Categories
વાચન સમૃદ્ધિ

વિજયરાઘવ રાવ

જ. ૩ નવેમ્બર, ૧૯૨૫ અ. ૩૦ નવેમ્બર, ૨૦૧૧

સુવિખ્યાત વાંસળીવાદક, નૃત્યકાર, નૃત્યનિર્દેશક વિજયરાઘવ રાવનો જન્મ ચેન્નાઈમાં પિતા રામારાવ તથા માતા સુબ્બૈયમ્માને ત્યાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાળપણથી જ સંગીત અને નૃત્ય તરફ રુચિ હતી. ૧૯૪૬માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. કૉલેજકાળ દરમિયાન પોતાની શિક્ષણસંસ્થામાં વાદ્યવૃંદના સંચાલક તથા કલાસંઘના મંત્રીપદે કામ કર્યું હતું. નૃત્યકાર ઉદયશંકર તથા રુક્મિણીદેવી ઍરુન્ડેલનાં નૃત્યોથી તેઓ એટલા બધા પ્રભાવિત થયા કે તેમણે નૃત્યની તાલીમ લેવાનો નિર્ધાર કર્યો. ચોક્કાલિંગમ્ પિલ્લઈ તથા મીનાક્ષી પિલ્લઈના શિષ્ય બની ‘કલાક્ષેત્ર’ નૃત્ય સંસ્થામાં ભરતનાટ્યમ્ નૃત્યની તાલીમ લીધી. નૃત્યમાં નિપુણતા મેળવી ભારતનાં જુદાં જુદાં રાજ્યોમાં કાર્યક્રમ આપ્યા. તેઓ તારા ચૌધરી અને રામગોપાલ જેવા અગ્રણી નૃત્યકારોની મંડળીમાં જોડાયા. આ મંડળી સાથે તેમણે લાહોર, દિલ્હી વગેરે સ્થળોએ જાહેર કાર્યક્રમો આપ્યા. ગુલામ સાબિરખાં તથા રોશનબીબી જેવાં સંગીતજ્ઞોની ભલામણથી ૧૯૪૬માં તેઓ દિલ્હી આકાશવાણીના સંગીત વિભાગના નિયમિત કલાકાર તરીકે નિયુક્ત થયા. દિલ્હી ખાતેના રોકાણ દરમિયાન તેમણે સંગીતની સાધના પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને વાંસળીવાદન શીખવાનું શરૂ કર્યું. પ્રથમ પંક્તિના વાંસળીવાદક તરીકે નામના મેળવી. આમ તેમના જીવનમાં ગાયન, વાદન અને નૃત્ય – આ ત્રણેય કલાઓનો સંગમ થયો. વાંસળીવાદન ઉપરાંત તેમણે ઉસ્તાદ હૈદરહુસેનખાં અને પંડિત રવિશંકર પાસેથી સિતારવાદનની તાલીમ તથા ઉસ્તાદ ગફાડારખાં પાસેથી શાસ્ત્રીય ગાયનની તાલીમ લીધી હતી. રવિશંકરની ‘ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા’ જેવી પ્રસિદ્ધ નૃત્યનાટિકામાં સંગીતનિર્દેશન પણ કર્યું હતું. તેઓ તબલાં, મૃદંગ અને પિયાનો પણ સારાં વગાડી જાણતા હતા. તેઓ દિલ્હીની ‘સંગીત ભારતી’ તથા ‘ત્રિવેણી કલાસંગમ’ જેવી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા રહ્યા હતા. તેમણે  સોવિયેત સંઘ, ચેક રિપબ્લિક, પોલૅન્ડ જેવા દેશોમાં પણ કાર્યક્રમો આપી લોકચાહના મેળવી હતી.

૧૯૭૦માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’ના ખિતાબથી સન્માન્યા હતા. ૧૯૮૨માં તેમને ‘ક્રિએટિવ ઍન્ડ એક્સપરિમેન્ટલ મ્યુઝિક’ શ્રેણીમાં સંગીત નાટક અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

જલ-ઉદ્યાન (water garden)

પાણીમાં બનાવાતો ઉદ્યાન. સામાન્ય રીતે જલ-ઉદ્યાન બે અર્થમાં વપરાય છે : એક એવો ઉદ્યાન કે જ્યાં મુખ્યત્વે પાણીના ફુવારા, ધોધ વગેરેની અધિકતા હોય અને બીજો એવો ઉદ્યાન કે જ્યાં પાણીમાં થતાં ફૂલ, છોડ વગેરેનું મહત્ત્વ હોય. વાસ્તવિક તો જે બગીચામાં આ બેઉ પ્રકારની વિશિષ્ટતાઓનો યોગ્ય સમન્વય કરી આહલાદકતા ઊભી કરવામાં આવે તે શ્રેષ્ઠ જલ-ઉદ્યાન બની શકે.

પાણીના ફુવારા અને તે પણ જુદા જુદા આકારના, જુદી જુદી ઊંચાઈના તેમજ ઊંચાનીચા થતા, એ સાથે સંગીતનો તાલ અને ફુવારા ઉપર પડતા જુદા જુદા રંગનો, વારંવાર બદલાતો પ્રકાશ – આ બધાંનો યોગ્ય સુમેળ એક એવું વાતાવરણ સર્જે છે કે જે ઘણું જ અવિસ્મરણીય બની જાય છે. સાથે સાથે સાડીના પટાની માફક પાણીના પટા અને તેની નીચેથી પથરાતો યોગ્ય પ્રકાશ, પાણીના મોટા કુંડ, પાણીના ધોધ કે અન્ય પ્રકારનાં વહેણ, પાણીમાં છબછબિયાં કરવા માટે બાળકો માટેના છીછરા હૉજ વગેરે જાતજાતની કરામતો કરીને બગીચાના જલસ્રોતને આકર્ષક બનાવી શકાય છે. આગળ જણાવ્યું તેમ, સંગીત સાથે તાલ મિલાવી નાચતા ફુવારા (dancing fountains) પોતાનું આગવું આકર્ષણ જમાવે છે. બજારમાં આવી કરામતવાળા ફુવારા મળે છે. બીજા પ્રકારના એટલે કે પાણીમાં થતા છોડને યોગ્ય આકારવાળા હૉજમાં ઉગાડીને તેનો યથાર્થ સમન્વય કરવામાં આવે તો તે પણ આકર્ષક લાગે છે. પાણીમાં થઈ શકતા છોડ નીચે પ્રમાણે છે :

કમળ (lotus) : લૅટિન નામ : Nelumbium speciosum. કુળ : Nymphaeaceae. અર્ધા મીટરથી વધારે અને એક-દોઢ મીટર જેટલા ઊંડા પાણીમાં આ જાત ઘણી સારી થાય છે. એના ફૂલમાં આછી મીઠી સુગંધ પણ હોય છે. ફૂલનો રંગ મુખ્યત્વે આછો ગુલાબી હોય છે. આ જાતનાં પાન તથા ફૂલ પાણીથી ઉપર રહે છે. પાન અને ફૂલ મોટાં થાય છે. તેમાંય વિક્ટોરિયા જાતનાં પાન અને ફૂલ ઘણાં જ મોટાં હોય છે.

લીલી (water lilies) : લૅટિન નામ : Nymphea species. કુળ : Nymphaeaceae. આમાં બે મુખ્ય જાતો છે. એક, રાત્રે ખીલતી મુખ્ય જાત પોયણાંની છે. તેનાં ફૂલ મુખ્યત્વે પીળાશ પડતાં સફેદ હોય છે. આ સિવાય પણ જુદા જુદા રંગનાં ફૂલવાળી જાતો જે રાત્રે ખીલતી હોય છે તે પણ હવે વિકસાવવામાં આવી છે.

દિવસે ફૂલ ખીલનારી જાતોમાં ફૂલોના રંગોમાં અદભુત વિવિધતા જોવા મળે છે. આને કુમુદ અથવા કમલિની પણ કહે છે. આમાં સંકરણ અને પસંદગી દ્વારા ઘણી જ જાતો વિકસાવવામાં આવી છે. ગુલાબી, પીળાં, ભૂરાં, સફેદ, કેસરી, ખીલે ત્યારે એક રંગ અને પછી ધીરે ધીરે રંગ બદલાય, એમ વિવિધ જાતનાં ફૂલોવાળી જાતો બજારમાં ઉપલબ્ધ છે. તે દરેકને જુદાં જુદાં નામ પણ આપવામાં આવ્યાં છે.

વૉટર લીલીની બધી જાતોનાં પાન પાણીને અડકેલાં રહે છે અને પાન ૧૦થી ૨૦ સેમી. જેટલાં મોટાં, ગોળાકાર કે થોડાં અણીવાળાં હોય છે. કોઈ કોઈ જાતનાં પાન લીલાં અને તેમાં પીળાં-સફેદ ધાબાંવાળાં પણ હોય છે. આનાં ફૂલ પાણીથી ઉપર હોય છે અને ૭થી ૨૫ સેમી. જેટલાં મોટાં થાય છે. આ જાતોની વંશવૃદ્ધિ એની નીચેના કંદના ટુકડા કરીને રોપીને કરવામાં આવે છે. નવી નવી જાતો બીમાંથી તૈયાર કરવામાં આવે છે. કર્ણાટકમાં મૈસૂરનો વૃંદાવન ગાર્ડન અને ગુજરાતમાં વડોદરાનો આજવા ગાર્ડન જલ-ઉદ્યાનના જાણીતા નમૂનાઓ છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જલ-ઉદ્યાન, પૃ. ૬૧૦) ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

મ. ઝ. શાહ

Categories
વાચન સમૃદ્ધિ

ઈશ્વરભાઈ પટેલ

જ. ૨ નવેમ્બર, ૧૯૨૪ અ. ૧૦ નવેમ્બર, ૧૯૮૯

ગુજરાતી કેળવણીકાર અને બે યુનિવર્સિટીના કુલપતિપદે રહેલા ઈશ્વરભાઈનો જન્મ પીજ(જિ. નડિયાદ)માં લેઉઆ પાટીદાર જ્ઞાતિના જેઠાભાઈ પટેલ અને રૂપાબાને ત્યાં થયો હતો. એમ.એ. અને બી.ટી.ની પદવી પ્રાપ્ત કરી અમેરિકા ગયા. ત્યાં ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં શૈક્ષણિક  સંચાલનનું વિશેષ શિક્ષણ લીધું. ૧૯૩૭માં આણંદની ડી. એન. હાઈસ્કૂલમાં શિક્ષક થયા. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલનમાં જોડાયા અને કારાવાસ ભોગવ્યો. મુક્તિ બાદ શિક્ષણકાર્યમાં જોડાયા. ૧૯૬૩થી ૧૯૭૦ સુધી સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિપદે રહ્યા. ૧૯૭૩માં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિપદે પણ રહ્યા. ૧૯૬૭માં સરદાર પટેલ  યુનિવર્સિટીના નેજા હેઠળ ‘જ્ઞાનગંગોત્રી’ નામની ૩૦ ગ્રંથની જ્ઞાનકોશ શ્રેણીનું આયોજન કર્યું. ૧૯૭૦માં તેમણે યુનિવર્સિટી છોડી પણ જ્ઞાનગંગોત્રીનું કામ ચાલુ હતું. ૧૯૯૬માં ૩૦ ગ્રંથ સાથે આ જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણી પૂર્ણ થઈ. તેઓ ગ્રંથનિર્માણ બોર્ડમાં હતા ત્યારે તેમણે સર્વસામાન્ય ગુજરાતી જ્ઞાનકોશનું આયોજન કરેલું જે થઈ શક્યું નહોતું. જોકે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના જ્ઞાનકોશનું કાર્ય ૧૯૮૪માં સંપન્ન થઈ શકેલું. તેમણે શિશુભારતી, બાલભારતી તથા કિશોરભારતી નામે જ્ઞાનસાહિત્યની શ્રેણીનું આયોજન પણ કર્યું હતું. થોડો સમય તેમણે બાલમાસિક ‘બાલમિત્ર’ અને વિજ્ઞાનમાસિક ‘વિજ્ઞાનદર્શન’નું સંપાદનકાર્ય સંભાળેલું. તેમણે અનેક શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં સેવા આપી હતી.

તેમની પાસેથી ‘બહુરત્નાવસુંધરા’, ‘ત્યાગવીર દરબારસાહેબ’, ‘લાલા લજપતરાય’ વગેરે મળી લગભગ નવેક જીવનચરિત્રો મળ્યાં છે. આ ઉપરાંત તેમણે પ્રસંગકથાઓ, કિશોરકથાઓ, નિબંધસંગ્રહો તથા અનુવાદક્ષેત્રે પણ કાર્ય કર્યું હતું. તેમનાં કેટલાંક પુસ્તકોને રાજ્યકક્ષાનાં પારિતોષિકો મળ્યાં હતાં. આંતરડાંના કૅન્સરથી અમદાવાદમાં તેમનું અવસાન થયું હતું.

શ્રદ્ધા ત્રિવેદી