શિકારી પક્ષીઓમાં સૌથી જાણીતું પક્ષી.
સમડીની ૨૦ જાતિઓ છે. તે દરેક ખંડમાં વસે છે. સમડી માનવવસ્તીની પાસે રહે છે. સમડીની ઊડવાની રીત ન્યારી છે. સ્થિર પાંખે ગીધની જેમ તે હવામાં ચકરાવા મારી શકે છે. પવનનો લાભ લઈ તેની સાથે તે ઊડે છે. કોઈક વખત થોડી પાંખો હલાવે કે પૂંછડી આમતેમ મરડે. દરિયાનાં મોજાંની જેમ ક્યારેક ઊંચે ઊડે તો ક્યારેક નીચે પણ ઊતરે તો ક્યારેક કમનીય વળાંકો લઈ ઝડપભેર દિશા પણ બદલે અને એ રીતે તે આસાનીથી લાંબો સમય ઊડ્યા કરે. કોઈ શિકારી દેખાય તો તીરવેગે આવી પગથી પકડી, ઊંચે ચડી જાય અને ઊડતાં ઊડતાં જ તેને આરોગે. પગમાં પકડેલ શિકારમાંથી ચાંચથી ટુકડા કાપી કાપી, ખાતી જાય અને ઊડતી જાય. તેમાંથી ભાગ મેળવવાની લાલચે કાગડાઓ તેની પાછળ ક્યારેક પડતા પણ જણાય; પરંતુ સમડીની ચપળતા અને ઊડવાની ઝડપ આગળ કાગડાઓનું શું ગજું ?
સમડી, ભરબજારે, વાહનોની અવરજવરમાં ભીડભાડમાંથી પણ માણસના હાથમાંથી ખોરાકનું પડીકું ઝડપી લઈને સિફતથી ઊડી જાય છે. સમડી ખોરાકમાં તીડ, તીતીઘોડા, ઉંદર, સાપ, કાચિંડા, મરેલાં પ્રાણી તથા દરિયાકિનારે હોય તો ત્યાંથી માછલી, કરચલા અને કિનારે ઘસડાઈને આવતાં અન્ય પ્રાણીઓ પણ ખાઈ જાય છે. આમ સમડી કૃષિપાક ખાનાર ઉંદર, તીડ, તીતીઘોડા તેમ જ કેટલાક કીટકો વગેરેને ખાઈ જઈને કૃષિપાકનું રક્ષણ કરે છે અને તે મરેલાં પ્રાણીને ખાઈ જતી હોઈ ગંદકી દૂર કરી સ્વચ્છતા પણ જાળવે છે. નર અને માદા સમડી, દેખાવમાં સરખાં લાગે છે. તેઓ નાનું શીશ, લાંબી પાંખો અને અણીદાર પૂંછડી ધરાવે છે. ઊંચા ઝાડ પર તે પોતાનો માળો બાંધે છે અને બે કે ત્રણ ઈંડાં મૂકે છે. નર અને માદા બંને ઈંડાંનું સેવન કરે છે. જન્મે ત્યારે બચ્ચાં કપાસના દડા જેવાં લાગે છે. જોકે હવે તો આમલીની ઊંચી ડાળીઓ ઉપર સમડીના માળા મળવા મુશ્કેલ બની ગયા છે. આમલીનાં વૃક્ષોનો નાશ થઈ રહ્યો હોઈ સમડીના માળા ઓછા જોવા મળે છે.
ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી
અંજના ભગવતી