Categories
વાચન સમૃદ્ધિ

જી. શંકર કુરૂપ્પ

જ. 3 જૂન 1901 અ. 2 ફેબ્રુઆરી 1978

પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કરનાર મલયાળમ સાહિત્યના કવિ, નિબંધકાર અને વિવેચક જી. શંકર કુરૂપ્પનો જન્મ કેરલમના નાયત્તોટ્ટ ગામમાં થયો હતો. તેઓ મહાકવિ જી. તરીકે ઓળખાય છે. બાળપણમાં પિતાનું અવસાન થતાં તેમનો ઉછેર મામા ગોવિંદ કુરૂપ્પે કર્યો હતો. તેમણે ત્રણ વર્ષની ઉંમરથી સંસ્કૃત શીખવાનું શરૂ કર્યું. આઠ વર્ષના થયા ત્યારે ‘અમરકોશ’, સંસ્કૃત વ્યાકરણ ‘સિદ્ધરૂપમ્’, છંદશાસ્ત્ર ‘શ્રી રામોદન્તમ્’ અને ‘રઘુવંશ’ના કેટલાક શ્લોક મોઢે કર્યા હતા. એક દિવસ તેઓ વર્ગમાં બેભાન થઈ જતાં એમનો મિત્ર એમને ઊંચકીને ઘેર મૂકી આવ્યો. મિત્રએ કરેલા ઉપકારનો બદલો વાળવા એમણે કેટલીક પંક્તિઓ લખી. એ એમની પહેલી કવિતા હતી. એ વખતે એમની ઉંમર માત્ર 9 વર્ષની હતી. ત્રણ ધોરણ પછી તેમનું શિક્ષણ પેરામ્પાવૂર અને મૂવાટ્ટુપુપામાં થયું. તેમણે વર્નાક્યુલર હાયર પરીક્ષા તેમજ કોચીન રાજ્યની ‘પંડિત’ પરીક્ષા પાસ કરી. છૂટક નોકરી કરી પછી તિરુવિલ્વામલા હાઈસ્કૂલ અને ચાલાકુટિ હાઈસ્કૂલમાં શિક્ષણકાર્ય કર્યું. 1931માં કવિતા ‘નાલે’ પ્રગટ થતાં સાહિત્યજગતમાં હલચલ મચી ગઈ હતી. તેમણે આકાશવાણી તિરુવનંતપુરમમાં પ્રોડ્યૂસર તરીકે કાર્ય કર્યું હતું. તેઓ કેરળ સાહિત્ય પરિષદના અધ્યક્ષ અને તેના સામયિકના મુખ્ય સંપાદક પણ હતા. ‘સાહિત્ય કૌતુકમ્’, ‘પાથેયમ્’, ‘સૂર્યકાન્તિ’ તથા ‘મુત્તુસ્સિપ્પિઈ’ એમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. તેમણે 45થી વધુ પુસ્તકો લખ્યાં છે. તેમણે ગીત-સંગીતવાળી પ્રથમ મલયાળમ ફિલ્મ ‘નિર્મલા’ માટે ગીતો લખ્યાં. એ પછી ફિલ્મ ‘ઓરલકૂડી’, ‘કલ્લાનાયી’, ‘અભયમ્’, ‘અદુથદુથ’ અને ‘ઓલિપ્પોરુ’ માટે પણ ગીતો લખ્યાં. એમણે ઉમર ખય્યામની ‘રૂબાયત’, કાલિદાસના ‘મેઘદૂત’ અને રવીન્દ્રનાથ ટાગોરના ‘ગીતાંજલિ’નો તેમજ ફ્રેન્ચ કૃતિઓનો મલયાળમમાં અનુવાદ કર્યો હતો. તેમને 1961માં કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર, 1963માં ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અને 1967માં સોવિયેત નહેરુ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 1965માં સૌપ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર તેમને પ્રાપ્ત થયો હતો. ભારત સરકારે 1968માં તેમને પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. તેઓ 1968થી 1972 સુધી રાજ્યસભાના સભ્ય પણ રહ્યા હતા.

Categories
વાચન સમૃદ્ધિ

આમળાં

દ્વિદળી વર્ગની વૃક્ષ-સ્વરૂપ ધરાવતી એક ઔષધીય વનસ્પતિ. તેને એરંડી, રતનજોત અને રબરના કુળમાં મૂકવામાં આવે છે. આમળાનો ઉલ્લેખ વૈદિક કાળથી જોવા મળે છે. આમળાંનું મૂળ વતન દક્ષિણ ભારત મનાય છે. કોંકણ, માથેરાન, સાપુતારા, શામળાજી, બરડો, ગિરનાર, આબુ-અંબાજી તથા પશ્ચિમઘાટનાં જંગલોમાં ૧,૩૫૦ મી.ની ઊંચાઈ સુધી તે જોવા મળે છે. ઉત્તરપ્રદેશ આમળાંની ખેતીમાં મોખરે છે. ગુજરાતમાં ખેડા જિલ્લામાં તેનું છૂટુંછવાયું વાવેતર થાય છે. આમળાંની માગ વધતી હોવાથી ખેડૂતો તેના તરફ આકર્ષાય છે. તે અમેરિકા તથા એશિયાના ઉષ્ણ ભાગોમાં બગીચાઓમાં વવાય છે. આમળાનું વૃક્ષ ૮થી ૧૫ મી. ઊંચાઈ ધરાવતું સાધારણ નાનું કે મધ્યમ કદનું હોય છે. તેની છાલ લીસી, સુંદર અને પીળાથી માંડી ભૂરા રંગની હોય છે. તેની ડાળીઓ પર નાનાં સાદાં પર્ણો પાસે પાસે આવેલાં હોવાથી તે સંયુક્ત પર્ણ જેવાં લાગે છે. કોઈક આમળાંના વૃક્ષ પર નર અને માદા બંને પ્રકારનાં પુષ્પો આવે છે તો ક્યારેક નર અને માદા વૃક્ષો જુદાં જુદાં હોય છે. તેને ઝૂમખામાં નાનાં પુષ્પો લાગે છે; જેમાંથી લીસાં, સખત આછા પીળા રંગનાં ગોળાકાર સોપારી જેવડાં ફળ થાય છે. તે ફળ ૬ ખાંચ ધરાવે છે. તેની અંદર છ બીજ હોય છે. આમળાંનાં ફળ ખૂબ રસાળ હોય છે. તેનો સ્વાદ ખાટો, કડવો, મધુર, તૂરો અને શીતળ હોય છે.

આમળાંનાં વૃક્ષને ગોરાડુ અને મધ્યમ, કાળી જમીન તથા ગરમ સૂકો વિસ્તાર વધારે અનુકૂળ આવે છે. આમળાંનો પાક શિયાળામાં આવે છે. આમળાંને મીઠા અને હળદરના પાણીમાં આથીને ખાવાના કામમાં લેવાય છે. આ ઉપરાંત, તેમાંથી અથાણું તથા ગળ્યાં અને ખારાં આમળાંનો મુખવાસ અને ચ્યવનપ્રાશ પણ બનાવાય છે. તેનાં ફળમાં વિપુલ પ્રમાણમાં વિટામિન ‘સી’ હોય છે. ફળના તાજા ગરમાં વિટામિન ‘સી’ ૭૨૦ મિગ્રા./૧૦૦ ગ્રા. અને દબાવીને કાઢેલા રસમાં ૯૨૧ મિગ્રા./૧૦૦ ગ્રા. હોય છે. તેનું લાકડું ખેતીનાં સાધનો, થાંભલા તથા ફર્નિચર બનાવવા અને હલકી કક્ષાના બાંધકામમાં ઉપયોગમાં લેવાય છે. તેનો બળતણ તરીકે અને કોલસો પાડવા પણ ઉપયોગ થાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, ભાગ-1, આમળાં, પૃ. 115)

Categories
વાચન સમૃદ્ધિ

વિષ્ણુ નારાયણ નાંબુદ્રી (નાંબુથીરી)

જ. 2 જૂન, 1929 અ. 25 ફેબ્રુઆરી, 2021

મલયાળમના પ્રસિદ્ધ કવિ અને સાહિત્યકાર વિષ્ણુ નારાયણનો જન્મ કેરલમના તિરુવલ્લામાં થયો હતો. તેમની કવિતાઓમાં ભારતીય પરંપરા તથા આધુનિકતાનો અભૂતપૂર્વ સમન્વય જણાય છે. તેમણે તેમના દાદા પાસેથી વેદો, પુરાણો તથા સંસ્કૃતનું પારંપરિક શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ પ્રિન્સ માર્તંડા વર્મા હાઈસ્કૂલ પેરિંગારાથી શાળાકીય શિક્ષણ મેળવ્યું. તે પછી બર્ચમેન્સ (Berchmans) કૉલેજ, ચાંગનાસેરી(Changanassery)થી સ્નાતક થયા અને સેંટ જોસેફ કૉલેજ, દેવગિરિથી અનુસ્નાતકની પદવી પ્રથમ ક્રમાંક સાથે મેળવી. તેમણે તેમની કારકિર્દીની શરૂઆત પેરિંગારા શાળામાં ગણિતના શિક્ષક તરીકે કરી. ત્યારબાદ માલાબાર ક્રિશ્ચિયન કૉલેજમાં અંગ્રેજી વિષયના શિક્ષક તરીકે કામગીરી કરી. તદ્ઉપરાંત રાજ્યના વિભિન્ન ભાગો જેવા કે, કોઝિકોડ, કોલ્લમ્, પટ્ટામ્બી, અર્નાકુલમ્, ત્રિપુનીથુરા, ચિત્તૂર, થાલાસ્સેરી વગેરે સ્થળોએ અધ્યાપનકાર્ય કર્યું. તેમનામાં ઊંડી શબ્દસૂઝ તથા શબ્દલયની સમજ હતી. તેમણે કવિતાઓ ઉપરાંત નિબંધ, અનુવાદ અને બાળસાહિત્ય જેવાં લેખનક્ષેત્રે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું. તેઓ એક સક્રિય પર્યાવરણવિદ પણ હતા. કેરલમના અરનમુભામાં પર્યાવરણ સંરક્ષણ સંઘર્ષમાં તેમણે અગ્રણી ભૂમિકા નિભાવી હતી. તેમનાં કેટલાંક મહત્ત્વનાં પુસ્તકો ‘સ્વાતંત્ર્ય ટેકુરિયેચોરુગીતમ્’ ‘ભૂમિગીતંગલ’, ‘ઇન્ડિયેન્નાવિક્રમ’, ‘ચારુલતા’, ‘અપરાજિતા’ વગેરે છે. નિવૃત્તિ બાદ તેમણે તેમના પૈતૃક મંદિર શ્રી વલ્લભ મંદિરમાં પૂજારી તરીકે કામ કર્યું હતું. ભારત સરકારે 2014માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા હતા. આ ઉપરાંત મલયાળમનો સર્વોચ્ચ સાહિત્યિક પુરસ્કાર એજુથાચન પુરસ્કારમ્, વાયલાર પુરસ્કાર, વલ્લથોલ પુરસ્કાર, આસાન પુરસ્કાર, સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા ઓડક્કુઝલ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.