Categories
વાચન સમૃદ્ધિ

શ્રીકાંત શાહ

જ. ૨૯ ડિસેમ્બર, ૧૯૩૬ અ. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૦

ગુજરાતી ભાષાના જાણીતા કવિ, નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યલેખક શ્રીકાંત શાહનો જન્મ  જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે શ્રી વલ્લભદાસ અને શ્રીમતી વસંતબહેનના ઘેર થયો હતો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ  તેમણે બાંટવામાં જ પૂર્ણ કર્યું હતું. ૧૯૫૯માં બી.એ. અને ૧૯૬૧માં એમ.એ.ની પદવી તેમણે બહાઉદ્દીન કૉલેજ, જૂનાગઢમાંથી પ્રાપ્ત કરી હતી. શ્રીકાંત શાહે તેમની વ્યાખ્યાતા તરીકેની કારકિર્દી ૧૯૬૨-૬૩માં એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદથી શરૂ કરી હતી. ત્યારબાદ તેમણે ‘જનસત્તા’ના રોજગાર અધિકારી તરીકે જામનગરમાં અને ‘જનસત્તા’ દૈનિકના મૅનેજર તરીકે રાજકોટ અને જનરલ મૅનેજર તરીકે અમદાવાદમાં કાર્ય કર્યું હતું. અમદાવાદની વિવેકાનંદ કૉલેજમાંથી તેઓ વ્યાખ્યાતા તરીકે નિવૃત્ત થયા હતા. શ્રીકાંત શાહે ‘નિરંજન સરકાર’ એવું ઉપનામ રાખી લેખનકાર્ય શરૂ કર્યું હતું. ૧૯૬૨માં તેમનો કાવ્યસંગ્રહ ‘એક માણસનું નગર’ નામે પ્રગટ થયો હતો. ‘અસ્તી’ નામની એક અસ્તિત્વવાદી નવલકથા તેમણે ૧૯૬૬માં પ્રકાશિત કરી હતી. ‘અસ્તી’ એમની પ્રાયોગિક  નવલકથા છે. આ નવલકથામાં કોઈ કથાવસ્તુ નથી અને તે એક નામ વગરની વ્યક્તિની આસપાસ કેન્દ્રિત છે. જેને ‘તે’ કહેવાયો છે. ત્યારબાદ એક રહસ્ય નવલકથા ‘ત્રીજો માણસ’ પ્રકાશિત થઈ હતી. ‘તિરાડ અને બીજાં નાટકો, ‘નૅગેટિવ’, ‘કૅન્વાસ પરના ચહેરા’, ‘હું’ તેમજ ‘બિલોરી કાચના માણસો’, ‘એકાંતને અડોઅડ’, ‘વેનીશિયન બ્લાઇન્ડ’, ‘કારણ વિનાના લોકો’, ‘એકાંત નંબર ૮૦’ તેમનાં નાટકો છે. ૨૦૦૩માં તેમનો કાવ્યસંગ્રહ ‘એક માણસનું નગર’ શ્રી નિરંજન ભગત દ્વારા લખાયેલ પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થયો હતો. નાટ્યલેખન ઉપરાંત તેમણે ચલચિત્ર, સાહિત્ય, મનોવિજ્ઞાન અને પ્રાચીન વસ્તુઓ જેવા વિવિધ વિષયો પર આશરે ૨૦૦ જેટલા સ્ફુટ લેખ અને ૫૦ જેટલી કવિતાઓ અને ત્રીસેક વાર્તાઓ લખેલ જે ‘ગુજરાત સમાચાર’, ‘સંદેશ’, ‘અભિયાન, ‘પરબ’ અને ‘નવનીત સમર્પણ’માં પ્રસિદ્ધ થયાં હતાં. ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા તેમનાં નાટકો  પુરસ્કૃત પણ થયાં છે.

અશ્વિન આણદાણી

Categories
વાચન સમૃદ્ધિ

જામનગર

જામનગર જિલ્લાનું મુખ્ય શહેર અને આઝાદી પૂર્વે આ જ નામ ધરાવતા દેશી રાજ્યનું પાટનગર. તે ૨૨ ૨૮´ ઉ. અ. અને ૭૦ ૦૪´ પૂ. રે. ઉપર આવેલું છે. નાગમતી અને રંગમતીના સંગમ ઉપર વસેલ સ્થળ નાગનાથ તરીકે ઓળખાતું હતું, જામ રાવળે ઈ. સ. ૧૫૪૦માં આ સ્થળે શહેર વસાવી તેને નવાનગર નામ આપ્યું હતું. ઈ. સ. ૧૬૬૩થી ૧૭૦૯ દરમિયાન અહીં મુઘલ થાણું હતું અને તેને ઇસ્લામાબાદ નામ આપ્યું હતું. જાડેજા રાજાના ‘જામ’ બિરુદ ઉપરથી નવાનગરને બદલે તેને જામનગર નામ મળ્યું જણાય છે. ૧૯૧૪ પૂર્વે જામનગર દરવાજાવાળું કિલ્લેબંધ શહેર હતું. જામ રણજિતસિંહે વિશાળ રવેશો (facades), ચોક, વર્તુળો, વિશાળ રાજમાર્ગો અને એકસરખાં મકાનોની શ્રેણી દ્વારા તેની કાયાપલટ કરતાં તેને ‘સૌરાષ્ટ્રનું પૅરિસ’ બિરુદ મળ્યું. શહેરના વિકાસમાં બેડી બંદરનો મહત્ત્વનો ફાળો છે. બંદરની સુધારણા કરાતાં વેપાર અને ઉદ્યોગોની વૃદ્ધિ થઈ હતી. જામનગરના માર્કેટ યાર્ડમાં જિલ્લાના બાજરી, જુવાર, મગફળી, ઘઉં, લસણ વગેરે પાકો વેચાવા આવે છે. ૧૯૪૩માં સેન્ટ્રલ બૅન્ક ઑવ્ ઇન્ડિયાની એક શાખા હતી. આજે મહત્ત્વની રાષ્ટ્રીય બૅન્કોની શાખાઓ તથા જામનગર જિલ્લા સહકારી બૅન્ક અને નાગરિક સહકારી બૅન્ક છે. તેનો વેપાર-ઉદ્યોગના વિકાસમાં મહત્ત્વનો ફાળો છે.

સોલેરિયમ (જામનગર)

અહીં એક સુતરાઉ અને એક ગરમ કાપડની મિલ ઉપરાંત તેલની મિલો, સૉલ્વન્ટનાં અને બ્રાસનાં વીજળીનાં સાધનોમાં વપરાતા ભાગોનાં તથા સાબુ, મીઠું તથા લોખંડની વસ્તુઓનાં અનેક કારખાનાં છે. જામનગર તેની બાંધણી, ભરત અને જરીકામ, કંકુ, કાજળ અને સુરમા માટે પ્રખ્યાત છે. શહેર વાહનવ્યવહારનું કેન્દ્ર છે. ઓખા-વિરમગામ બ્રૉડ ગેજ રેલવેનું તે જંકશન છે. રાજકોટ-ઓખા અને જામનગર-પોરબંદર રાજ્યધોરી માર્ગ દ્વારા સૌરાષ્ટ્રનાં મહત્ત્વનાં શહેરો સાથે તે જોડાયેલું છે. વિમાનવ્યવહાર દ્વારા તે રાજકોટ, ભુજ અને મુંબઈ સાથે જોડાયેલું છે. જામનગર મહત્ત્વનું શૈક્ષણિક કેન્દ્ર છે. આયુર્વેદિક યુનિવર્સિટી, ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય, વિનયન, વિજ્ઞાન તથા વાણિજ્ય વિદ્યાશાખાની કૉલેજો, મેડિકલ કૉલેજ, પૉલિટૅકનિક, આઈ.ટી.આઈ., વાણિજ્ય અને ટૅકનિકલ વિષયોનું શિક્ષણ આપતી વિવિધલક્ષી શાળાઓ, સ્ત્રી અધ્યાપન મંદિર, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, બાલમંદિરો, પુસ્તકાલયો, સંસ્કૃત પાઠશાળા, સંગ્રહસ્થાન, લશ્કરની ત્રણ પાંખોની તાલીમશાળાઓ વગેરે અનેક શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે. શહેરમાં સોલેરિયમ સંગ્રહસ્થાન, આદર્શ સ્મશાનગૃહ, પંદરમી-સોળમી સદીનાં પ્રાચીન હિંદુ અને જૈન મંદિરો ઉપરાંત લાખોટો, કોઠો, રણજિતસાગર બંધ વગેરે જોવાલાયક છે. સંગ્રહસ્થાનમાં ઘૂમલી, પાછતર, પિંડારા અને ગાધવીના સ્થાપત્યના અવશેષો, તામ્રપત્રો, શિલાલેખો, સિક્કાઓ, ભૂચર મોરીના યુદ્ધનાં દૃશ્યનું ચિત્રપટ વગેરે છે. આદર્શ સ્મશાનગૃહમાં સંતો, દેવ-દેવીઓ વગેરેની સોએક મૂર્તિઓ અને ધાર્મિક ગ્રંથો વગેરેનું પુસ્તકાલય છે. અણદાબાવાની ધાર્મિક સંસ્થા, પાઠશાળા, સદાવ્રત, શાળા વગેરેનું સંચાલન કરે છે. શહેરનું ક્ષેત્રફળ ૧૪.૪૩ ચોકિમી. છે. ૨૦૧૧માં તેની વસ્તી આશરે ૬,૦૦,૪૧૧ હતી. તે સૌરાષ્ટ્રનું મહત્ત્વનું શહેર છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-7 માંથી

શિવપ્રસાદ રાજગોર

Categories
વાચન સમૃદ્ધિ

શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ

જ. ૨૮ ડિસેમ્બર, ૧૯૨૫ અ. ૧૯ જૂન, ૨૦૧૪

તેઓ જૈન નગરશેઠ કુટુંબમાં જન્મેલા, કુશળ વહીવટકર્તા અને સંવેદનશીલ, મિતભાષી, ધાર્મિક સજ્જન અને બાહોશ ઉદ્યોગપતિ હતા. વિખ્યાત ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈના નાના પુત્ર શ્રેણિકભાઈએ શાળાનો અભ્યાસ તથા કૉલેજનાં બે વર્ષનો અભ્યાસ ગુજરાત કૉલેજ, અમદાવાદમાં કર્યો હતો. એ પછી અમેરિકાની મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(MIT)માંથી કેમિકલ એન્જિનિયરિંગના વિષય સાથે ૧૯૪૬માં સ્નાતક (B.S.) થયા. ૧૯૪૮માં હાર્વર્ડ વિશ્વવિદ્યાલયમાંથી માસ્ટર ઑવ્ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન(M.B.A.)ની ડિગ્રી લીધી હતી. સ્વદેશ આવ્યા બાદ લાલભાઈ જૂથના ઉદ્યોગો – રાયપુર, સરસપુર, અશોક, અરિંવદ, અરુણ, નૂતન, ન્યૂ કૉટન, અનિલ સ્ટાર્ચ લિ. અને અતુલ પ્રોડક્ટસ લિમિટેડ વગેરે ઉદ્યોગોનું સંચાલન કરવા લાગ્યા. તેઓ કુશળ વહીવટદાર હતા. ત્યારપછી અમદાવાદ  એજ્યુકેશન સોસાયટીનું ચૅરમૅનપદ લીધા પછી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ કર્યો. તેઓ ઘણી બધી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જેવી કે CEPT, IIM, PRL, લાલભાઈ દલપતભાઈ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ઇન્ડોલૉજીમાં મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત અટિરા, પ્લાઝમા રિસર્ચ, ગુજરાત યુનિવર્સિટીમાં સભ્ય તરીકે હતા. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને ગુજરાત વિદ્યાસભા તેમજ ગાંધી આશ્રમ ટ્રસ્ટનું પ્રમુખપદ સંભાળ્યું હતું. તેમના સક્રિય જીવનકાળ દરમિયાન તેમણે અનેક સંસ્થાઓમાં પ્રમુખપદ સંભાળ્યું હતું. તેમને જૈન ધર્મ પ્રત્યે ઊંડી આસ્થા હતી. ઘણાં જૈનતીર્થોના ટ્રસ્ટમાં તેઓ સામેલ હતા અને તીર્થોના જીર્ણોદ્ધાર અને જાળવણીની કાળજી કરતા હતા. પાંજરાપોળનાં પ્રાણીઓ માટે પણ તેઓએ ખૂબ સેવાઓ આપી હતી. તેમનાં પત્ની પન્નાબહેન મોહિનાબા કન્યા વિદ્યાલય, રચના માધ્યમિક શાળા, મધુબની શિશુશાળા જેવાં શૈક્ષણિક કાર્યો કરતાં હતાં. તેમને સંજયભાઈ અને કલ્પનાબહેન બે સંતાનો છે.

અંજના ભગવતી