વિભૂતિઓ અને સંતોની વાણી કેટલી સરળ અને સાહજિક હોય છે ! રામની કથા હોય, મહાવીરની વાણી હોય કે બુદ્ધનું પ્રવચન યા ઈશુ ખ્રિસ્તનો ઉપદેશ હોય, એને સમજવા માટે કોઈ વિદ્વત્તાની જરૂર પડતી નથી. નરસિંહની કવિતા, મીરાંની ભાવના, તુલસીદાસનું ‘રામચરિતમાનસ’ કે આનંદઘનનાં પદ વાંચો અને હૈયાસોંસરાં ઊતરી જાય. એના શબ્દોમાં પરમ તત્ત્વજ્ઞાન હોય છે, પરંતુ એ તત્ત્વજ્ઞાન વ્યક્તિને સરળતાથી સમજાય તેવું હૃદયસ્પર્શી રીતે વ્યક્ત થતું હોય છે. એની આસપાસ કોઈ આવરણ હોતું નથી કે જે આવરણને ભેદવા માટે પંડિતાઈની જરૂર પડે, પણ ક્યાંક પાંડિત્ય-પ્રદર્શન માટે આવી સરળતાને બદલે આડંબરને અપનાવીને ડોળભર્યું આલેખન કરવામાં આવે છે. એ પંડિત એવી વાણી બોલશે કે જે શ્રોતાઓ સમજી શકે નહીં. એને વધુ ને વધુ કઠિન બનાવવા માટે એ અજાણ્યા અને અઘરા શબ્દો પસંદ કરશે. ક્યારેક તો પારિભાષિક શબ્દોની ભરમાર આપીને શ્રોતા કે વાચકને માટે એ વધુ કપરું બનાવશે. આથી પણ આગળ વધીને એ એવી તર્કજાળ રચશે કે સામેની વ્યક્તિ એમાં ગૂંચવાઈ જાય. એ પોતાની વાતને વધુ ને વધુ અઘરી બનાવીને રજૂ કરવાનો પ્રયાસ કરે છે, કારણ કે એ જેટલી અઘરી વાણી બોલે, આડંબરયુક્ત શબ્દો પ્રયોજે, પરિભાષાનો વરસાદ વરસાવે, એટલો મોટો પંડિત ગણાય છે. પણ આવી પંડિતાઈ એ પંડિતને કે એના શ્રોતાઓને ક્યારેય લાભદાયી કે ફળદાયી બનતી નથી. અંતરની ગહન અનુભૂતિ અને માનવજીવનના મર્મોને પારખતી દૃષ્ટિને કારણે વિભૂતિઓની વાણીમાં શબ્દોનું સૌંદર્ય હોય છે, પણ ભાષાનો ભભકભર્યો શણગાર હોતો નથી. સરળતાના સૌંદર્યનો અનુભવ કરવો હોય તો તે સંતોની વાણીમાં મળી શકે, જે જીવનના ધરાતલમાંથી પ્રગટી છે અને માનવીના હૃદયના ધરાતલને સ્પર્શે છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્યલેખક વિનોદ ભટ્ટનો જન્મ દહેગામ તાલુકાના નાંદોલમાં થયો હતો. ૧૯૬૪માં એલએલ.બી.ની ઉપાધિ પ્રાપ્ત કર્યા બાદ વીસેક વર્ષ વેચાણવેરાના અને ત્યાર બાદ આવકવેરાના સલાહકાર તરીકે સેવા આપી. ૧૯૯૭થી નિવૃત્તિ લઈ સાહિત્યસર્જનને લગતી પ્રવૃત્તિઓમાં સંપૂર્ણપણે જોડાઈ ગયા. તેમણે ‘પહેલું સુખ તે મૂંગી નાર’ (૧૯૬૨) એ પુસ્તકથી લેખનકાર્યનો આરંભ કર્યો. ‘વિનોદ ભટ્ટના પ્રેમપત્રો’, ‘ઇદમ્ તૃતીયમ્’, ‘ઇદમ્ ચતુર્થમ્’ વગેરેથી તેમની સર્જક પ્રતિભાનો પરિચય થયો. ‘વિનોદની નજરે’ એ ગુજરાતી હાસ્યસાહિત્યનું અનોખું પુસ્તક છે. ‘અને હવે ઇતિ-હાસ’, ‘ગ્રંથની ગરબડ’, ‘અથથી ઇતિ’, ‘પ્રભુને ગમ્યું તે ખરું’ વગેરે તેમનાં વિશિષ્ટ પુસ્તકો છે. અમદાવાદ શહેરનો વિનોદી શૈલીમાં પરિચય કરાવતું પુસ્તક ‘અમદાવાદ એટલે અમદાવાદ’ નોંધનીય છે. ‘એવા રે અમે એવા’ (૧૯૯૯) એ એમની આત્મકથા છે જે ગુજરાતી આત્મકથા સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના અને વિદેશના સુપ્રસિદ્ધ સાહિત્યકારોનો હળવી શૈલીમાં પરિચય કરાવતી અનેક પુસ્તિકાઓ લખી છે. તેમણે પોતાની ચરિત્રલેખનની કુશળતાનો પણ પરિચય આપ્યો. સાહિત્યિક પત્રકારત્વક્ષેત્રે તેમણે ઘણું કામ કર્યું છે. ‘સંદેશ’ની રવિવારની પૂર્તિમાં ૩૨ વર્ષ સુધી તેમની ‘ઇદમ્ તૃતીયમ્’ કટાર પ્રગટ થઈ. ‘ગુજરાત સમાચાર’ની રવિવારની પૂર્તિમાં ‘મગનું નામ મરી’ કટાર લખી. કટોકટી દરમિયાન પણ તેમણે નિર્ભયતાપૂર્વક કટારલેખન કર્યું હતું. ‘હાસ્ય મારો પ્રથમ પ્રેમ છે’ કહેનારા આ લેખકે સંપાદનક્ષેત્રે અગત્યનું કામ કર્યું છે. જુદા જુદા લેખકોની હાસ્યરસની રચનાઓનાં તેમણે સંપાદન કર્યાં છે. તટસ્થ નિરીક્ષણ અને માર્મિક, વેધક કટાક્ષને કારણે તેમના લેખો ખૂબ નોંધપાત્ર બન્યા. ‘વિનોદવિમર્શ’ પૂર્વ-પશ્ચિમમાં થયેલી વિચારણાનો અભ્યાસ કરી લખાયેલું હાસ્યમીમાંસાનું પુસ્તક છે. આ દ્વારા તેમણે સૌને પોતાની વિવેચનશક્તિથી પરિચિત કર્યા. વિનોદ ભટ્ટે ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રમુખપદ (૧૯૯૫) પણ શોભાવ્યું હતું. હાસ્ય સાહિત્યક્ષેત્રે અમૂલ્ય પ્રદાન બદલ રણજિતરામ સુવર્ણચંદ્રક (૧૯૮૯), જ્યોતીન્દ્ર દવે પારિતોષિક તથા કુમાર ચંદ્રક (૧૯૭૬)થી સન્માનવામાં આવ્યા હતા.
સ્વિટ્ઝર્લૅન્ડના જિનીવા પરગણાનું પાટનગર, દેશનું ત્રીજા ક્રમનું શહેર તથા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું કેન્દ્ર. ભૌગોલિક સ્થાન ૪૬° ૧૨´ ઉ. અ. અને ૬° ૦૯´ પૂ. રે. તે સ્વિટ્ઝર્લૅન્ડની નૈર્ઋત્યે જિનીવા સરોવરના ખૂણા પર, હ્રોન નદીની ખીણમાં વસેલું છે. આ નદી નગરને બે ભાગમાં વહેંચી નાખે છે. મૂળ નગરનો વિસ્તાર ૧૮ ચોકિમી. તથા ઉપનગરો સાથેનો વિસ્તાર ૨૮૨ ચોકિમી. છે. તેની વસ્તી ૪,૨૭,૩૯૬ (૨૦૦૪) છે. મૂળે તે રોમન શહેર હતું. છઠ્ઠી સદીમાં રાજા ફ્રાંકે તે લઈ લીધા બાદ બારમી સદીમાં પવિત્ર રોમન સામ્રાજ્યમાં ભેળવી દીધું.
જિનીવા વિશ્વવિદ્યાલય
સેન્ટ પીટરનું દેવળ
બે હજાર વર્ષ જૂના આ નગરનો ૧૯૪૫ પછી ઝડપભેર વિકાસ થયો છે. સ્વિટ્ઝર્લૅન્ડનાં મહત્ત્વનાં ઔદ્યોગિક નગરોમાં તેની ગણના થતી હોવા છતાં મૂળભૂત રીતે વ્યાપારી કેન્દ્ર તરીકે તે વિકાસ પામ્યું છે. વ્યાપારી પ્રતિષ્ઠાનો, બૅન્કો અને વીમા-કંપનીઓ જેવા આર્થિક ધોરણે સેવા પૂરી પાડતા એકમોનું નગરમાં ઝડપી વિસ્તરણ થયેલું હોવાથી ત્યાંનું અર્થતંત્ર ‘સેવા ઉદ્યોગ’ (service industry) પર નભે છે. બહુરાષ્ટ્રીય કંપનીઓ નગરના અર્થતંત્ર પર વર્ચસ્ ધરાવે છે તથા દેશમાં રોકાયેલ કુલ વિદેશી મૂડીરોકાણમાંથી લગભગ અડધોઅડધ મૂડીરોકાણ આ નગરમાં કેન્દ્રિત થયેલું છે. ઘઉં, સરસવ, રાયડો, ડેરીની બનાવટો તથા જુદા જુદા ઉચ્ચ પ્રકારના શરાબની ત્યાંની મુખ્ય સ્થાનિક પેદાશો ગણાય છે. નગરમાં યંત્રો, યંત્રના છૂટા ભાગ, સ્વચાલિત વાહનો, ઘડિયાળો, રસાયણો, ખાદ્ય પદાર્થો, વીજળીનાં સાધનો, સાઇકલો, સોનાચાંદીનાં ઘરેણાં અને હસ્તકલાના નમૂનાઓ બનાવતા ઉત્પાદન એકમો વિકસ્યા છે. નગરમાં સૌંદર્યથી ભરપૂર ઉદ્યાનો, વસ્તુસંગ્રહાલયો, નાટ્ય તથા સિનેમાગૃહો અને પ્રાણી તથા પક્ષી સંગ્રહાલયો આવેલાં છે. તેરમી સદીનું સેન્ટ પીટરનું દેવળ (cathedral), સોળમી સદીનું નગરગૃહ, અઢારમી સદીનું ન્યાયાલય, વીસમી સદીમાં નિર્માણ કરવામાં આવેલ રાષ્ટ્રસંઘ(League of Nations)નું મુખ્યાલય, વેધશાળા, વનસ્પતિ ઉદ્યાન તથા સંગ્રહાલય પર્યટકો માટેનાં વિશેષ આકર્ષણનાં સ્થળો છે. તેના પ્રણેતા જ્હૉન કૅલ્વિનના પ્રયાસોથી ૧૫૫૯માં નગરમાં જિનીવા વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી. આજે પણ આ યુનિવર્સિટી આંતરરાષ્ટ્રીય રાજકારણ, વનસ્પતિશાસ્ત્ર તથા શિક્ષણશાખાના અભ્યાસ અને સંશોધનનું મહત્ત્વનું કેન્દ્ર ગણાય છે. આલ્પ્સ અને જુરા પર્વતમાળાઓની વચ્ચે, પ્રાકૃતિક જળગ્રહણ ક્ષેત્રના કેન્દ્રમાં, ઊંચાણવાળા સ્થાન પર અપ્રતિમ સૃષ્ટિસૌંદર્ય વચ્ચે વિકસેલી આ નગરી ઘણી જાહેર અને ખાનગી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનાં મુખ્યાલયો ધરાવે છે. ૧૮૬૪માં આંતરરાષ્ટ્રીય રેડ ક્રૉસની તથા ૧૯૧૯માં રાષ્ટ્રસંઘનું યુરોપ ખંડનું મુખ્યાલય શરૂ કરવામાં આવ્યું. ઉપરાંત, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO), વર્લ્ડ કાઉન્સિલ ઑવ્ ચર્ચીસ તથા ઇન્ટરનૅશનલ બોર્ડ ઑવ્ એજ્યુકેશનની મુખ્ય કચેરીઓ પણ આ નગરમાં છે. અત્યાર સુધીની ઘણી આંતરરાષ્ટ્રીય પરિષદો આ નગરમાં યોજવામાં આવી હતી. દા.ત, ૧૯૫૪માં કોરિયા તથા ઇન્ડોચીન વચ્ચેના યુદ્ધની સમાપ્તિ માટેની પરિષદ તેમજ ૧૯૫૫માં શીતયુદ્ધનો અંત લાવવા માટે આયોજિત પરિષદ તેમજ ૧૯૬૨–૬૩માં નિ:શસ્ત્રીકરણ તથા અણુશસ્ત્રોના નિરીક્ષણ માટેની પરિષદ યોજવા માટે આ નગરની જ પસંદગી થઈ હતી. જિનીવા સરોવરના છેડા પર ઈ. પૂ. પ્રથમ સદીમાં ત્યાં સૌથી પહેલી વસાહત ઊભી કરવામાં આવી હતી. રુસ્સો અને વૉલ્ટેર જેવા વિચારકોના નિવાસસ્થાન તરીકે પણ આ નગરની ખ્યાતિમાં વધારો થયો છે.
(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૭, જિનીવા, પૃ. ૭૭૩)