Categories
વાચન સમૃદ્ધિ

નારાયણ વામન ટિળક

જ. ૬ ડિસેમ્બર, ૧૮૬૧ અ. ૯ મે, ૧૯૧૯

બ્રિટિશ રાજના સમયમાં તેઓએ ચિતવન બ્રાહ્મણ કુળમાં જન્મ્યા હોવા છતાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરેલો. તેઓ પ્રસિદ્ધ મરાઠી કવિ હતા.

તેઓ લોકમાન્ય ટિકળના નજીકના સગા હતા. નારાયણ ટિળકે ભારતમાં જ અભ્યાસ કરેલો. માતાનો ધર્મ અને કવિતાનો પ્રેમ તેઓને વારસામાં મળેલા. ૧૧ વર્ષની વયે તેઓએ માતા ગુમાવી હતી, ત્યારથી તેમના જીવનમાં ખૂબ પરિવર્તન આવ્યું. તેમના પિતાનો સ્વભાવ ખૂબ કઠોર હતો. તેઓએ વાંચન કરી, ઊંડું વિચારીને ભારતની પ્રજા વિશે બ્રિટિશ રાજમાં થતી મુશ્કેલીઓ માટે વિમર્શ કર્યો હતો. તેમની પત્નીનું નામ લક્ષ્મી હતું.

તેઓના મનમાં દેશસેવા અને ખાસ કરીને સ્ત્રીઓનો શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક ક્ષેત્રમાં વિકાસ થાય તેવી ભાવના હતી. તે માટે તેઓ પદયાત્રા કરવા માટે નીકળી પડ્યા. તે સમયે મહારાષ્ટ્રમાં સ્ત્રીઓ શિક્ષણથી વંચિત રહેતી હતી, ભારતીય સમાજમાં બાળલગ્ન, બાળવિધવા અને નાતજાતનાં બંધનનો ભોગ સ્ત્રીઓ બનતી. આ સમસ્યાનો ઉકેલ શોધવા તેઓ ધર્મ તરફ વળ્યા. બૌદ્ધ, જૈન તથા ઇસ્લામ ધર્મમાં તેનું સમાધાન ન મળતાં છેવટે ખ્રિસ્તી ધર્મ તરફ વળ્યા. ૧૮૯૫માં તેમણે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો. લાંબા ગાળે તેમની પત્નીએ પણ એ ધર્મ સ્વીકાર્યો. ટિળકે ઘણી કવિતા  અને પ્રાર્થનાની રચના કરી. ધીમે ધીમે ટિળક ખ્રિસ્તી ધર્મમાં ઊંડા ઊતરતા ગયા. પાછલાં વર્ષોમાં તેઓએ ઈસુ ખ્રિસ્તનું જીવન મરાઠી ભાષામાં લખવાનો આરંભ કર્યો પણ તે પૂરું કરે તે પહેલાં એમનું અવસાન થયું.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

શરીરની ઘડિયાળના કાંટાનો

અવાજ સાંભળીએ ——–

સમય બતાવતી ઘડિયાળ જોનારા માનવીએ શરીરની ઘડિયાળ પણ જોવી જોઈએ. કેટલીક વ્યક્તિઓ સમયની ઘડિયાળ સાથે શરીરની ઘડિયાળને કચકચાવીને બાંધી દે છે. એ નિર્ધાર કરે છે કે ગમે તે થાય, તોપણ સવારે પાંચ વાગે ઊઠી જવું અને ઠંડા પાણીએ સ્નાન કરવું. કડકડતી ઠંડી હોય તોપણ એ કોઈ જક્કી કે હઠાગ્રહીની માફક પોતાના ‘સંકલ્પ’નું પાલન કરે છે. આમ કરવાની એના શરીરને નામરજી હોય, તો એ શરીરને ચાબુક મારીને જગાડે છે અને કોઈ સરમુખત્યારની માફક એને શિયાળામાં ઠંડા પાણીએ સ્નાન કરાવે છે. ઊંઘ અધૂરી રહેતી હોય, શરીરનો થાક ઊતર્યો ન હોય તોપણ એ નિયમભંગ કરવા ચાહતો નથી, નિયમ એટલે નિયમ. એમાં ક્યારેય ટસથી મસ થવાનું ન હોય એમ માનનારા લોકો જીવનની સ્ફૂર્તિ અને આનંદને ગુમાવે છે અને નિયમની જડતાને પકડી ઊછળકૂદ કરતા હોય છે. અધૂરી ઊંઘને કારણે એમના સ્વભાવમાં અકળામણ આવશે, દિવસ દરમિયાન એ અકળામણ ગુસ્સાનું સ્વરૂપ લેશે. શરીરને પૂરતો આરામ મળતો નહીં હોવાથી એ વહેલા થાકી જશે, પરંતુ બધી બાબતમાં એ સમયની ઘડિયાળને પૂછે છે, શરીરની ઘડિયાળની કોઈ પરવા કરતા નથી. હકીકતમાં વ્યક્તિએ નિદ્રાનો સમય નક્કી કરવા માટે ઘડિયાળના કાંટાને નહીં, પણ પોતાના શરીરની ઘડિયાળને પૂછવું જોઈએ. શરીરની ઘડિયાળ બરાબર ચાલે તે માટે સમયની ઘડિયાળના પાવરને બદલે અહીં આરામ અને પૂરતી નિદ્રાની જરૂર છે. વ્યક્તિએ પોતાના શરીરની ઘડિયાળને લક્ષમાં રાખીને નિદ્રાનો સમય નક્કી કરવો જોઈએ. ક્યારે ઊઠવું અને ક્યારે સૂઈ જવું, એ ઘડિયાળને બદલે શરીરના હાથમાં સોંપવું જોઈએ.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

શેખ  અબ્દુલ્લા

જ. ૫ ડિસેમ્બર, ૧૯૦૫ અ. ૮ સપ્ટેમ્બર, ૧૯૮૨

કાશ્મીરના પ્રસિદ્ધ નેતા શેખ અબ્દુલ્લાનો જન્મ શ્રીનગર પાસે સૌરા ગામમાં થયો હતો. ‘શેરે કાશ્મીર’ તરીકેની ખ્યાતિ ધરાવતા શેખ અબ્દુલ્લાએ તેમની આત્મકથા ‘આતિશે ચિનાર’માં જણાવ્યા મુજબ તેમના પરદાદા હિંદુ બ્રાહ્મણ હતા અને એક સૂફી સંતથી પ્રભાવિત થઈ તેમણે ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો હતો. તેમનાં ધર્મચુસ્ત માતાના વિચારોની અસર બાળપણથી જ તેમનામાં પડેલી. શ્રીનગરમાં મૅટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ કૉલેજશિક્ષણ જમ્મુ, લાહોર અને અલીગઢમાં લીધું. એમ.એસસી.ની પદવી પ્રાપ્ત કર્યા બાદ શિક્ષણનો વ્યવસાય સ્વીકાર્યો, પરંતુ તેમની રાજકીય પ્રવૃત્તિઓને કારણે તેમને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા. રાજકારણમાં પ્રવેશ્યા બાદ ગાંધીજી, જવાહરલાલ, મૌલાના આઝાદ, અલીભાઈઓ વગેરેના વિચારોની અસર તેમના પર પડી. તેઓ પ્રખ્યાત ઉર્દૂ શાયર ઇકબાલનાં લખાણોથી પણ પ્રભાવિત હતા. સ્વતંત્રતા માટેના ભારતના સંઘર્ષમાં શેખ અબ્દુલ્લાનો મહત્ત્વનો ફાળો હતો. સરકારી વહીવટી તંત્રમાં મુસ્લિમોને વધુ પ્રતિનિધિત્વ મળે તે માટે ૧૯૩૦માં ‘યંગમૅન્સ મુસ્લિમ ઍસોસિયેશન’ની સ્થાપના કરી હતી, જે સમય જતાં ‘નૅશનલ કૉન્ફરન્સ’ તરીકે જાણીતી થઈ. તેઓ લાંબા સમય માટે આ સંસ્થાના પ્રમુખ હતા. ૧૯૪૮માં તેઓ કાશ્મીરના વડાપ્રધાન થયા. ૧૯૪૯માં બંધારણ સભાના સભ્ય બન્યા. ત્યારબાદ તેમણે કાશ્મીરને ભારતથી સ્વતંત્ર કરવા માટેના પ્રયાસો કરતાં તેમને વડાપ્રધાનપદેથી બરતરફ કરવામાં આવ્યા. ૧૯૫૩માં તેમની ધરપકડ કરવામાં આવી. ત્યાર પછી તેમની અવારનવાર ધરપકડ થઈ અને છોડવામાં આવ્યા. આશરે ૧૧ વર્ષ તેમણે જેલવાસ (૧૯૫૩-૧૯૬૪) ભોગવ્યો. ૧૯૭૫માં ભારત તરફી નીતિ અપનાવતાં ફરી કાશ્મીરના મુખ્યમંત્રી બનવાની તક સાંપડી. તેમના અવસાન બાદ તેમના પુત્ર ફારુક અબ્દુલ્લા કેટલાક સમય માટે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી બન્યા અને હાલમાં તેમના પૌત્ર ઉમર અબ્દુલ્લા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી તરીકે સક્રિય છે. તેમની આત્મકથા ‘આતિશે ચિનાર’ માટે તેમને ૧૯૮૮માં સાહિત્ય અકાદમી પુરસ્કાર(ઉર્દૂ)થી સન્માનિત (મરણોત્તર) કરવામાં આવ્યા હતા.

શુભ્રા દેસાઈ