Categories
વાચન સમૃદ્ધિ

ડોન બ્રેડમેન

જ. ૨૭ ઑગસ્ટ, ૧૯૦૮ અ. ૨૫ ફેબ્રુઆરી, ૨૦૦૧

‘ડોન’ના ઉપનામથી જાણીતા ડોનાલ્ડ જ્યોર્જ બ્રેડમેનને ક્રિકેટના ઇતિહાસના સર્વોત્કૃષ્ટ બૅટ્સમૅન તરીકે ઓળખવામાં આવે છે. એની ટેસ્ટમૅચની બૅટિંગ સરેરાશ ૯૯.૯૪ છે, જે કોઈ પણ સ્પર્ધા માટે ઘણી મોટી સિદ્ધિ ગણાય છે. ઑસ્ટ્રેલિયાનાં લોકગીતોમાં જુવાન ડોનાલ્ડ બ્રેડમેનની સિદ્ધિનાં ગીતો સાંપડે છે. વીસ વર્ષની એની કારકિર્દીમાં ડોનાલ્ડ બ્રેડમેનની ઝંઝાવાતી બૅટિંગને થંભાવવા માટે ઇંગ્લૅન્ડની ટીમને વિવાદાસ્પદ એવી બૅટ્સમૅનના શરીરને લક્ષ્ય કરતી ‘બૉડીલાઇન’ ગોલંદાજી શોધવી પડી હતી. માત્ર બે વર્ષમાં એ ગામડાંનાં ક્રિકેટમાંથી ઑસ્ટ્રેલિયન ટીમમાં પ્રવેશ પામ્યો અને બાવીસમા જન્મદિવસ પૂર્વે નોંધાવેલા એના વિક્રમો હજી વણતૂટ્યા છે. પોતાની પ્રથમ કક્ષાના શેફિલ્ડ શિલ્ડની પ્રથમ મૅચમાં એડિલેડ પર દક્ષિણ ઑસ્ટ્રેલિયાની ટીમ સામે એમણે ૧૧૮ રન કર્યા હતા અને પછી એમની પ્રથમ કક્ષાની એકવીસ વર્ષની કારકિર્દીમાં દર ત્રણ દાવમાં એક વાર સદી કરવાની ભવ્ય અને અણનમ સિદ્ધિ નોંધાવી છે. ૧૯૪૮માં નિવૃત્તિ સમયે ૧૧૭ સદી નોંધાવી હતી, જેમાંથી ૨૯ ટેસ્ટ સદી છે. પ્રથમ કક્ષાના ક્રિકેટમાં એમનો સૌથી મોટો જુમલો અણનમ ૪૫૨ રનનો છે, ૩૦૦ રનથી વધુ ૬ દાવ, ૨૦૦ રનથી વધુ ૩૭ દાવ એ ખેલ્યા છે. એમની બૅટિંગકલા એવી હતી કે ગોલંદાજ પર એ સતત આક્રમણ કરતા. મૅચ અને ટીમની પરિસ્થિતિ પ્રમાણે એ ખેલતા, પરંતુ ચપળ આંખ અને અંગોના સંવાદીપણાને કારણે એ ખૂબ જોશથી સ્ટ્રોક લગાવી શકતા. ક્યારેક તો એમની શક્તિ અને એમની ક્ષમતા માનવીય ક્ષમતાઓને પાર કરતી લાગતી હતી. એ બાવન ટેસ્ટ રમ્યા, જેમાં ૨૪ ટેસ્ટમાં સુકાની તરીકે દેશની આગેવાની સંભાળી. વળી ટેસ્ટમૅચની જે પાંચ શ્રેણીમાં એમની આગેવાની હેઠળ ઑસ્ટ્રેલિયા રમ્યું, તેમાં એક પણ વાર એણે ‘રબર’ ગુમાવ્યું નથી. કુલ ૬,૯૯૬ રન કરનાર ડોન બ્રેડમેન ૧૯૪૮ની ઓવલની છેલ્લી ટેસ્ટમાં હોલિસ નામના સામાન્ય ગોલંદાજને હાથે શૂન્ય રને આઉટ થયા હતા અને આને પરિણામે એમની ટેસ્ટ સરેરાશ ૧૦૦ થવાને બદલે ૯૯.૯૪ પર અટકી ગઈ. અનેક વિક્રમો ધરાવનાર ડોન બ્રેડમેનને ટેસ્ટ પ્લેયર તરીકે અડધી સદીની નિવૃત્તિ બાદ ૧૯૯૭માં ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન જ્હોન હાર્વર્ડે એમને ‘સૌથી મહાન જીવંત ઑસ્ટ્રેલિયન’ તરીકે ગણાવ્યા હતા. એમની સ્મૃતિમાં ટપાલટિકિટ અને સિક્કાઓ ઉપરાંત એમની હયાતીમાં એક મ્યુઝિયમ પણ તૈયાર થયું હતું.

Categories
વાચન સમૃદ્ધિ

જીવનસંઘર્ષની કથા

અશ્વેત શિક્ષક અને ઉપદેશક લૉરેન્સ જોન્સ ચર્ચમાં વક્તવ્ય આપતા હતા. પ્રથમ વિશ્વયુદ્ધના એ દિવસો હતા અને ચોતરફ એવી અફવા ફેલાઈ હતી કે જર્મનો અમેરિકાના અશ્વેત લોકોને શાસન સામે ઉશ્કેરી રહ્યા છે. આવે સમયે અશ્વેત એવા લૉરેન્સ જોન્સે જીવનલક્ષી વક્તવ્ય આપતાં કહ્યું કે, ‘આ જીવન એ તો સંઘર્ષ છે. દરેક અશ્વેત માનવીએ એ સંઘર્ષ પોતાનાં શસ્ત્રોથી લડી લેવો જોઈએ. એ સંઘર્ષ પર વિજય હાંસલ કરવા માટે સતત મથ્યા કરવું જોઈએ.’ ચર્ચની બહાર કેટલાક ગોરાઓના કાને લૉરેન્સ જોન્સના શબ્દો પડ્યા. આ ગોરાઓએ ‘શસ્ત્રો’ અને ‘લડી લેવું’ એ બે શબ્દો સાંભળ્યા અને એમને થયું કે નક્કી, આ લૉરેન્સ જોન્સ અશ્વેતોને ઉશ્કેરી રહ્યો છે. જર્મનોની ચાલબાજીને સાથ આપી રહ્યો છે. બહાર એકઠા થયેલા ગોરાઓએ નક્કી કર્યું કે લૉરેન્સ જોન્સના ગળામાં ફાંસલો નાખવો અને એને લટકાવીને જીવતો સળગાવી દેવો. આ સઘળી તૈયારી થઈ ગઈ. લૉરેન્સના ગળામાં ફાંસો નાખવામાં આવ્યો, ત્યારે કોઈએ કહ્યું, ‘એને જીવતો સળગાવી દેતાં પહેલાં એની પૂરી વાત તો સાંભળો ?’ ગળામાં ફાંસલા સાથે લૉરેન્સે પોતાની વાત કહી. કેટલો બધો સંઘર્ષ ખેડીને એ આગળ વધ્યો એ કહ્યું અને એ ચર્ચમાં અશ્વેતોને કહેતો હતો કે અશ્વેત બાળકોએ આવી રીતે જીવનનો સંઘર્ષ ખેડીને સારા મિકૅનિકો, ખેડૂતો અને શિક્ષકો બનવું જોઈએ. બન્યું એવું કે જે ગોરાઓ લૉરેન્સ જોન્સને જીવતો સળગાવી દેવા ચાહતા હતા, તેઓ જ લૉરેન્સ જોન્સને એની ‘પીનેવુડ્ઝ કન્ટ્રી સ્કૂલ’ સ્થાપવા માટે સહાય જાહેર કરવા લાગ્યા. કોઈએ જમીન આપવાની જાહેરાત કરી, તો કોઈએ એને બેંચ આપવાની તો કોઈએ રકમ આપવાની સહાયની ઘોષણા કરી.

Categories
વાચન સમૃદ્ધિ

મુનિશ્રી સંતબાલજી

જ. ૨૬ ઑગસ્ટ, ૧૯૦૪ અ. ૨૬ માર્ચ, ૧૯૮૨

હિંદુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ, ખ્રિસ્ત અને જરથુષ્ટ્રનાં ષડ્દર્શનનો ગુણાત્મક સમન્વય કરનાર સમાજસેવક. માતા મોતીબાઈ અને પિતા નાગજીભાઈ. મૂળ નામ શિવલાલ. તેઓ પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે પિતાનું અવસાન. સાત ગુજરાતી સુધીનો અભ્યાસ. પૈસા કમાવા મુંબઈ ગયા. સંતબાલજીના ગુરુ પૂ. નાનચંદ્રજી. સંતબાલજી તેમનાં માનવતાવાદી પ્રવચનોથી આકર્ષાયા. પરિણામે સંતબાલજીએ પોતાનું જીવન તેમનાં ચરણોમાં ધરી દેવાની માગણી મૂકી. તેમણે સં. ૧૯૮૫માં ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને નામ રાખ્યું સૌભાગ્યચંદ્ર. પ્રાકૃત, સંસ્કૃત અને જૈન દર્શન ઉપરાંત ન્યાયપ્રમાણનો તથા અંગ્રેજીનો પણ અભ્યાસ કર્યો. ઈ. સ. ૧૯૩૨માં કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શતાવધાનના સફળ પ્રયોગો કરીને શ્રીમદ્ રાજચંદ્રની સ્મૃતિને તાજી કરી. અજમેરમાં ભરાયેલી જૈન કૉન્ફરન્સમાં તેમણે શતાવધાનના સફળ પ્રયોગો કર્યા. પરિણામે આર્યસમાજે તેમને ‘ભારતરત્ન’નો ઇલકાબ આપ્યો. શંકરાચાર્ય, માર્ટિન લ્યૂથર, દયાનંદ સરસ્વતી, ધર્મપ્રાણ લોંકા શાહ અને ગાંધીજીની ધર્મક્રાંતિથી આકર્ષાઈ તેમણે ધર્મપ્રાણ લોંકા શાહની લેખમાળા પ્રગટ કરવા માંડી. તેના કારણે તેમના ગુરુ નાનચંદ્રજીને ઘણું સહન કરવું પડ્યું. પરિણામે તેમણે નર્મદાના કાંઠે સમૌન એકાંતવાસ સેવ્યો. સંતબાલજીને આત્મતત્ત્વની અનુભૂતિ દૃઢ થતી લાગી તેમ તેમ તેમને મત, ગચ્છ, પંથ અને સંપ્રદાયના વાડા સાંકડા લાગવા માંડ્યા. સ્થાનકવાસી જૈન સંપ્રદાયે તેમને છૂટા કર્યા. સંપ્રદાયથી છૂટા થયા પછી તેમણે ભાલ-નળકાંઠાના વિસ્તારમાં પ્રાયોગિક સંઘની રચના કરી, જેના પરિણામે ત્યાં ખાદી, ખેતી, ગોપાલન અને નઈ તાલીમ જેવી જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલે છે. ભાલ-નળકાંઠા પ્રાયોગિક સંઘની વિશિષ્ટતા એ છે કે ખેડૂતમંડળ, ગોપાલકમંડળ જેવાં નૈતિક ગ્રામસંગઠનો દ્વારા તે લોકશક્તિ નિર્માણ કરવાનું કાર્ય કરે છે. સંતબાલજીએ સત્-સાહિત્ય અર્થે ‘વિશ્વવાત્સલ્ય’ પાક્ષિક પણ પ્રગટ કર્યું હતું. વળી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર દ્વારા તેમણે શ્રી ઉત્તરાધ્યયન, શ્રી દશવૈકાલિક અને શ્રી આચારાંગસૂત્રના અનુવાદનું તેમજ અન્ય પથ્ય સાહિત્ય પણ પ્રગટ કર્યું હતું. મુનિ સૌભાગ્યચંદ્ર ત્યારપછી ‘સંતબાલ’ના નામે ઓળખાવા લાગ્યા. એમના સમગ્ર જીવન ઉપર ‘મુનિશ્રી સંતબાલજી’ નામે દસ્તાવેજી ફિલ્મ તૈયાર થઈ છે. ચીંચણી (જિ. થાણા, મહારાષ્ટ્ર)માં રહીને મહાવીરનગરને તેમણે એમના અનુબંધના પ્રયોગનું કેન્દ્ર બનાવ્યું. સાધુ, સંત અને સેવકનું સંકલન કરી તેમને સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું. વળી વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ દ્વારા સ્ત્રીઓના સર્વાંગીણ વિકાસ માટે માતૃસમાજને માર્ગદૃર્શન પણ આપ્યું.