Categories
વાચન સમૃદ્ધિ

દાલ સરોવર

જમ્મુ અને કાશ્મીર રાજ્યના પાટનગર શ્રીનગરના ઈશાન છેડે આવેલું સરોવર. કાશ્મીરી ભાષામાં ‘દાલ’ શબ્દનો અર્થ ‘સરોવર’ અને તિબેટી ભાષામાં ‘શાંત’ એવો થાય છે. અગાઉ જેલમ નદીમાં આવતા પૂરથી શ્રીનગર શહેરને નુકસાન થયા કરતું હતું તે સંકટમાંથી બચવા 1904માં નદીમાંથી સરોવરને જોડતી નહેર બનાવવામાં આવેલી. જ્યારે પણ પૂર આવે ત્યારે સરોવર છલોછલ ભરાઈ જાય છે. શ્રીનગરના છેડે આવેલો દાલગેટ જેલમ સાથે જોડતા તેના જળપ્રવાહનું નિયંત્રણ કરે છે.

તેની લંબાઈ 8.4 કિમી. અને પહોળાઈ 4 કિમી. છે. શ્રીનગરમાં વહેતી જેલમ નદી સાથે તે નહેરથી જોડાયેલું છે. 33.6 ચો.કિમી.નું ક્ષેત્રફળ ધરાવતું આ વિશાળ સરોવર ગગરી દાલ, લોકુટ દાલ અને બોડ દાલ નામે ઓળખાતા ત્રણ જુદા જુદા જળમાર્ગ વિભાગોમાં વહેંચાયેલું છે. સરોવરના ઉત્તર ભાગમાં સોનાલંક અને પૂર્વ ભાગમાં રૂપાલંક નામના બે રમણીય બેટ આવેલા છે. આ બેટ ઉપર આવેલાં ચિનારનાં અને આજુબાજુમાં આવેલાં ગગનચુંબી પૉપલરનાં વૃક્ષો તેની શોભામાં વધારો કરે છે. એક બાજુએ તખ્તે-સુલેમાન ટેકરી અને બીજી બાજુએ હરિ પર્વતથી ઘેરાયેલું આ સરોવર પહાડો પરથી જોતાં મનોહારી દૃશ્ય ખડું કરે છે. શંકરાચાર્ય ટેકરીના તળેટીભાગવાળા આ સરોવરના દક્ષિણ કાંઠા પર નેહરુ પાર્ક વિકસાવવામાં આવેલો છે. અહીંથી શિકારામાં બેસી પ્રવાસીઓ સરોવરની સહેલ માણે છે. સરોવરના વાયવ્ય કાંઠા પર હઝરતબાલ્દરગાહ આવેલી છે, તેમાં મહંમદ પયગંબરસાહેબનો પવિત્ર વાળ રાખવામાં આવેલો છે, જેના વર્ષમાં એક જ વાર દીદાર (દર્શન) કરી શકાય છે. મુઘલોના શાસનકાળ દરમિયાન આ સરોવરની નજીક સુંદર બગીચાઓનાં નિર્માણ કરવામાં આવેલાં છે : અકબરના સમયમાં તે જમાનાના શ્રેષ્ઠ ગણાતા સ્થપતિ અને રાણી નૂરજહાંના ભાઈ આસફખાન દ્વારા તૈયાર કરવામાં આવેલો નિશાત બાગ, જહાંગીરે તૈયાર કરાવેલો શાલીમાર બાગ અને શાહજહાંએ તૈયાર કરાવેલો ચશ્મેશાહી ઉદ્યાન સહેલાણીઓ માટે આકર્ષણનાં સ્થાનો બની રહેલાં છે. ચશ્મેશાહીની બાજુમાં નેહરુ મેમોરિયલ આવેલું છે.

ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ભગત પૂરન સિંહ

જ. 4 જૂન, 1904 અ. 5 ઑગસ્ટ, 1992

લેખક, પર્યાવરણવિદ અને સમાજસેવી ભગત પૂરન સિંહનો જન્મ લુધિયાણા જિલ્લાના રાજેવાલ(રોહનો)માં થયો હતો. પિતા છિબ્બૂમલ્લ અને માતા મેહતાબ કૌર. બાળપણનું નામ રામજીદાસ હતું, પરંતુ તેમણે શીખ ધર્મ અપનાવ્યા પછી તેમનું નામ પૂરન સિંહ રાખવામાં આવ્યું. પિતાના અવસાન પછી તેમને ભણાવવા માટે માતાએ ઘરકામ કર્યાં. તેમણે દસમા ધોરણથી અભ્યાસ છોડ્યો. તેઓ લાહોરમાં હતા ત્યારે ગુરુદ્વારા દેહરાસાહિબમાં પ્રવેશનારના હાથ ધોવા પાણી પૂરું પાડતા, ગુરુદ્વારાનાં પ્રાણીઓની સંભાળ રાખવામાં અને રસોડામાં મદદ કરતા. તેઓ રસ્તામાં પડેલા પથ્થરો, કેળાંની છાણ, ખીલીઓ જેવી વસ્તુ ઉઠાવતા હતા જેથી વાહનો અને ચાલનારાઓને તકલીફ ન પડે. 1934માં તેમણે ગુરુદ્વારા દેહરાસાહિબના દ્વાર પર ત્યજાયેલા રક્તપિત્તથી પીડાતા ચાર વર્ષના શિશુની સારવાર કરી અને પોતાની પાસે રાખ્યું હતું. 1947માં ભારતના ભાગલા પડ્યા ત્યારે અમૃતસરના શરણાર્થી શિબિરમાં સેવા આપી. તેમણે બીમાર અને અપંગો માટે અમૃતસરમાં ઑલ ઇન્ડિયા પિંગલવારા ચૅરિટેબલ સોસાયટીની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા તેમણે પર્યાવરણને લગતાં પૅમ્ફ્લેટ્સ અને પુસ્તકોનું વિતરણ કર્યું. તેમણે પર્યાવરણના સંરક્ષણ માટે વૃક્ષારોપણ ઝુંબેશ શરૂ કરી, પ્રવચનો આપ્યાં અને પુસ્તકો પણ લખ્યાં. તેમણે આજીવન ખાદીનો પ્રચાર કર્યો હતો. તેમણે કરેલાં ઉમદા કાર્યો બદલ ભારત સરકારે તેમને 1981માં પદ્મશ્રીથી નવાજ્યા હતા. પરંતુ 1984માં ઑપરેશન બ્લૂ સ્ટાર પછી તેમણે તેમના મળેલા પુરસ્કારો અને ચંદ્રકો પરત કર્યા હતા. 1991માં તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા. તેમની સ્મૃતિમાં દિવ્યાંગો માટે કૃત્રિમ અંગ કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે. 2005માં ગુરુ નાનક દેવ યુનિવર્સિટી, અમૃતસરમાં ભગત પૂરન સિંહ ચૅરની સ્થાપના કરવામાં આવી. 2004માં તેમની સ્મૃતિમાં પાંચ રૂપિયાની ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. ‘એહ જનમ તુમ્હારે લેખે’ નામની ફિલ્મમાં તેમને દર્શાવવામાં આવ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

યુવાનને સલાહ

નાટ્યલેખક, વિવેચક અને વીસમી સદીના અગ્રણી વિચારક જ્યોર્જ બર્નાર્ડ શૉ (ઈ. સ. 1856થી ઈ. સ. 1950) એમના હાજરજવાબીપણા માટે જાણીતા હતા. ક્યારેક માર્મિક વ્યંગથી એ લોકોને ચમત્કૃત કરી દેતા હતા તો ક્યારેક વિનોદી વાતાવરણ સર્જી દેતા. આને પરિણામે એ સર્વત્ર લોકપ્રિય હતા. એમણે કરેલી ઘણી રમૂજો સમાજમાં પ્રચલિત હતી. આથી તેઓ જ્યાં જાય, ત્યાં લોકો એમને ઘેરી વળતા હતા. એક વખત જ્યોર્જ બર્નાર્ડ શૉ કૉલેજના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગયા. કાર્યક્રમ પૂર્ણ થયો એટલે તરત જ હંમેશની માફક એમના હસ્તાક્ષર લેવા માટે વિદ્યાર્થીઓ ધસી આવ્યા. કેટલાકને હસ્તાક્ષર આપીને જ્યોર્જ બર્નાર્ડ શૉ માંડ છુટકારો પામ્યા. એવામાં એક યુવાન હસ્તાક્ષરપોથી લઈને ધસી આવ્યો. એણે કહ્યું, ‘સર, મને સાહિત્યનો ખૂબ શોખ છે અને મેં તમારાં તમામ નાટકો રસપૂર્વક વાંચ્યાં છે. તમે મારા પ્રિય લેખક છો.’ જ્યોર્જ બર્નાર્ડ શૉએ હળવા સ્મિત સાથે એની ભાવનાનો સ્વીકાર કર્યો. પેલા યુવાને પોતાની વાત આગળ ચલાવતાં કહ્યું, ‘હું મારા જીવનમાં હજી સુધી મારી આગવી પહેચાન ઊભી કરી શક્યો નથી. હું કશુંક બનવા માગું છું અને એને માટે શું કરવું જોઈએ, તેનો સંદેશો લખીને તમે હસ્તાક્ષર કરો તો ખૂબ આભાર.’’ જ્યોર્જ બર્નાર્ડ શૉએ યુવાનની હસ્તાક્ષરપોથી હાથમાં લીધી. પોતાનો સંદેશ લખીને હસ્તાક્ષર કર્યા. યુવાન સંદેશો વાંચીને સ્તબ્ધ બની ગયો. બર્નાર્ડ શૉએ લખ્યું હતું, ‘બીજાના હસ્તાક્ષરો એકઠા કરવામાં પોતાનો સમય બરબાદ કરવાને બદલે બીજા તમારા હસ્તાક્ષર પ્રાપ્ત કરવા માટે આતુર રહે, તે માટે પુરુષાર્થ કરો. આગવી પહેચાન બનાવવા માટે સતત મહેનત કરવી અને સંઘર્ષનો સામનો કરવો જરૂરી છે.’ યુવાને આ સંદેશો વાંચ્યો અને કહ્યું, ‘સર, હું આપનો સંદેશો જીવનભર યાદ રાખીશ અને મારી પોતાની એક આગવી પહેચાન ઊભી કરવા માટે પ્રયત્ન કરીશ.’ જ્યોર્જ બર્નાર્ડ શૉએ યુવાનની પીઠ થપથપાવી અને ભવિષ્યની શુભકામના પાઠવી.