Categories
વાચન સમૃદ્ધિ

અન્ના ચંડી

જ. 5 એપ્રિલ, 1905 અ. 20 જુલાઈ, 1996

સંવેદનશીલ હૃદય, તીક્ષ્ણ બુદ્ધિશક્તિ તથા કાયદાનું ઊંડું જ્ઞાન ધરાવતાં અન્ના ચંડીનો જન્મ કેરળના તિરુવનંતપુરમ્(ત્રિવેન્દ્રમ્)માં થયો હતો. તે સમયે સ્ત્રીઓને મૅટ્રિકથી વિશેષ ભણવાની તક મળતી નહોતી. તેમ છતાં મહિલાઓના અધિકારોની બાબતમાં ભારતનાં અન્ય રાજ્યો કરતાં કેરળની મહિલાઓ વધુ પ્રગતિશીલ અને સાહસિક હતી. અન્નાએ 1926માં અનુસ્નાતક પદવી મેળવ્યા પછી સૌપ્રથમ કાયદાશાસ્ત્રમાં પદવી હાંસલ કરી. સમગ્ર કેરળ રાજ્યમાં આવું સન્માન પ્રાપ્ત કરનાર તેઓ પ્રથમ મહિલા બન્યાં. એ પછી 1929થી બૅરિસ્ટર તરીકે પ્રૅક્ટિસ કરવાની સાથોસાથ એમણે સ્ત્રીઓના હક્કો માટે મલયાળમ ભાષામાં ‘શ્રીમતી’ નામનું સામયિક શરૂ કર્યું. આ સામયિકનાં તેઓ પ્રથમ સંપાદક બન્યાં અને મહિલા-અધિકાર માટે લડત શરૂ કરી. 1938માં તેઓ જ્યુડિશિયલ ઑફિસર અને 1949માં ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ કોર્ટનાં ન્યાયાધીશ થયાં. 1959ની નવમી ફેબ્રુઆરીએ તેમની કેરળ હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે નિયુક્તિ થઈ ત્યારે તેઓને વડી અદાલતનાં પ્રથમ મહિલાન્યાયમૂર્તિ થવાનું ગૌરવ પ્રાપ્ત થયું. એ સમયે વડી અદાલતનું ન્યાયમૂર્તિપદ મેળવનાર તેઓ વિશ્વનાં બીજાં મહિલા હતાં. 1967ની પાંચમી એપ્રિલ સુધી તેઓએ આ ગૌરવવંતા પદ પર કામગીરી બજાવી. અન્ના ચંડીના પતિ પોલીસઇન્સ્પેક્ટર હતા. બંને વચ્ચે સમજદારીનો સેતુ મજબૂત હતો, પરિણામે અન્ના સફળતા હાંસલ કરતાં ગયાં, પણ તે માટે પોતાના અંગત જીવનનો ઘણો ભોગ પણ આપવો પડ્યો હતો. એમના પતિની બદલી જુદાં જુદાં શહેરોમાં થતી હતી. આથી બંનેને પોતાના વ્યવસાય સંભાળવા જુદા રહેવું પડતું હતું. પરિણામે અન્નાને શિરે ઘરગૃહસ્થી, વ્યવસાય તથા બાળકોના ઉછેરની જવાબદારી આવી, પરંતુ પ્રતિકૂળ સંજોગોનો તેમણે હિંમતભેર સામનો કર્યો. અન્નાને વાંચન અને સર્જનનો શોખ હોવાથી ‘મર્ડર ઑફ ધી ઇંગ્લિશ લૅન્ગ્વેજ’ (સેક્શન 206, પીનલ કોડ) નામના નાટકની રચના કરી; એટલું જ નહીં, પણ એનું સફળ નિર્દેશન કર્યું તથા નાટકમાં ભૂમિકા પણ ભજવી. તેમણે પોતાની આત્મકથા લખી છે જે 1973માં પ્રકાશિત થઈ હતી. તેઓ ત્રાવણકોર વિધાનસભાનાં સભ્ય બન્યાં હતાં અને આજીવન મહિલાઓના અધિકાર માટે લડત આપતાં રહ્યાં હતાં.

Categories
વાચન સમૃદ્ધિ

અણહકનું ન લેવાય

ફ્રાંસના સરકારી અધિકારી પોલની પાસે યોજના મંજૂર કરવાનો આખરી નિર્ણય લેવાની સત્તા હતી. એક કૉન્ટ્રાક્ટરને એ ખ્યાલ આવ્યો એટલે એણે વિચાર્યું કે લાખો ફ્રેન્કની કમાણી કરી આપે એવી આ યોજના કોઈ પણ સંજોગોમાં હાથ કરી લેવી. એ એક સૂટકેસમાં નોટોનાં બંડલ ભરીને કૉન્ટ્રાક્ટર પોલને ઘેર ગયો. આ સમયે પોલ ઘરમાં બેસીને કંઈક લખી રહ્યા હતા. કૉન્ટ્રાક્ટરે જોયું તો પોલનું ઘર એક સામાન્ય માનવીના ઘર જેવું હતું. એ જાણતો પણ હતો કે આ સરકારી અધિકારીનો હોદ્દો ઊંચો છે પણ એનો પગાર ઘણો ઓછો છે. આ સમયે મકાનમાલિક આવી ચડે છે અને પોલ પાસે ભાડાની ઉઘરાણી કરે છે. કૉન્ટ્રાક્ટરને થયું કે પોતે ખરેખર યોગ્ય સમયે જ આવ્યો છે. એણે મકાનમાલિકને કહ્યું, ‘સાહેબના ભાડાની ફિકર ન કરો. હું તમને ચૂકવી દઈશ.’ પોલે કહ્યું, ‘ભાઈ, એવી તકલીફ લેવાની જરૂર નથી. હું એક સામયિક માટે એક લેખ લખું છું. એનો પુરસ્કાર મળશે એટલે તરત ભાડું ચૂકવી દઈશ.’ કૉન્ટ્રેક્ટરે પૂછ્યું, ‘સાહેબ, રેલવેલાઇન નાખવા અંગેની મારી દરખાસ્ત આપને મળી ચૂકી હશે. એ અંગે આપ શું વિચારો છો ? મારા પર કૃપા કરો તો ઘણું સારું.’ કૉન્ટ્રાક્ટરે સૂટકેસ ખોલી અને કહ્યું, ‘સાહેબ, બસ તમે સંમતિ આપો એટલી જ વાર છે. આપને માટે પચાસ હજાર ફ્રેન્ક લાવ્યો છું. આખી જિંદગીમાં પણ આટલી કમાણી નહીં થાય.’ કૉન્ટ્રાક્ટરની ધૃષ્ટતા જોઈને પોલ અકળાઈ ગયા અને કોપાયમાન થઈને બોલ્યા, ‘ચાલ્યા જાવ અહીંથી, નહીં તો પોલીસના હવાલે કરી દઈશ.’ પોલનો અવાજ સાંભળીને એમનાં પત્ની રસોઈગૃહમાંથી બહાર દોડી આવ્યાં. કૉન્ટ્રાક્ટરે એમને જોઈને કહ્યું, ‘બહેન, આપના પતિદેવને સમજાવો. મારી આ ભેટનો સ્વીકાર કરે.’ શ્રીમતી પોલે કહ્યું, ‘આ ભેટ નથી, લાલચ છે. અમારું સીધુંસાદું જીવન જોઈને તમને થયું હશે કે તમે અમને ભોળવી જશો, પણ અમને અમારી સાદાઈ માટે ગૌરવ છે અને જુઓ, અણહકનું તો કદી ન લેવાય. માટે સૂટકેસ બંધ કરીને અહીંથી વિદાય થઈ જાવ.’

Categories
વાચન સમૃદ્ધિ

પરવીન બાબી

જ. 4 એપ્રિલ, 1954 અ. 20 જાન્યુઆરી, 2005

ભારતીય હિન્દી ફિલ્મજગતનાં સુપ્રસિદ્ધ અભિનેત્રી પરવીન બાબીનો જન્મ જૂનાગઢના નવાબ પરિવારમાં થયો હતો. પિતા વલિ મહોમદ તથા માતા જમાલ બખ્તેનું એ એકમાત્ર સંતાન હતાં. દસ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં અમદાવાદ સ્થળાંતર કર્યું. શાળાકીય શિક્ષણ અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં મેળવ્યું તથા અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય સાથે સ્નાતકની પદવી મેળવી. 1972માં મૉડલિંગજગતમાં પદાર્પણ કર્યું. દરમિયાન નિર્માતા નિર્દેશક બી. આર.  ઇશારાના ધ્યાનમાં આવતાં 1974માં ફિલ્મ ‘ચરિત્ર’માં અભિનય કરીને અભિનયક્ષેત્રે પદાર્પણ કર્યું. 1974માં જ અમિતાભ બચ્ચન સાથે ફિલ્મ ‘મજબૂર’માં નાયિકાના પાત્ર દ્વારા દર્શકો માટે ધ્યાનાકર્ષક અભિનેત્રી બન્યાં. ‘અમર અકબર ઍન્થની’, ‘દીવાર’, ‘સુહાગ’, ‘અર્પણ’, ‘ખુદ્દાર’, ‘મહાન’, ‘ક્રાન્તિ’ જેવી અનેક ફિલ્મોમાં અભિનય કર્યો. 70 અને 80ના દશકમાં સૌથી વધુ વળતર લેતાં અભિનેત્રી તરીકે ફિલ્મજગતમાં જાણીતાં બન્યાં. સુંદર તથા નિર્ભીક અભિનેત્રી પરવીન બાબી પોતાના આધુનિક દેખાવ તથા સ્વતંત્ર અભિગમથી જાણીતાં હતાં. 1976માં ‘ટાઇમ’ મૅગેઝિનના મુખપૃષ્ઠ પર પરવીન બાબીની તસવીર છપાઈ, જે ભારતીય અભિનેત્રી માટેની પ્રથમ ઘટના હતી. પરવીન બાબીનું અંગત જીવન ઘણું ચર્ચાસ્પદ તથા દુઃખી રહ્યું. અતિ સંવેદનશીલ આ અભિનેત્રીનું બાળપણ ઘણું કપરું રહ્યું હતું. પ્રણયસંબંધોમાં અનેક નિષ્ફળતા એમના માનસિક રોગોનું કારણ બની. 1983માં તેમણે ફિલ્મકારકિર્દી છોડીને અમેરિકા સ્થળાંતર કર્યું અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ શરૂ કર્યું, પરંતુ પેરાનોઇડ સ્કિઝોફ્રેનિઆ માનસિક રોગને કારણે તેઓ કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શક્યાં નહિ અને 1989માં ભારત પાછાં ફર્યાં. ત્યારબાદ એમનું જીવન એકલતા, હતાશા તથા માનસિક બીમારીમાં વીત્યું. 2005માં જૂહુના એમના નિવાસસ્થાનમાં તેઓ મૃત અવસ્થામાં મળ્યાં. અતિ સુંદર, મોહક તથા પ્રતિભાશાળી પરવીન બાબી એમના સમયમાં વિશેષ ખ્યાતિ પામ્યાં. ફિલ્મજગતમાં અવિસ્મરણીય અભિનેત્રી તરીકે પરવીન બાબીનું સ્થાન અવિચળ છે.