Categories
વાચન સમૃદ્ધિ

સાપુતારા

ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલું ગિરિમથક. ‘સાપુતારા’ નામનો અર્થ ‘સાપોનો નિવાસપ્રદેશ’ એવો થાય છે. દેશને સ્વાતંત્ર્ય મળ્યા પછી ગુજરાતમાં સૌથી પહેલા ગિરિમથક તરીકે આ સ્થળનો વિકાસ કરવામાં આવ્યો. તે રાજ્યના સૌથી ગાઢ જંગલ ધરાવતા ડાંગ જિલ્લામાં સૂરતથી ૧૬૪ કિમી.ના અંતરે આવેલું છે. સહ્યાદ્રિ ગિરિમાળામાં તે દરિયાની સપાટીથી ૮૭૨.૯ મીટરની ઊંચાઈ પર છે. સાપુતારાનું ભૂપૃષ્ઠ પહાડી છે. પશ્ચિમ ઘાટમાંથી નીકળતી સર્પગંગા નદી ગામની નજીકથી વહે છે. અહીં લાવાપ્રવાહોથી રચાયેલા બેસાલ્ટ ખડકો પથરાયેલા છે. કેટલાક વિસ્તારોમાં લાલ માટીનું તો અન્ય ઠેકાણે રેગર અથવા કાળી માટીનું આવરણ પથરાયેલું જોવા મળે છે.

ઉનાળામાં અહીંનું હવામાન ઠંડું, ખુશનુમા અને આહલાદક હોય છે. શિયાળો પ્રમાણમાં ઠંડો હોય છે. અહીં વાર્ષિક સરેરાશ વરસાદ ૨,૫૪૦ મિમી.થી  ૩,૨૦૦ મિમી. જેટલો થાય છે. અહીંનાં જંગલોમાં સાગ અને વાંસનાં ઝાડ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. ઔષધીય વનસ્પતિઓ પણ ખૂબ પ્રમાણમાં ઊગે છે. સાપુતારામાં ૮૪૫ મીટરની ઊંચાઈએ એક જળાશય તૈયાર કરવામાં આવેલું છે. આ જળાશય સાપુતારામાં પીવાનું પાણી પૂરું પાડે છે. રાજ્યના મત્સ્યવિભાગ દ્વારા આ જળાશયમાં મત્સ્યઉછેર થાય છે. અહીં મધમાખીઉછેર-કેન્દ્ર પણ વિકસાવવામાં આવ્યું છે. અહીંનાં જોવાલાયક સ્થળોમાં સનરાઇઝ અને સનસેટ પૉઇન્ટ, ઇકો-પૉઇન્ટ, સાપુતારા સરોવર, રજ્જુમાર્ગ, વેલી-વ્યૂ-પૉઇન્ટ, લેક-ગાર્ડન, રોઝ-ગાર્ડન, સ્ટેપ-ગાર્ડન, મધમાખીઉછેર-કેન્દ્ર તથા આદિવાસી હસ્તકલાની ચીજ-વસ્તુઓના સંગ્રહાલયનો સમાવેશ થાય છે. આ સંગ્રહાલયમાં ડાંગ વિસ્તારના આદિવાસીઓની હસ્તકલાના નમૂના, ઘરેણાં, વાજિંત્રો, શસ્ત્રો અને શિકારનાં ઓજારો પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. સાપુતારા ગિરિમથક ગુજરાત અને મહારાષ્ટ્રનાં મુખ્ય શહેરો સાથે સડકમાર્ગોથી સંકળાયેલું છે. ગુજરાત અને મહારાષ્ટ્રના પર્યટકો અહીં અવારનવાર આવતા રહે છે. પર્યટકો માટે અહીં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે.

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

ઝાંસી

ઉત્તરપ્રદેશના ૭૪ જિલ્લા પૈકીનો જિલ્લો અને જિલ્લામથક. જિલ્લાનું ક્ષેત્રફળ ૫૦૨૪ ચોકિમી. છે. ૨૦૨૪માં જિલ્લાની કુલ વસ્તી આશરે ૨૩,૧૫,૫૮૧ હતી. વસ્તીનો મોટો ભાગ ગામડાંમાં વસે છે. આ જિલ્લાની ઈશાન તરફ ઉત્તરપ્રદેશનો હમીરપુર જિલ્લો અને ધસાન નદી, પશ્ચિમે રાજસ્થાન, ઉત્તરે જાલોન જિલ્લો, અગ્નિ તરફ મહોબા જિલ્લો અને દક્ષિણે લલિતપુર ને મધ્યપ્રદેશનો વિસ્તાર આવેલો છે. આ જિલ્લો સાંકડી લાંબી પટ્ટી રૂપે વાંકોચૂકો આવેલો છે. બુંદેલ ખંડના ડુંગરાળ પ્રદેશમાં તેનો સમાવેશ થાય છે પણ ગંગાના મેદાન અને વિંધ્યાચળ ગિરિમાળા વચ્ચેના ઉત્તર ભાગમાં ડેક્કન ટ્રૅપની લાવાની બનેલી કાળી જમીન આવેલી છે. આ પ્રદેશ સમુદ્રથી દૂર આવેલો છે તેથી સપાટ પ્રદેશની આબોહવા વિષમ છે, પણ ડુંગરોની ઊંચાઈને કારણે ઉનાળા અને શિયાળાના તથા દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો થાય છે. ઝાંસી જિલ્લાનું ગુરુતમ દૈનિક તાપમાન ૩૨.૫° સે. અને લઘુતમ દૈનિક તાપમાન ૧૯.૭° સે. રહે છે. મે મહિનામાં સૌથી વધુ ગરમી હોય છે જ્યારે જાન્યુઆરીમાં સૌથી ઓછી. ૧૫ જૂનથી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડે છે. સમગ્ર વર્ષ દરમિયાન ૧૨૦૦થી ૧૬૦૦ મિમી. વરસાદ પડે છે. આ પ્રદેશમાં મોસમી પ્રદેશ જેવી વનસ્પતિ છે. સાગ, સાલ, ખેર, ટીમરુ, વાંસ, શીમળો, કડો, આંબલી, સાજડ, હળદરવો, અરડૂસો જેવાં વૃક્ષો અને વાઘ, હરણ, ભુંડ, જરખ, શિયાળ, સાપ, સસલાં વગેરે જંગલી પ્રાણીઓ જોવા મળે છે. કપાસ, બાજરી, ઘઉં, કઠોળ, શેરડી, તલ, મગફળી, સરસવ, રાયડો વગેરે મુખ્ય પાકો છે. લોકોનો મુખ્ય ધંધો ખેતી અને પશુપાલન છે. આઝાદી બાદ ઉદ્યોગો વિકસ્યા છે અને તે મોટા ભાગે ઝાંસી શહેરમાં આવેલા છે.

ઝાંસીનો કિલ્લો અને શહેર

જિલ્લાનું મુખ્ય શહેર ઝાંસી આગ્રાથી દક્ષિણે ૨૧૦ કિમી. દૂર ૨૫° ૩૦´ ઉ. અ. અને ૭૮° ૩૬´ પૂ. રે. ઉપર આવેલું છે. અહીં વિમાની મથક છે. ઝાંસીમાં ૩૦.૫ સે. ગુરુતમ તાપમાન અને ૨૦.૪ લઘુતમ તાપમાન રહે છે. અહીં વરસાદ ૧૦૦૦થી ૧૨૦૦ મિમી. પડે છે. તે અનાજ, કપાસ, તેલીબિયાં વગેરેનું પીઠું છે. ખેતીનાં સાધનો, પિત્તળનાં વાસણો, ગાલીચા, રેશમી વસ્ત્રો, હાથસાળનું કાપડ, ધાબળા, બીડી, સાબુ, દવા વગેરેનું અહીં ઉત્પાદન થાય છે. આ ઉપરાંત તેલની મિલો તથા રીરોલિંગ મિલ વગેરે કારખાનાં આવેલાં છે. મોરાનીપુરમાં ‘ખારવા’ તરીકે ઓળખાતું કાપડ તૈયાર થાય છે. અહીં રેલવેની વર્કશૉપ તથા કૉલોની, ઝાંસી યુનિવર્સિટી તથા શહેરની પશ્ચિમે ડુંગર ઉપરના કિલ્લામાં લક્ષ્મી, દુર્ગા અને મુરલીમનોહરનાં મંદિરો અને રાણીનો મહેલ આવેલાં છે. શહેરની ફરતો કોટ છે. આ શહેરની બુંદેલા રાજા વીરસિંગે ૧૬૧૩માં સ્થાપના કરી હતી અને શહેરના મુખ્ય ભાગ ફરતો કોટ બંધાવ્યો હતો. શહેરનું બીજું નામ બળવંતનગર છે. ઇતિહાસ : આ પ્રદેશનો બારમી સદીથી ઇતિહાસ મળે છે. ૧૧૮૨માં પૃથ્વીરાજ ચૌહાણે ચંદેલાઓને હરાવીને આ પ્રદેશ કબજે કર્યો હતો. કુતુબુદ્દીન ઐબકે ૧૨૦૨થી ૧૨૦૩ દરમિયાન અને અલ્તમશે ૧૨૩૪માં આ પ્રદેશ ઉપર આક્રમણ કરી હિંદુ મંદિરોનો નાશ કર્યો હતો. ત્યારબાદ ખેંગાર જાતિના લોકોનું રાજ્ય ત્યાં સ્થપાયું હતું. રુદ્રપ્રતાપ બુંદેલાએ તેરમી સદીમાં ખેંગારોને હરાવીને આ પ્રદેશ કબજે કર્યો હતો. તેના અનુગામી પુત્ર ભારતીચંદ્રે ૧૫૨૧માં ઓરછાની સ્થાપના કરી હતી.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ વૉલ્યુમ ખંડ-૮, ઝાંસી, પૃ. 141)

ગુજરાતી વિશ્વકોશ ગ્રંથ-8 માંથી

Categories
વાચન સમૃદ્ધિ

સાન ફ્રાન્સિસ્કો

યુ.એસ.ના કૅલિફૉર્નિયા રાજ્યનું મોટું શહેર.

તે ૩૭  ૪૬´ ઉ. અ. અને ૧૨૨  ૨૫´ પ. રે.ની વચ્ચે આવેલું છે. તે યુ.એસ.ના પશ્ચિમ ભાગમાં, પ્રશાંત મહાસાગરના કાંઠા પર વસેલું છે. સાન ફ્રાન્સિસ્કો શહેર લગભગ ૪૦થી વધુ ટેકરીઓ પર કે ટેકરીઓની આજુબાજુ વિસ્તરેલું છે. સાન ફ્રાન્સિસ્કોની પશ્ચિમે પ્રશાંત મહાસાગર અને પૂર્વે સાન ફ્રાન્સિસ્કોનો ઉપસાગર આવેલો છે. ઉત્તર તરફ આવેલી ગોલ્ડન ગેટ નામની ૧.૫ કિમી. પહોળી સામુદ્રધુની આ બંને જળરાશિઓને સાંકળે છે. ઉત્તરે ખૂબ પ્રખ્યાત ગોલ્ડન ગેટ બ્રિજ આવેલો છે. મોટાં વહાણો તેની નીચેથી પસાર થઈ શકે તેટલો તે ઊંચો છે. પૂર્વમાં સાન ફ્રાન્સિસ્કો–ઓકલૅન્ડ બ્રિજ છે. બે માળ ધરાવતો આ બ્રિજ ૧૩ કિમી. લાંબો છે. આ બ્રિજની જમણી બાજુએ ટેકરી પર અગાઉ કારાવાસ ઊભો કરાયેલો. તેનો બૃહદ મહાનગરીય વિસ્તાર લગભગ ૨૦,૬૧૬ ચોકિમી. જેટલો છે. સાન ફ્રાન્સિસ્કોમાં પ્રશાંત મહાસાગર તેમ જ અખાતમાં આવેલા ટાપુઓનો પણ સમાવેશ થઈ જાય છે. શહેરનો વિસ્તાર ૨૧૫ ચોકિમી. જળવિસ્તાર સહિત લગભગ ૩૩૪ ચોકિમી જેટલો છે. તેની વસ્તી (નગરની) ૮,૭૩,૯૬૫ (૨૦૨૦) અને બૃહદ મહાનગરની ૪૫,૬૬,૯૬૧ (૨૦૨૦) જેટલી છે.

એક પણ થાંભલા વિનાનો સાન ફ્રાન્સિસ્કોનો ગોલ્ડન ગેટ બ્રિજ

સાન ફ્રાન્સિસ્કો શહેરની સ્થાપના સ્પૅનિશ વસાહતીઓએ ૧૭૭૬માં કરેલી. ૧૮૪૮માં આ સ્થળે સુવર્ણનિક્ષેપો શોધી કાઢવામાં આવ્યા, પરિણામે ૧૮૪૯માં ત્યાં ‘ગોલ્ડ રશ’ થયેલો. ત્યારપછી ત્યાં બીજા લોકો આવીને વસ્યા. ૧૯મી સદીના ઉત્તરાર્ધ કાળમાં તે પશ્ચિમ યુ.એસ.નું નાણાકીય તેમ જ ઔદ્યોગિક પાટનગર ગણાતું રહ્યું. ૧૯૦૬માં ભૂકંપમાં અને તેને લીધે લાગેલી આગમાં આ શહેરને ખૂબ જ નુક્સાન થયેલું; પરંતુ  અહીંના નિવાસીઓએ શહેરનું પુનર્નિર્માણ કર્યું. ૧૯૪૫માં સાન ફ્રાન્સિસ્કો ખાતે યુનાઇટેડ નૅશન્સ (UN) સંસ્થાએ આકાર લીધો. શહેરનો મધ્ય વિસ્તાર નૉબ હિલ તેમ જ રશિયન હિલ પર આવેલો છે. નૉબ હિલ સિવિક સેન્ટરથી ઈશાનમાં આવેલી છે. તેની પૂર્વમાં ચાઇના ટાઉનનો ધંધાકીય વિભાગ છે. ચાઇના ટાઉનના ગીચ વિસ્તારમાં ચીની વંશના આશરે ૩૦,૦૦૦ લોકો વસે છે. અહીં રંગબેરંગી દુકાનો, રેસ્ટોરાં તેમ જ ચીની શૈલીની ઇમારતો આવેલી છે. મધ્ય સાન ફ્રાન્સિસ્કોના ઉત્તર ભાગમાં રશિયન હિલ આવેલી છે. દુનિયાના વધુમાં વધુ ઢાળ ધરાવતા માર્ગો અહીં આવેલા છે. દુનિયાભરની વધુમાં વધુ વાંકીચૂકી શેરીવાળો લોમ્બાર્ડ શેરીનો એક ભાગ છે. તેના એક વિભાગમાં આઠ જેટલા ઉગ્ર વળાંકો છે. એમ્બારકૅડેરો માર્ગના ઉત્તર છેડે માછીમારોનો વિભાગ છે. અહીં મુખ્યત્વે દરિયાઈ ખોરાકનાં રેસ્ટોરાં જોવા મળે છે. અખાતની ધાર પર સાન ફ્રાન્સિસ્કોનું બંદર આવેલું છે. તે દુનિયાનાં મોટાં ગણાતાં કુદરતી બારાં ધરાવતાં બંદરો પૈકીનું એક છે. કાંઠાની ધારે સમાંતર પહોળો એમ્બારકૅડેરો માર્ગ ચાલ્યો જાય છે. સાન ફ્રાન્સિસ્કો યુ.એસ.નું આગળ પડતું નાણાકીય મથક રહ્યું છે. વળી તે વાણિજ્ય, ઉદ્યોગ તેમ જ પ્રવાસનનું પણ મુખ્ય કેન્દ્ર છે. દેશનાં ૧૦૦થી વધુ મોટાં નિગમોનાં મુખ્ય કાર્યાલયો આ શહેરમાં કે તેની આજુબાજુ આવેલાં છે.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-૯, સાન ફ્રાન્સિસ્કો, પૃ. 101)

ગુજરાતી બાળવિશ્વકોશ ગ્રંથ-9 માંથી