Categories
વાચન સમૃદ્ધિ

બાવળ વાવીશું તો આંબા નહીં ઊગે

તમે સંતાનો પ્રત્યે આજે જ જાગો ! એને મમ્મી પાસેથી જીવનના પાઠ મળે તેવું આયોજન કરો, આજે માતાને બદલે મીડિયા બાળકનું માનસઘડતર કરવા લાગ્યું છે, તેથી આવતી કાલે એવું પણ બને કે આ બાળકના સંસ્કાર-ઘડતરનું કામ ‘કલર’ ચૅનલે કર્યું છે કે ‘પોગો’ ચૅનલે કર્યું છે તેની ચર્ચા ચાલે. આજે મમ્મી બાહ્ય જીવન અને સામાજિક પ્રસંગોમાં ડૂબેલી રહેશે અને પપ્પા પાસે સમયનો અભાવ રહેશે, તો પરિસ્થિતિ એવી આવશે કે તમારાં સંતાનને તમારી સાથે હૃદયનું કોઈ સંધાન કે લાગણીનું કોઈ અનુસંધાન રહેશે નહિ અને પછી ભવિષ્યમાં શું થશે ? ભવિષ્યમાં તમારી વૃદ્ધાવસ્થા સાથે આવનારી તમારી બીમારીઓની એ ઉપેક્ષા કરશે, તમારી વારંવારની ફરિયાદો પ્રત્યે બહેરા કાન રાખશે. જો વધુ વાત કરશો તો અધવચ્ચે અટકાવી દેશે અને તેમ છતાં જો તમે અટકશો નહિ, તો તમારો તિરસ્કાર કરશે. આવા સમયે ઘરનાં સંતાનોના તમે અણગમતા બની જશો. એ તમારે માટે વૃદ્ધાશ્રમની ખોજ કરશે, કારણ કે તમારી સાથે એને ફાવતું – બનતું નથી અને તમે એના સંસારમાં અણગમતા બની ગયા છે. આમ આજની પેઢીના ઘડતરમાં રસ લીધો નહિ, તો આવતી કાલ તેઓ તમને સસ્તા દરના વૃદ્ધાશ્રમમાં મોકલી આપશે. ‘જેવી કરણી તેવી ભરણી’ એવી સમાજલક્ષી કહેવતો જીવનલક્ષી પણ છે. જીવનમાં પોતાનાં સંતાનોને જેટલો પ્રેમ આપ્યો હશે એટલું જ વળતર મળતું હોય છે. ‘શ્રીમદ્ ભગવદગીતા’માં જેવું કર્મ કર્યું હોય તેવું ફળ મળવાની વાત છે. વાત વ્યાપક કે વૈશ્વિક દર્શનમાં જેટલી સાચી છે, એટલી જ અંગત કે પારિવારિક જીવનમાં છે.

Categories
વાચન સમૃદ્ધિ

સત્યેન્દ્રનાથ ટાગોર

જ. ૧ જૂન, ૧૮૪૨ અ. ૯ જાન્યુઆરી, ૧૯૨૩

તેઓ ભારતીય સનદી અધિકારી, કવિ, સંગીતકાર અને સમાજસુધારક તેમ જ ભાષાશાસ્ત્રી હતા. આવી બહુમુખી પ્રતિભા ધરાવનાર સત્યેન્દ્રનાથ ટાગોરનો જન્મ મહર્ષિ દેબેન્દ્રનાથ ટાગોર અને શારદાદેવીને ત્યાં કૉલકાતાના જોરાસાંકોમાં થયો હતો. રવીન્દ્રનાથ ટાગોર સહિત તેઓ નવ ભાઈ-બહેન હતાં. તેમણે પ્રેસિડેન્સી કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ ભારતીય સિવિલ સર્વિસ(ICS)ના અધિકારી બનનારા પ્રથમ ભારતીય હતા. ૧૮૫૯માં તેમનાં લગ્ન જ્ઞાનનંદિનીદેવી સાથે થયાં અને ૧૮૬૨માં તેઓ લંડન ગયા. ત્યાં પ્રોબેશનરી તાલીમ લઈને પાછા આવ્યા અને ૧૮૬૪માં મુંબઈમાં સેવામાં જોડાયા. તેમણે આસિસ્ટન્ટ મૅજિસ્ટ્રેટ અને કલેક્ટર તરીકે અમદાવાદમાં પણ કામગીરી કરી હતી. નોકરી દરમિયાન સમગ્ર ભારતમાં પ્રવાસ કરવાની તક મળી અને તેને કારણે તેઓ જુદી જુદી ભારતીય ભાષાઓ શીખ્યા. તેમણે તુકારામ અને બાલગંગાધરનાં પુસ્તકોનો બંગાળી ભાષામાં અનુવાદ કર્યો છે. તેમણે સંસ્કૃતમાંથી પણ બંગાળી ભાષામાં અનુવાદ કર્યા છે. સત્યેન્દ્રનાથ ટાગોર પાસેથી આપણને ‘સુશીલા ઓ બિરસિંહા, ‘બૉમ્બે ચિત્રા’, ‘નબરત્નમાલા’, ‘બૌદ્ધ ધર્મ’, ‘સ્ત્રીસ્વાધીનતા’, ‘ભારતબારસિયો ઇંગ્રેજ’, ‘રાજા રામમોહન રૉય’, ‘અમર બાલ્યાકોઠા’ જેવી કૃતિઓ પ્રાપ્ત થાય છે. તેમણે મુખ્યત્વે ગીતો લખ્યાં છે. તેમનું દેશભક્તિપૂર્ણ બંગાળી ભાષાનું ગીત ‘મિલે સાબે ભારત સંતન, એકતાન ગાગો ગાન’ (એક થાઓ, ભારતનાં બાળકો, એક સ્વરમાં ગાય છે) જેને ભારતના પ્રથમ રાષ્ટ્રગીત તરીકે બિરદાવવામાં આવ્યું હતું. તેઓ બ્રહ્મોસમાજના સક્રિય સભ્ય હતા. ૧૯૦૭માં તેઓ આદિ બ્રહ્મોસમાજના પ્રમુખ બનેલા. તેમના મોટા ભાઈ દ્વિજેન્દ્રનાથ ટાગોર સાથે આધ્યાત્મિક માર્ગદર્શન આપતા. ૧૯મી અને ૨૦મી સદીમાં સામાજિક અને ધાર્મિક વિચારોમાં પરિવર્તન લાવવામાં તેમનો સમાજસુધારક તરીકે મહત્ત્વનો ફાળો છે. નિવૃત્તિ પછી તેઓ કૉલકાતામાં સ્થાયી થયા અને તેમના ઘરે માત્ર સગાંઓ અને મિત્રો જ નહીં, પરંતુ કૉલકાતાના મહાનુભાવો પણ આવતા. તેમના ઘરે સાહિત્યની મજલિસ પણ થતી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ટબ્રિઝ (tabriz)

ઈરાનના પૂર્વ ઍઝારબૈજાન પ્રાંતની રાજધાની અને મુખ્ય શહેર. તેનું નામ ઈરાની ભાષાના ‘ટપરીઝ’ ઉપરથી પડ્યું છે, જેનો અર્થ વહેતી ગરમી થાય છે. તે આર્મેનિયા રાજ્યની સરહદથી દક્ષિણે ૯૭ કિમી., તુર્કસ્તાનથી પૂર્વમાં ૧૭૭ કિમી. અને ઉર્મિયા સરોવરથી આશરે ૫૫ કિમી. અંતરે છે. તે ૩૮° ઉ. અ. અને ૪૬° ૩´ પૂ. રે. ઉપર, કૂહઈ-સહંડ પર્વતની ઉત્તર તરફ છે. તે ચારે બાજુ પર્વતોથી ઘેરાયેલું છે. ઈરાનનાં શહેરોમાં તેનું ચોથું સ્થાન છે. ૨૦૨૪માં તેની વસ્તી ૧૬ લાખ ૭૦ હજાર (આશરે) હતી. તેની આસપાસ ગરમ પાણીના ઝરાઓ આવેલા છે. આ સ્થળની આબોહવા ખંડસ્થ છે. ઉનાળો ગરમ અને સૂકો છે. દિવસનું સરેરાશ તાપમાન ૩૨°થી ૩૬° સે. રહે છે, જ્યારે રાત્રિનું તાપમાન ૧૧°થી ૧૭° સે. રહે છે. શિયાળામાં બરફ પડે છે ત્યારે તાપમાન –૮° સે. થઈ જાય છે. નવેમ્બરથી માર્ચ દરમિયાન આશરે ૬૩૫ મિમી. વરસાદ પડે છે. ટબ્રિઝ ધરતીકંપના વિસ્તારમાં છે. ઈ. સ. ૭૯૧, ૮૫૮, ૧૦૪૧, ૧૭૨૧, ૧૭૮૦, ૧૭૯૧ અને ૧૯૯૦માં થયેલા ધરતીકંપને લીધે જાન-માલની ખૂબ હાનિ થઈ હતી.

ટબ્રિઝ શહેર

તે મહત્ત્વનું વેપારી કેન્દ્ર છે. હાથવણાટના કીમતી ગાલીચા અહીં તૈયાર થાય છે અને તેની નિકાસ થાય છે. આ ઉપરાંત ચામડાની વસ્તુઓ બનાવવાનાં, ખાદ્ય પદાર્થો, ગરમ, રેશમી અને સુતરાઉ કાપડ અને સૂતર, દીવાસળી, મોટરસાઇકલ, ઘરગથ્થુ વપરાશનાં સાધનો બનાવવાનાં કારખાનાં તથા ક્રૂડ ઑઇલ શુદ્ધ કરવાનું કારખાનું અહીં છે. તે ઇજિપ્ત અને મધ્ય એશિયાનાં શહેરોને જોડતા વણઝાર-માર્ગ ઉપર આવેલું હોવાથી ભૂતકાળમાં આ પ્રદેશો સાથે તેનો બહોળો વેપાર હતો. હાલ પાકા ધોરી માર્ગો તથા તહેરાન અને રશિયાના વર્ચસવાળા દેશો સાથે રેલવે અને ભૂમિમાર્ગો દ્વારા તે જોડાયેલું છે. તેનું વિમાનમથક આંતરિક સ્થળો અને બાહ્ય દેશોને સાંકળે છે. મૉંગોલ શહેનશાહ મહમૂદ ઘાઝાન(૧૨૯૫-૧૩૦૯)ના રાજ્યનું તે પાટનગર હતું. ૧૩૯૨માં તૈમૂરે તે જીતી લીધું હતું. કેટલાક દશકા બાદ તે કારા કોયુનબુ તુર્કોનું, ૧૪૩૬માં ઈરાનનું અને સોળમી સદીમાં શાહ ઇસ્માઇલના રાજ્યનું પાટનગર હતું. ઑટોમન તુર્ક અને રશિયાનાં આક્રમણોનું તે અવારનવાર ભોગ બન્યું હતું. ૧૮૨૬માં રશિયાએ તેના પર આક્રમણ કરેલું. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન શરૂઆતમાં તુર્કીએ અને ત્યારપછી રશિયાએ તે કબજે કર્યું હતું. ૧૯૪૬માં ઈરાની લશ્કરે ટબ્રિઝમાંના ઍઝરબૈજાન પ્રજાસત્તાકના મુખ્ય મથકનો નાશ કર્યો હતો. ૧૯૭૮-૭૯માં ઈરાનના શાહ વિરુદ્ધની ક્રાંતિને કારણે ત્યાં હુલ્લડો અને અથડામણો થઈ હતી. મસ્જિદ-એ-કબુદ તરીકે ઓળખાતી ‘ભૂરી મસ્જિદ’ (૧૪૬૫-૬૬), ઘાઝાન ખાનની બાર બાજુઓવાળી કબરના અવશેષો છે. ૧૩૨૨ પૂર્વે મસ્જિદ તરીકે બંધાયેલો કિલ્લો વગેરે જોવાલાયક છે. અહીં યુનિવર્સિટી સ્થપાતાં, વિદ્યાધામ તરીકે તેનો વિકાસ થયો છે — પ્રવાસધામ તરીકે પણ તેની ખ્યાતિ છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી