Categories
વાચન સમૃદ્ધિ

ફરદૂનજી મર્ઝબાન

જ. ૨૮ માર્ચ, ૧૭૮૭ અ. ૨૬ માર્ચ, ૧૮૪૭

‘ગુજરાતી મુદ્રણના જનક’, જૂનામાં જૂના ગુજરાતી વર્તમાનપત્ર ‘મુંબઈ સમાચાર’ના સ્થાપક, તંત્રી, કવિ અને અનુવાદક ફરદૂનજી મર્ઝબાનનો જન્મ સૂરતમાં પારસી કુટુંબમાં થયો હતો. પિતાનું નામ મોબેદ મર્ઝબાનજી. ફરદૂનજીએ પિતા પાસેથી ગુજરાતી અને ફારસીના શિક્ષણ ઉપરાંત મોબેદી(પારસી ગોરપદા)ની તાલીમ મેળવી હતી. ફારસી  ઉપરાંત પંડિત પાસે સંસ્કૃતનો અભ્યાસ પણ કર્યો હતો. ભરૂચના હકીમ ગોલાલ મોડિયુદ્દીન પાસેથી યુનાની વૈદકનું જ્ઞાન મેળવ્યું. ૧૭૯૯માં તેઓ મુંબઈ ગયા. ત્યાં પ્રખ્યાત દસ્તૂરમુલ્લાં ફીરોઝાદ્દીન પાસેથી જરથોસ્તી ધર્મશાસ્ત્રો ઉપરાંત અરબી-ફારસીમાં તાલીમ અને જાણકારી મેળવી. તેમના જ પુસ્તકાલયનાં પુસ્તકોની દેખભાળ લેવા ઉપરાંત પુસ્તકો બાંધવાનું અને મરામત કરવાનું કામ પણ શીખ્યા. ૧૮૦૮માં બુકબાઇન્ડિંગના કામમાં જોડાયા. દુકાન ખરીદીને ગામેગામ આડતિયા રોકી મુંબઈથી ગુજરાતમાં સૌપ્રથમ વ્યવસ્થિત આંગડિયા સેવા-ટપાલસેવા શરૂ કરી. ધીમે ધીમે દેશાવરમાં પણ કાગળો પહોંચતા કરવા લાગ્યા. એ અરસામાં તેઓ જીજીભાઈ બહેરામજી છાપગર નામના કંપોઝિટરના સંપર્કમાં આવ્યા. તે સમયે સમગ્ર મુંબઈ શહેર અને ઇલાકામાં એક પણ દેશી છાપખાનું ન હતું. ફરદૂનજીએ ૧૮૧૨માં મુંબઈમાં કોટવિસ્તારમાં સૌપ્રથમ છાપખાનાનો પ્રારંભ કર્યો. લાકડાનો દાબપ્રેસ મેળવીને જીજીભાઈ પાસે કળા શીખીને છાપવાનો સરંજામ ઊભો કર્યો. ગુજરાતી બીબાંનો સેટ તીખા લોટા પર કોતરાવ્યો. પોતે જ તાંબાની તકતીઓ ઠોકી તેને સીસામાં ઢાળી ટાઇપ પાડ્યા. આ ટાઇપ પાડવા, ઘસવા અને સાફ કરવામાં તેમણે કુટુંબના સૌને કામે લગાડ્યા. શરૂઆતમાં કેટલાંક પુસ્તકો પ્રગટ કર્યા પછી ૧૮૧૪માં તેમણે પોતાના છાપખાનામાં સંવત ૧૮૭૧નું પહેલવહેલું ગુજરાતી પંચાંગ પ્રસિદ્ધ કર્યું. ૧૮૨૨માં  ગુજરાતી ભાષામાં ‘મુંમબઈના શમાચાર’ નામનું અઠવાડિક શરૂ કર્યું. તેનું માસિક લવાજમ બે રૂ. રાખેલું. ૧૮૩૨થી અઠવાડિયામાં બે વાર પ્રકાશિત કરવા માંડ્યું અને ૧૮૫૫થી તેને દૈનિકમાં ફેરવ્યું. જાહેરખબરો, જન્મ-મૃત્યુ તિથિવાર નોંધો અને લોકોપયોગી ચીજવસ્તુઓની વિગતો પ્રસિદ્ધ કરવાથી તેની લોકપ્રિયતા ખૂબ વધી હતી.

અમલા પરીખ

Categories
વાચન સમૃદ્ધિ

કુતૂહલ એ દરિયાનાં મોજાં જેવું હોય છે !

મોટા ભાગની વ્યક્તિઓ માત્ર કુતૂહલથી જીવતી હોય છે. એમના ચિત્તમાં સતત એક પછી એક કુતૂહલ ઊગતાં હોય છે. એમને કુતૂહલ જાગે કે અમુક રાજકીય ઘટના પાછળ કયું પરિબળ કામ કરે છે અને એનો ઉત્તર મળતાં એમની રાજકીય જિજ્ઞાસાનું શમન થઈ જશે. કોઈના મનમાં વિચાર જાગે કે વ્યક્તિના જીવનમાં કયા ગુણો હોય તો એ આત્મસાક્ષાત્કાર કરી શકે છે. એ ગુણોની માહિતી પ્રાપ્ત કરશે અને ત્યાં જ એનું કુતૂહલ સમાપ્ત થઈ જશે. એનો હેતુ પોતાનું કુતૂહલ સંતોષવાનો છે, પરમપ્રાપ્તિનો નહીં. આવી રીતે કોઈના મનમાં સવાલ જાગે કે પરમાત્મા ક્યાં છે ? અને એ કોઈ જ્ઞાની કે સંતને આનો ઉત્તર પૂછશે અને પ્રત્યુત્તર મળતાં એને મનમાં બરાબર ગોઠવીને એનું કુતૂહલ શાંત થઈ જશે. આ રીતે કુતૂહલ માત્ર મનનો એક તરંગ છે. મનમાં જાગેલો એક સવાલ હોય છે, જે ઉત્તર મળતાં સંતોષ પામે છે. આવું કુતૂહલથી ભરેલું મન સપાટી પર વિહાર કરતું હોય છે. એ ક્યારેય વિષયની ભીતરમાં જઈ શકતું નથી. આવાં કુતૂહલો એ જ ઘણાં માણસોની વિચારધારાનો મુખ્ય પ્રવાહ હોય છે. એમના મનમાં એક પછી એક કુતૂહલ જાગતાં રહે છે અને એ રીતે કુતૂહલ વારે વારે પ્રગટ કરીને જીવતા રહે છે. માહિતીના આ યુગમાં માણસ મનમાં કુતૂહલનો ખડકલો લઈને જીવે છે. એના ચિત્તમાં પારાવાર પ્રશ્નો પડ્યા છે, પ્રશ્નોના ઉત્તરોની ખોજ છે, પણ ત્યાં જ એના કુતૂહલનું પૂર્ણવિરામ છે. કુતૂહલ પાસે વિચારનો ઝબકારો છે, ઝબકારાની માફક એ ક્ષણમાં વિલીન થઈ જાય છે પછી કુતૂહલનો કોઈ અર્થ રહેતો નથી. કુતૂહલ વ્યર્થ છે કે સાર્થક છે એનો વિચાર જરૂરી છે, નહીં તો આખી જિંદગી કુતૂહલોની પરંપરામાં વેડફાઈ જશે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ધરમપાલ ગુલાટી

જ. ૨૭ માર્ચ, ૧૯૨૩ અ. ૩ ડિસેમ્બર, ૨૦૨૦

‘મસાલાના રાજા’ (spice king) તરીકે પ્રખ્યાત ધરમપાલ ગુલાટીનો જન્મ સિયાલકોટ(આજનું પાકિસ્તાન)માં થયો હતો. તેમના પિતા ચુન્નીલાલ ગુલાટી જે ‘દેગી મીર્ચવાલે’ તરીકે જાણીતા હતા. તેમની મહાશિયાં દી હટ્ટી (Mahashian Di Hatti) નામની મસાલાની દુકાન હતી. ૧૦ વર્ષની વયે ધરમપાલ ભણતર છોડી, નાનીમોટી નોકરી કરી છેવટે પિતાની મસાલાની દુકાનમાં જોડાઈ ગયા, પરંતુ ૧૯૪૭ના ભાગલા વખતે તેમના કુટુંબને પાકિસ્તાન છોડી, ભારત ભાગી આવવું પડ્યું. દિલ્હીમાં રેલવેસ્ટેશન ઉપર ઘોડાગાડી ચલાવી, શેરડીના રસનો સંચો ચલાવ્યો અને બધાથી થાકી ૧૯૫૮માં કરોલ બાગમાં મહાશિયાં દી હટ્ટી નામની નાની મસાલાની દુકાન ખોલી. ચાંદની ચોક વિસ્તારમાં બીજી શાખા ખોલી. ૧૯૫૯માં નવી દિલ્હીના કીર્તિનગર વિસ્તારમાં ઉત્પાદન એકમ શરૂ કર્યું જે સમયે ગૃહિણીઓ ઘરે ખાંડીને મસાલા બનાવતી, તે સમયે તેમણે દળેલા તૈયાર મસાલાઓ બજારમાં મૂક્યા. મહાશિયાં દી હટ્ટી નામ ઉપરથી MDH મસાલા નામ રાખવામાં આવ્યું. તેમના સમયગાળા દરમિયાન એમ.ડી.એચ. મસાલાએ અભૂતપૂર્વક વિકાસ કર્યો. હાલમાં તેમના ૧૮ ઉત્પાદન-એકમો કાર્યરત છે. જ્યાં લગભગ ૬૨થી વધુ જાતના તૈયાર મસાલાઓ તૈયાર કરી દેશવિદેશમાં મોકલવામાં આવે છે. એમડીએચની જાહેરખબરમાં ધરમપાલજી જ તેનો ચહેરો હતા. પરંપરાગત પાઘડી, સફેદ ભરાવદાર મૂછો, મોતીની માળા ધારણ કરેલા ધરમપાલજી બધી જ જાહેરખબરો, મસાલાનાં પૅકેટો ઉપર ચમકતા. ધરમપાલજીની ગણના એક દાનવીર તરીકે પણ કરવામાં આવે છે. તેમના દ્વારા લગભગ ૨૦ પ્રાથમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવી છે. તેમના દ્વારા દિલ્હીમાં ગરીબ લોકો માટે ૨૦૦ પથારીની હૉસ્પિટલ પણ ઊભી કરવામાં આવી છે જ્યારે ઝૂંપડપટ્ટીના રહીશો માટે મોબાઇલ હૉસ્પિટલ પણ કરવામાં આવી છે. દાન આપવા માટે પિતાના નામથી મહાશય ચુન્નીલાલ ચૅરિટેબલ ટ્રસ્ટ પણ ઊભું કરવામાં આવ્યું છે. ૨૦૧૯માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મભૂષણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમલા પરીખ