Categories
વાચન સમૃદ્ધિ

રામ વી. સુતાર

જ. 19 ફેબ્રુઆરી, 1925 અ. 8 ડિસેમ્બર, 2025

ભારતીય શિલ્પકાર રામ વણજી સુતારનો જન્મ બૉમ્બે પ્રેસિડેન્સીના ખાનદેશ જિલ્લાના ગોંડુર ગામમાં વિશ્વકર્મા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. બાળપણથી જ કલા તરફની રુચિ તેમને મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં દોરી ગઈ. ત્યાં તાલીમ લીધી અને ગોલ્ડ મેડલ પણ મેળવ્યો. તેઓ કહેતા કે, તેમણે શિલ્પો તરફની રુચિ અજંતા અને ઇલોરા ગુફાનાં શિલ્પોમાંથી મેળવી. તેઓ 1950નાં પાછલાં વર્ષોમાં મંદિરોની મૂર્તિઓને પુનઃપ્રસ્થાપનાનું કાર્ય કરતા તેથી શિલ્પકળામાં વધુ ને વધુ હથોટી કેળવતા ગયા. તેમણે ઇટાલિયન શિલ્પો પાસેથી વસ્ત્રો પર પડતી સળોને અપનાવી. તેમણે ગુજરાતમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 182 મીટરની સ્ટેચ્યૂ ઑફ યુનિટીની રચના કરી છે. 14 મીટર ઊંચા ચંબલ સ્મારક તેમજ મહાત્મા ગાંધીની પ્રતિમા પણ બનાવી હતી, જેની નકલ કરીને અન્ય દેશોમાં મોકલવામાં આવી છે. તેમણે ભારતીય સંસદસ્થિત મહાત્મા ગાંધીની બેઠેલી સ્થિતિમાં પ્રતિમાની ડિઝાઇન કરી હતી. તેની મોટી પ્રતિકૃતિ તેમણે વિધાનસભા ખાતે બનાવી હતી. આ ઉપરાંત બૅંગાલુરુ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર 33 મીટર ઊંચી કૅમ્પ ગૌડાની પ્રતિમાના ડિઝાઇનર પણ તેઓ હતા. 2008માં તેમણે કૃષ્ણ-અર્જુન રથની કાંસ્ય પ્રતિમા બનાવી હતી. બ્રિસ્બેનના ભારતીય સમુદાયે રોમા સ્ટ્રીટ પાર્કલૅન્ડ ખાતે રામ. વી. સુતાર અને અનિલ સુતાર દ્વારા બનાવવામાં આવેલી ગાંધીજીની પ્રતિમાની સ્થાપના કરી હતી, જેનું અનાવરણ 2014માં ભારતના તત્કાલીન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. તેમના વિશિષ્ટ પ્રદાન માટે તેમને 1999માં ભારત સરકાર તરફથી પદ્મશ્રી અને 2016માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઑક્ટોબર, 2018માં તેમને 2016ના સાંસ્કૃતિક સંવાદિતા માટે ટાગોર પુરસ્કાર મળ્યો હતો. તેમને રાજ્ય સરકારના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, મહારાષ્ટ્ર ભૂષણ પસંદ કરવામાં આવ્યા હતા, જેની જાણકારી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે 20 માર્ચ, 2025ના રોજ વિધાનસભાને આપી હતી.

Categories
વાચન સમૃદ્ધિ

ફરી ભૂલ નહીં કરે

વિશાળ આકાશમાં વિમાની ખેલ-કરતબ બતાવવા માટે ટેસ્ટ પાઇલટ બૉમ હુવરની અમેરિકામાં ચોતરફ ખ્યાતિ ફેલાયેલી. એક વાર સાનડિયાગોમાં શો કરીને તેઓ વિમાન ચલાવીને પોતાના ઘેર લૉસ એન્જલસ તરફ જઈ રહ્યા હતા, ત્યારે એકાએક 300 ફૂટની ઊંચાઈએ એમનું પ્લેન બંધ થઈ ગયું. મશીનો કામ કરતાં અટકી ગયાં. બૉમ હુવર કુશળ પાઇલટ હોવાથી પ્લેનને મહામહેનતે જમીન પર ઉતારવા સફળ રહ્યા, પરંતુ આમ કરવા જતાં વિમાનને ઘણું મોટું નુકસાન થયું. આવી રીતે ઇમરજન્સી લૅન્ડિંગ કર્યા પછી પાઇલટ બૉમ હુવરે પોતાના અનુભવને આધારે તત્કાળ વિમાનનું બળતણ તપાસવાનું કામ કર્યું. એણે ધાર્યું હતું તેવું જ બન્યું. વિમાનમાં ગેસોલિનના બદલે જૅટનું બળતણ ભર્યું હતું. હવાઈ મથકેથી તેઓ તરત જ વિમાનને સર્વિસ કરનારા મિકૅનિક પાસે પહોંચી ગયા. જ્યારે મિકૅનિકને આ ઘટનાની જાણ થઈ ત્યારે તો એ ધ્રૂજવા લાગ્યો. એને થયું કે એનાથી ઘણી મોટી ભૂલ થઈ ગઈ છે. એની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી, કારણ એટલું જ કે આ અકસ્માતમાં ભલે કોઈ જાનહાનિ ન થઈ, પરંતુ અત્યંત મોંઘી કિંમતનું પ્લેન તૂટી ગયું. હવે શું થશે ? મિકૅનિક ધારતો હતો કે બૉમ હુવર એની ઝાટકણી કાઢશે, તત્કાળ સસ્પેન્ડ કરી દેશે. સહુની હાજરીમાં આકરો ઠપકો આપશે અને શું નું શું થઈ જશે ! પરંતુ બન્યું એવું કે પાઇલટ બૉમ હુવરે આવીને ન તો મિકૅનિક પર અપશબ્દોનો વરસાદ વરસાવ્યો કે ન તો એને આકરો ઠપકો આપ્યો. બલ્કે એના ગળા પર પ્રેમથી હાથ વીંટાળીને કહ્યું, ‘હવે મને ખાતરી થઈ ચૂકી છે કે તું ક્યારેય આવી ગંભીર ભૂલ નહીં કરે. ખેર, આવતીકાલે મારું પ્લેન એફ-11ની સર્વિસ કરવા માટે સવારે આવી જજે.’

Categories
વાચન સમૃદ્ધિ

નલિની જયવંત

જ. 18 ફેબ્રુઆરી, 1926 અ. 22 ડિસેમ્બર, 2010

રંગમંચ તથા હિંદી ફિલ્મોની અભિનેત્રી. 1950ના દાયકામાં ‘ફિલ્મફેર’ સામયિક પ્રમાણે સૌથી સુંદર મહિલા. બાળપણથી જ નૃત્ય અને અભિનયનો શોખ હોવાથી માત્ર છ વર્ષની ઉંમરે આકાશવાણીના મુંબઈ કેન્દ્ર પરથી ‘બાળસભા’ કાર્યક્રમમાં ગીતો રજૂ કર્યાં, દસ વર્ષની ઉંમરે શાળાના કાર્યક્રમમાં અભિનય આપ્યો. ત્યારબાદ રવીન્દ્રનાથ ટાગોરના નાટક ‘શ્રીમતીજી’માં નાયિકાના અભિનયથી લોકપ્રિયતા મેળવી. નિર્દેશક વીરેન્દ્ર દેસાઈએ ‘રાધિકા’ ફિલ્મ દ્વારા નલિનીને મુખ્ય નાયિકા તરીકે સૌપ્રથમ તક આપી અને તેઓ તેમના સૌંદર્ય અને અભિનયથી લોકપ્રિય બન્યાં. ત્યારબાદ મહેબૂબખાનની ‘બહેન’, વીરેન્દ્ર દેસાઈની ‘નિર્દોષ’, આર. એસ. ચૌધરીની ‘આંખમિચૌલી’ તથા ‘અદાબ અર્જ’ ફિલ્મો દ્વારા ફિલ્મક્ષેત્રમાં પ્રસિદ્ધિ પામ્યાં. ખૂબ જ નાની ઉંમરે વીરેન્દ્ર દેસાઈની સાથે લગ્ન થયાં અને સિને કારકિર્દીમાં રુકાવટ આવી. હિંદી ફિલ્મોમાં કામ ન મળતાં ગુજરાતી ફિલ્મ ‘વારસદાર’માં કામ કર્યું. ત્યારબાદ ધરમસીકૃત ‘અનોખા પ્યાર’ સાથે હિંદી ફિલ્મોમાં પુનઃપ્રવેશ કર્યો. આ પછી ‘આંખે’ અને ‘નૌજવાન’ ફિલ્મોથી ખ્યાતિ પણ પ્રાપ્ત કરી. ત્યારબાદ અશોકકુમાર સાથે ‘સમાધિ’ અને ‘સંગ્રામ’ ફિલ્મોથી આ જોડી અત્યંત સફળ ગણાવા લાગી. આ કલાકાર-બેલડીની બીજી ફિલ્મો ‘જલપરી’, ‘કાફલા’, ‘ચંચલ’, ‘નૌ બહાર’, ‘સલોની’, ‘લકિરેં’, ‘નાઝ’, ‘મિ. એક્સ’ અને ‘શેરો’ વગેરેનો સમાવેશ થાય છે. ફ્રાન્સના સહયોગથી હિંદી અને અંગ્રેજીમાં એકસાથે બનેલી નલિનીઅભિનીત ‘લાસ્ટ જજમેન્ટ’ ભારતની  સૌપ્રથમ ગેવા કલરની ફિલ્મ હતી. નવકેતનનિર્મિત ‘કાલા પાની’ના અભિનય માટે 1959નો શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેર ઍવૉર્ડ મળેલો. આ ઉપરાંત દેવ આનંદ સાથેની ‘હિન્દુસ્તાન હમારા’ અને ‘રાહી’, ફિલ્મીસ્તાનની ‘નાસ્તિક’ અને ‘મુનીમજી’, ‘હમ સબ ચોર હૈ’ તથા ‘શિકસ્ત’ ઉલ્લેખનીય છે. તેમનાં પ્રથમ લગ્ન વીરેન્દ્ર દેસાઈ સાથે થયેલાં અને બીજાં લગ્ન અભિનેતા પ્રભુ દયાલ સાથે થયેલાં. તેમણે 1961માં ‘અમર રહે યહ પ્યાર’ અને 1965માં ‘બૉમ્બે રેસકોર્સ’ ફિલ્મો બાદ ક્ષેત્રસંન્યાસ લીધો હતો. 2005માં તેમને દાદાસાહેબ ફાળકે એકૅડેમી લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ એનાયત થયો હતો.