Categories
વાચન સમૃદ્ધિ

પોતાના વિરાટ દોષોને

વામન રૂપે જોતો અહંકારી ————

ગર્વ અને આત્મવંચના વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. એક વાર ચિત્તમાં ગર્વ ઘૂસી જાય એટલે વ્યક્તિ પોતાની જાતને વિશિષ્ટ માનવા લાગે છે. અન્યથી પોતાને અનેકગણી ચડિયાતી ગણે છે અને સમય જતાં બીજાઓને હીન કે તુચ્છ માનવા લાગે છે. ધીરે ધીરે એ ગર્વની આસપાસ વ્યક્તિ પોતાને પસંદ એવાં ભ્રામક મૂલ્યોના કિલ્લા રચી દે છે અને એને પોતાની જાત વિશે એ અતિશયોક્તિપૂર્ણ આદર ધરાવવા લાગે છે. થોડુંક જ્ઞાન આવે એટલે વ્યક્તિ પોતાના જ્ઞાનનો અહંકાર આગળ ધરવા લાગે છે. સંપત્તિ મળે એટલે સતત સંપત્તિનો દેખાવ કરવા ચાહે છે. અહંકારને લોભ સાથે ગાઢ નાતો છે. ગર્વિષ્ઠ માનવી સતત પોતાની પ્રશંસાનો લોભ રાખે છે અને એ પ્રશંસાથી પોતાના દોષોને ઢાંકવા કોશિશ કરે છે, આથી વ્યક્તિ જો એના અહંકારને કાબૂમાં ન રાખે તો સમય જતાં એની બૂરી હાલત થાય છે. એમ કહેવાય છે કે માણસના પતન કે પીછેહઠનો પ્રારંભ ગર્વથી થાય છે. ગર્વને યોગ્ય રીતે નિયંત્રિત ન કરી શકનારને અંતે જીવનમાં કડવા અનુભવોમાંથી પસાર થવું પડે છે. આ ગર્વને કારણે એ બીજાના દોષો સતત આગળ ધરતો રહે છે અને અન્યના ગુણની પ્રશંસા કે પ્રમોદભાવના ખોઈ નાખે છે. ક્યારેક બીજાના દોષોને વધુ મોટા કરીને એ સ્વ-ગર્વને પોષતો હોય છે. એ બીજાના વિરાટ સ્વરૂપને વામન જુએ છે અને પોતાના વામન સ્વરૂપને વિરાટ તરીકે નિહાળે છે. આથી ગર્વ એને સ્વદોષને સમજતો અટકાવે છે. જ્યાં સ્વ-દોષની સમજ જ ન હોય, ત્યાં દોષનિવારણની તો વાત જ ક્યાંથી થાય ? અને એથી જ પોતાના દોષની આગળ ગર્વની ઢાલ ધરીને એ બીજાના દોષો પર તલવારનો વાર કરતો હોય છે.

Categories
વાચન સમૃદ્ધિ

ટૉર્પીડો

નૌકાયુદ્ધમાં વપરાતું ખાસ પ્રકારનું શસ્ત્ર. તે સ્વયંપ્રણોદિત સ્વચાલિત આયુધ છે તથા પ્રબળ વિસ્ફોટકો સાથે પાણીની અંદર ગતિ કરે છે. તે દર કલાકે ૩૦થી ૪૦ નૉટ(દરિયાઈ માઈલ)ની ઝડપથી ગતિ કરે છે તથા ૩,૫૦૦થી ૯,૦૦૦ મીટર જેટલું અંતર એકસાથે કાપી શકે છે. માર્ગમાં તેનું વિચલન ન થાય અને નિશાન સુધી તે સીધી રેખામાં પ્રયાણ કરી શકે તે માટે તેના પર ગાયરોસ્કોપ નામક ભ્રમણદર્શક યંત્ર ગોઠવેલું હોય છે. તેની ઊંડાઈ પર નિયંત્રણ રાખી શકે તેવું પણ એક ઉપકરણ તેના પર ગોઠવેલું હોય છે. ફ્યૂમ ખાતેની રૉબર્ટ વ્હાઇટહેડની એક ફૅક્ટરીમાં ૧૮૬૬માં સર્વપ્રથમ વાર ટૉર્પીડો બનાવવામાં આવેલી. ઠંડી સંપીડિત (compressed) હવાથી સાત નૉટની ઝડપે આગળ ધસી શકે તેવી આ ટૉર્પીડોનું નિદર્શન ઘણા દેશો સમક્ષ રજૂ કરવામાં  આવ્યું હતું. ૧૮૮૦ સુધી ૩૦ નૉટની ઝડપે આશરે એક કિમી. સુધી જઈ શકે તેવી ટૉર્પીડો બનાવવામાં આવી હતી. વીસમી સદીની શરૂઆતમાં ઠંડી સંપીડિત હવાને બદલે ગરમ હવા દ્વારા ટૉર્પીડોને ગતિ આપવાના પ્રયોગો થયા, જે સફળ નીવડ્યા હતા. આ પદ્ધતિમાં પૅરાફિન, પાણી તથા હવા આ ત્રણેયનું  મિશ્રણ કરવામાં આવ્યું હતું, જેના પરિણામે વરાળ અને હવાના મિશ્રણથી ચલાવી શકાય તેવી ત્રિજ્યાની પેઠે પ્રસરતા યંત્રની શોધ શક્ય બની હતી. અમેરિકામાં ઇંધન તરીકે મદ્યાર્કનો ઉપયોગ કરી જલશક્તિથી ચલાવી શકાય તેવી ટૉર્પીડો બનાવવામાં આવી હતી.

બે વિશ્વયુદ્ધો દરમિયાન (૧૯૧૮–૩૯) ટૉર્પીડોની રચનામાં ઘણો વિકાસ સધાયો હતો. જર્મનીએ ૧૯૩૯માં વિદ્યુતશક્તિ વડે ચલાવી શકાય તેવી ટૉર્પીડો તેના નૌકાદળમાં દાખલ કરી હતી. સીસું અને તેજાબની બૅટરીથી તેને બળ આપવામાં આવતું. તે ૨૭ નૉટનું અંતર કાપી શકતી તથા ૮૦૦૦ મી. સુધી પ્રસરી શકતી હતી. ૧૯૪૩માં જર્મનીએ શ્રવણક્ષમ ટૉર્પીડોની શોધ કરી તથા તેમાં તારવાહક પદ્ધતિ દાખલ કરી, જેનો ઉપયોગ હવે ભારે વજનવાળી ટૉર્પીડોમાં થાય છે. ટૉર્પીડોની રચના ગમે તે પ્રકારની હોય છતાં ઝડપ અને અવાજ વિના દોડવાની તેની ક્ષમતાની બાબતમાં સબમરીન પર તેની સરસાઈ હોય તે જરૂરનું છે. તેની ઝડપ વધુ હોવી જોઈએ, અવાજ કર્યા વિના નિશાન સુધી પહોંચવાની તથા નિશાનની નજીક પહોંચતાંની સાથે જ નિશાન પર મારો કરવાની ક્ષમતા તેમાં હોવી આવશ્યક છે. પહેલી વાર નિશાન ચૂકી જાય તોપણ ફરી વાર નિશાન પર ધસી જવાની શક્તિ તેમાં હોવી જાઈએ તથા તેના પર સવાર કરવામાં આવેલાં આયુધાગ્રો(warheads)માં મોટા ભાગની સબમરીનોની હોય છે તેવી બે કાંઠાને વીંધવાની ક્ષમતા પણ હોવી જોઈએ. સામાન્ય રીતે ટૉર્પીડો પર પરંપરાગત વિસ્ફોટકો ગોઠવેલા હોય છે, જે સબમરીન પર સીધો મારો કરીને તેનો નાશ કરી શકે છે. અમેરિકાએ MK 45 ટૉર્પીડો પર પરમાણુ-અસ્ત્રો ગોઠવવાના પ્રયોગો કર્યા, પરંતુ પાછળથી તે પડતા મૂકવામાં આવ્યા. વિઘટિત સોવિયેત સંઘે તેનાં કેટલાંક શસ્ત્રો પર પરમાણુ-અસ્ત્રો ગોઠવ્યાં હતાં.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટૉર્પીડો, પૃ. ૩૬૦)

Categories
વાચન સમૃદ્ધિ

સુગરી (સુઘરી)

ચકલીના જેટલું કદ ધરાવનારું, સુંદર ગૂંથણીવાળો માળો બનાવનારું પક્ષી. સુગરીની મોટા ભાગની (આશરે ૨૯૦) જાતિઓ આફ્રિકામાં વસે છે. તે પૈકી ૩ ભારતમાં જોવા મળે છે. નર અને માદા દેખાવે સરખાં લાગે છે. પ્રજનનકાળે નર પક્ષી ચળકતો પીળો રંગ તેની છાતી પર ધારણ કરે છે. આ પક્ષીની ચાંચ ટૂંકી અને મજબૂત હોય છે. તેઓ ચકલી જેવો અવાજ કરે છે. આ પક્ષીઓમાં નર માળો બાંધે છે. ખોરાક અને માળો બાંધવાની વિપુલ  સામગ્રી મળી રહે તેવા ખેતર પાસે, તાડ, ખજૂરી કે બાવળના વૃક્ષ ઉપર તે માળો બાંધવાની શરૂઆત કરે છે. તેમાં પણ નીચે કૂવો કે જળાશય હોય તેવું સ્થળ વધારે પસંદ કરે છે. મોટા ભાગે એક વૃક્ષ પર સુગરીઓના ઘણાબધા નર પોતપોતાના માળાઓ બનાવે છે. તે માળો બનાવવા માટે લીલું ઘાસ અને તંતુઓનો ઉપયોગ કરે છે. પોતાની ચાંચ અને પગની મદદથી તાંતણાઓની સુંદર ગૂંથણી કરી ઝૂલતો, ઊંધા ચંબુ જેવો માળો બનાવે છે. તેમાં પ્રવેશ માટે નીચેની બાજુ કાણું હોય છે. માળાની રચના એવી હોય છે કે શત્રુ તેમાં પ્રવેશી શકતો નથી.

સુગરી અને તેને માળો

માદા પક્ષી નરની ઘર બનાવવાની કુશળતા પરથી તેને પસંદ કરે છે. અડધા-પડધા બનાવેલ માળાને જોઈ સુગરી તેની પસંદગી કરી, તેને માળો પૂરો કરવામાં મદદ કરે છે. ત્યારબાદ માદા તેમાં ત્રણથી ચાર સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. ત્યાર બાદ બચ્ચાં ઉછેરવાની જવાબદારી માદા સંભાળે છે, જ્યારે નર બીજું ઘર બાંધી બીજી માદા જોડે સંસાર માંડે છે. આ પક્ષીઓ દાણા ખાય છે; જ્યારે બચ્ચાંને જીવાત ખવડાવે છે. સુગરીનું પોતાની પાંખો પરનું નિયંત્રણ તથા અંધારામાં જોવાની શક્તિ નોંધપાત્ર હોય છે. તેને પોપટની જેમ કેળવી શકાય છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-10 માંથી