Categories
વાચન સમૃદ્ધિ

કે. એમ. કરીઅપ્પા

જ. ૨૮ જાન્યુઆરી, ૧૮૯૯ અ. ૧૫ મે, ૧૯૯૩

સ્વતંત્ર ભારતના લશ્કરના પ્રથમ સરસેનાપતિ કે. એમ. કરીઅપ્પાનો જન્મ કૂર્ગ(કર્ણાટક)માં થયો હતો. શરૂઆતનું શિક્ષણ મરકારા તથા મદ્રાસ (ચેન્નાઈ) ખાતે લીધું હતું. ઇન્દોરની ડૅલી કૉલેજમાં ઉચ્ચશિક્ષણ માટે પ્રવેશ મેળવ્યો. ત્યાંથી ભારતીય લશ્કરમાં સેકન્ડ લેફ્ટનન્ટ તરીકે ભરતી થયા. ૧૯૨૦-૨૧માં ઇરાક ખાતે, ૧૯૨૨-૨૫ તથા ૧૯૨૮-૩૦માં વાયવ્ય સરહદ પ્રાંતમાં તેમણે કામગીરી કરી અને કાબેલ અધિકારી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ૧૯૪૧-૪૨માં ઇરાક, સીરિયા તથા ઈરાન વિસ્તારના યુદ્ધમોરચા પર કામ કર્યું અને ૧૯૪૩-૪૪માં બ્રહ્મદેશના આરાકાન્ત પ્રદેશમાં લશ્કરી કાર્યવાહીમાં ભાગ લીધો. ભારત-પાકિસ્તાનના વિભાજન વખતે  ભારતીય લશ્કરની વહેંચણી કરવાનું કામ ખૂબ સારી રીતે તેમણે પાર પાડ્યું. ૧૯૪૯માં ૧૫મી જાન્યુઆરીએ તેઓ સ્વતંત્ર ભારતના પહેલા સરસેનાપતિ નિમાયેલા. કાશ્મીરનું પહાડી યુદ્ધ તેમની કુશળ નેતાગીરીમાં જ લડાયેલું. ૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધ સમયે તેઓ મોરચા પર જઈને જવાનોને પ્રોત્સાહિત કરતા. નિવૃત્તિ બાદ, તેમણે ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડ ખાતે ભારતના એલચી તરીકે સેવાઓ આપી. ૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું તે પછીના સમયમાં ભારતના લોકોમાં દેશના સંરક્ષણ માટેની સભાનતા વધે તથા ભારતીય યુવાનો લશ્કરમાં જોડાય તે માટેનું પ્રોત્સાહન આપવા માટે તેમણે સમગ્ર દેશનો પ્રવાસ કર્યો.

૧૯૭૭માં મૈસૂર વિશ્વવિદ્યાલયે તેમને ડી.એસસી.ની માનાર્હ પદવી આપી હતી. લશ્કરના એક ઉમદા સેનાપતિ તરીકે તેમને દેશ-વિદેશમાં સન્માનવામાં આવ્યા હતા. ૧૯૪૯માં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ હૅરી ટ્રુમને તેમને ‘લિજિયન ઑવ્ મેરિટ’ તથા ‘ચીફ કમાન્ડર’ની પદવી આપી હતી. નેપાળના રાજાએ તેમને નેપાળની સેનાના માનાર્હ જનરલના હોદ્દાથી સન્માન્યા હતા. ૧૯૮૬માં ભારત સરકારે તેમને ભારતીય લશ્કરના ‘ફિલ્ડમાર્શલ’ના સર્વોચ્ચ હોદ્દાથી સન્માન્યા હતા. આ સન્માન મેળવનારા તેઓ સેમ માણેકશા પછીના બીજા ભારતીય સેનાપતિ હતા.

શુભ્રા દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

સફરજન

દ્વિદળી વર્ગમાં આવેલી ગુલાબના કુળની, મીઠાં ફળો આપતી વનસ્પતિ.

સફરજનનાં વૃક્ષો યુરોપ, યુ.એસ.એ., જાપાન, ઑસ્ટ્રેલિયા તથા એશિયાના ઠંડા પહાડી પ્રદેશોમાં ઊગે છે. તે સમશીતોષ્ણ પ્રદેશનાં ફળોમાં સૌથી મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ભારતમાં તે કાશ્મીર, જમ્મુ, હિમાચલપ્રદેશ, ઉત્તરપ્રદેશની ટેકરીઓ, અરુણાચલ, સિક્કિમ, નાગાલૅન્ડ, તમિળનાડુ તથા બૅંગાલુરુમાં વાવવામાં આવે છે. ભારતમાં અંદાજે ૨.૩૨ લાખ હૅક્ટર વિસ્તારમાં તેનું વાવેતર થાય છે. સફરજનનું ઝાડ કદમાં નાનું હોય છે. તે આશરે ૧૫ મી. જેટલી ઊંચાઈ ધરાવે છે. સફરજનનાં પાન અંડાકાર ટોચે અણીદાર, આશરે ૫થી ૮ સેમી. લંબાઈનાં અને દાંતાદાર હોય છે. પાનનું દીંટું પાનથી અડધું લાંબું અને રુવાંટીદાર હોય છે. ફૂલોનો રંગ લાલ ટપકાંવાળો સફેદ અથવા ગુલાબી હોય છે. તે આશરે ૨.૫થી ૫ સેમી. પહોળાં, ઘંટાકાર અને ગુચ્છામાં થાય છે. ફળો કાચાં હોય ત્યારે લીલાં અને પાકે ત્યારે આછાં પીળાં કે લાલ રંગનાં થાય છે. સફરજનની અનેક જાતો છે. તેમના સ્વાદમાં પણ વિવિધતા હોય છે.

સફરજનનું ઝાડ

સામાન્ય રીતે સફરજન બારે માસ મળતાં હોય છે. વખારમાં ૯૦% સાપેક્ષ ભેજવાળા વાતાવરણમાં ઘોડાઓ, ખોખાંઓ કે ટોપલાઓમાં તેનો સંગ્રહ કરવાની ભલામણ કરવામાં આવે છે. સફરજન વિવિધ રીતે ઉપયોગી છે. તેના ફળનાં પતીકાં  પાડી તેને સૂકવવામાં આવે છે. તેમાંથી જામ તથા જેલી બનાવી તેની ડબ્બાબંધી (canning) કરાય છે. તેનાં ફળોનો તાજો રસ પણ પિવાય છે. ખાટી જાતનાં સફરજન રાંધવામાં વપરાય છે. તેને પકાવી (baking) તેમાંથી પાઇ વગેરે બનાવાય છે. તેને વરાળમાં બાફી તેમાંથી ‘ઍપલ સૉસ’ (apple sauce) બનાવાય છે. આથવણની ક્રિયાથી તેમાંથી દારૂ, સાઇડર (cider) અને વિનેગર બનાવાય છે. સાઇડર સફરજનમાંથી બનાવાતું પીણું છે.

સફરજનમાં ૮૫% પાણી હોય છે. તે પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, વિટામિન એ, બી, સી તથા કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, પોટૅશિયમ, ફૉસ્ફરસ, મૅંગેનીઝ, ઝિંક, આયોડિન, બોરોન અને લોહ જેવાં ખનિજો ધરાવે છે. આ ખનિજ-ઘટકો મનુષ્યના પોષણ માટે અત્યંત મહત્ત્વનાં ગણાય છે. આયુર્વેદ અનુસાર તે સ્વાદે મધુર, રુચિ ઉત્પન્ન કરનાર, શીતળ, હૃદય માટે લાભદાયી, ઝાડો બાંધનાર, મગજની શક્તિમાં વધારો કરનાર અને પાચનકર્તા છે. તે તાવ, ક્ષય અને સોજાનો નાશ કરે છે. તે ઝાડા અને મરડા માટે ઉત્તમ ઔષધિ ગણાય છે. સફરજન ખાવું આરોગ્યની દૃષ્ટિએ ખૂબ હિતકારી છે. ‘One apple a day, Keeps the doctor away.’ (રોજનું એક સફરજન ખાશો તો ડૉક્ટરની પાસે નહીં જવું પડે.) તેવી ઉક્તિ પણ પ્રચલિત છે. નાનાં બાળકોને, વૃદ્ધોને તથા ઝાડા કે મરડો થયેલ દર્દીઓને તે આપી શકાય છે. સફરજનનો ઉલ્લેખ સાહિત્યમાં થતો જોવા મળે છે. બાઇબલમાં આદમ અને ઈવ જ્ઞાનના ફળરૂપ સફરજન ખાય છે તેવો ઉલ્લેખ છે. સ્વિસ દંતકથા પ્રમાણે વિલિયમ ટેલ તેના પુત્રના માથા પર મૂકેલ સફરજનને બાણથી વીંધે છે. અનેક બાળવાર્તાઓમાં પણ સફરજનના વિવિધ રીતના ઉલ્લેખો મળે છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

ડબલ્યૂ ડી. વેસ્ટ

જ. ૨૭ જાન્યુઆરી, ૧૯૦૧ અ. ૨૩ જુલાઈ, ૧૯૯૪

ભારતીય ભૂસ્તરશાસ્ત્ર તેમજ ભારતમાં ભૂસ્તરશાસ્ત્રના અધ્યયન અને અધ્યાપનમાં મોટો ફાળો આપનાર વિલિયમ ડિક્સન વેસ્ટનો જન્મ બોર્નમથ, ઇંગ્લૅન્ડમાં થયો હતો. તેમનો મોટા ભાગનો જીવનકાળ ભારતમાં જ વીતેલો. ડૉ. વેસ્ટે તેમનું શિક્ષણ ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી લીધેલું. ૧૯૨૦માં તેમણે નેચરલ સાયન્સની માનાર્હ પરીક્ષા પસાર કરેલી. ૧૯૨૨માં વિન્ચેસ્ટર પ્રાઇઝ અને હાર્નેસ શિષ્યવૃત્તિ મેળવેલી. ૧૯૨૩માં જિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં જોડાયા ત્યારથી ૧૯૪૨ સુધીના બે દાયકા દરમિયાન તેઓ વિવિધ ભૂસ્તરીય અન્વેષણકાર્યમાં પરોવાયેલા રહ્યા. તેમાં નાગપુર જિલ્લાના સોસરપટ્ટાનું અન્વેષણ, સિમલા હિમાલયના શાલી અને તેની આજુબાજુના વિસ્તારનું નકશાકાર્ય તથા બલૂચિસ્તાનમાં ભૂકંપનો અભ્યાસ અને અફઘાનિસ્તાનમાં કોલસાનું આર્થિક અન્વેષણ વિશેષ ઉલ્લેખનીય છે. ડેક્કન ટ્રેપ લાવા પ્રવાહો પરનું તેમનું કામ પણ આ ખંડીય લાવા શ્રેણીના અભ્યાસમાં ખૂબ મદદરૂપ બની રહેલું. ૧૯૪૫માં ડૉ. વેસ્ટ ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતાના ડિરેક્ટર બન્યા હતા. તેમણે આ ખાતાના ઉત્કર્ષ અને વિકાસ માટે રાષ્ટ્રીય ઉન્નતિના સંદર્ભમાં બે પંચવર્ષીય આયોજનો પણ કરી આપ્યાં હતાં. બીજા વિશ્વયુદ્ધને કારણે ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણની પ્રવૃત્તિઓ પર વિપરીત અસર પડી; જેના પુન: સ્થાપનની વ્યવસ્થા કરવાની જવાબદારી તેમને સોંપાઈ હતી. ડૉ. વેસ્ટની દીર્ઘ ષ્ટિએ ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતાની ભાવિ સફળતાનાં દ્વાર ખોલી આપ્યાં. તેઓ સાગર યુનિવર્સિટીના જિયૉલૉજી ડિપાર્ટમેન્ટનું એક અવિભાજ્ય અંગ હતા. તેમને ભારત અને ભારતીયો માટે અનહદ પ્રેમ અને લાગણી હતાં. એક માનવી તરીકે તેઓ સ્વભાવે ખૂબ જ નમ્ર, માયાળુ અને પદ્ધતિસરની કાર્યશૈલીના આગ્રહી હતા. વિજ્ઞાની સાથીદારો અને વિદ્યાર્થીઓનું કલ્યાણ સધાય એમાં જ એમની રુચિ અને રસ હતાં. તેમણે ઘણા ભૂસ્તરવિદોની સમસ્યાઓ ઉકેલી આપી હતી. ભારતીયોની યોગ્ય અપેક્ષાઓને હંમેશાં પ્રોત્સાહિત કરી હતી. ભારતના ભૂસ્તરીય સર્વેક્ષણ ખાતાએ ૨૦૦૦ના જાન્યુઆરીની ૨૭મી તારીખે તેમની એકસોમી જન્મજયંતી ઊજવીને તેમના પ્રત્યેની માનની લાગણીને મૂક અંજલિ આપી હતી.

અમલા પરીખ