Categories
વાચન સમૃદ્ધિ

શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ

જ. ૨૮ ડિસેમ્બર, ૧૯૨૫ અ. ૧૯ જૂન, ૨૦૧૪

તેઓ જૈન નગરશેઠ કુટુંબમાં જન્મેલા, કુશળ વહીવટકર્તા અને સંવેદનશીલ, મિતભાષી, ધાર્મિક સજ્જન અને બાહોશ ઉદ્યોગપતિ હતા. વિખ્યાત ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈના નાના પુત્ર શ્રેણિકભાઈએ શાળાનો અભ્યાસ તથા કૉલેજનાં બે વર્ષનો અભ્યાસ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં કર્યો હતો. એ પછી અમેરિકાની મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(MIT)માંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક (B.S.) થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી માસ્ટર ઑવ્ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન(M.B.A.)ની ડિગ્રી લીધી હતી. સ્વદેશ આવ્યા બાદ લાલભાઈ જૂથના ઉદ્યોગો – રાયપુર, સરસપુર, અશોક, અરિંવદ, અરુણ, નૂતન, ન્યૂ કૉટન, અનિલ સ્ટાર્ચ લિ. અને અતુલ પ્રોડક્ટસ લિમિટેડ વગેરે ઉદ્યોગોનું સંચાલન કરવા લાગ્યા. તેઓ કુશળ વહીવટદાર હતા. ત્યારપછી અમદાવાદ  એજ્યુકેશન સોસાયટીનું ચૅરમૅનપદ લીધા પછી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ કર્યો. તેઓ ઘણી બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જેવી કે CEPT, IIM, PRL, લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડોલૉજીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત અટિરા, પ્લાઝમા રિસર્ચ, ગુજરાત યુનિવર્સિટીમાં સભ્ય તરીકે હતા. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાત વિદ્યાસભા તેમજ ગાંધી આશ્રમ ટ્રસ્ટનું પ્રમુખપદ સંભાળ્યું હતું. તેમના સક્રિય જીવનકાળ દરમિયાન તેમણે અનેક સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળ્યું હતું. તેમને જૈન ધર્મ પ્રત્યે ઊંડી આસ્થા હતી. ઘણાં જૈનતીર્થોના ટ્રસ્ટમાં તેઓ સામેલ હતા અને તીર્થોના જીર્ણોદ્ધાર અને જાળવણીની કાળજી કરતા હતા. પાંજરાપોળનાં પ્રાણીઓ માટે પણ તેઓએ ખૂબ સેવાઓ આપી હતી. તેમનાં પત્ની પન્નાબહેન મોહિનાબા કન્યા વિદ્યાલય, રચના માધ્યમિક શાળા, મધુબની શિશુશાળા જેવાં શૈક્ષણિક કાર્યો કરતાં હતાં. તેમને સંજયભાઈ અને કલ્પનાબહેન બે સંતાનો છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

તત્કાળ પ્રતિભાવથી થતી

પરેશાની ————–

અમેરિકાના પ્રમુખ કુલીજ અને તેમનાં પત્ની અમેરિકાના પ્રમુખના સત્તાવાર નિવાસસ્થાન વ્હાઇટ હાઉસ છોડીને  થોડા સમય માટે બીજે રહેવા ગયાં હતાં. પ્રમુખના નિવાસસ્થાન વ્હાઇટ હાઉસમાં રંગરોગાનનું કામ ચાલતું હતું. બન્યું  એવું કે પ્રમુખને જરૂરી કામ આવી પડતાં  તેઓ તરત વ્હાઇટ હાઉસ પાછા ફર્યા. પ્રમુખના આગમનની જાણ થતાં વ્હાઇટ હાઉસમાં ધમાલ મચી ગઈ. હજી રંગરોગાન ચાલુ હતું, ફર્નિચર ખસેડ્યું હતું, પુસ્તકોના ઢગલા વચ્ચે પડ્યા હતા. આ બધું ગોઠવવું કઈ રીતે ? વ્હાઇટ હાઉસના કર્મચારીઓએ વિચાર્યું કે હવે સમય ઓછો છે, તેથી બધું આમતેમ ગોઠવી નાખો. ફરી પ્રમુખ જાય પછી વ્યવસ્થિત ગોઠવીશું. આમ પ્રમુખના ગ્રંથાલયનાં પુસ્તકો નોકર ગોઠવતો હતો, ત્યાં કૂતરો આવી ચડ્યો. નોકરના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે એક પુસ્તક ઊંચકીને કૂતરા તરફ ફેંક્યું. કૂતરો ભાગી ગયો, પણ પુસ્તક પડદા સાથે જોરથી અથડાયું અને પડદા પાછળથી કોઈની ચીસ સંભળાઈ. થોડી ક્ષણોમાં પ્રમુખ કુલીન માથું ઘસતા ઘસતા બહાર આવ્યા. એમણે નોકરને કહ્યું, ‘ઓહ ! બહુ ગરમી છે, ખરું ?’ આટલું બોલી પ્રમુખ શાંત રહ્યા નોકરને એની આવી ગેરવર્તણૂક માટે કશો ઠપકો ન આપ્યો. જાણે આખી ઘટનાને જ વીસરી ગયા. નોકરે પોતાની ભૂલનો પશ્ચાત્તાપ પ્રમુખ આગળ કર્યો.

સામાન્ય રીતે જીવનની ઘટમાળ એવી હોય છે કે એક આઘાત કે પ્રહાર થાય કે તરત જ એનો પ્રત્યાઘાત જન્મે. એક ઘટના બને કે તત્કાળ પ્રતિઘટનાનું ચક્ર ઘૂમવા લાગે. આવો તત્કાળ પ્રતિભાવ ઘણી વાર ભૂલભરેલો અને નુકસાનકારક હોય છે. ઘણી વાર વ્યક્તિનાં કટુ વચનો એના દુ:ખદ અનુભવોમાંથી પ્રગટ થતાં હોય છે. સામી વ્યક્તિ એ કટુ વચનોનો તત્કાળ પ્રત્યુત્તર આપે છે, પરંતુ એના પડદા પાછળ રહેલા દુ:ખદ અનુભવોનો એને ખ્યાલ હોતો નથી. એના વિષમ સંજોગોની એને જાણ હોતી નથી કે એ વ્યક્તિના માનસનો પરિચય હોતો નથી. કોઈ પણ ઘટનાને જોવી, વિચારવી, સમજવી અને પછી પ્રતિભાવ આપવો, એવું બને તો માનવસંબંધોનું માધુર્ય કેટલું બધું ટકી રહે ! સંસારમાં થતા મોટા ભાગના કલહ અને કંકાસનું કારણ પ્રતિભાવ કે પ્રત્યાઘાત છે. સામેની વ્યક્તિ કંઈ બોલે તે પહેલાં જ અન્ય વ્યક્તિ એ વિશેનો ફેંસલો સંભળાવી દે છે. હજી વાત પૂર્ણ થઈ હોય નહીં ત્યાં તો એનો જવાબ આપી દે છે. સંસારના ઘણા વિવાદોનું મૂળ આ પ્રત્યાઘાત છે. જો માનવી અન્ય વ્યક્તિનાં વચનોનો શાંતિથી વિચાર કરે તો એ એના પ્રત્યાઘાતની ઉગ્રતામાંથી ઊગરી જાય છે. જીવનની દુ:ખદ ઘટનાઓ સમયે તત્કાળ પ્રત્યાઘાત નહીં આપીને વ્યક્તિ સ્વસ્થતા મેળવી શકે છે અને એ ઘટનાના મર્મ સુધી પહોંચી શકે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

યશવંત પુરોહિત

જ. ૨૭ ડિસેમ્બર, ૧૯૧૬ અ. ૩ જાન્યુઆરી, ૧૯૬૪

ભારતીય શાસ્ત્રીય સંગીતના ખૂબ જ પ્રતિભાસંપન્ન કલાકાર યશવંત પુરોહિતનો જન્મ ભાવનગર પાસે પરવાળા ગામમાં થયો હતો. પિતા ચિમનલાલ પુરોહિત પણ ભાવનગરના પ્રતિષ્ઠિત સંગીતજ્ઞ હતા. ભાવનગરના દક્ષિણામૂર્તિમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. પ્રસંગોપાત્ત ભાવનગર આવેલા પંડિત નારાયણરાવ વ્યાસના નિમંત્રણથી અમદાવાદમાં તેમની ‘ગુજરાત સંગીત વિદ્યાપીઠ’માં જોડાયા અને સંગીતની પ્રારંભિક તાલીમ શરૂ કરી. પંડિત શંકરરાવ વ્યાસ તથા પંડિત નારાયણ મોરેશ્વર ખરે પાસે સઘન સંગીતતાલીમ મેળવીને ગ્વાલિયર ઘરાનાની ગાયકીનો ગહન અભ્યાસ કર્યો. ત્યારબાદ મુંબઈ વસવાટ દરમિયાન તેમણે પંડિત ઓમકારનાથ ઠાકુર પાસે સંગીતની ઉચ્ચ તાલીમ લીધી. તે પછી કિરાના ઘરાનાના બાલકૃષ્ણ કપિલેશ્વરી બુવા પાસે સંગીતની આરાધના કરી કિરાના ઘરાનાની ગાયકીમાં પ્રાવીણ્ય મેળવ્યું. વચ્ચે પિતાના અવસાનથી સંગીતસાધનામાં રુકાવટ આવી, પરંતુ ભાવનગર નરેશ કૃષ્ણકુમારસિંહજીએ એમની શક્તિ પિછાની તેમને માસિક રૂ. ૨૫/-ની શિષ્યવૃત્તિ આપી, સાનુકૂળતા કરી આપી. તેમને શંકર અને કેદાર રાગ અતિપ્રિય હતા. ખ્યાલ ગાયકી તેમની ગાયનકલાનું મુખ્ય અંગ હતી. ઠૂમરી ગાયકીમાં પણ તેમનું કૌશલ્ય હતું. તેમનો અવાજ મીઠો હતો અને તેમની  ગાયકીમાં મધુર તાલ, સ્વર, શબ્દ, રસ તથા ભાવની અનેરી મિલાવટ હતી. કિરાના ઘરાનામાં અલ્પ પ્રચલિત એવા છાયાનટ, બિહાગ વગેરે જેવા રાગો ઉપર એમનું પ્રભુત્વ હતું. સંગીતક્ષેત્રમાં ઘણી વાર જોવા મળતી વાડાબંધીથી તેઓ દૂર રહી બીજી સંગીતશૈલીઓ અને ઘરાના પ્રત્યે પણ આદર રાખતા. ‘રસરંગ’ના ઉપનામે એમણે ‘મધુબંસરી માન મનાવત’, ‘આંગનમેં’ વગેરે કેટલીક સુંદર રચનાઓ પણ રચી છે. તેમના સંગીતના કાર્યક્રમો ભારતનાં તમામ આકાશવાણી કેન્દ્રો પરથી પ્રસારિત થયા હતા. ભાવનગરના મહારાજાએ તેમની સ્મૃતિમાં તેમના નામે એક શિષ્યવૃત્તિની શરૂઆત કરી છે. ગુજરાત સરકારે ગુજરાત સંગીત નૃત્ય નાટ્ય અકાદમીના ઉપક્રમે ભાવનગર ખાતે બંધાયેલા નાટ્યગૃહનું ‘યશવંત પુરોહિત નાટ્યગૃહ’ એવું નામાભિધાન કરી તેમની સ્મૃતિને કાયમી અંજલિ આપી છે.

અમલા પરીખ