Categories
વાચન સમૃદ્ધિ

જલંધર

પંજાબ રાજ્યનો જિલ્લો તથા ઔદ્યોગિક નગર. તે આશરે ૩૧° ૧૮´ ઉ. અ. અને ૭૫° ૩૪´ પૂ. રે.ની આજુબાજુના ૨૬૩૨ ચોકિમી. વિસ્તાર આવરી લે છે. દિલ્હીથી આશરે ૩૬૮ કિમી. તથા હોશિયારપુરથી આશરે ૩૯ કિમી.ના અંતરે છે. આ પ્રાચીન નગર સાતમી સદીમાં રાજપૂત વંશના રાજાઓનું પાટનગર હતું. પંજાબનું નવું પાટનગર ચંડીગઢ બંધાયું ત્યાં સુધી ૧૯૪૭થી ૧૯૫૪ દરમિયાન તે પંજાબ રાજ્યનું પાટનગર હતું. રાજ્યનાં મોટાં નગરોમાં તે ત્રીજા ક્રમે આવે છે. જિલ્લાની વસ્તી ૨૧,૮૧,૭૫૩ (૨૦૧૧) છે. જિલ્લા અને વિભાગીય મથક ઉપરાંત તે કૃષિપેદાશોનું વ્યાપારકેન્દ્ર અને ઔદ્યોગિક મથક છે. તે રેલ અને રાષ્ટ્રીય ધોરી માર્ગે પઠાણકોટ, અમૃતસર, લુધિયાણા, અંબાલા જેવાં રાજ્યનાં અગત્યનાં શહેરો સાથે સંકળાયેલું છે.

આ શહેરમાં રમતગમતનાં સાધનો બનાવવાનો ઉદ્યોગ સૌથી મોટો છે. ૧૯૪૭ પહેલાં આ ઉદ્યોગ સિયાલકોટ(પાકિસ્તાન)માં કેન્દ્રિત હતો, પણ દેશના વિભાજન પછી સિયાલકોટથી અહીં આવીને વસેલા કારીગરોએ આ ઉદ્યોગનો વિકાસ કર્યો છે. તે માટેનું જરૂરી લાકડું હિમાચલ પ્રદેશ અને કાશ્મીરનાં જંગલોમાંથી તેમજ અન્ય કાચો માલ સ્થાનિક રીતે ઉપલબ્ધ થાય છે. અહીંથી રમતગમતનાં સાધનોની યુરોપના દેશો, કૅનેડા, યુ.એસ., દૂર પૂર્વના અને અગ્નિએશિયાના દેશો, ઑસ્ટ્રેલિયા વગેરેમાં નિકાસ કરવામાં આવે છે. આ સિવાય અહીં ખાંડ, કાચ, કાગળ, ચિનાઈમાટી, ધાતુનો સરસામાન, ચામડાં કેળવવાં અને ચામડાંની ચીજો બનાવવી, વણાટકામ, સુથારીકામને લગતા ઉદ્યોગો તેમજ ઇજનેરી ઉદ્યોગનો પણ વિકાસ થયેલો છે. ઇજનેરી ઉદ્યોગોમાં મુખ્યત્વે સીવણ-સંચા, ખેત-ઓજારો, ડીઝલ ઑઇલ-એન્જિન, વીજળીનાં સાધનો, સાઇકલ તથા ઑટો-વાહનોના ભાગો, હાથ-ઓજારો, મશીન ટૂલ્સ, વાઢકાપ માટેનાં અને દાક્તરી તથા વૈજ્ઞાનિક ઉપકરણો, ઇલેક્ટ્રૉનિક સાધનો, વૉટર મીટર, બૉલ-બેરિંગ, સંગીતનાં સાધનો વગેરેનો સમાવેશ થાય છે. જલંધર તેની આસપાસના ઘણા પરાવિસ્તારોને આવરે છે અને તેના દક્ષિણ ભાગમાં વિશાળ કૅન્ટૉન્મેન્ટ છે. તેનું હવાઈ મથક શહેરથી લગભગ ૧૪ કિમી. પૂર્વમાં આવેલું છે. પંજાબ યુનિવર્સિટી સાથે સંલગ્ન ૯ કૉલેજો અહીં આવેલી છે. પ્રાચીન કાળમાં આ નગર ત્રિગર્ત રાજ્યનું પાટનગર હતું. સાતમી સદીમાં જાણીતા પ્રવાસી યુઅન શ્વાંગે આ નગરની મુલાકાત લીધી હતી એવા ઉલ્લેખો સાંપડે છે. મુઘલ સામ્રાજ્યના સમયગાળા દરમિયાન આ નગર સતલજ તથા બિયાસ નદી વચ્ચેના પ્રદેશનું પાટનગર હતું. સતલજ નદીથી ઉત્તરમાં આવેલો આશરે ૨૬૫૮ ચોકિમી. ક્ષેત્રફળને આવરતો જલંધર જિલ્લાનો પ્રદેશ, સપાટ ફળદ્રૂપ મેદાનોનો બનેલો છે. ઘઉં, મકાઈ, કપાસ, શેરડી, ચણા વગેરે અહીંના મુખ્ય પાકો છે. રાજ્યના મુખ્ય બે વિભાગો પૈકીના જલંધર વિભાગમાં જલંધર, હોશિયારપુર, કપૂરથલા, ફિરોજપુર, લુધિયાણા, અમૃતસર અને ગુરુદાસપુર જિલ્લાનો સમાવેશ થાય છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

બિજલ પરમાર

Categories
વાચન સમૃદ્ધિ

શિવરામ લાલા કશ્યપ

જ. ૬ નવેમ્બર, ૧૮૮૨ અ. ૨૬ નવેમ્બર, ૧૯૩૪

પંજાબ રાજ્યમાં ઝેલમ નગરમાં પ્રતિષ્ઠિત સૈનિક પરિવારમાં તેઓનો જન્મ થયો હતો. ભણવામાં તેઓ ખૂબ તેજસ્વી હોવાથી જે વિષય હાથમાં લે તેમાં સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા હતા. તેઓએ આગ્રા મેડિકલ સ્કૂલની ડિગ્રી મેળવી સાથે સાયન્સની પરીક્ષા આપીને બી.એસસી.ની ડિગ્રી પણ લીધી. ત્યારબાદ વનસ્પતિશાસ્ત્ર વિષય લઈને એમ.એ. તથા એમ.એસસી.ની ડિગ્રીઓ મેળવી. ઈ. સ. ૧૯૧૦માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી નેચરલ સાયન્સ ટ્રાઇપોસની ડિગ્રી પ્રાપ્ત કરી. સ્વદેશ આવીને ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાં વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર થયા તથા સિન્ડિકેટના સભ્ય તરીકે નિમણૂક પામ્યા. વિજ્ઞાન વિભાગના ડીન તરીકે લાંબો સમય સેવા આપી. આગ્રા, લખનઉ તથા બનારસ વિશ્વવિદ્યાલય સાથે તેઓ સંકળાયેલા હતા. વિજ્ઞાનમાં તેમના બહુમૂલ્ય પ્રદાનને લીધે પંજાબ વિશ્વવિદ્યાલયના ફેલો તથા સિન્ડિકેટના સભ્ય પણ થયા. લાંબા સમય સુધી વિજ્ઞાન વિભાગના ડીન રહ્યા. વિજ્ઞાનમાં તેઓના બહુમૂલ્ય પ્રદાનને લીધે પંજાબ વિશ્વવિદ્યાલયે ઈ. સ. ૧૯૩૩માં તેઓને ડૉક્ટર ઑવ્ સાયન્સની માનદ પદવી આપી. ઈ. સ. ૧૯૧૯માં ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસના વનસ્પતિ વિભાગના અધિવેશનમાં તેઓ અધ્યક્ષ રહ્યા. ૧૯૨૦માં ઇન્ડિયન બૉટેનિકલ સોસાયટીમાં સભાપતિ થયા. આ સંસ્થાના જર્નલના મુખ્ય સંપાદક તેમજ હોલૅન્ડના ક્રોનિકા બૉટેનિકા નામના પત્રના સલાહકાર સંપાદક રહ્યા હતા. ડૉ. કશ્યપે વનસ્પતિને લગતા મૌલિક સંશોધન તથા અનેક મૂલ્યવાન લેખો લખ્યા હતા. તેમાં શેવાળ લીવરવોર્ટ અને હોનવર્ટનો સમાવેશ કર્યો. પશ્ચિમ હિમાલય તથા તિબેટના વનસ્પતિસમૂહ પર લખેલા લેખોને લીધે તેઓની ખ્યાતિ દેશ અને વિદેશમાં ફેલાઈ ગઈ. જાણીતી અભિનેત્રી કામિની કૌશલ તેમની પુત્રી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

અંતરદ્વારમાં સહુને આવકારજો

સ્વામી વિવેકાનંદે દેશમાં અને વિદેશમાં આધ્યાત્મિક ચેતનાની જાગૃતિનું કાર્ય કર્યું. ભારતીય પ્રજાને એનાં ધર્મ અને સંસ્કૃતિ માટે ગૌરવ લેતી કરી. અંગ્રેજોએ ભારતને માત્ર રાજાઓ, મદારીઓ અને કોબ્રાના દેશ તરીકે ઓળખ્યો હતો એ પશ્ચિમી જગતને ભારતીય પ્રચંડ આધ્યાત્મિક શક્તિનો પરિચય આપ્યો. સ્વામી વિવેકાનંદ પાસે સમાજના તમામ સ્તરના લોકો આવતા. પોતાની શંકા અને જિજ્ઞાસા પ્રગટ કરતા અને સ્વામીજી એનું સમાધાન શોધી આપતા.

એક દિવસ સ્વામી વિવેકાનંદ પાસે એક અકળાયેલો યુવાન આવ્યો. એણે કહ્યું, ‘સ્વામીજી, હું આશ્રમોમાં ગયો, પલાંઠી લગાવીને સાધના કરવા બેઠો. દિવસોના દિવસો સુધી સાધના કરી, પણ મારા હૃદયને સહેજે શાંતિ મળી નહીં.’

કોઈ પ્રભાવક સંતની વાત સાંભળું એટલે મારી શ્રદ્ધાનાં સુમન લઈને એ સંતની પાસે દોડી જતો. એમની પાસે ચિત્તશાંતિની યાચના કરતો. તેઓનો ઉપદેશ સાંભળતો, પણ ક્યાંય મને શાંતિ ન મળી. પાર વિનાનું તીર્થાટન કર્યું, પરંતુ જીવનમાં અશાંતિ એટલી જ રહી.

સ્વામી વિવેકાનંદે પૂછ્યું, ‘આ સિવાય બીજા કોઈ પ્રયત્નો કર્યા ખરા ?’

યુવાને કહ્યું, ‘હા, મારી કોટડી બંધ કરીને હું બેસી ગયો. મારા ઘરમાં કોઈ ન પ્રવેશે. આ બધું કરવા છતાં ક્યાંય શાંતિ મળી નહીં.’

વિવેકાનંદે કહ્યું, ‘તમારી કોટડીના દરવાજા બંધ ન રાખશો. એને પૂરેપૂરા ખુલ્લા રાખજો. એમાં કોઈ અભાવગ્રસ્ત આવે તો એને આવકાર આપજો. દરવાજાની બહાર નીકળીને આસપાસ વસતા દુ:ખી, રોગી અને ભૂખ્યા લોકોની ભાળ મેળવજો અને યથાશક્તિ એમની સેવા કરજો. જે નિરક્ષર અને અજ્ઞાની હોય તેમને હેતથી ભણાવજો. આ કરશો તો તમને જરૂર શાંતિ મળશે.’ માનવીની અધ્યાત્મયાત્રા માટે પહેલી જરૂર જીવનસાધનાની છે. અન્ય વ્યક્તિઓને સહાયભૂત થવામાં જ જીવનનો મર્મ હાથ લાગશે. માનવસેવા, જીવનસાધના અને નેક દિલના આત્મસમર્પણ પર આધ્યાત્મિક ઇમારત રચાવી જોઈએ. અધ્યાત્મમાં પ્રવેશનારાએ પહેલાં માનવસેવાની સમજ મેળવવાની છે. માત્ર મોક્ષની મોટી મોટી વાતો કરવાથી કશું નહીં વળે. મોક્ષ મેળવવા માટે પહેલાં માનવકલ્યાણનો વિચાર કરવો જોઈએ. આપણે જોઈએ છીએ કે મોક્ષની વાત કરનાર જીવનથી વિમુખ હોય છે. ક્યારેક તો એને બીજાના જીવન તરફ ભારોભાર તિરસ્કાર હોય છે અથવા તો એ બીજાને ભૌતિકવાદી ઠેરવીને પોતે આધ્યાત્મિક હોવાનો આડંબરયુક્ત પ્રયાસ કરે છે. આને પરિણામે એ વ્યક્તિ સેવાના આનંદથી પણ અળગી રહે છે. સામાન્ય માનવીની ઉપેક્ષા કરીને વ્યક્તિ કદી અસાધારણ બની શકે નહીં. સામાન્ય માનવીની ચિંતા, સેવા અને કલ્યાણનો વિચાર કરનાર વ્યક્તિઓ  અસાધારણ બની શકે છે.

કુમારપાળ દેસાઈ