Categories
વાચન સમૃદ્ધિ

અનિલ જોશી

જ. ૨૮ જુલાઈ, ૧૯૪૦ અ. ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૫

જાણીતા કવિ અને નિબંધકાર અનિલ જોશીનો જન્મ ગોંડલમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ ગોંડલ અને માધ્યમિક શિક્ષણ મોરબીમાં લીધું હતું. તેમણે ૧૯૬૪માં એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદથી ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. ૧૯૬૨-૧૯૬૯ દરમિયાન હિંમતનગર અને અમરેલીમાં શિક્ષક તરીકે કામગીરી કરી હતી. ૧૯૭૧થી ૧૯૭૬ સુધી તેમણે ‘કૉમર્સ’ સામયિકના તંત્રી તરીકે તથા ૧૯૭૭થી ઘણાં વર્ષો સુધી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં લૅન્ગ્વેજ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતી ભાષાના સલાહકાર તરીકે પણ સેવા આપી હતી. અનિલ જોશી પાસેથી આપણને  ૧૯૭૦માં ‘કદાચ’ અને ૧૯૮૧માં ‘બરફનાં પંખી’ બે કાવ્યસંગ્રહ પ્રાપ્ત થયેલ છે. ‘પવનની વ્યાસપીઠે’ એ ૧૯૮૮માં પ્રકાશિત થયેલો એમનો લલિતનિબંધસંગ્રહ છે. આ સિવાય ‘સ્ટેચ્યૂ’, ‘બૉલપેન’, ‘બારીને પડદાનું કફન’, ‘દિવસનું અંધારું છે’ જેવા નિબંધસંગ્રહ એમણે લખ્યા છે. ‘ગાંસડી ઉપાડી શેઠની’ (૨૦૨૩) એમની નિખાલસ આત્મકથા છે. સાતમા-આઠમા દાયકાના નવતર કવિઓમાં અનિલ જોશીનું સ્થાન મહત્ત્વનું રહ્યું છે. ૧૯૬૦ પછીની કવિતાની વાત કરીએ તો ગુજરાતી ગીતમાં આધુનિકતાનો ઉન્મેષ અનિલ જોશીનાં ગીતોમાં વિશેષ ઝળકે છે. પરંપરાગત ગુજરાતી ગીતને એમણે દૃઢ તર્ક અને મર્યાદિત ભાવ-અર્થબોધના રૂઢ સંદર્ભોમાંથી મુક્ત કરી એક નૂતન મુકામ પર પહોંચાડ્યું છે. ગુજરાતી ગીતકવિતાક્ષેત્રે રમેશ પારેખ અને અનિલ જોશીની જોડી આજે પણ મશહૂર છે. ‘સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે…’ અને ‘અમે બરફનાં પંખી રે ભાઈ ! ટહુકે ટહુકે પીગળ્યાં’ એમનાં જાણીતાં ગીતો છે. અનિલ જોશીના ‘બરફનાં પંખી’ કાવ્યસંગ્રહને જયંત પાઠક પારિતોષિક, ‘સ્ટેચ્યૂ’ સંગ્રહને ૧૯૯૦નું સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. ૨૦૧૦માં તેઓ નરિંસહ ઍવૉર્ડથી સન્માનિત થયા છે.

Categories
વાચન સમૃદ્ધિ

ઈશ્વર દોષી નથી તમે અંધ છો

જીવનને વ્યર્થ કે નિરર્થક માનનારી વ્યક્તિઓએ જીવનને ભૌતિક ચીજવસ્તુઓના કાંટે જોખ્યું છે. જીવનથી હતાશ થનારી વ્યક્તિએ ફક્ત પ્રાપ્તિને જ જીવનનો માપદંડ માન્યો હોય છે. આવું જીવન  આપવા માટે હતાશ માનવી પ્રતિદિન અને પ્રતિક્ષણ પરમાત્માને દોષિત ગણે છે, પણ આ માનવી જેવો બીજો કોઈ મોટો ગુનેગાર નથી. આ માનવી ઈશ્વરે સાહજિક રીતે આપેલી મૂલ્યવાન કુદરતી ભેટને જોતો નથી. એને પરમાત્માએ કરેલા ઉપકારની કશી જાણ નથી. પરમાત્માએ એને આંખો આપી છે, પરંતુ એ લીલીછમ હરિયાળીથી પોતાની આંખો અને મનને ભરી દેતો નથી. પરમાત્માએ એની આસપાસ પ્રકૃતિનો ભંડાર ઊભો કર્યો છે, પણ પૈસાની પાછળ દોડતો માનવી પ્રકૃતિના આનંદને સાવ ભૂલી ગયો છે. જો પરમાત્માએ લીલીછમ પ્રકૃતિ કે વૃક્ષોની ઘેઘૂર ઘટા જોવાની કિંમત રાખી હોત તો ? તો આ માનવી જરૂર એ જોવાની મોંઘી ટિકિટ લઈને પણ ‘ઍન્જૉય’ કરવા આવતો હોત. પક્ષીનો મધુર કલરવ સાંભળવા એણે કલદાર માંગ્યા હોય તો માનવીએ હોંશે હોંશે ચૂકવ્યા હોત. ઈશ્વરે માનવીને વિનામૂલ્યે આટલું બધું આપીને એની જિંદગીને બહુમૂલ્ય બનાવી છે. પંખીઓનું ગીત, ધવલ ચાંદની, હસતાં ફૂલ કે ઘેઘૂર વૃક્ષોને જોશે તો પરમાત્માના અખંડ વિસ્તારનો સાક્ષાત્ અનુભવ થશે. વિરલ આહલાદની તમને અનુભૂતિ થશે. મંદ મંદ સમીરનો અનુભવ અંતરમાં શાંતિનો સ્પર્શ જગાવશે. હસતી-ખીલેલી કૂંપળો જીવનના આનંદની તાજગી દર્શાવશે. ધીરે ધીરે આમતેમ ડોલતાં વૃક્ષો કોઈ યોગીની મસ્તીનો અનુભવ કરાવશે. ગગનમાં ઊડતાં ઊડતાં મનમોજે કલરવ કરતાં પંખીઓમાં ભક્તિની ભાવધારાનો અનુભવ થશે અને આસપાસ પથરાયેલી હરિયાળી કુદરત આત્માની લીલીછમ જાજમનો ખ્યાલ આપશે.

Categories
વાચન સમૃદ્ધિ

કવિમણિ દેશીગવિનયગમ્ પિલ્લાઈ

જ. ૨૭ જુલાઈ,૧૮૭૬ અ. ૨૬ સપ્ટેમ્બર, ૧૯૫૪

જાણીતા તમિળ કવિ દેશીગવિનયગમ્ પિલ્લાઈનો જન્મ કન્યાકુમારી જિલ્લાના થેરૂર ગામમાં શિવદનુ પિલ્લાઈ અને આદિલક્ષ્મીને ત્યાં થયો હતો. તેમના પિતાએ તેમનું નામ ‘દેશીગવિનયગમ્’ તેમના પૂજનીય દેવતા ઉપરથી રાખ્યું હતું. નવ વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમણે એમ.એ. સુધીનો અભ્યાસ કર્યો હતો. તેઓ જે શાળામાં ભણ્યા હતા તે જ શાળામાં તથા અન્ય સંસ્થાઓ સહિત ૩૬ વર્ષ સુધી શિક્ષક તરીકે કામ કર્યું હતું. બાળકો માટે વ્યવસ્થિત રીતે કવિતા લખનારા પ્રથમ તમિળ કવિ તરીકે કવિમણિને શ્રેય આપવામાં આવે છે. તેમના ૧૯૩૮ના સંગ્રહ ‘મલારુમ્ માલૈયમ્’માં ૨૫થી વધુ બાળગીતો અને સાત કથાત્મક કવિતાઓનો સમાવેશ થાય છે. તેમની સૌથી વધુ લોકપ્રિય કૃતિઓમાંની એક બાળગીત ‘થોટ્ટથિન મેયુધા વેલ્લાઈ પાસુ’ (બગીચામાં ચરતી સફેદ ગાય) છે. તેમની કૃતિઓમાં ભક્તિગીતો, સાહિત્યિક અને ઐતિહાસિક કવિતાઓ, બાળગીતો, પ્રકૃતિ કવિતાઓ, સામાજિક વિષયો અને રાષ્ટ્રવાદી છંદો સહિત વિવિધ શૈલીઓનો સમાવેશ થાય છે. પિલ્લઈએ એડવિન આર્નોલ્ડની ‘લાઇટ ઑવ્ એશિયા’નું તમિળ ભાષામાં રૂપાંતર કર્યું હતું. તેમણે ફારસી કવિ ઓમર ખય્યામનાં કાવ્યોનો તમિળમાં અનુવાદ કર્યો હતો. કવિમણિ એક સક્રિય સંશોધક પણ હતા, જેમણે તમિળ સાહિત્ય અને ઐતિહાસિક અભ્યાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેમણે મદ્રાસ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા તમિળ લૅક્સિકન પ્રોજેક્ટ માટે સમીક્ષક તરીકે સેવા આપી હતી. તેમણે કંબારામાયણમ્ દિવાકરમ્ અને નવનીતા પાટિયાલ જેવાં કાર્યો માટે હસ્તપ્રતોનું પણ સંકલન કર્યું હતું. તેમના પુસ્તક ‘ગંધલૂર સાલાઈ’ને એક મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક અભ્યાસ માનવામાં આવે છે. ૧૯૪૦માં ચેન્નાઈની પચૈયપ્પા કૉલેજમાં તમિળ વિદ્વાન તમિલવેલ ઉમા મહેશ્વર પિલ્લઈ દ્વારા તેમને ‘કવિમણિ’નું બિરુદ આપવામાં આવ્યું હતું. ૧૯૫૪માં થેરૂરમાં તેમનું એક સ્મારક બનાવવામાં આવ્યું હતું. ૨૦૦૫માં ભારત સરકારે તેમના માનમાં એક સ્મારક ટપાલટિકિટ બહાર પાડી હતી.