Categories
વાચન સમૃદ્ધિ

ટેરાકોટા

પકવેલી માટી કે માટીના વિવિધ ઘાટ. પલાળેલી માટી ગૂંદીને તેમાંથી હાથ, ચાકડો અને બીબાની મદદથી ઠામવાસણ, રમકડાં વગેરેને પકાવીને તૈયાર કરાય તે પકવેલી માટીનાં રમકડાં–ઘાટ તે ટેરાકોટા. ભારતમાં ‘ટેરાકોટા’(સં. धाराकूट)ની પરંપરા આશરે પાંચેક હજાર વર્ષ જેટલી પ્રાચીન છે. ટેરાકોટા નદીકાંઠાની સંસ્કૃતિ, નદીનો દોઆબ અને  જ્યાં રસળતી માટી મળી શકે ત્યાં વિશેષ પ્રકારે થયા છે. ભારતમાં ટેરાકોટાના રમકડાં-ઘાટ ઘડવાની પરંપરા વાયવ્યના બલૂચિસ્તાન, ઝોબ તેમજ કુલ્લીની અસરથી શરૂ થયેલ છે. તેમાં ઊઘડતી સંસ્કૃતિમાં ‘માતૃત્વ’ આપનાર એવી ‘દિગંબરાદેવી’ અને ગોમાતાને ફળાવનાર એવા ‘વૃષભ’ના અનેક ઘાટ ઘડાયા છે. હડપ્પા સંસ્કૃતિમાં ટેરાકોટા : પૂર્વ હડપ્પા પરંપરાના ટેરાકોટા વાયવ્યમાં માલધારી, ખેડૂત તેમજ કુંભકારના હાથે ઘડાયા હોય તેવા નાના નાના ઘાટ રૂપે મળ્યા છે. ઉત્તરકાલીન પરંપરામાં માતૃકા, આખલો વગેરે ઘડાયા છે. નારીના ઘાટ પર આંખ, નાક, હોઠ અને સ્તન તેમજ ઘરેણાં વાટા વણીને ચોંટાડાયેલ છે. હડપ્પામાંથી નારીના પુષ્કળ ટેરાકોટા મળ્યા છે તો પુરુષની માત્ર એક જ આકૃતિ મળી છે. તે ઉપરાંત પંખી, પશુ જેવાં કે વાનર, બકરો, ગેંડો, હાથી, સૂવર, સિંહ અને ખૂંધ વગરનો તેમજ ખૂંધવાળો એવા બે પ્રકારના વૃષભ મળ્યાં છે. સર્જનાત્મક રમકડાંમાં માથું હલાવે તેવું પંખી, કૂકડો, મોર, પોપટ, ગાડું તેમજ સિસોટી છે.

ગુજરાતમાં લોથલના ઉત્ખનનમાંથી પણ સીધા સરળ હાથે ઘડેલાં તેમજ સર્જનાત્મક ઘાટનાં આખલો, ગાય, ઘેટું, ભુંડ, ગેંડો વગેરે મળ્યાં છે. અહીંથી વિશેષ રૂપે પશુના ઘાટ મળ્યા છે, તે સિંધુ ઘાટી કરતાં કુલ્લી સંસ્કૃતિ સાથે વધારે સામ્ય ધરાવે છે. ઈ. સ. પૂ. ૧૯૦૦થી ૧૩૦૦ અનુહડપ્પા કાળ માટે એવું મનાતું હતું કે આ સમયગાળો અંધકારયુગ છે, પણ નવા સંશોધનથી જાણવા મળ્યું છે કે મધ્ય પશ્ચિમ ભારતમાંથી આહર અને માળવામાંથી પશુ તેમજ વૃષભના કુદરતી ઘાટ પ્રકારના ટેરાકોટા મળી આવ્યા છે. ઈ. સ. પૂ. હજારેક વર્ષે ભારતીય સભ્યતામાં લોખંડની શોધથી નવા ફેરફારો થયા, લોખંડનાં હથિયારો અને ઘોડાથી ખેંચાતાં વાહન શરૂ થયાં,  તેથી માનવ, પશુ અને રથનાં રમકડાં શરૂ થયાં. બિહાર બક્સર વગેરે સ્થળેથી આવા ટેરાકોટા મળ્યા છે. તે ઉપરાંત દળદાર ટેરાકોટા પટના, ભીટા, કૌસાંબીમાંથી ઉપલબ્ધ થયા છે. પાટલિપુત્રના ટેરાકોટામાં ગોળ પંખા જેવા અધોવસ્ત્રમાં ગતિનો આભાસ અને હાથોની ગોઠવણી પણ આગળપાછળ દર્શાવવાનો પ્રયત્ન થયો છે. મૌર્યકાલીન ટેરાકોટામાં કલાત્મકતા પ્રવેશી પરંપરિત પ્રાકૃત ઘડતરમાં ફેરફાર થયા, જે ભારતીય ટેરાકોટામાં મહત્ત્વપૂર્ણ છે. આવા ટેરાકોટા પાટલિપુત્રમાંથી મળ્યા છે. બુલંદીબાગમાંથી મળેલા ટેરાકોટા પૉલિશ કરેલા છે. મૌર્યકાળના ટેરાકોટાના ઘાટઘડતરમાં મોઢું બીબાથી ઢાળેલું છે. શરીરનાં અન્ય અંગો હાથ વડે જ નજાકતભરી રીતે તૈયાર કરેલાં છે. તેમાં ગતિમય ઘાઘરપટ્ટ, અલંકૃત શિરોવેષ્ટન વગેરે વિગતપૂર્ણ છે. મથુરામાંથી ઉપલબ્ધ મૌર્યકાલીન ટેરાકોટા જોતાં લાગે કે ભારતીય પ્રજાપતિ ઈરાની પરંપરાથી પરિચિત છે. શુંગકાળના ટેરાકોટા પૂર્વ તેમજ ઉત્તર ક્ષેત્રમાંથી પુષ્કળ મળ્યા છે. તેના ઘાટઘડતરની પ્રક્રિયામાં નાવીન્ય દેખાય છે. પરંપરિત ગોળાશવાળી આકૃતિની સાથોસાથ ભીંતે સમથળ ટાંગી શકાય તેવી છીછરા ઘાટની પ્લેટો પણ થઈ છે. શુંગકાળે લોકજીવનનું સામૂહિક ઉત્થાન જોઈ શકાય છે, તેથી આ કાળના ટેરાકોટામાં નરનારીનાં સાંસારિક જીવનનાં દૃશ્યો સપાટ પ્લેટમાં નિરૂપિત છે. શુંગકાલીન નારીરૂપ ઘાટમાં ભરચક શિરોવેષ્ટન, હાથે પુષ્કળ કંગન, હાર, પગે અલંકારો તેમજ કટિમેખલાથી નારીરૂપ ભરચક કરાયું છે, તેમાં ગજલક્ષ્મી તેમજ માતૃત્વ આપનાર દેવીનું પ્રતીક પ્રદર્શિત છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ટેરાકોટા, પૃ. ૩૧૮)

Categories
વાચન સમૃદ્ધિ

સિંગાપોર

મલાયા દ્વીપકલ્પના દક્ષિણ છેડે આવેલો ટાપુ-દેશ.

આ દેશ અગ્નિ-એશિયામાં આશરે ૦૧° ૧૭´ ઉ. અ. તથા ૧૦૩° ૫૧´ પૂ. રે. પર આવેલો છે. તેની પૂર્વમાં દક્ષિણ ચીની સમુદ્ર, પશ્ચિમમાં મલાક્કાની સામુદ્રધુની, ઉત્તરમાં મલેશિયા તથા દક્ષિણમાં ઇન્ડોનેશિયાના દેશોની જલસીમાઓ આવેલી છે. તે ‘પૂર્વના પ્રવેશદ્વાર’ તરીકે જાણીતું છે. તેના મધ્યસ્થ સ્થાનને લીધે તેનું ખૂબ મહત્ત્વ છે. સિંગાપોર આશરે ૬૧૬.૩ ચોકિમી. ક્ષેત્રફળ ધરાવે છે. તેની વસ્તી આશરે ૬૦,૪૦,૦૦૦ (૨૦૨૪) જેટલી છે. તે વિશ્વની સૌથી વિશેષ લાંબી મલાક્કાની સામુદ્રધુની(આશરે ૭૭૪ કિમી.)ના પ્રવેશદ્વાર પર નિયંત્રણ ધરાવે છે. સિંગાપોર એક નાનકડો ટાપુ છે. તેના પૂર્વના ચાંગી પૉઇન્ટથી પશ્ચિમના જુરૉન્ગ સુધીની તેની લંબાઈ આશરે ૪૨ કિમી. છે, જ્યારે તેની ઉ.દ. પહોળાઈ લગભગ ૨૨.૫ કિમી. જેટલી છે. મુખ્ય ટાપુ ઉપરાંત તેની આસપાસના લગભગ ૫૪ જેટલા અન્ય નાના નાના ટાપુઓ મળીને ‘સિંગાપોરનું પ્રજાસત્તાક’ બને છે. સિંગાપોર ટાપુનો આકાર પાંખો પહોળી કરીને ઊડતા ચામાચીડિયા જેવો છે.

સિંગાપોર

ભૂરચનાત્મક દૃષ્ટિએ જોતાં તેને મુખ્યત્વે ત્રણ વિભાગોમાં વહેંચી શકાય : (૧)મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશ, (૨) પશ્ચિમનો ડુંગર તથા ખીણપ્રદેશ અને (૩) પૂર્વનો સપાટ પ્રદેશ. મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશમાં ગ્રૅનાઇટ ખડકો પથરાયેલા છે. આ ભાગમાં નદીઓનું અગત્યનું સ્રાવક્ષેત્ર આવેલું છે. તેમાંથી સિંગાપોરની મુખ્ય નદીઓ સુન્ગેઈ સેલેતર તથા સુન્ગેઈ કૉલાન્ગ ઉદભવ પામે છે. અહીં વિખ્યાત માઉન્ટ ફેબર આવેલો છે. તે પર્યટકો માટેનું મુખ્ય આકર્ષણ છે. સિંગાપોરમાં જંગલોનું પ્રમાણ નહિવત્ છે. મધ્યસ્થ ડુંગરાળ પ્રદેશમાં આછાં વર્ષાજંગલોના છૂટાછવાયા વિસ્તારો આવેલા છે. અહીંનાં વર્ષાજંગલોમાં વિશ્વવિખ્યાત ‘રાત્રિ સફારી’ આવેલો છે. અહીંનાં ૯૦% પ્રાણીઓ-પક્ષીઓ રાત્રિ દરમિયાન વિહરે છે. પર્યટકો રાત્રે હરીફરીને ત્યાંનાં પ્રાણીઓ-પક્ષીઓને જોઈ શકે છે. જુરોન્ગ ખાતે એક પક્ષીઉદ્યાન પણ આવેલો છે. સિંગાપોરનું પ્રાણીસંગ્રહાલય પણ જોવાલાયક છે. તેમાં એશિયાભરના વન્ય જીવો જોવા મળે છે. પ્રાણીસંગ્રહાલયનું મુખ્ય આકર્ષણ અહીંનું માનવસર્જિત જંગલ છે. આ સંગ્રહાલયના જુદા જુદા વિભાગોની સીમાઓ ખડકો ગોઠવીને તથા ખાઈઓમાં પાણી ભરીને એવી આકર્ષક રીતે કંડારેલી છે કે દર્શકને તે કુદરતસર્જિત હોવાનો ભાસ કરાવે છે. આ ટાપુના કુલ વિસ્તારના આશરે અર્ધા ભાગમાં ખેતી કરવામાં આવે છે. રબર, નાળિયેરી, શાકભાજી તથા ફળો અહીંના મુખ્ય પાકો છે. મત્સ્યપ્રવૃત્તિને પ્રોત્સાહન મળે તે હેતુથી જુરોન્ગ નામના મત્સ્યબંદરની સ્થાપના થઈ છે. આ દેશમાં કલાઈગાળણ અને શોધન, ખનિજતેલ-શોધન, જહાજ-બાંધકામ; કાપડ, રબર, લાકડાં, યંત્રસામગ્રી, રાસાયણિક પેદાશો, ખાદ્યચીજો વગેરના ઔદ્યોગિક એકમો તેમ જ પ્રવાસન અને બૅન્કિંગ સેવાઓને લગતા ઉદ્યોગો વિક્સેલા છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સિંગાપોર, પૃ. ૨૦૪)

Categories
વાચન સમૃદ્ધિ

ટેમ્સ નદી

ઇંગ્લૅન્ડની સૌથી મહત્ત્વની તથા સૌથી લાંબી નદી. તે દક્ષિણ ઇંગ્લૅન્ડમાં આવેલી છે. દેશના દક્ષિણ ભાગમાં ૩૪૬ કિમી. સુધી વહીને તે ઉત્તર સમુદ્રને મળે છે. આ નદી ગ્લુચેસ્ટરશાયરના કાસ્ટ વોલ્ડની પહાડીઓમાંથી અનેક ધારાઓના રૂપે વહે છે. તે નૈર્ઋત્યમાં વહીને આગળ જાય છે. ઑક્સફર્ડ પાસે તેના પ્રવાહની પહોળાઈ આશરે ૩૬.૫ મીટર અને ટેડિંગ્ટન પાસે તેનો પ્રવાહ આશરે ૭૫ મીટર અને ત્યાંથી આશરે ૨૫ કિમી. નીચે ગ્રેવલૅન્ડ પાસે આશરે ૬૩૦ મીટર પહોળો બને છે. જેમ જેમ તે સમુદ્રની નજીક પહોંચે છે તેમ તેમ આ પહોળાઈ વધતી જાય છે. શિયરનેસ અને શુલરીનેસ પાસે આ પહોળાઈ એકદમ વધીને ૮.૮ કિમી. બને છે.

લંડનની મધ્યમાં વહેતી ટેમ્સ નદી

લંડન બ્રિજની ઉપરવાસ આશરે ૨૪૬ કિમી. દૂર તેને ચર્ન નદી મળે છે. આગળ જતાં ટેમ્સને કોલ્ન, વિન્ડરશ, ઇવનલોર્ડ, ચર્નવેલ, ઓક અને થૅમ વગેરે નદીઓ મળે છે. ચિલટર્નની પહાડીઓને તે બર્કશાયરથી જુદી પાડે છે. લંડન બ્રિજથી આશરે ૩૦ કિમી. ઉપરવાસે અને ટેડિંગ્ટનથી નીચે ટેમ્સમાં પાણીનો પ્રવાહ ભરતીવાળો બને છે. ગ્રેટર લંડનથી પસાર થતાં તે ૧૮ રસ્તાઓ અને ૬ રેલવે પુલ નીચેથી પસાર થાય છે. લંડન શહેરને આ નદી પાણી પૂરું પાડે છે. ઑક્સફર્ડ, વીડિંગ, કિંગ્સ્ટન, લંડન તથા ટિલ્બરી જેવાં કેટલાંક અગત્યનાં શહેરો પોતાના પ્રવાહ દરમિયાન આવરી લે છે. તેમના જળમાર્ગ તરીકે તે ઉપયોગી બને છે. લંડનમાંથી પસાર થતાં તેના માર્ગ પર ટાવર ઑવ્ લંડન તથા દેશની સંસદનાં બંને ગૃહો હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ તથા હાઉસ ઑવ્ કૉમન્સની ઇમારતો આવે છે. લંડનનાં મોટા ભાગનાં કારખાનાં આ નદીના કિનારે ઊભાં કરવામાં આવ્યાં છે. વ્યાપારના મથક તરીકે લંડનનું મહત્ત્વ પણ મુખ્યત્વે આ નદીને આભારી છે. નદીના મુખ પાસે તેલ-શુદ્ધીકરણના એકમો છે.

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી