Categories
વાચન સમૃદ્ધિ

જ્યૉર્જિયા (યુ.એસ.)

યુ. એસ.નું એક સંલગ્ન રાજ્ય. તે આટલાંટિક મહાસાગરના કિનારે મિસિસિપી નદીની પૂર્વ બાજુએ ૩૦° ૨૫´થી ૩૫° ઉ. અ. અને ૮૦° ૨૦´થી ૮૫° ૩૬´ પ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ ૧,૪૯,૯૭૬ ચોકિમી. છે; ક્ષેત્રફળની દૃષ્ટિએ તેનું સંઘ રાજ્યોમાં એકવીસમું સ્થાન છે. રાજ્યની રાજધાની ઍટલાન્ટા છે. સમગ્ર રાજ્યની વસ્તી ૨૦૨૪માં ૧,૧૧,૮૦,૮૭૮ (આશરે) હતી. જ્યૉર્જિયાની પૂર્વ દિશાએ દક્ષિણ કૅરોલિના અને આટલાંટિક મહાસાગર, પશ્ચિમે આલબામા રાજ્ય, ઉત્તરે ટેનેસી અને ઉત્તર કૅરોલિના તેમજ દક્ષિણે ફ્લૉરિડા રાજ્ય છે. આટલાંટિક મહાસાગર અને મેક્સિકોના અખાતના દરિયાકિનારા નજીક સી-આઇલૅન્ડ વગેરે ટાપુઓ આવેલા છે. તેની પૂર્વ-પશ્ચિમ વધુમાં વધુ લંબાઈ ૫૧૫ કિમી. અને ઉત્તર-દક્ષિણ પહોળાઈ ૪૦૯ કિમી. છે. આ રાજ્યનાં ૧૫૯ પરગણાં છે. જાન્યુઆરી, ૧૭૮૮થી તેને અલગ રાજ્ય તરીકેનો દરજ્જો મળેલ છે. દરિયાકિનારાનું મેદાન, કંબરલૅન્ડનો ઉચ્ચપ્રદેશ, બ્લુરિજ પર્વતમાળા, રિજ અને ખીણો તેમજ પીડમોન્ટનો ઉચ્ચપ્રદેશ એવા તેના કુદરતી વિભાગો છે. પીડમોન્ટનું ઊંચું આવેલું મેદાન ઍપેલેશિયન પર્વતમાળાની દક્ષિણે છે. પીડમોન્ટનો ઉત્તર અને દક્ષિણ બાજુનો પ્રદેશ અનુક્રમે ૩૬૦ મી. અને ૧૫૦ મી. ઊંચો છે. ઉત્તર જ્યૉર્જિયાના ઉચ્ચપ્રદેશમાંથી નદીઓ નીકળીને આટલાંટિક અને તેના અખાતને મળે છે.

ઍટલાન્ટા

જાન્યુઆરી માસમાં સૌથી વધારે ઠંડી પડે છે. અહીં સરેરાશ ૪°થી ૧૦° સે. તાપમાન રહે છે. ઍટલાન્ટામાં જુલાઈમાં ૨૬° સે. તાપમાન રહે છે, ઑગસ્ટ માસમાં સરેરાશ ૨૬°થી ૨૮° સે. તાપમાન રહે છે. કિનારાની આબોહવા ગરમ અને ભેજવાળી રહે છે. વરસાદ ૧૨૩૪ મિમી. પડે છે. સમશીતોષ્ણ કટિબંધના પાકો ઊગી શકે તેવી જમીન છે. દરિયાકાંઠાની જમીન રેતાળ છે. રાજ્યની ૬૭% જમીન જંગલોથી છવાયેલી છે. અહીં સખત અને પોચું લાકડું આપતાં વૃક્ષો છે. રાચરચીલું તથા કાગળ-ઉદ્યોગને તેમાંથી કાચો માલ મળી રહે છે. આ સિવાય વિવિધ પ્રકારનાં ફૂલઝાડ થાય છે. અહીં રીંછ અને મગર પણ જોવા મળે છે. વીકેન્સના પહાડી પ્રદેશમાં આરસપહાણની ખાણો છે. ગ્રૅનાઇટ, ચિનાઈ માટી, રંગીન માટી વધુ પ્રમાણમાં અને કોલસો, લોખંડ, સોનું, બૅરાઇટ, અબરખ, ઍસ્બેસ્ટૉસ અને બૉક્સાઇટ થોડા પ્રમાણમાં મળે છે. નદીઓ ઉપર બંધ બાધીને જળવિદ્યુત ઉત્પન્ન કરાય છે. મેદાનવાળા ભાગમાં કૂવાના પાણીથી સિંચાઈ થાય છે. મકાઈ, મગફળી, શાકભાજી, સોયાબીન, રાઈ, ઓટ, તમાકુ, ઘઉં વગેરે મુખ્ય પાક છે. મરઘાંઉછેર અને પશુપાલન વધારે મહત્ત્વ ધરાવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી ખેતીવાડી કરતા ઉદ્યોગોનો વધુ વિકાસ થયો છે અને તેને મહત્ત્વ મળ્યું છે. ખેતી, વન-આધારિત ઉદ્યોગો અને મચ્છીમારીમાં ૧૦% લોકો રોકાયેલા છે. સુતરાઉ અને સિન્થેટિક કાપડ, પ્રક્રિયા કરાયેલ ખાદ્ય પદાર્થો, રસાયણ, પ્લાયવુડ અને કાગળ, ઍરોપ્લેન અને મોટર, તૈયાર કપડાં, યંત્રો, વીજળીનાં સાધનો, ધાતુકામ, ફર્નિચર, પથ્થર, કાચ, રબર, માટી અને પ્લાસ્ટિકની વસ્તુઓ તથા જહાજો બાંધવાના ઉદ્યોગો આવેલા છે. ૮૦૦ કિમી.નો આંતરિક જળમાર્ગ છે. ૧.૬ લાખ કિમી.ના રસ્તા, ૮૦૦૦ કિમી.ની રેલવે તથા હવાઈ માર્ગ જેવાં વાહનવ્યવહારનાં સાધનો છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, જ્યોર્જિયા (યુ.એસ.), પૃ. 86)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

રમાબાઈ પંડિતા

જ. ૨૩ એપ્રિલ, ૧૮૫૮ અ. ૫ એપ્રિલ, ૧૯૨૨

રાષ્ટ્રીય જાગૃતિની દિશામાં અનેક નવી પહેલ કરનાર, અગ્રગામી સમાજસુધારક, વિદુષી નારી રમાબાઈનો જન્મ કેનેરા ડિસ્ટ્રિક્ટ મદ્રાસ પ્રેસિડન્સીમાં થયો હતો. તેમનાં માતા લક્ષ્મીબાઈ અને પિતા અનંત ડોંગરે મહારાષ્ટ્રિયન ચિત્પાવન બ્રાહ્મણ હતાં. માતા-પિતાએ રમાબાઈને સંસ્કૃત વ્યાકરણ અને સાહિત્યનું જ્ઞાન આપ્યું. આ જ્ઞાનને કારણે તેઓ લગભગ ૧૮ હજાર શ્લોકોનું સતત ગાન કરી શકતાં. ૧૮૭૪માં માતાપિતાનું અવસાન થતાં તેઓ ભાઈ સાથે કૉલકાતા પહોંચ્યાં. ત્યાં તેમના જ્ઞાન અને વ્યાકરણ નૈપુણ્યથી પંડિતો, શાસ્ત્રીઓ અને સંસ્કૃત પ્રાધ્યાપકો દિગ્મૂઢ બની ગયા અને જાહેરસભામાં ‘સરસ્વતી’નું બિરુદ આપીને બહુમાન કર્યું. ૧૮૮૦માં તેમણે વકીલ વિપિન બિહારીદાસ સાથે લગ્ન કર્યાં. ૧૮૮૧માં તેમને ત્યાં કન્યા મનોરમાનો જન્મ થયો અને એકાદ મહિનાની અંદર તેમના પતિ કોગળિયા(કૉલેરા)નો ભોગ બની અવસાન પામ્યા. એકલાં પડેલાં રમાબાઈ પુણે ગયાં અને ત્યાં સામાજિક કાર્યો કરવા માટે ‘આર્યમહિલાસમાજ’ નામની સંસ્થાની સ્થાપના કરી. તેમણે મરાઠીમાં ‘સ્ત્રી ધર્મનીતિ’ નામનું પુસ્તક લખ્યું. તેમાંથી મળેલા પૈસામાંથી દીકરીને લઈને તેઓ ઇંગ્લૅન્ડ પહોંચ્યાં. અહીં મઠમાં સેવાભાવી ધર્મસેવિકાઓથી પ્રભાવિત થઈને ૧૮૮૩માં દીકરી સાથે તેમણે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. તેમનાં કાર્યોની સુવાસ અમેરિકા સુધી ફેલાતાં તેમને અમેરિકા જવાનું નિમંત્રણ મળ્યું. અહીં તેમણે ‘ઉચ્ચવર્ણીય મહિલા’ (High-cast Hindu Woman) નામનું પુસ્તક લખ્યું. લોકમત જાગૃત કર્યો. ભારતની હિંદુ બાળ-વિધવાઓને મદદરૂપ થવા બૉસ્ટનમાં ‘રમાબાઈ ઍસોસિયેશન’ની સ્થાપના થઈ. મુંબઈ પાછા આવીને વિધવાઓને રહેવા માટે ‘શારદા સદન’ની સ્થાપના કરી જેનો તીવ્ર વિરોધ થયો, પરંતુ તેઓ ડગ્યાં નહીં. તેમણે પ્લેગ, દુકાળ વગેરે જેવી આફતોના સમયે લોકોને ખૂબ મદદ કરી. ૧૯૦૫માં તેમણે પુણે નજીક કેડગાંવમાં છાપખાનું સ્થાપી આશ્રિત સ્ત્રીઓને કામ શિખવાડ્યું. આજે પણ કેડગાંવમાં તેમણે સ્થાપેલ ‘મુક્તિમિશન’ સંસ્થામાં સ્ત્રીઓ આર્થિક રીતે સ્વતંત્ર બને તેવું શિક્ષણ અપાય છે.

Categories
વાચન સમૃદ્ધિ

અનુભૂતિ બની પ્રતીતિ

થિયેટરોથી ઊભરાતા અમેરિકાના પ્રસિદ્ધ બ્રૉડવેમાં નિર્માતા ફ્લોરેન્સ ઝીગફેલ્ડ નાટ્યજગતમાં એક જાદુગર તરીકે જાણીતા હતા. તેઓ તદ્દન સામાન્ય સ્ત્રી કે પુરુષને કુશળ અભિનેતા કે અભિનેત્રીમાં પરિવર્તિત કરી શકવાની અપ્રતિમ કલા ધરાવતા હતા. સાવ સામાન્ય વસ્ત્રોવાળી અને સાધારણ દેખાવ ધરાવતી સ્ત્રીમાં પણ અભિનયની સતત તાલીમ અને પરિશ્રમથી અસાધારણ ફેરફાર કરી શકતા. રસ્તે કોઈની નજરે પણ ન ચડે એવી સ્ત્રીને આ નિર્માતા એને અતિ સુંદરતા અને પ્રબળ આકર્ષકતા સાથે રંગભૂમિ પર રજૂ કરી શકતા. સહુને આશ્ચર્ય થતું કે ફ્લોરેન્સ ઝીગફેલ્ડ કઈ રીતે આવું પરિવર્તન સર્જે છે ? ફ્લોરેન્સ ઝીગફેલ્ડનો એક સિદ્ધાંત હતો કે પ્રત્યેક વ્યક્તિને આત્મસન્માન આપવું. એનો આત્મવિશ્વાસ વધારવો. પોતાની જાતને સાવ સામાન્ય માનતી વ્યક્તિને એની જાત વિશેની સામાન્યતાની દૃઢ અને બંધિયાર માન્યતામાંથી બહાર લાવવી. એના મનમાં પલાંઠી મારીને આસન જમાવી બેઠેલી લઘુતાગ્રંથિને દૂર કરવી. જીવન વિશેના નૅગેટિવ અભિગમને પૉઝિટિવ બનાવવો અને એમની સુષુપ્ત શક્તિ પ્રગટ થાય, તે માટે અવિરત પ્રયાસ કરવો. આવા માનસિક અભિગમની સાથે વ્યવહારુ દૃષ્ટિ પણ અપનાવતા હતા. અઠવાડિયે માત્ર ત્રીસ ડૉલર મેળવતી યુવતીઓનું મહેનતાણું એમણે ૧૭૫ ડૉલર કર્યું ! નવોદિત કલાકારોની શક્તિનાં ભારોભાર વખાણ કરવા લાગ્યા. નાટકના પ્રથમ પ્રયોગ વખતે એ મુખ્ય કલાકારોને શુભેચ્છાના તાર મોકલતા અને રંગમંચ પર કામ કરતી યુવતીઓની ‘અમેરિકન બ્યૂટી’ તરીકે પ્રશંસા કરીને એમનામાં રહેલા આત્મવિશ્વાસને જગાડતા, એટલું જ નહીં, પણ તેઓ આગવી નાટ્યકલા ધરાવતા પ્રતિભાવાન કલાકાર છે એવી અનુભૂતિ કરાવતા. આને પરિણામે કલાકાર જીવ રેડીને અભિનય કરતો તથા ફ્લોરેન્સ ઝીગફેલ્ડની શાબાશીને યોગ્ય પુરવાર થવા પ્રયત્ન કરતો. આ અનુભૂતિ કલાકારની પ્રતીતિ બની જતી હતી.