Categories
વાચન સમૃદ્ધિ

વિલેમ આઇંથોવન

જ. 21 મે, 1860 અ. 27 સપ્ટેમ્બર, 1927

ડચ ચિકિત્સક અને શરીરક્રિયા વિજ્ઞાની (Physiologist) વિલેમ આઇંથોવનનો જન્મ ઇન્ડોનેશિયામાં જાવાના સેમારંગમાં થયો હતો. તેમને આધુનિક ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ(ECG/EKG)ના જનક માનવામાં આવે છે. તેમના પિતા જેકબ આઇંથોવન નેધરલૅન્ડની સેનામાં ડૉક્ટર તરીકે ફરજ બજાવતા હતા. વિલેમની છ વર્ષની વયે પિતાનું અવસાન થતાં તેમનાં માતા બાળકોને લઈને નેધરલૅન્ડ આવીને ઉટ્રેક્ટમાં વસ્યાં. 1885માં તેમણે ઉટ્રેક્ટ વિશ્વવિદ્યાલયમાંથી ડૉક્ટરની પદવી મેળવી. માત્ર 26 વર્ષની વયે તેઓ લીડેન વિશ્વવિદ્યાલયમાં ફિઝિયૉલૉજીના પ્રોફેસર તરીકે નિયુક્તિ પામ્યા. લીડેનમાં અધ્યાપન દરમિયાન શરૂઆતમાં તેમણે પ્રકાશિકી, શ્વસન તથા હૃદયને લગતાં સંશોધનકાર્યો કરવા માંડ્યાં. પાછળથી તેમણે હૃદયની ગતિવિધિઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને સ્ટ્રીંગ ગૅલ્વેનોમીટરની શોધ કરી. સ્ટ્રીંગ ગૅલ્વેનોમીટરનો ઉપયોગ શરૂઆતમાં દરિયાની અંદર પસાર થતા કેબલમાં વિદ્યુત signalને મજબૂત (amplify) બનાવવા કરાતો. વિલેમે વિચાર્યું કે આ તકનીકનો ઉપયોગ હૃદય દ્વારા ઉત્પન્ન થતા ઇલેક્ટ્રિકલ સંવેદનો માપવા માટે કરી શકાય. આ સિદ્ધાંતનો ઉપયોગ કરી તેમણે ECGની શોધ કરી. તેમનું કાર્ય આજે પણ હૃદયરોગના નિદાન માટે આધારભૂત ગણાય છે. આજે પણ દુનિયાભરની હૉસ્પિટલોમાં ECG મશીનોનો ઉપયોગ કરાય છે. સમય સાથે ટૅક્નૉલૉજી વિકસિત થતી ગઈ, પરંતુ હજી પણ ECG મશીનો વિલેમ દ્વારા વિકસિત મૂળ સિદ્ધાંતો અને ટૅક્નૉલૉજી અનુસાર કાર્ય કરી રહ્યાં છે. તેમણે હૃદયની વિદ્યુત ગતિવિધિઓને માપવા માટે શરીરનાં અંગો પર ઇલેક્ટ્રોડ લગાડવાની એક પ્રણાલી વિકસિત કરી, જે આઇંથોવન ત્રિકોણ (Einthoven’s Triangle) તરીકે જાણીતી છે. તેમના જીવનકાળ દરમિયાન તેમની ઉપલબ્ધિઓ માટે અનેક સન્માનો પ્રાપ્ત થયાં. 1924માં તેમને ચિકિત્સાક્ષેત્રે અદ્ભુત શોધ કરવા બદલ નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

Categories
વાચન સમૃદ્ધિ

દાડમ

દ્વિદળી વર્ગમાં આવેલા કુળ પ્યુનિકેસીની ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવતી વનસ્પતિ. વૈજ્ઞાનિક નામ Punica granatum Linn. (સં. દાડિમ; હિં. અનાર; બં. ડાલિમ; મ.ક. ડાલિંબ; ફા. અનારસીરી, અનારતુરશ; અં. pomegranate) છે. તેની મુખ્ય બે જાતો છે – એક પુષ્પવાળી, બગીચામાં રોપાતી અને બીજી ફળવાળી, વાડી કે કંપાઉન્ડમાં રોપાતી. ફૂલવાળી જાતોના મુખ્ય બે પ્રકાર છે : (1) P. granatum var. florepleno : આ જાતને બાલ્સમ જેવાં મોટાં લગભગ 5 થી 6 સેમી. કદનાં ડબલ પાંખડીનાં લાલ રંગનાં પુષ્પ આવે છે. ફળ બેસતાં નથી. (2) P. granatum var. albopleno : આ જાતને ઉપર પ્રમાણે જ સફેદ રંગનાં પુષ્પ આવે છે. આ જાત ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય રીતે લાલ જાત જ મળે છે. ચોમાસામાં વનસ્પતિ પુષ્પથી ઠીક ઠીક ભરાઈ જાય છે. ફળવાળી જાતનાં પુષ્પ નાનાં અને એકલ પાંખડીનાં હોય છે. ફળની વાડીઓમાં આ જાત રોપાય છે. તેની ઘણી જાતો આવે છે. બધી જાતોને ગોરાડુ જમીન અને સાધારણ ઓછો વરસાદ વધારે માફક આવે છે.

દાડમ : પર્ણ અને પુષ્પ સાથેનું ઝાડ, પુષ્પ, ફળ

ફળમાંથી સુગંધિત, મીઠો અને ઘેરા રંગનો રસ મેળવવામાં આવે છે. રસની ગુણવત્તા તેમાં રહેલા ઍસિડ અને શર્કરાના પ્રમાણ પરથી નક્કી થાય છે. ફળની છાલમાંથી ટૅનિન મળી આવે છે. પુષ્પમાંથી આછો લાલ રંગ મળી આવે છે. ભારતમાં તેનો કાપડ રંગવામાં ઉપયોગ કરવામાં આવે છે. વૈદ્યકમાં ફળ તૂરું, મધુર, ખાટું, તૃપ્તિકારક, સ્નિગ્ધ, દીપન, રુચિકર, ગ્રાહી, ભૂખવર્ધક, ઉષ્ણ, લઘુ, અગ્નિદીપક, ઝાડાને બાંધનાર, હૃદયને હિતકર, પચવામાં હળવું, પાચક, ત્રિદોષહર તથા કફ, ઉધરસ, શ્રમ, મુખરોગ, કંઠરોગ, તાવ, દાહ, હૃદયરોગ, સંગ્રહણી, નસકોરી ફૂટવી જેવા રોગો મટાડનારું છે. મીઠું દાડમ તૃપ્તિકારક, ધાતુવર્ધક, મેધાકર, બલપ્રદ અને સદા પથ્ય છે. વધુ ખાટાં દાડમ પિત્તકારક અને રક્તપિત્તકર્તા છે. તે વાયુનો નાશ કરે છે. ફળની છાલનો કે દાડમના રસનો ઉપયોગ બાળકની ઉધરસ પર, અતિસાર અને સંગ્રહણી ઉપર થાય છે. તેના પ્રકાંડ અને મૂળની છાલનો કાઢો કૃમિમાં ઉપયોગી છે. ઉષ્ણ પિત્ત પર દાડમનું શરબત આપવામાં આવે છે. તેના દાણાનો રસ આંખોની ગરમી પર અપાય છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, ગ્રંથ-9, દાડમ, પૃ. 289 અથવા જુઓ https://gujarativishwakosh.org/દાડમ/)

Categories
વાચન સમૃદ્ધિ

સિગ્રિડ ઉંસેત

જ. 20 મે, 1882 અ. 10 જૂન, 1949

1928માં સાહિત્ય માટેનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર નૉર્વેજિયન નવલકથાકાર ઉંસેત સિગ્રિડનો જન્મ ડેનમાર્કમાં પણ ઉછેર નૉર્વેમાં થયો હતો. તેના પિતા પુરાતત્ત્વજ્ઞ હતા, તેઓએ પુત્રીને વાચનનો રસ લગાડ્યો હતો. સિગ્રિડ 16 વર્ષની હતી ત્યારે  તેના પિતાનું મૃત્યુ થતાં તેને કારકુની કરવી પડી. તેને બીજી બે નાની બહેનોની જવાબદારી લેવી પડી હતી. કુટુંબની પરિસ્થિતિને જોતાં સિગ્રિડને અભ્યાસ પડતો મૂકી 16 વર્ષની ઉંમરે સેક્રેટરીની નોકરી લેવી પડી. આ કામ આનંદદાયક ન હતું, પણ સંજોગોને આધીન થઈ તેણે દસ વર્ષ સુધી નોકરી કરવી પડી. ત્યારબાદ 1907માં નૉર્વેજિયન લેખકના યુનિયનમાં સામેલ થઈ ગઈ. 1907માં તેણે નોંધપોથી રૂપે લખેલ પ્રથમ નવલકથા ‘ફ્રુ માર્થા ઔલી’ પ્રગટ થઈ. 1909માં ‘ધ હેપી એજ’ નામનો વાર્તાસંગ્રહ પ્રગટ થયો. નવલકથા ‘જેની’(1911)એ તેને સફળ સાહિત્યકાર તરીકે ખ્યાતિ અપાવી. તેમાં પાત્રો સાથે તાદાત્મ્ય સધાયું હોવાથી પાત્રો જીવંત લાગે છે. 1912માં પ્રગટ થયેલ ‘ધ પુઅર ફેટ્સ’ વાર્તાસંગ્રહમાંની ‘સિમોન્સેન’ વાર્તા નૉર્વેની શ્રેષ્ઠ વાર્તાઓમાં ગણના પામેલી છે. ‘ધ વાઇઝ વર્જિન્સ’ 1918માં પ્રશંસાથી મુક્ત, પ્રેમમાં તૃપ્ત, આત્મબલિદાન આપતી ઉદારચરિત સ્ત્રીઓની વાર્તાઓ છે. તેની મહાન નવલત્રિપુટી ‘ક્રિસ્ટીન લાવાન્સ ડૉટર’માં ચૌદમી અને પંદરમી સદીની કથાઓ છે. લેખિકાએ 1931માં પ્રગટ કરેલ ‘વાઇલ્ડ ઑર્કિડ’ 1905થી 1931નો સમય આલેખતી આધુનિક નવલકથા છે. ત્યારબાદ ‘ગુન્નાર્સ ડૉટર’માં દરિયાખેડુઓનું જીવન છે. ઐતિહાસિક નવલકથાઓ લખવામાં સિગ્રિડના જેવી સફળતા ભાગ્યે જ કોઈને પ્રાપ્ત થઈ હશે. સિગ્રિડ ઉપદેશક નથી તે જીવનબીજ વાવે છે. તેના નૈસર્ગિક વિકાસમાં જ તેનો જીવનસંદેશ છુપાયેલો હોય છે. બીજા વિશ્વયુદ્ધમાં નૉર્વે પર આક્રમણ થતાં સિગ્રિડ નૉર્વે છોડી અમેરિકા ગઈ. યુદ્ધ બાદ પાછી ફરતાં વતનપ્રેમી પ્રવૃત્તિ અને લેખન માટે ‘ધ ગ્રાંડ ક્રૉસ ઑવ્ સેંટ ઓલાવ’ અર્પણ કરીને 1949માં તેનું સન્માન કર્યું.