Categories
વાચન સમૃદ્ધિ

દાદા પાંડુરંગ આઠવલે

જ. ૧૯ ઑક્ટોબર, ૧૯૨૦ અ. ૨૫ નવેમ્બર, ૨૦૦૩

સંસ્કાર અને સગવડથી વંચિત લોકો તેમજ સુખી વર્ગ સુધી આધ્યાત્મિક અને સમાજલક્ષી પ્રવૃત્તિઓનો પ્રભાવ પાડનાર પાંડુરંગનો જન્મ મહારાષ્ટ્રના રોહામાં થયો હતો. માતા પાર્વતી, પિતા વૈજનાથ અને દાદા લક્ષ્મણની છાયા હેઠળ તેમના જીવનનું ઘડતર થયું હતું. તેઓ પૂર્વ અને પશ્ચિમનું તત્ત્વજ્ઞાન, તુલનાત્મક ધર્મ, ઇતિહાસ, અંગ્રેજી, સંસ્કૃત, હિંદી આદિ ભાષાઓ અને વિવિધ સમાજવિદ્યા અને વેદો ભણ્યા હતા. આધુનિક ભારતના વેદશાસ્ત્રસંપન્ન દાર્શનિક અને ચિંતક તેમણે ભારતીય તથા પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન અને સમાજશાસ્ત્રનો તુલનાત્મક અને તલસ્પર્શી અભ્યાસ કર્યો હતો. મુંબઈમાં તેઓએ વર્ષોથી ઉપનિષદ તથા ગીતા પર શ્રીમદ્ ભાગવત પાઠશાળામાં પ્રવચનો કર્યાં હતાં. ૧૯૫૪માં જાપાનમાં યોજાયેલ વિશ્વના દાર્શનિકોની સભામાં ‘ભક્તિ બળ છે’ તે વિષય પર તાત્ત્વિક નિરૂપણ કર્યું હતું. આ માટે તેઓએ ભારતમાં પ્રબળ આંદોલન જગાવ્યું હતું, જેથી યુવાનો વૈદિક સંસ્કૃતિનું શિક્ષણ વિનામૂલ્યે લઈ શકે. આ માટે તેઓએ થાણેમાં તત્ત્વજ્ઞાનની વિદ્યાપીઠ સ્થાપી. ઉપરાંત સમાજના વિવિધ સ્તરે સાંસ્કૃતિક શિક્ષણ આપવાની પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. તેઓએ ઋષિકૃષિ સંસ્થાઓ સ્થાપી હતી, જેના દ્વારા ગૃહઉદ્યોગ તથા ઋષિ સંસ્કૃતિ – બંનેના સમન્વય રૂપે શિક્ષણ અપાય. પાંડુરંગે ભારતનાં લાખો ગામડાંઓમાં સામૂહિક ખેતી, માછીમારી તથા વૃક્ષારોપણના કાર્યક્રમો કર્યા. આ નિરક્ષર માછીમારો તથા ખેડૂતોને ગીતા સમજાવી અને તેના શ્લોકો મોઢે કરાવ્યા. તેમના સ્વાધ્યાયીઓ દ્વારા પણ આ કામને વેગ મળ્યો. આથી ખેડૂતો અને માછીમારોના જીવનમાં પરિવર્તન થયું. ઈ. સ. ૧૯૮૨માં પશ્ચિમ જર્મનીમાં સેન્ટ નિકોલ્સની પંચશતાબ્દી પ્રસંગે તેઓએ અતિથિવિશેષ તરીકે હાજરી આપી હતી. એમની પ્રેરણાથી દેશવિદેશમાં હજારોની સંખ્યા ધરાવતાં કેન્દ્રો સ્થાપી ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે પ્રયત્ન કર્યા. સદવિચારદર્શન ટ્રસ્ટ દ્વારા વિવિધ ભાષાઓમાં તેમનાં પુસ્તકો પ્રકાશિત કર્યાં હતાં.

આઠવલેને મૅગ્સેસે ઍવૉર્ડ, ટેમ્પલટન ઍવૉર્ડ તથા પદ્મભૂષણ ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. માનવસેવા માટે તેઓને ‘ટેમ્પલટન ઍવૉર્ડ’ હેઠળ રૂ. ૪.૩૨ કરોડ જેટલી રકમ મળી હતી. નિરક્ષર અને અબુધ ગ્રામજનો માટે તેઓએ કરેલી સેવાપ્રવૃત્તિઓનું પ્રતિબિંબ પાડતી એક ફિલ્મ ‘આંતરનાદ’ બનાવવામાં આવી હતી.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

પરિવર્તન સાધવા મનની માન્યતાને બદલીએ

પોતાના રોજિંદા જીવનમાં પરિવર્તન સાધવાની વ્યક્તિને વારંવાર ઇચ્છા જાગે છે. એ વિચારે છે કે હવે આવતીકાલથી મારે આ પ્રમાણે જ જીવવું છે. મારે તદ્દન બદલાવું છે, મારે વ્યસનમુક્ત થવું છે. મારે સહિષ્ણુ બનવું છે, પરંતુ રાતોરાત આવું પરિવર્તન શક્ય નથી. પરિવર્તનની ઇચ્છા એક વાત છે, પરંતુ પરિવર્તનની પહેચાન મહત્ત્વની બાબત છે.

વ્યક્તિનું જીવન એની ધારણા અને માન્યતાઓને આધારે ચાલતું હોય છે. મોટા ભાગના વ્યવહારો કે વાણી-વિચાર અને વર્તન આપણા મનની માન્યતા પ્રમાણે કરીએ છીએ, આથી પહેલી આવશ્યકતા મનની માન્યતા અને શ્રદ્ધાને બદલવાની છે. એક બાજુ તમને વિશ્વાસ હોય કે વ્યસનથી ચિત્તને મજા આવે છે અને બીજી બાજુ વ્યસન છોડવાનો તમે સંકલ્પ કરતા હો, ત્યારે એ સંકલ્પ સિદ્ધ થવો અશક્ય છે. સહિષ્ણુ બનવાનો વિચાર કરો તે પૂર્વે કઈ કઈ બાબતો તમને અકળાવી મૂકે છે તેને જાણવી જોઈએ. તમારા સ્વભાવની કઈ ખાસિયત તમારા ગુસ્સાનું નિમિત્ત બને છે એની ચિકિત્સા કરવી જોઈએ, આથી જ પોતાની માન્યતા કે શ્રદ્ધાને પહેલાં સમજ્યા અને બદલ્યા પછી જ પરિવર્તન લાવી શકાય. વ્યક્તિએ એની માન્યતા અને શ્રદ્ધામાં સુખ અને દુ:ખનો ભાવ લપેટી દીધો હોય છે. અમુક વસ્તુ બનશે તો મને સુખ મળશે અને અમુક વસ્તુ  થશે તો મને પારાવાર દુ:ખ થશે. અમુક વ્યક્તિ પ્રત્યે મને રાગ છે અને અમુક વ્યક્તિ પ્રત્યે મને દ્વેષ છે. આ બધી માન્યતાની ગાંઠો એના મનમાં હોય છે. જ્યાં સુધી આવી માન્યતાની ગાંઠો હોય ત્યાં સુધી વ્યક્તિ પોતાનાં વાણી, વ્યવહાર અને જીવનશૈલીમાં પરિવર્તન સાધી શકતી નથી. પરિવર્તન સાધવાની પૂર્વશરત છે તમારી પુરાણી માન્યતાને પહેલાં બદલવાની, પછી બધી વાત.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

દીપક શોધન

જ. ૧૮ ઑક્ટોબર, ૧૯૨૮ અ. ૧૬ મે, ૨૦૧૬

રોશન હર્ષદલાલ શોધન ભારતના જાણીતા ટેસ્ટ ક્રિકેટર હતા. તેઓ ‘દીપક’ ઉપનામથી જાણીતા હતા. તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો. ક્રિકેટ રમવાની શરૂઆત તેમણે ૧૯૪૨માં અમદાવાદની શેઠ ચિ. ન. વિદ્યાવિહારની ક્રિકેટ ટીમમાંથી કરી હતી. અમદાવાદની ગુજરાત કૉલેજમાં વિદ્યાર્થીકાળ દરમિયાન તેઓ રાષ્ટ્રીયસ્તર પર રમાતી રણજી ટ્રૉફી ટીમમાં પસંદગી પામ્યા અને કૉલેજના ‘રાષ્ટ્રીય ખેલાડી’ બની ગયા. તેમણે સૌરાષ્ટ્ર સામે રમતાં ૯૦ રન આપી અને ૭ વિકેટ ઝડપી અને ગુજરાતની ટીમને વિજયી બનાવી અને આ પ્રદર્શનને કારણે કૉલેજમાં પ્રખ્યાત બની ગયા. રણજી ટ્રૉફી ઉપરાંત તેમણે ત્રણ વર્ષ મુંબઈ યુનિવર્સિટી, ત્રણ વર્ષ સંયુક્ત યુનિવર્સિટીઝ અને એક વર્ષ  ગુજરાત યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. વેસ્ટ ઝોન વતી પાકિસ્તાન સામે રમતાં તેમણે અણનમ ૮૭ રન બનાવ્યા અને આ દેખાવને કારણે તેઓ ૧૯૫૨માં ભારતીય ટેસ્ટ ટીમમાં અનામત ખેલાડી તરીકે પસંદગી પામ્યા. વિજય હઝારે કૉલકાતાની ઇડન ગાર્ડન ખાતેની મૅચ માટે ઉપલબ્ધ ન થવાથી દીપક શોધનને ટેસ્ટ મૅચ રમવાની તક મળી.

આઠમા ક્રમે રમવા આવી તેમણે પ્રથમ ટેસ્ટમાં જ ૧૧૦ રન કરી સદી ફટકારવાનો વિક્રમ નોંધાવ્યો. ત્યારબાદ તેમની પસંદગી વેસ્ટ ઇન્ડીઝનો પ્રવાસ ખેડનાર ભારતીય ટીમમાં થઈ અને પહેલી ટેસ્ટમાં તેમણે અનુક્રમે ૪૫ અને ૧૧ રન નોંધાવ્યા. ત્યારપછીની ત્રણ ટેસ્ટ મૅચ તેઓ રમી ના શક્યા અને છેલ્લી મૅચમાં જ્યારે તેમને લેવામાં આવ્યા ત્યારે તેઓ નાદુરસ્ત તબિયતને કારણે રમી ન શક્યા, પરંતુ બીજી ઇનિંગ્સમાં તેમણે અણનમ ખૂબ ઉપયોગી ૧૫ રન બનાવ્યા હતા. ત્યાર પછી ક્રિકેટમાં રાજકારણને લીધે તેમની આશાસ્પદ કારકિર્દીનો અકાળે અંત આવ્યો હતો. ૧૯૬૧માં તેમણે ક્રિકેટમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. તેમણે પશ્ચિમ વિભાગની શાળાકીય ક્રિકેટ પસંદગી સમિતિના ચૅરમૅન અને BCCIની અખિલ ભારતીય શાળા ક્રિકેટ પસંદગી સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. ક્રિકેટ ઉપરાંત તેઓ બૅડમિન્ટન, વૉલીબૉલ, ગોલ્ફ, ટેનિસ, ટેબલ ટેનિસ તથા ફૂટબૉલના પણ સારા ખેલાડી હતા. તેઓએ સરદાર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સમાં ક્રિકેટ કોચ તરીકે સેવાઓ આપી હતી. ૮૭ વર્ષની વયે ફેફસાંના કૅન્સરને કારણે અમદાવાદમાં તેમનું નિધન થયું હતું. ૧૯૯૧-૯૨માં ગુજરાત સરકારે ક્રિકેટની રમતમાં તેમના યોગદાન બદલ અંબુભાઈ પુરાણી પુરસ્કાર આપીને સન્માન કર્યું હતું. ૧૯૯૭માં અમદાવાદ મહાનગરપાલિકા તરફથી નગરભૂષણનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો.

અમલા પરીખ