થયા બાદ તેમણે વેરાવળમાં વકીલાત શરૂ કરી. ૧૯૩૩માં તેઓ જૂનાગઢ રાજ્યના મહેસૂલ ખાતામાં વહીવટદારના હોદ્દાના પ્રોબેશનર નિમાયા. તે પછી તેમણે વહીવટદાર તથા રાજ્યના સચિવાલયમાં સુપરિન્ટેન્ડેન્ટની ફરજો બજાવી. જૂનાગઢ રાજ્ય ભારત સાથે જોડાયા બાદ તેમને નવી સરકારમાં પાટણ તથા તલાળાના ઍડ્મિનિસ્ટ્રેટર નીમવામાં આવ્યા. ૧૯૫૦માં ડેપ્યુટી કલેક્ટર તરીકે નિમણૂક થવાથી સૌરાષ્ટ્ર રાજ્યની સેવામાં જોડાયા અને ૧૯૬૬માં અમરેલીના કલેક્ટરના હોદ્દા પરથી નિવૃત્ત થયા. તેઓ સંસ્કૃત, અંગ્રેજી, ઉર્દૂ, અરબી અને ફારસી ભાષાઓના અભ્યાસી હતા. ૧૯૩૩માં તેમણે ‘પ્રભાસના વાજા રાજાઓ’ શીર્ષક હેઠળ મુંબઈના ‘ગુજરાતી’ પત્રમાં લેખ લખીને ઇતિહાસલેખનની શરૂઆત કરી. તેમના પ્રસિદ્ધ ગ્રંથ ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’ની ત્રણ આવૃત્તિઓ પ્રગટ થઈ હતી. તેમાં તેમણે પ્રાચીન કાળથી ૧૯૬૫ સુધીનો સૌરાષ્ટ્રનો ઇતિહાસ લખ્યો છે. ‘પ્રભાસ અને સોમનાથ’ ગ્રંથમાં તેમણે પ્રાગ્ ઐતિહાસિક કાળથી શરૂ કરીને ૧૯૫૦ સુધીની બધી માહિતી ભેગી કરીને આપી છે. ૧૯૭૫માં પ્રગટ થયેલા ‘જૂનાગઢ અને ગિરનાર’ ગ્રંથમાં જૂનાગઢ રાજ્યને કેન્દ્રમાં રાખીને ઇતિહાસ લખ્યો છે. આ ઉપરાંત ‘શ્રીકૃષ્ણનું દ્વારકા’, ‘સૌરાષ્ટ્રના ઇતિહાસની વાર્તાઓ’માં તેમણે ખાસ કરીને નાગર દીવાનો તથા મુત્સદ્દીઓને રસપ્રદ રીતે આલેખ્યા છે. શંભુપ્રસાદ ઇતિહાસ ઉપરાંત સંસ્કૃતિ, સિક્કાઓ, સાહિત્ય, ભાષાઓ અને પુરાતત્ત્વના અભ્યાસી હતા. ઇતિહાસમાં રસ ધરાવતા અનેક સજ્જનો દરરોજ સાંજે તેમના નિવાસસ્થાને ભેગા મળીને ચર્ચા કરતા. તેમણે ‘પ્રભાસ સંશોધનસભા’, ‘સોરઠ સંશોધનસભા’ સ્થાપી હતી જે પછીથી ‘સૌરાષ્ટ્ર કચ્છ ઇતિહાસ પરિષદ’ નામથી જાણીતી થઈ. ૧૯૭૮થી ૮૦ સુધી તેઓ ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ૧૯૮૮માં તેમને ‘ડૉક્ટર ઑવ્ લેટર્સ’ની માનાર્હ ઉપાધિ એનાયત કરી હતી. તેમના ‘જૂનાગઢ અને ગિરનાર’ નામના ગ્રંથને ૧૯૭૮માં ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ ગ્રંથનો પુરસ્કાર મળ્યો હતો.