Categories
વાચન સમૃદ્ધિ

શિવરામ લાલા કશ્યપ

જ. ૬ નવેમ્બર, ૧૮૮૨ અ. ૨૬ નવેમ્બર, ૧૯૩૪

પંજાબ રાજ્યમાં ઝેલમ નગરમાં પ્રતિષ્ઠિત સૈનિક પરિવારમાં તેઓનો જન્મ થયો હતો. ભણવામાં તેઓ ખૂબ તેજસ્વી હોવાથી જે વિષય હાથમાં લે તેમાં સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા હતા. તેઓએ આગ્રા મેડિકલ સ્કૂલની ડિગ્રી મેળવી સાથે સાયન્સની પરીક્ષા આપીને બી.એસસી.ની ડિગ્રી પણ લીધી. ત્યારબાદ વનસ્પતિશાસ્ત્ર વિષય લઈને એમ.એ. તથા એમ.એસસી.ની ડિગ્રીઓ મેળવી. ઈ. સ. ૧૯૧૦માં તેઓ ઇંગ્લૅન્ડ ગયા અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી નેચરલ સાયન્સ ટ્રાઇપોસની ડિગ્રી પ્રાપ્ત કરી. સ્વદેશ આવીને ગવર્નમેન્ટ કૉલેજ, લાહોરમાં વનસ્પતિશાસ્ત્રના પ્રોફેસર થયા તથા સિન્ડિકેટના સભ્ય તરીકે નિમણૂક પામ્યા. વિજ્ઞાન વિભાગના ડીન તરીકે લાંબો સમય સેવા આપી. આગ્રા, લખનઉ તથા બનારસ વિશ્વવિદ્યાલય સાથે તેઓ સંકળાયેલા હતા. વિજ્ઞાનમાં તેમના બહુમૂલ્ય પ્રદાનને લીધે પંજાબ વિશ્વવિદ્યાલયના ફેલો તથા સિન્ડિકેટના સભ્ય પણ થયા. લાંબા સમય સુધી વિજ્ઞાન વિભાગના ડીન રહ્યા. વિજ્ઞાનમાં તેઓના બહુમૂલ્ય પ્રદાનને લીધે પંજાબ વિશ્વવિદ્યાલયે ઈ. સ. ૧૯૩૩માં તેઓને ડૉક્ટર ઑવ્ સાયન્સની માનદ પદવી આપી. ઈ. સ. ૧૯૧૯માં ભારતીય વિજ્ઞાન કૉંગ્રેસના વનસ્પતિ વિભાગના અધિવેશનમાં તેઓ અધ્યક્ષ રહ્યા. ૧૯૨૦માં ઇન્ડિયન બૉટેનિકલ સોસાયટીમાં સભાપતિ થયા. આ સંસ્થાના જર્નલના મુખ્ય સંપાદક તેમજ હોલૅન્ડના ક્રોનિકા બૉટેનિકા નામના પત્રના સલાહકાર સંપાદક રહ્યા હતા. ડૉ. કશ્યપે વનસ્પતિને લગતા મૌલિક સંશોધન તથા અનેક મૂલ્યવાન લેખો લખ્યા હતા. તેમાં શેવાળ લીવરવોર્ટ અને હોનવર્ટનો સમાવેશ કર્યો. પશ્ચિમ હિમાલય તથા તિબેટના વનસ્પતિસમૂહ પર લખેલા લેખોને લીધે તેઓની ખ્યાતિ દેશ અને વિદેશમાં ફેલાઈ ગઈ. જાણીતી અભિનેત્રી કામિની કૌશલ તેમની પુત્રી છે.

અંજના ભગવતી

Categories
વાચન સમૃદ્ધિ

અંતરદ્વારમાં સહુને આવકારજો

સ્વામી વિવેકાનંદે દેશમાં અને વિદેશમાં આધ્યાત્મિક ચેતનાની જાગૃતિનું કાર્ય કર્યું. ભારતીય પ્રજાને એનાં ધર્મ અને સંસ્કૃતિ માટે ગૌરવ લેતી કરી. અંગ્રેજોએ ભારતને માત્ર રાજાઓ, મદારીઓ અને કોબ્રાના દેશ તરીકે ઓળખ્યો હતો એ પશ્ચિમી જગતને ભારતીય પ્રચંડ આધ્યાત્મિક શક્તિનો પરિચય આપ્યો. સ્વામી વિવેકાનંદ પાસે સમાજના તમામ સ્તરના લોકો આવતા. પોતાની શંકા અને જિજ્ઞાસા પ્રગટ કરતા અને સ્વામીજી એનું સમાધાન શોધી આપતા.

એક દિવસ સ્વામી વિવેકાનંદ પાસે એક અકળાયેલો યુવાન આવ્યો. એણે કહ્યું, ‘સ્વામીજી, હું આશ્રમોમાં ગયો, પલાંઠી લગાવીને સાધના કરવા બેઠો. દિવસોના દિવસો સુધી સાધના કરી, પણ મારા હૃદયને સહેજે શાંતિ મળી નહીં.’

કોઈ પ્રભાવક સંતની વાત સાંભળું એટલે મારી શ્રદ્ધાનાં સુમન લઈને એ સંતની પાસે દોડી જતો. એમની પાસે ચિત્તશાંતિની યાચના કરતો. તેઓનો ઉપદેશ સાંભળતો, પણ ક્યાંય મને શાંતિ ન મળી. પાર વિનાનું તીર્થાટન કર્યું, પરંતુ જીવનમાં અશાંતિ એટલી જ રહી.

સ્વામી વિવેકાનંદે પૂછ્યું, ‘આ સિવાય બીજા કોઈ પ્રયત્નો કર્યા ખરા ?’

યુવાને કહ્યું, ‘હા, મારી કોટડી બંધ કરીને હું બેસી ગયો. મારા ઘરમાં કોઈ ન પ્રવેશે. આ બધું કરવા છતાં ક્યાંય શાંતિ મળી નહીં.’

વિવેકાનંદે કહ્યું, ‘તમારી કોટડીના દરવાજા બંધ ન રાખશો. એને પૂરેપૂરા ખુલ્લા રાખજો. એમાં કોઈ અભાવગ્રસ્ત આવે તો એને આવકાર આપજો. દરવાજાની બહાર નીકળીને આસપાસ વસતા દુ:ખી, રોગી અને ભૂખ્યા લોકોની ભાળ મેળવજો અને યથાશક્તિ એમની સેવા કરજો. જે નિરક્ષર અને અજ્ઞાની હોય તેમને હેતથી ભણાવજો. આ કરશો તો તમને જરૂર શાંતિ મળશે.’ માનવીની અધ્યાત્મયાત્રા માટે પહેલી જરૂર જીવનસાધનાની છે. અન્ય વ્યક્તિઓને સહાયભૂત થવામાં જ જીવનનો મર્મ હાથ લાગશે. માનવસેવા, જીવનસાધના અને નેક દિલના આત્મસમર્પણ પર આધ્યાત્મિક ઇમારત રચાવી જોઈએ. અધ્યાત્મમાં પ્રવેશનારાએ પહેલાં માનવસેવાની સમજ મેળવવાની છે. માત્ર મોક્ષની મોટી મોટી વાતો કરવાથી કશું નહીં વળે. મોક્ષ મેળવવા માટે પહેલાં માનવકલ્યાણનો વિચાર કરવો જોઈએ. આપણે જોઈએ છીએ કે મોક્ષની વાત કરનાર જીવનથી વિમુખ હોય છે. ક્યારેક તો એને બીજાના જીવન તરફ ભારોભાર તિરસ્કાર હોય છે અથવા તો એ બીજાને ભૌતિકવાદી ઠેરવીને પોતે આધ્યાત્મિક હોવાનો આડંબરયુક્ત પ્રયાસ કરે છે. આને પરિણામે એ વ્યક્તિ સેવાના આનંદથી પણ અળગી રહે છે. સામાન્ય માનવીની ઉપેક્ષા કરીને વ્યક્તિ કદી અસાધારણ બની શકે નહીં. સામાન્ય માનવીની ચિંતા, સેવા અને કલ્યાણનો વિચાર કરનાર વ્યક્તિઓ  અસાધારણ બની શકે છે.

કુમારપાળ દેસાઈ

Categories
વાચન સમૃદ્ધિ

ચિત્તરંજન દાસ (દેશબંધુ)

જ. ૫ નવેમ્બર, ૧૮૭૦ અ. ૧૬ જૂન, ૧૯૨૫

‘દેશબંધુ’ના નામથી જાણીતા બંગાળના વકીલ અને ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામના એક ટોચના કાર્યકર્તા તેમજ સ્વરાજ પાર્ટીના સંસ્થાપક. તેમનો જન્મ તેલીરબાગ, ઢાકાના પ્રખ્યાત એવા દાસ પરિવારમાં થયો હતો. આ દાસ પરિવાર બ્રહ્મસમાજ સાથે જોડાયેલો હતો. તેમના પરિવારમાં વકીલોની સંખ્યા વધુ હોવાથી વકીલોનો પરિવાર કહેવાતો હતો. ૧૮૯૦માં બી.એ.ની પરીક્ષા પાસ કર્યા બાદ આઈ.સી.એસ. બનવા માટે ઇંગ્લૅન્ડ ગયા હતા અને ૧૮૯૨માં બૅરિસ્ટર બનીને ભારત પાછા આવ્યા. તેમણે વકીલાત શરૂ કરી. ૧૮૯૪માં વકીલાતનો પોતાનો ધીકતો વ્યવસાય છોડી દીધો હતો અને અસહકાર આંદોલનમાં સક્રિય રીતે જોડાયા. ૧૯૦૯માં અલીપોર બૉમ્બવિસ્ફોટ પ્રકરણ અંતર્ગત તેમણે અરવિંદ ઘોષ પર લાગેલા રાજદ્રોહના આરોપોનો સફળતાપૂર્વક બચાવ કર્યો હતો. શ્રી અરવિંદે તેમના ઉત્તરપાડાના ભાષણમાં ચિત્તરંજન દાસનો જાહેર આભાર માનતાં જણાવ્યું હતું કે અલીપોર પ્રકરણમાં ચિત્તરંજન દાસને તેમને બચાવવા માટે પોતાના સ્વાસ્થ્યની પરવા કર્યા વિના ખૂબ જ જહેમત ઉઠાવી હતી. તેઓ ૧૯૧૯થી ૧૯૨૨ના અસહકાર આંદોલન દરમિયાન બંગાળના અગ્રણી નેતા રહ્યા. અનુશીલન સમિતિની પ્રવૃત્તિઓ સાથે પણ સક્રિયપણે જોડાયેલા હતા. તેમણે બ્રિટિશ કાપડ પર પ્રતિબંધ મૂકવાની સાથે વિદેશી કપડાંની હોળી કરી ખાદીનાં વસ્ત્રો પહેરવાની શરૂઆત કરી હતી. તેમણે ‘ફૉર્વર્ડ’ નામનું એક દૈનિક ચાલુ કર્યું હતું. જેને પછીથી બ્રિટિશ શાસન વિરુદ્ધની લડત માટે ‘લિબર્ટી’ એવું નામ આપવામાં આવેલું. કલકત્તા નગર નિગમની સ્થાપના થતાં તેઓ તેના પ્રથમ મેયર બન્યા હતા. સ્વાતંત્ર્યપ્રાપ્તિ માટે તેઓ અિંહસા અને વૈધાનિક પદ્ધતિમાં વિશ્વાસ ધરાવતા હતા અને હિંદુ-મુસ્લિમ એકતા, સહયોગ તેમ જ સાંપ્રદાયિક સદભાવની તરફેણ કરતા હતા. મહાત્મા ગાંધીના જૂથના ‘નો કાઉન્સિલ એન્ટ્રી’ ઠરાવને અનુમોદન ન મળતાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના ગયા ખાતે મળેલા અધિવેશનમાં અધ્યક્ષપદેથી પોતાનું રાજીનામું આપી દીધું હતું. ૧૯૨૩માં તેમણે મોતીલાલ નહેરુ તથા હુસૈન શહીદ સુહરાવર્દીના સહયોગથી સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી હતી. ભારતીય  ટપાલ વિભાગ દ્વારા તેમના સન્માનમાં એક સ્મારકટિકિટ બહાર પાડવામાં આવી છે.

અશ્વિન આણદાણી