Categories
વાચન સમૃદ્ધિ

શ્વેત ક્રાંતિ

દૂધના ઉત્પાદનમાં થયેલા વધારાની ક્રાંતિકારી ઘટના.

ભારતમાં ડેરી-ઉદ્યોગની શરૂઆત ખાનગી ક્ષેત્ર દ્વારા ઓગણીસમી સદીમાં શરૂ થઈ. ત્યાર પછી વીસમી સદીમાં સહકારી ડેરી-ઉદ્યોગની શરૂઆત થઈ. આઝાદી પછી દેશમાં સહકારી ક્ષેત્રે ડેરી-ઉદ્યોગનો વિશેષ તથા મહત્ત્વનો વિકાસ થયો છે. ભારત સમગ્ર વિશ્વમાં વધુ દૂધ પેદા કરતો દેશ બન્યો છે. જોકે માથાદીઠ દૂધની ઉપલબ્ધિ તથા વપરાશમાં અને પશુઓની દૂધ-ઉત્પાદકતામાં દેશ ઘણો પાછળ છે. આમ છતાં પશુપાલન વ્યવસાય માટે કેટલાક અનુકૂળ ઘટકો જોવા મળે છે. તેને લીધે દેશની અડધા જેટલી કામ કરતી વસ્તી આ વ્યવસાય સાથે જોડાયેલી જોવા મળે છે. આયોજનકાળથી માંડીને અત્યાર સુધી દેશમાં દૂધ-ઉત્પાદનનું પ્રમાણ પાંચ ગણાથી પણ વધારે થયું છે. ભારત દૂધની બનાવટો તથા પેદાશોની વિદેશમાં પણ નિકાસ કરતું થયું છે.

અમૂલ ડેરી

દૂધ શ્વેત રંગનું હોવાથી તેના ઉત્પાદનમાં થયેલા મોટા વધારાની ઘટનાને ‘શ્વેત ક્રાંતિ’ તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર એશિયામાં જેની નામના છે તે અમૂલ ડેરીની સ્થાપના ગુજરાતમાં આણંદ ખાતે ૧૯૪૬માં કરવામાં આવી હતી. આ ડેરીની સ્થાપના અને વિકાસમાં શ્રી ત્રિભોવનદાસ પટેલ અને ડૉ. વર્ગીસ કુરિયનનો મોટો ફાળો હતો. ૧૯૬૪માં ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી લાલબહાદુર શાસ્ત્રી આણંદની મુલાકાતે આવ્યા ત્યારે ડેરીની સફળતાથી પ્રભાવિત થઈ તેમણે ડૉ. કુરિયનને આવી ડેરીઓ સમગ્ર ભારતમાં ઊભી કરવા જણાવેલું. આ અરસામાં દેશમાં સઘન પશુ-વિકાસ કાર્યક્રમ (Intensive Cattle Development Programme – ICDP) શરૂ કરવામાં આવ્યો. તેની અંતર્ગત શ્વેત ક્રાંતિ આણવા માટે પશુમાલિકોને સુધાર-પૅકેજ આપવામાં આવ્યાં. ૧૯૬૫માં રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ(National Dairy Development Board – NDDB)ની સ્થાપના કરવામાં આવી. પાંચેક વર્ષ બાદ આ નિગમ દ્વારા ‘ઑપરેશન ફ્લડ’ તરીકે ઓળખાતો વિશ્વનો સૌથી મોટો વિકાસ-કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો. બે દાયકામાં આ કાર્યક્રમ હેઠળ શ્વેત ક્રાંતિ રૂપે ભારતમાં દૂધના ઉત્પાદનમાં મોટો વધારો થયો છે. ‘ઑપરેશન ફ્લડ’ના સૂત્રધાર અથવા શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. કુરિયન હતા. અમૂલ ડેરીએ આણંદ શહેર તથા ગુજરાતને વિશ્વના નકશામાં મહત્ત્વનું સ્થાન અપાવ્યું છે. ભારતનાં બીજાં રાજ્યો તથા પડોશી દેશો પણ અમૂલની જેમ ડેરી-ઉદ્યોગ વિકસાવવામાં ઘણો રસ લે છે. ભારતમાં શ્વેત ક્રાંતિ લાવવામાં અમૂલનો મોટો ફાળો રહ્યો છે. આ દેશની સરકાર અને સહકારી મંડળીઓના સહિયારા સફળ પ્રયાસથી જે ક્રાંતિ સાધી શકાઈ છે તે ખરેખર દેશના ગરીબ તથા મધ્યમ વર્ગ માટે ઘણી હિતકર સાબિત થઈ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ચુન્ની ગોસ્વામી

જ. ૧૫ જાન્યુઆરી, ૧૯૩૮ અ. ૩૦ એપ્રિલ, ૨૦૨૦

ફૂટબૉલના સારા ખેલાડી તથા પ્રથમ શ્રેણીનું ક્રિકેટ રમનાર ભારતીય ખેલાડીનું અસલ નામ સુબિમલ ગોસ્વામી હતું. ભારતીય આમજનતા તેમને ચુન્ની ગોસ્વામી તરીકે ઓળખે છે. તેઓ નાના હતા ત્યારે મિત્રોને ફૂટબૉલ રમતા જોઈને તેમને પણ ફૂટબૉલ રમવાની પ્રેરણા મળી. તેઓની રમતથી પ્રભાવિત મોહન બાગાનના (કૉલકાતાની સ્પૉર્ટ્સ ક્લબ) અધિકારીઓએ જ્યારે ચુન્ની ૧૬ વર્ષના થયા ત્યારે ૧૯૫૪માં ટીમ માટે પસંદ કર્યા અને ચુન્નીએ લીગ મૅચમાં રમવાનું શરૂ કર્યું. થોડા સમયમાં તેઓ ટીમના કૅપ્ટન તરીકે પસંદ થયા. ભારતમાં યોજાતી બધા પ્રકારની ટુર્નામેન્ટમાં તેમણે મોહન બાગાનને વિજય અપાવ્યો હતો. ૧૯૫૫થી તેઓએ નૅશનલ ફૂટબૉલ ચૅમ્પિયનશિપમાં બંગાળનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ૧૯૬૦માં બંગાળની ટીમના કૅપ્ટન બન્યા હતા. ૧૯૬૦માં રોમ ઑલિમ્પિક રમતોત્સવમાં ભાગ લેવા ભારતીય ફૂટબૉલ ટીમના ખેલાડી તરીકે પસંદગી પામ્યા હતા. ત્યારબાદ ૧૯૫૮માં ટોકિયોના એશિયન રમતોત્સવમાં ભારતીય ટીમ તરફથી તેઓ રમ્યા હતા. ત્યારબાદ ઑલ ઇન્ડિયા કમ્બાઇન્ડ યુનિવર્સિટી ફૂટબૉલ ટીમના કૅપ્ટન બનીને કાબુલમાં યોજાયેલ વર્લ્ડ યુનિવર્સેઇડમાં તથા ૧૯૬૨માં ચુન્નીની ભારતીય ટીમના કૅપ્ટન તરીકે પસંદગી થઈ અને ૮૦ જેટલી આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ મૅચોમાં ૫૦૦ કરતાં વધારે ગોલ કરવાનું બહુમાન તેમણે મેળવ્યું હતું. ૧૯૬૨ અને ૧૯૬૪માં ચુન્નીને એશિયાના સર્વશ્રેષ્ઠ ફૉર્વર્ડ ખેલાડી જાહેર કરાયા હતા. ચુન્ની ક્રિકેટ પણ સારું રમતા હતા. બંગાળની ક્રિકેટ ટીમમાંથી તેને રણજી ટ્રૉફી મૅચ અને પૂર્વ અને મધ્ય ઝોનની ક્રિકેટ ઇલેવનમાં પસંદ કરાયા હતા. ચુન્નીને ૧૯૬૩માં અર્જુન ઍવૉર્ડ, એશિયાઈ રમતોત્સવમાં ભારતીય ફૂટબૉલ ટીમે સુવર્ણચંદ્રક મેળવ્યો હતો. ૧૯૮૩માં પદ્મશ્રી પુરસ્કાર, ૨૦૦૬માં મોહન બાગાન રત્ન મળ્યો હતો.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

અઘરી વાણી એ પંડિતાઈનું

મિથ્યા પ્રદર્શન છે ——————

વિભૂતિઓ અને સંતોની વાણી કેટલી સરળ અને સાહજિક હોય છે ! રામની કથા હોય, મહાવીરની વાણી હોય કે બુદ્ધનું પ્રવચન યા ઈશુ  ખ્રિસ્તનો ઉપદેશ હોય, એને સમજવા માટે કોઈ વિદ્વત્તાની જરૂર પડતી નથી. નરસિંહની કવિતા, મીરાંની ભાવના, તુલસીદાસનું ‘રામચરિતમાનસ’ કે આનંદઘનનાં પદ વાંચો અને હૈયાસોંસરાં ઊતરી જાય. એના શબ્દોમાં પરમ તત્ત્વજ્ઞાન હોય છે, પરંતુ એ તત્ત્વજ્ઞાન વ્યક્તિને સરળતાથી સમજાય તેવું હૃદયસ્પર્શી રીતે વ્યક્ત થતું હોય છે. એની આસપાસ કોઈ આવરણ હોતું નથી કે જે આવરણને ભેદવા માટે પંડિતાઈની જરૂર પડે, પણ ક્યાંક પાંડિત્ય-પ્રદર્શન માટે આવી સરળતાને બદલે આડંબરને અપનાવીને ડોળભર્યું આલેખન કરવામાં આવે છે. એ પંડિત એવી વાણી બોલશે કે જે શ્રોતાઓ સમજી શકે નહીં. એને વધુ ને વધુ કઠિન બનાવવા માટે એ અજાણ્યા અને અઘરા શબ્દો પસંદ કરશે. ક્યારેક તો પારિભાષિક શબ્દોની ભરમાર આપીને શ્રોતા કે વાચકને  માટે એ વધુ  કપરું બનાવશે.  આથી પણ આગળ વધીને એ એવી તર્કજાળ રચશે કે સામેની વ્યક્તિ એમાં ગૂંચવાઈ જાય. એ પોતાની વાતને વધુ ને વધુ અઘરી બનાવીને રજૂ કરવાનો પ્રયાસ કરે છે, કારણ કે એ જેટલી અઘરી વાણી બોલે, આડંબરયુક્ત શબ્દો પ્રયોજે, પરિભાષાનો વરસાદ વરસાવે, એટલો મોટો પંડિત ગણાય છે. પણ આવી પંડિતાઈ એ પંડિતને કે એના શ્રોતાઓને ક્યારેય લાભદાયી કે ફળદાયી બનતી નથી. અંતરની ગહન અનુભૂતિ અને માનવજીવનના મર્મોને પારખતી દૃષ્ટિને કારણે વિભૂતિઓની વાણીમાં શબ્દોનું સૌંદર્ય હોય છે, પણ ભાષાનો ભભકભર્યો શણગાર હોતો નથી. સરળતાના સૌંદર્યનો અનુભવ કરવો હોય તો તે સંતોની  વાણીમાં મળી શકે, જે જીવનના ધરાતલમાંથી પ્રગટી  છે અને માનવીના હૃદયના ધરાતલને સ્પર્શે છે.

કુમારપાળ દેસાઈ