આધુનિક માનવી એની અતિ વ્યસ્તતાને કારણે એ ભૂલી ગયો છે કે એના જીવનમાં નિદ્રાનું પણ કોઈ સ્થાન છે. અતિ પ્રવૃત્તિશીલ માનવી પલંગ પર સૂએ છે ખરો, પરંતુ એ દરમિયાન એના મનમાં દિવસભરની પ્રવૃત્તિઓનું અનુસંધાન સતત ચાલુ હોય છે. એનું માથું ઓશીકા પર ટેકવ્યું હોય છે, પરંતુ એ મસ્તિષ્કમાં આવેલું મન તો બજારની વધઘટમાં ડૂબેલું હોય છે. એના શરીરને આરામ નથી, કારણ કે હજી દુકાનનો હિસાબ અધૂરો છે. એના હૃદયમાં લોહીના પરિભ્રમણની સાથોસાથ કેટલીય અધૂરી યોજનાઓનું પરિભ્રમણ ચાલતું હોય છે.
એના મનની ચંચળતા જેવી દિવસે હતી, એવી જ પલંગ પર સૂતી વખતે હોય છે અને એની સક્રિયતામાં લેશમાત્ર પરિવર્તન થતું નથી. માત્ર પરિસ્થિતિમાં પરિવર્તન હોય છે, પહેલાં એ પોતાની ઑફિસમાં હતો અને અત્યારે પોતાના ઘરના પલંગ પર છે. બાકી બધું એમનું એમ છે અને તેથી જ આ માનવીને ઊંઘ મેળવવા માટે દવાનો આશરો લેવો પડે છે.
વૃક્ષ નિરાંતે આરામ કરે છે, પશુપક્ષીને ક્યારેય અનિદ્રાનો રોગ લાગુ પડ્યો નથી. ગરીબ માનવીને અનિદ્રા કનડી શકતી નથી, પરંતુ અતિ પ્રવૃત્તિશીલ એવા ધનિક માનવીને નિદ્રા માટે તરફડિયાં મારવાં પડે છે. હકીકતમાં એનું મન તરફડિયાં મારતું હોય છે અને તેથી જ નિદ્રા એનાથી કેટલાય ગાઉ દૂર ચાલી ગઈ હોય છે.
માનવી શયન કરે એટલે નિદ્રા ન આવે. એનું મન શયન કરે, ત્યારે નિદ્રા આવે. જાગતું-દોડતું મન સૂતેલા માણસને જાગતો-દોડતો રાખે છે. થાકેલા શરીરનો, શોકગ્રસ્ત મનનો અને વ્યસ્ત જીવનનો કોઈ વિસામો હોય તો તે નિદ્રા છે.
‘નવતર’ મરાઠી કવિતા અને વિવેચનના પ્રણેતા. એમનો જન્મ ખાનદેસપ્રદેશના ફૈઝપુર(મહારાષ્ટ્ર)માં થયો હતો. તેઓ પુણે યુનિવર્સિટીમાંથી બી.એ. થયા અને આઈ.સી.એસ.ની પરીક્ષા માટે લંડન ગયા, પણ તેમાં નિષ્ફળતા મળી. જોકે એ નિમિત્તે તેમનો બૌદ્ધિક વિકાસ ખૂબ થયો. ઇંગ્લૅન્ડના સાહિત્યિક પ્રવાહોના અભ્યાસને કારણે તેમની સાહિત્યિક રુચિનું ઘડતર સરસ થયું. ૧૯૩૨માં ભારત પાછા આવ્યા અને ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં મદદનીશ સંપાદક તરીકે જોડાયા. ત્યારબાદ ધારવાડ, મુંબઈ અને અમદાવાદની સરકારી કૉલેજોમાં અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૩૮માં ઑલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા અને ત્યાં છેક સુધી કાર્યરત રહ્યા. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘શિશિરાગમ’ ૧૯૩૯માં પ્રગટ થયો. ‘કાહી કવિતા’ (૧૯૪૭), ‘આણખી કાહી કવિતા’ (૧૯૫૧), ‘આલા આષાઢ શ્રાવણ’ તેમના અન્ય કાવ્યસંગ્રહો છે. તેમની પાસેથી ‘રાત્રિચા દિવસ (૧૯૪૨), ‘તામ્બડી માતી’ (૧૯૪૩), ‘પાની’ (૧૯૪૮) વગેરે નવલકથાઓ પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત તેમણે નાટક, સંગીત અને વિવેચનક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. ‘કર્ણ’, ‘નટશ્રેષ્ઠ’, ‘સંગમ’, ‘ઔકશાન’ વગેરે નાટકો તેમની પાસેથી મળ્યાં છે. અન્ય સર્જકો સાથે તેમના પ્રદાનનો તુલનાત્મક અભ્યાસ પણ સંશોધન માટે થયો છે.
કોઈ પણ સાહિત્યિક પરંપરાનું તેમણે આંધળું અનુકરણ કર્યું નથી. સંસ્કૃત અને અંગ્રેજી અભિવ્યક્તિના દેખીતા અનુકરણને બદલે કાવ્યક્ષેત્રે તેમણે હિંમતભર્યા અને નવા પ્રયોગો કર્યા છે અને નવો પ્રતીકવાદ વિકસાવ્યો હતો. તેમનાં બિનપરંપરાગત કલ્પનાચિત્રો અને ભાષાવિષયક નવા અર્થઘટનને કારણે તેઓ ‘ક્રાંતિકારી કવિ’ તરીકે જાણીતા થયા છે. સાહિત્યિક મુલવણીના સંદર્ભમાં સૌંદર્યમૂલક અભિગમ અને સાહિત્ય તથા વિવેચનના સિદ્ધાંત જેમાં સ્થાપિત કર્યા છે તેવી કૃતિ ‘સૌંદર્ય આણિ સાહિત્ય’ (૧૯૫૫) માટે તેમને ૧૯૫૬ના વર્ષનો સાહિત્ય અકાદેમી, દિલ્હીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
સસ્તન વર્ગના મસ્ટેલિડસ કુળનું જળચારી પ્રાણી. પાણીમાં વધારે સમય રહેવાના સ્વભાવને કારણે તે જળબિલાડી તરીકે ઓળખાય છે. બિલાડીની જેમ તેનું શરીર લાંબું અને નળાકાર સ્વરૂપનું હોય છે. પૂંછડી લાંબી અને શક્તિશાળી હોય છે. તેનો છેડો પાતળો હોય છે. ઉપાંગો નાનાં, જ્યારે આંગળી જાલવાળી હોય છે. મસ્તક ચપટું અને પહોળું હોય છે. ચહેરો સાંકડો હોય છે. રુવાંટી જળરોધક અને લીસી હોય છે.
જળબિલાડીની, દરિયાઈ જળબિલાડી (Enhydra), નદીની જળબિલાડી (Otter-lutra), દક્ષિણ અમેરિકાની મહાકાય (giant) જળબિલાડી (pteroneura), આફ્રિકાની નહોરવિહોણી જળબિલાડી (aonyx), નાના નહોરવાળી એશિયાની જળબિલાડી (amblonyx) અને આફ્રિકાની જળબિલાડી (paraonyx) આમ ૬ પ્રજાતિ છે.
આ બધી પ્રજાતિમાં lutra મુખ્ય પ્રજાતિ છે. તેના શરીરની લંબાઈ ૫૫–૧૦૦ સેમી., પૂંછડીની લંબાઈ ૩૦–૫૫ સેમી. અને વજન ૪.૫–૧૫ કિલોગ્રામ સુધી હોય છે. તેની કુલ અગિયાર જાતિઓ જોવા મળે છે. તેની પૂંછડી લાંબી, સ્નાયુબંધવાળી અને લચીલી હોય છે, છેડો ક્રમશ: સાંકડો થતો જાય છે. અગિયાર જાતિમાં ૬ જાતો વિશ્વના વિવિધ પ્રદેશોની નદીઓમાં જોવા મળે છે જેમાં આપણે ત્યાં જોવા મળતી મુખ્ય જાતિનું વર્ણન જોઈએ.
યુરેશિયન સરિતા જળબિલાડી (Lutra lutra) : તેના શીર્ષની પાર્શ્વ બાજુ, કાનની કિનારી અને ગળું સફેદ હોય છે. સાબરમતી નદીમાં પણ Lutra lutra જોવા મળે છે. મુખ્યત: નદી કે સરોવરમાં અને તેના કિનારાનાં જંગલોમાં વાસ કરતી હોય છે જેથી સંજોગો પ્રમાણે સહેલાઈથી પાણી દ્વારા સ્થાનાંતર કરી શકે છે. ઉપરાંત, તે સ્થિર જળાશય, પૂરથી ભરાતાં સરોવર, નીચા પ્રદેશોમાં આવેલાં તળાવો અને વહેતા પાણીમાં જોવા મળે છે. તે સામાન્ય રીતે ૨૦૦ મીટર અંતર કાપે છે. પણ, વિશેષ પ્રસંગે, જેમ કે આહારની અછત વેળા રાત્રિના સમયે એક જળાશયમાંથી બીજા જળાશયમાં અંશત: પાણીમાં અને અંશત: ભૂમિ ઉપર એમ લાંબા અંતરનો પ્રવાસ પણ કરે છે. તે સામાન્ય સંજોગોમાં ઊર્ધ્વપ્રવાહની દિશાએ તરતી હોવાથી અનેક કિલોમીટરનું અંતર સહેલાઈથી કાપી શકે છે. પાણીની અંદર ૬થી ૮ મિનિટ સુધી રહી શકે છે. આંખની વિશિષ્ટ રચના પાણી અને હવાના વિવિધ વક્રીભવન(refraction)ને અનુકૂલન પામેલી હોય છે અને પાણીની અંદર આવેલી વસ્તુ કે જીવોને સ્પષ્ટપણે નિહાળી શકે છે. સામાન્યત: નર અને માદા સ્વતંત્ર શિકાર કરતાં હોય છે. જોકે માદા બચ્ચાં સાથે અથવા તો બીજી માદાઓના સમૂહમાં બચ્ચાં સાથે પણ શિકાર કરતી હોય છે. જળબિલાડીનો ખોરાક માછલી છે. યુરોપમાં મત્સ્ય જળબિલાડી (fish otter) તરીકે પણ તે ઓળખાય છે. માછલી ઉપરાંત જળકૂકડી, બતક જેવાં જળચર પક્ષીઓ અને તેમનાં ઈંડાં તથા જલશાર્દૂલમૂષકને પણ ખોરાક રૂપે ગ્રહણ કરે છે. ધ્યાનસ્થ થઈને સહેલાઈથી પાણીનાં ઊંડાણમાં પ્રવેશી ત્યાં ફરતી માછલીને દાંત વડે પકડીને આરોગે છે. શિયાળામાં તે બરફ કે પાણીની સપાટીની નીચે અને જમીનના પોલાણમાં રહેતી હોય છે અને ત્યાં બરફની અંદર જ શિકાર કરતી હોય છે. જાતિ પ્રમાણે જળબિલાડીના પ્રસવકાળમાં વિવિધતા જોવા મળે છે. સામાન્યત: પ્રસવકાળ ૯થી ૧૦ મહિનાનો હોય છે; પરંતુ કૅનેડિયન જાતિમાં પ્રસવકાળ ૧૨ મહિના કરતાં પણ વધારે હોય છે. માદા વર્ષમાં સામાન્યત: એક વાર અને વિશિષ્ટ સંજોગોમાં બે વાર ૨થી ૪ બચ્ચાંને જન્મ આપે છે. બચ્ચાંઓનો જન્મ ઘણુંખરું એપ્રિલથી જુલાઈ માસ દરમિયાન થાય છે. બચ્ચાં ૨૮થી ૩૬ દિવસે આંખો ખોલે છે. ચાર માસ સુધી માત્ર માતાના દૂધ પર નભે છે. બે વર્ષે પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરી પ્રજનનક્ષમતા મેળવે છે. માતા અને બચ્ચાં રમત કરીને ક્રિયાશીલ રહે છે.