Categories
વાચન સમૃદ્ધિ

આચાર્ય મહાપ્રજ્ઞ

જ. ૧૪ જૂન, ૧૯૨૦ અ. ૯ મે, ૨૦૧૦

જૈન ધર્મના તેરાપંથ સંપ્રદાયના દસમા આચાર્ય શ્રી મહાપ્રજ્ઞજીનું મૂળ નામ નથમલ હતું. અગિયાર વર્ષની વયે દીક્ષા લીધા બાદ હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, રાજસ્થાની જેવી ભાષાઓ તથા જૈન તત્ત્વ, આગમ, ઇતિહાસ, દર્શન, સિદ્ધાંત, ન્યાય, વ્યાકરણ વગેરેનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને એ પછી પોતાના અધ્યયનક્ષેત્રને વ્યાપક બનાવીને આધુનિક વિજ્ઞાન, આયુર્વેદ, રાજનીતિ, અર્થશાસ્ત્ર, સામ્યવાદ અને સમાજવાદ આદિનું ગહન અધ્યયન કર્યું. એમણે ધર્મક્ષેત્રે પ્રસરેલી ખોટી માન્યતાઓ અને દાંભિક ક્રિયાકાંડો સામે જાહેર સભાઓમાં વેધક પ્રહાર કર્યો. ધ્યાનની એક વિશિષ્ટ પદ્ધતિ પ્રેક્ષાધ્યાન આપી, જેમાં માનવીની દૂષિત વૃત્તિઓનું પરિમાર્જન કરવાના પ્રયોગોને પ્રસ્તુત કર્યા અને પાંચસોથી વધુ પ્રેક્ષાધ્યાનની શિબિરો દ્વારા હજારો લોકોનાં જીવનમાં શારીરિક, માનસિક અને ભાવનાત્મક સ્ટ્રેસ દૂર કરી શાંતિનો અનુભવ કરાવ્યો. ઉચ્ચકોટિના ચિંતક અને મનીષીએ જૈન આગમો વિશે, ભગવાન મહાવીર વિશે અને જૈનદર્શન વિશે મહત્ત્વનાં પુસ્તકો લખ્યાં. પ્રારંભે સંસ્કૃત ભાષામાં શીઘ્ર કવિતા કરતા હતા. એમણે ૨૭૧ પુસ્તકો લખ્યાં. અહિંસાયાત્રા કરીને દેશનાં સેંકડો ગામોમાં અહિંસક જીવનશૈલી અને વ્યસનમુક્તિ, આજીવિકા શુદ્ધિ અને આજીવિકા પ્રશિક્ષણ દ્વારા સામાજિક પરિવર્તન કર્યું. અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા પ્રસંગે એમણે સાંપ્રદાયિક સદભાવના દ્વારા એકતાનો પ્રયાસ કર્યો હતો, તો ૨૦૦૩માં સૂરતના ચાતુર્માસમાં તત્કાલીન રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાથે રાષ્ટ્રના આધ્યાત્મિક ઉત્થાન અને સૌહાર્દ માટે એક સંસ્થાની સ્થાપના કરી, રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ તેમને વારંવાર મળવા આવતા હતા. લંડનની ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલૉજી દ્વારા બ્રિટિશ પાર્લમેન્ટમાં અહિંસા ઍવૉર્ડ, ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય એકતા પુરસ્કાર, મધર ટેરેસા ઍવૉર્ડ જેવા ઍવૉર્ડ એમને પ્રાપ્ત થયા હતા. ૯મી મેએ તેઓ રાજસ્થાનના સરદાર શહેરમાં કાળધર્મ પામ્યા. એમની બહુવિધ પ્રતિભામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનો ત્રિવેણીસંગમ જોવા મળે છે. રાષ્ટ્રકવિ દિનકરજીએ એમને આધુનિક યુગના વિવેકાનંદ કહ્યા હતા, તો અટલ બિહારી બાજપેયી, પં. દલસુખ માલવણિયા, શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ આદિ એમનાથી પ્રભાવિત હતા.

Categories
વાચન સમૃદ્ધિ

વર્તમાન એ ભવિષ્યની ખરીદી કરે છે

માનવીને મળેલા અમૂલ્ય જીવનને સાર્થક કરવા માટે એમ કહેવામાં આવે છે કે એણે પળનો પણ પ્રમાદ કરવો જોઈએ નહીં. આ પળનો પ્રમાદ કઈ રીતે થતો હશે ? એનો વિચાર મનમાં સ્વાભાવિક રીતે ઉદભવે. હકીકતમાં જીવન એ પળનું બનેલું છે. વ્યક્તિના જીવનની માત્ર એક પળ પણ વેડફાઈ જાય તોપણ એના જીવન પર એનો પ્રભાવ પડતો હોય છે. આ પળને ઉજાળવા માટે વ્યક્તિએ પ્રત્યેક પળને જીવતાં શીખવું જોઈએ. સામાન્ય રીતે વ્યક્તિ પોતાના ભૂતકાળની ક્ષણને લઈને વર્તમાનની ક્ષણને ઓળખતી હોય છે, પણ એની એ વર્તમાનની ક્ષણ સાથે ભૂતકાળનાં ભય, શંકા અને દ્વિધા જોડાય, તો એની વર્તમાનની ક્ષણ પણ વિફળ બને છે. જીવનની ક્ષણોને જૂની-પુરાણી વિચારસરણીથી જોવા જનાર પોતાની આજની ઘડીને રળિયામણી કરવાને બદલે વ્યર્થ બનાવી દે છે. આ રીતે વ્યક્તિએ વર્તમાનની ક્ષણને વર્તમાનમાં જ જીવવાની કોશિશ કરવી જોઈએ. ભૂતકાળની ક્ષણથી વર્તમાનને જોનાર દ્વિધા અનુભવે છે, તો વર્તમાનની ક્ષણે ભવિષ્યનો વિચાર કરનાર ભયને જુએ છે. ભૂતકાળમાં સરી ગયેલી ક્ષણની ચિંતા છોડો અને આવતી કાલની ક્ષણની ચિંતા હટાવી દો. ગઈકાલની ક્ષણ પ્રમાદ લાવશે અને આવતી કાલની અનિશ્ચિતતા. ખરી જરૂર તો પ્રત્યેક ક્ષણને વર્તમાનમાં જીવવાની છે. વર્તમાન આપણા ભવિષ્યને આકાર આપે છે અને વીતી ગયેલા ભૂતકાળને સુધારે છે. આથી ‘આજ’ એ હકીકત છે. ‘ગઈકાલ’ એ વીતી ગયેલું સ્વપ્ન છે અને આવતી કાલ એ આવનારી પરિસ્થિતિની કલ્પના છે. વીતેલાનો શોક નહીં, આવનારની ફિકર નહીં; વર્તમાન પાસે છે આજનું કર્મ, નક્કર હકીકત અને યથાર્થ દર્શન.

Categories
વાચન સમૃદ્ધિ

મોહનલાલ ચુનીલાલ ધામી

જ. ૧૩ જૂન, ૧૯૦૫ અ. ૨ એપ્રિલ, ૧૯૮૧

ગુજરાતી સાહિત્યના પ્રખ્યાત નવલકથાકાર, કવિ, નાટ્યકાર, પત્રકાર અને આયુર્વેદિક ચિકિત્સક મોહનલાલ ધામીનો જન્મ પાટણ, બરોડા સ્ટેટમાં થયો હતો. તેમણે ચોટીલાની હન્ટરમેન ટ્રેનિંગ કૉલેજમાં છઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કર્યો હતો. બાળપણમાં તેઓ જૈન સાધુ બનવા ઇચ્છતા હતા, પરંતુ તે શક્ય ન બનતાં તેમણે દૂધપાકનો ત્યાગ કર્યો હતો. મોહનલાલ ધામીનાં પત્નીનું નામ કાંતાબહેન અને પુત્રનું નામ વિમલ હતું. ૧૯૨૮માં પાટણના ઉજમશી પીતાંબરદાસ આયુર્વેદિક કૉલેજમાંથી તેમણે ‘આયુર્વેદભૂષણ’ની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે બંગાળી, હિન્દી, સંસ્કૃત, પ્રાકૃત, ઉર્દૂ અને મરાઠી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું હતું. ૧૯૨૯માં તેમણે ચોટીલામાં આયુર્વેદિક દવાખાનું શરૂ કર્યું અને ત્યારબાદ ૧૯૩૭માં રાજકોટમાં દવાખાનું શરૂ કર્યું હતું. મોહનલાલ ધામી, મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત હોવાથી તેમણે જીવનભર ખાદીનો પહેરવેશ ધારણ કર્યો હતો. ભારતના સ્વતંત્રતા આંદોલનમાં પણ તેમણે ભાગ લીધો હતો અને જ્યારે વિસાપુર ખાતેના સત્યાગ્રહમાં ભાગ લીધો, ત્યારે બ્રિટિશ સરકાર દ્વારા તેમને જેલ થઈ હતી. આ ઉપરાંત વલ્લભભાઈ પટેલના સૂચન પર તેમણે મહારાષ્ટ્રનાં ગામોમાં જાગૃતિ ફેલાવવા માટે મોબાઇલ પ્રદર્શનનું આયોજન પણ કર્યું હતું. મોહનલાલ ધામી એક ઉત્કૃષ્ટ સાહિત્યકાર હતા. તેમણે લખેલાં ૧૭૦થી વધુ પુસ્તકોમાં જૈન ધર્મ આધારિત ઐતિહાસિક નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, જીવનચરિત્રો, પ્રવાસવર્ણનો, બાળસાહિત્ય, નિબંધો, અનુવાદો, લોકસાહિત્ય અને ધાર્મિક સાહિત્યનો સમાવેશ થાય છે. તેમનું ‘દાદીમાનું વૈદું’ પુસ્તક ખૂબ પ્રખ્યાત છે. ‘મૃદુલ’ અને ‘બાજીગર’ ઉપનામ હેઠળ ૧૮ વર્ષની ઉંમરે તેમણે ‘આત્મા વિનોદ’ નામનું એક પુસ્તક લખ્યું અને ‘કોકિલ’ નામનું એક સામયિક પણ પ્રકાશિત કર્યું હતું. તેમણે ‘વરઘેલી’, ‘એના ચરણે’ અને ‘ભણેલી વહુ’ એમ ત્રણ ગુજરાતી ફિલ્મની કથા, સંવાદ અને ગીતો પણ લખ્યાં છે. તેમનાં ‘રૂપકોશા’ જેવાં પુસ્તકો યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ સમાવિષ્ટ થયાં છે જેનું હિન્દી તથા અંગ્રેજી ભાષામાં પણ ભાષાંતર થયું છે. મોહનલાલ ધામીનું અવસાન રાજકોટમાં થયું.