Categories
વાચન સમૃદ્ધિ

શિયાળ

કૂતરાને મળતું આવતું વન્ય સસ્તન પ્રાણી.

ભારતમાં લગભગ બધી જગાએ શિયાળ જોવા મળે છે. ગામના પાદરે, શહેર-વિસ્તારમાં, નિર્જન ઝાડી કે ગીચ જંગલમાં શિયાળ વસે છે. હિમાલયમાં અને ભરતી-ઓટવાળા પ્રદેશમાં પણ શિયાળ જોવા મળે છે. લોંકડી એ શિયાળને મળતું પ્રાણી છે. ગામના પાદરે રાત્રે તેની કિકિયારી (લાળી) ઘણી વાર સંભળાય છે. લોંકડી કે શિયાળ કૂતરાની માફક પાળી શકાતાં નથી.

શિયાળ વરુ અને કૂતરા કરતાં કદમાં નાનું પ્રાણી છે. તેના શરીર પરની રુવાંટી ભૂખરા અને સોનેરી કે બદામી રંગની હોય છે. પેટ, કાન અને પગનો ભાગ બદામી જ્યારે ગળાનો, પીઠનો અને કાનનો બહારનો ભાગ કાળાશ પડતા સફેદ રંગનો હોય છે. શિયાળ માંસાહારી તેમ જ શાકાહારી હોવાથી તેને બંને પ્રકારના દાંત હોય છે. શિયાળને પાતળા પગ અને લાંબી, ગુચ્છાદાર પૂંછડી હોય છે. શિયાળનો મુખ્ય ખોરાક ફળ, કંદમૂળ, કીટકો, નાનાં પ્રાણી કે પક્ષીઓ હોય છે. મોટા પ્રાણીએ જે પ્રાણીનો  શિકાર કર્યો હોય તેના શબના બચેલા ભાગને તે આરોગે છે. ખાતાં વધે તો તે ક્યારેક દાટીને સાચવી રાખે છે અને જરૂર પડે ત્યારે ખોદીને તે આરોગે છે ! ભરતી-ઓટના પ્રદેશમાં રહેતાં શિયાળ માછલી, કરચલા વગેરે ખાય છે. ગામને પાદરે રહેતાં શિયાળ શાકભાજીની વાડીમાંથી શેરડી, તરબૂચ અને કાકડી ખાય છે. રાત્રે ખાઈને સવારે બોડ કે બખોલમાં ભરાઈને સૂઈ જાય છે.

શિયાળ સહેલાઈથી લાંબું અંતર દોડી શકે છે. શિયાળની જોડી જિંદગી પર્યંત સાથે હોય છે. માદા શિયાળ ૩થી ૪ બચ્ચાંને જન્મ આપે છે. નર અને માદા બંને બચ્ચાંની સંભાળ લે છે. બચ્ચાં જન્મે ત્યારે નિ:સહાય, બંધ આંખોવાળાં હોય છે. તેથી શિયાળ-માવતર બચ્ચાંને એકલાં મૂકતાં નથી. માતાનું દૂધ પીને બચ્ચાં મોટાં થાય છે. બાળવાર્તાઓમાં સામાન્ય રીતે શિયાળની ઓળખાણ લુચ્ચા-ખંધા પ્રાણી તરીકે અપાય છે, પણ ખરેખર તે કુટુંબભાવના ધરાવતું, બચ્ચાંની ખૂબ માવજત કરતું માયાળુ પ્રાણી છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-8 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

પાંડુરંગ મહાદેવ બાપટ

જ. ૧૨ નવેમ્બર, ૧૮૮૦ અ. ૨૮ નવેમ્બર, ૧૯૬૭

ભારતના અગ્રણી ક્રાંતિવીર, સ્વાતંત્ર્યસેનાની અને સાહિત્યકાર. મુળશી સત્યાગ્રહ દરમિયાન તેમના નેતૃત્વના પરિણામે તેમને લોકો ‘સેનાપતિ બાપટ’ના નામથી સંબોધવા લાગ્યા. તેમનો જન્મ રત્નાગિરિ જિલ્લાના ગુહાગર ગામમાં થયો હતો. નિમ્ન મધ્યમવર્ગમાં જન્મેલા હોવાથી બાળપણ વિકટ આર્થિક પરિસ્થિતિમાં વિતાવ્યું. ૧૮૯૨માં પુણેની ન્યૂ ઇંગ્લિશ શાળામાં પાંચ વર્ષના શિક્ષણ પછી અહમદનગરની હાઈસ્કૂલમાં ૧૮૯૯માં મૅટ્રિકની પરીક્ષા આપી. સારું પરિણામ આવવાથી શંકરશેટ શિષ્યવૃત્તિ મેળવી. ૧૯૦૦માં પુણેની ડેક્કન કૉલેજમાં શિક્ષણ મેળવી ૧૯૦૩માં મુંબઈની યુનિવર્સિટીની સ્નાતકની પરીક્ષા આપી. સારા પરિણામને હિસાબે ‘મંગળદાસ નાથુભાઈ’ શિષ્યવૃત્તિ મેળવી. જુલાઈ, ૧૯૦૪માં સ્કૉટલૅન્ડ એડિનબરોની કૉલેજમાં મિકૅનિકલ એન્જિનિયરિંગના અભ્યાસક્રમમાં જોડાયા. તેઓ એડિનબરોની બેલ કૉલેજમાં પ્રવેશ મેળવનાર પ્રથમ ભારતીય હતા, પરંતુ ભારતમાં બ્રિટિશ શાસનની સખત ટીકા કરવા અને એક ચર્ચાપત્રનું જાહેર સભામાં વાચન કરવા બદલ મુંબઈ યુનિવર્સિટીએ તેમની શિષ્યવૃત્તિ રદ કરી. જોકે ભારતના ક્રાંતિકારીઓને સહાય કરનાર શ્યામજી કૃષ્ણ વર્માએ તેમને આર્થિક સહાય કરી અને ઇન્ડિયા હાઉસમાં રહેવાની સગવડ કરી આપી. ત્યાંના નિવાસ દરમિયાન વીર સાવરકરના સંપર્કમાં આવ્યા. માર્ચ, ૧૯૦૮માં સ્વદેશ પાછા આવતી વખતે સાવરકરની સલાહથી બૉમ્બ બનાવવાની વિગત આપતી પરિચય-પુસ્તિકા લેતા આવ્યા.

૧૯૧૩થી ૧૯૧૫ સુધી વતન પારનેરમાં રહી નગરસફાઈ અભિયાન, અસ્પૃશ્યતા-નિવારણ વગેરે કાર્યક્રમોનું આયોજન કર્યું. ૧૯૧૫થી ૧૯૧૮ દરમિયાન પુણે ખાતે લોકમાન્ય ટિળક દ્વારા સંચાલિત ‘મરાઠા’ અંગ્રેજી વૃત્તપત્રના સહસંપાદકપદે તથા ૧૯૧૮થી ૧૯૨૦ દરમિયાન શ્રીધર વ્યંકટેશ કેતકર સંપાદિત મરાઠી વિશ્વકોશનું કાર્ય કર્યું. મરાઠી, અંગ્રેજી, સંસ્કૃત અને હિંદી – એમ ચારેય ભાષા પર તેમનું પ્રભુત્વ હતું. આથી ભગવદગીતા તથા ૧૩ ઉપનિષદોનું ‘હૉલી સૉંગ’ શીર્ષક હેઠળ અંગ્રેજીમાં, મહર્ષિ અરવિંદના ‘લાઇફ ડિવાઇન’નું મરાઠીમાં ભાષાંતર કર્યું હતું. તેમના સ્મરણાર્થે નાગપુરમાં તેમની પ્રતિમા બનાવવામાં આવી છે અને ૧૯૭૭માં ભારત સરકારે એક ટપાલટિકિટ પણ ચાલુ કરી છે.

રાજશ્રી મહાદેવિયા

Categories
વાચન સમૃદ્ધિ

ફાટફાટ સમૃદ્ધિ કોરીકટ દરિદ્રતા લાગે છે !

આખો દિવસ વાદળછાયું આકાશ હોય અને સૂર્યનું એક કિરણ પણ જોવા ન મળે, ત્યારે એને પામવા માટે મન કેટલું બધું તડપતું હોય છે ! એ પ્રકાશ વિના વાતાવરણ ગમગીન અને ઉદાસ લાગે છે અને ચિત્ત પર ભારે બોજનો અનુભવ થાય છે. એવા વાદળછાયા આકાશમાંથી કિરણ ફૂટે, ધીરે ધીરે સૂર્યનો પ્રકાશ ફેલાય ત્યારે મન કેવું નાચી ઊઠે છે ! પ્રકાશની સાથે ચિત્તને ગાઢ સંબંધ છે. એ જ મનને તાજગી, સ્ફૂર્તિ અને ઉત્સાહ આપે છે, પરંતુ જ્યારે આત્મામાં પ્રકાશનો અનુભવ થાય છે ત્યારે એમ લાગે છે કે બહારનું અંધારું કે પ્રકાશ – એ સઘળું જ અંધકારમય હતું. જેને ઉત્સાહપ્રેરક પ્રકાશ માનતા હતા એ પણ ક્યાં પ્રકાશ છે ? ભીતરનો પ્રકાશ મળતાં બહારનો પ્રકાશ અંધકારમાં પરિવર્તન પામે છે. ધીરે ધીરે બહારનો પ્રકાશ કે અંધકાર બધું જ ઓગળી જાય છે અને ભીતરમાં પ્રકાશનું અજવાળું સતત ફેલાયેલું રહે છે.

આ ભીતરનો પ્રકાશ કોઈ આકાર ધરાવતો નથી, કોઈ વસ્તુ સાથે સંબંધિત નથી. માત્ર એનો અનુભવ વ્યક્તિના અણુએઅણુમાં વ્યાપી રહે છે. એ પ્રકાશમાંથી જાગતી દૃષ્ટિ જગતને બદલી નાખે છે, પહેલાં બહાર જે દેખાતું હતું અને જેની ચાહના હતી એ બધું શૂન્યવત્ બની જાય છે. બહારની ગમગીની કે ઉત્સાહ ઓસરી જાય છે. એ પ્રકાશનો કઈ રીતે ઉદગમ થયો, એનો સહેજે અણસાર નહોતો, પણ ભીતરનો આ પ્રકાશ વ્યક્તિનું અસ્તિત્વ પલટી નાખે છે. દુનિયા એવી જ બેઢંગી હોય છે, પણ પ્રકાશની પ્રાપ્તિ પછી સઘળા  ઢંગ બદલાઈ જાય છે. જીવન એ જ હોય છે, પણ જીવનના રંગ પલટાઈ જાય છે. પહેલાં લાલ રંગનું આકર્ષણ હતું, હવે શ્વેત રંગ પસંદ પડે છે. પહેલાં જેમ ફાટફાટ સમૃદ્ધિ જોઈ હતી, ત્યાં કોરીકટ નિર્ધનતા નજરે પડે છે.

કુમારપાળ દેસાઈ