Categories
વાચન સમૃદ્ધિ

જળગાંવ

મહારાષ્ટ્ર રાજ્યનો જિલ્લો. ભૂતકાળમાં તે પૂર્વ ખાનદેશ નામથી ઓળખાતો હતો. તાપી નદીની મધ્ય ખીણમાં આવેલો આ જિલ્લો રાજ્યની વાયવ્ય દિશામાં ૨૦થી ૨૧ ઉ. અ. તથા ૭૫થી ૭૬-૨૮´ પૂ. રે.ની વચ્ચે પ્રસરેલો છે. તેની ઉત્તરમાં મધ્યપ્રદેશ રાજ્ય, દક્ષિણમાં ઔરંગાબાદ જિલ્લો, પૂર્વમાં નાશિક જિલ્લો તથા પશ્ચિમ દિશામાં ધુળે જિલ્લાની સીમાઓ આવેલી છે. તે દખ્ખનના સપાટ પ્રદેશનો એક ડુંગરાળ તથા જંગલવ્યાપ્ત ભાગ છે. તેની ઉત્તરમાં સાતપુડા, નૈર્ઋત્યમાં હટ્ટી તથા દક્ષિણમાં અજંટા પર્વતમાળાઓ છે. જિલ્લાનો વિસ્તાર ૧૧૭.૬૫ ચોકિમી. છે. જિલ્લા વસ્તી ૪૨,૨૪,૪૪૨ (૨૦૧૧). શહેરની વસ્તી ૪,૬૦,૪૬૮ (૨૦૧૧) છે, જેમાં અનુસૂચિત જાતિના ૯.૨૫% તથા અનુસૂચિત જનજાતિના ૯.૮૪% લોકો છે. વસ્તીના ૩૦.૦૧% ખેડૂતો અને ૩૧.૮૮% ખેતમજૂરો છે બાકીના અન્ય વ્યવસાયોમાં જોડાયેલા છે. જિલ્લાની ચોકિમી. દીઠ વસ્તીની ગીચતા ૨૭૧ છે. વસ્તીના ૭૩% ગ્રામવિસ્તારમાં તથા ૨૭% શહેરી વિસ્તારમાં વસે છે. સાક્ષરતાનું પ્રમાણ ૬૪.૩૦% છે. સામાન્ય હવામાન સૂકું છે. સરેરાશ વરસાદ ૭૧૦ મિમી. પડે છે. ખેડાણ હેઠળની કુલ જમીનના ૬૨%માં ખાદ્યપેદાશો તથા ૧૬%માં શેરડી અને તેલીબિયાં જેવા રોકડિયા પાકો થાય છે. ફળફળાદિ તથા શાકભાજી વવાય છે. સિંચાઈ હેઠળની કુલ જમીનના ૭૬% ને કૂવાઓમાંથી અને બાકીની ૨૪% જમીનને પૃષ્ઠભાગ પરનાં અન્ય સાધનોમાંથી સિંચાઈનું પાણી ઉપલબ્ધ થાય છે. ખેતીના મુખ્ય પાકો બાજરી, ઘઉં, ચોખા, ચણા, તુવેર, અડદ અને મગ છે.

જિલ્લાનાં કુલ મોટા ભાગનાં ગામડાં તથા શહેરોનું વીજળીકરણ થઈ ચૂક્યું છે. જિલ્લામાં ૮૧૯૦ કિમી. રસ્તાઓ છે જેમાં રાજ્ય અને રાષ્ટ્રીય ધોરી માર્ગોનો પણ સમાવેશ થાય છે. જિલ્લામાંથી પસાર થનાર મધ્ય તથા પશ્ચિમ રેલવેના માર્ગોની લંબાઈ ૩૫૦ કિમી. છે અને તેના પર કુલ ૪૨ રેલમથકો છે. પ્રમુખ ઔદ્યોગિક ઉત્પાદનમાં ખાંડ, રાસાયણિક દવાઓ, કાપડ, કૃત્રિમ રેશમ, સૂતર, ફટાકડા, પ્લાસ્ટિકની વસ્તુઓ અને સિમેન્ટ નોંધપાત્ર છે. જિલ્લામાં રુગ્ણાલયો, દવાખાનાંઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને પરિવાર કલ્યાણ કેન્દ્રો છે. જિલ્લામાં પૂર્વપ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓ તથા મહાવિદ્યાલયો છે. ૧૯૧૬માં સ્થપાયેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિલૉસૉફી આ જિલ્લાના અમળનેર નગરમાં છે. જિલ્લામાં બાંધકામ માટે વપરાતાં પથ્થર, ચૂનો અને રેતી જેવાં ગૌણ ખનિજો ઉપલબ્ધ છે.

તાપી જિલ્લાની મુખ્ય નદી છે, જે જિલ્લામાં ૧૬૦ કિમી. લંબાઈ ધરાવે છે. તે પૂર્વથી પશ્ચિમ તરફ ૬ તાલુકાઓમાં વહે છે. ૧૬૦ કિમી. લંબાઈ ધરાવતી ગિરણા નદી ૪ તાલુકાઓમાંથી પસાર થઈ તાપી નદીમાં ભળે છે. જિલ્લાની અન્ય નદીઓમાં વાઘ (લંબાઈ ૮૮ કિમી.), અગ્નાવતી (લંબાઈ ૧૦૭ કિમી.), અંજની (લંબાઈ ૭૨ કિમી.), બોરી (લંબાઈ ૫૬ કિમી.), ગિરના (લંબાઈ ૫૪ કિમી.) તથા મોર (લંબાઈ ૪૮ કિમી.) નોંધપાત્ર છે. તાપી, બોરી તથા ગિરના નદીઓ પર સિંચાઈ માટેના પ્રકલ્પો વીસમી સદીના આઠમા દાયકામાં હાથ ધરવામાં આવેલા છે. જિલ્લામાં ચાળીસગાંવ નજીક પાટણાદેવીનું મંદિર, એદલાબાદ તાલુકામાં તાપી અને પૂર્ણા નદીના સંગમ પર ચાંગદેવ મંદિર, કોથળીમાં મુક્તાબાઈનું મંદિર, એરંડોલ પાસે ગણપતિનું પુરાતન મંદિર, ફરકાડેમાં ઐતિહાસિક ઝૂલતા મિનારા, ચોપડા તાલુકામાં ગરમ પાણીના ઝરા, અમળનેર તાલુકામાં રામેશ્વર અને મહાદેવનાં પુરાતન મંદિરો, રાવેર તાલુકામાં સાતપુડા પર્વતશ્રેણીમાં પાલ નામક હવા ખાવાનું સ્થળ વગેરે પર્યટકો માટેનાં આકર્ષણો છે. પાલ ખાતે વન પ્રશિક્ષણ કેન્દ્ર છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જળગાંવ, પૃ. ૬૬૨)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

Categories
વાચન સમૃદ્ધિ

ઝલકારી બાઈ

જ. ૨૨ નવેમ્બર, ૧૮૩૦ અ. પ એપ્રિલ, ૧૮૫૮

ઇતિહાસનાં પાનાંઓમાં એક મહાન દલિત મહિલા યોદ્ધાની વાત છે, જે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની મહિલાસેના દુર્ગાદલની સેનાપતિ હતી. ઝાંસીના ભોજલા ગામે એક નિર્ધન કોળી પરિવારમાં જન્મેલી ઝલકારી બાઈ પોતાની દૃઢતા અને સાહસથી એક આદરણીય યોદ્ધા બની ગઈ. ઝલકારીના પિતાએ નાનપણથી જ તેમને ઘોડેસવારી અને હથિયાર ચલાવવાની શિક્ષા આપી હતી. જ્યારે તે મોટી થઈ ત્યારે એક સૈનિક અને રાણી લક્ષ્મીબાઈની વિશ્વસનીય સલાહકારોમાંની એક બની ગઈ. તેના પતિ પૂરન કોરીની પાસેથી તીરંદાજી, કુસ્તી અને નિશાનબાજી શીખી હતી. પૂરન કોરી રાણી લક્ષ્મીબાઈના પતિ રાજા ગંગાધરની સેનામાં એક સૈનિક હતા. ઝલકારી બાઈ પોતાના પતિની સાથે શાહી મહેલ જતી હતી. જ્યારે રાણીને તેની બહાદુરીની ખબર પડી ત્યારે તે તેમની સારી બહેનપણી બની ગઈ. ઘણા લોકો એમ માનતા હતા કે ઝલકારી બાઈનાં કદ અને કાઠી રાણી જેવાં જ હતાં.

૧૮૫૭ના પ્રથમ સ્વતંત્રતાસંગ્રામમાં અંગ્રેજ સેનાથી રાણી લક્ષ્મીબાઈ ઘેરાઈ ગયાં ત્યારે ઝલકારી બાઈએ પોતાની સૂઝબૂઝથી સ્વામીભક્તિ અને રાષ્ટ્રીયતાનો પરિચય આપ્યો. તેણે રાણીના વેશમાં યુદ્ધ કર્યું અને અંતિમ સમયે અંગ્રેજોના હાથે પકડાઈ ગઈ અને રાણી લક્ષ્મીબાઈને તેમના પુત્ર સાથે કિલ્લાની બહાર ભાગી જવાનો અવસર મળી ગયો. આ યુદ્ધમાં ઝલકારી વીરતાથી લડી અને વીરગતિ પામી. બુંદેલખંડની લોકકથાઓ અને લોકગીતોમાં ઝલકારી બાઈની ગાથા આજે પણ સંભળાય છે. ૨૦૦૧ની સાલમાં તેઓના સન્માનમાં એક ટપાલટિકિટ પણ બહાર પાડવામાં આવી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

અર્જુનમાં યોગ છે !

મહાભારતના ભીષણ યુદ્ધમાં આચાર્ય દ્રોણે રચેલા ચક્રવ્યૂહને ભેદવા માટે અર્જુનનો પુત્ર અને શ્રીકૃષ્ણનો ભાણેજ અભિમન્યુ વીરગતિ પામ્યો. કૌરવ પક્ષના છ મહારથીઓ સામે અપ્રતિમ પરાક્રમ દાખવી યુવાન અભિમન્યુ રણમેદાનમાં વીરની જેમ મૃત્યુ પામ્યો. બાણાવળી અર્જુનને આ સમાચાર મળ્યા, ત્યારે એણે પ્રતિજ્ઞા કરી કે આવતી કાલના સૂર્યાસ્ત પહેલાં હું જયદ્રથનો વધ કરીશ. અર્જુનના પ્રલયકારી શબ્દો પછી તત્કાળ ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો પાંચજન્ય શંખ ફૂંક્યો.

પાંડવસેનામાં યુદ્ધનો નવીન, પ્રબળ ઉત્સાહ જાગ્યો. પાંડવસેનાના આનંદવિભોર અવાજો સાંભળી જયદ્રથને આશ્ચર્ય થયું. શોકની પરાકાષ્ઠાએ આવો આનંદ કેમ ? વેદનાની ટોચ ઉપર ઉલ્લાસ હોય ખરો? હકીકતમાં તો પાંડવો શોકની પરિસ્થિતિ જોઈને શોકમાં ડૂબી જનારા નહોતા, પરંતુ શોક સર્જનારી પરિસ્થિતિ સામે પડકાર ફેંકનારા હતા. માટે જ તેઓ પાંડવો હતા !

ભયભીત થઈને વિહવળ બનેલો જયદ્રથ દુર્યોધન પાસે દોડી આવ્યો. દુર્યોધને એને આશ્વાસન આપવા પ્રયત્ન કર્યો, જયદ્રથની આંખમાંથી આવતીકાલનો મૃત્યુભય ખસતો નહોતો.

દુર્યોધન અને જયદ્રથ હિંમત અને આશ્વાસન પામવા માટે ગુરુ દ્રોણ પાસે ગયા. એમની પાસેથી ઉછીની હિંમત લઈને હૃદયના ભયને ઠારવો હતો. દુર્યોધને ગુરુ દ્રોણને માર્મિક પ્રશ્ન પૂછ્યો,

‘હું અને અર્જુન બંને આપના શિષ્યો છીએ. આપે અમને સમાન વિદ્યા આપી છે. જે શસ્ત્રવિદ્યામાં એને પારંગત બનાવ્યો, એમાં જ તમે મનેય પારંગત બનાવ્યો છે. છતાં મારાથી ચઢિયાતો ?’

ગુરુ દ્રોણે દુર્યોધનને કહ્યું, ‘જુઓ, આચાર્ય કોઈ એકના હોતા નથી. સહુના એ આચાર્ય હોય છે. તમે બંને મારા શિષ્યો છો તે હું સ્વીકારું છું; પરંતુ અર્જુનને તારા કરતાં ચઢિયાતો ગણવામાં બે કારણ છે.’

દુર્યોધને પૂછ્યું, ‘કયું છે પહેલું કારણ ?’

ગુરુ દ્રોણે કહ્યું, ‘અર્જુનમાં યોગ છે. વિરલ અધ્યાત્મ-જિજ્ઞાસા છે. એવો યોગ કે જિજ્ઞાસા તારામાં નથી.’

દુર્યોધને પૂછ્યું, ‘બીજું શું કારણ છે ?’

ગુરુ દ્રોણે કહ્યું, ‘તારી અને અર્જુનની જીવનશૈલી ભિન્ન છે. બંનેનો જીવન વિશેનો અભિગમ ભિન્ન છે. અર્જુને દુ:ખનો અનુભવ કર્યો છે, તેથી એની જીવનદૃષ્ટિ સર્વગ્રાહી છે. તું માત્ર સુખમાં જ ઊછર્યો છે માટે તારી જીવનદૃષ્ટિ પરિપક્વ થઈ નથી.’

ગુરુ દ્રોણની આ તુલનામાં એ સ્પષ્ટ જોવા મળે છે કે અર્જુનનું ઘડતર એની અધ્યાત્મ-જિજ્ઞાસાએ કર્યું છે. જ્યારે દુર્યોધનનું જીવનઘડતર માત્ર ભૌતિક લાલસાઓથી થયેલું છે.

અર્જુનમાં યોગ છે. શ્રીકૃષ્ણનો ઉપદેશ ઝીલવાની એની પાત્રતા છે, જ્યારે દુર્યોધન સુખમાં ઊછરેલો હોવાથી એણે નમ્રતા અને સૌહાર્દ ગુમાવી દીધાં છે. દુર્યોધનનો અહંકાર જ મહાભારતના યુદ્ધનું કારણ બન્યો અને પોતાના કુળના સર્વનાશનું નિમિત્ત બન્યો.

કુમારપાળ દેસાઈ