Categories
વાચન સમૃદ્ધિ

ઢાલશંકુ (shield cone)

જ્વાળામુખીના નિર્ગમમુખની આજુબાજુ ફક્ત ખડકોના ટુકડા કે ફક્ત લાવાપ્રવાહ અથવા આ બંને દ્રવ્યોથી બનતી લગભગ શંકુ આકારની રચના. ઢાલશંકુ એ જ્વાળામુખી શંકુનો જ એક પ્રકાર છે. તે એક જ સ્થાને જ્વાળામુખીકંઠની આજુબાજુ લાવા પ્રસ્ફુટનનાં વારંવારનાં આવર્તનોથી એકત્રિત થઈ શંકુ આકાર ધારણ કરે છે. જ્વાળામુખી પ્રસ્ફુટનની ક્રિયા શાંત કે વિસ્ફોટક પ્રકારની હોઈ શકે છે. આવા શંકુ ઓછી ઊંચાઈવાળા, ચોતરફથી પહોળા દેખાવવાળા હોય છે. ફાટ દ્વારા થતાં વારંવારનાં લાવાપ્રવાહનાં પ્રસ્ફુટનોથી વિસ્તરણ થવાને બદલે એક જ ફાટ વિભાગની આજુબાજુ લાવા જમા થતો જાય તો તે પહોળા, ગોળાકાર ઘુમ્મટ આકારનાં ભૂમિસ્વરૂપો રચે છે. તેને ઢાલશંકુ કહે છે. તેની ટોચ પર યોદ્ધાની ઢાલને મળતો આવતો આછો બહિર્ગોળ ઉચ્ચસપાટપ્રદેશ જેવો આકાર રચાતો હોવાથી તેનું નામ ઢાલશંકુ પડેલું છે. જોવા મળેલા ઢાલશંકુઓ પૈકી કેટલાકનું કદ હજારો ઘન કિલોમીટરનું હોય છે. આવા ઢાલશંકુઓમાં શિખરભાગથી ટેકરીની નીચેની બાહ્ય કિનારીઓ સુધીની ફાટ જામીને લાંબી દીવાલ જેવી દેખાતી હોય છે. ઢાલશંકુઓ લગભગ સંપૂર્ણપણે અસંખ્ય ઉપરાઉપરી પાતળા લાવા-પ્રવાહોનાં આવર્તનોથી બનેલા હોય છે. પૅસિફિક મહાસાગરના હવાઈ ટાપુના મોના લોઆ અને કિલોઆ ઢાલશંકુનાં લાક્ષણિક ઉદાહરણો છે. આઇસલૅન્ડના વિશાળ બેસાલ્ટયુક્ત જ્વાળામુખી પણ ઉદાહરણરૂપ ગણાવી શકાય.

મોના લોઆનો ઢાલશંકુ

ઢાલશંકુઓના બાહ્ય ઢોળાવો તદ્દન આછા (3O થી 8O સુધીના) હોય છે. તેમના શિખરભાગોમાં સપાટ તળભાગવાળાં અને લગભગ ઊભી કે ત્રાંસી દીવાલોવાળાં જ્વાળામુખો હોય છે. ઢાલશંકુઓમાં જોવા મળતાં આ પ્રકારનાં વિશિષ્ટ જ્વાળામુખો ગર્ત-જ્વાળામુખ તરીકે ઓળખાય છે. ઢાલશંકુઓને તેમના વિશાળ કદ અને રચનાત્મક માળખાને આધારે નીચે મુજબના બે પ્રકારોમાં વહેંચેલા છે : (1) આઇસલૅન્ડ પ્રકાર : તે પ્રમાણમાં ઓછા પરિમાણવાળા હોય છે, ઊંચાઈ 100થી 1000 મીટર વચ્ચેની હોય છે, તેમના તળેટીભાગનો વ્યાસ ઊંચાઈ કરતાં આશરે વીસગણો હોય છે, જ્યારે ટોચ પરના જ્વાળામુખોનો વ્યાસ 100થી 2000 મીટર જેટલો હોય છે. (2) હવાઈઅન પ્રકાર : આઇસલૅન્ડ પ્રકારની સરખામણીએ તેમનાં પરિમાણ અત્યંત વિશાળ હોય છે. સમુદ્રસપાટીથી નીચે વિસ્તરેલા ઢોળાવો સહિતનો ‘મોના લોઆ’ જ્વાળામુખી શંકુ આ પ્રકારનું ઉદાહરણ છે. તેની ઊંચાઈ આશરે 10,000 મીટર છે, તળભાગનો વ્યાસ આશરે 400 કિમી. જેટલો છે, બાજુઓના ઢોળાવના ખૂણા 6Oથી વધુ હોતા નથી, જ્યારે તેમના શિખરભાગો ક્યારેક ઉચ્ચસપાટપ્રદેશ સ્વરૂપના બની રહે છે. બધા જ ઢાલશંકુ લગભગ સંપૂર્ણપણે બેસાલ્ટ (કે ઑલિવીન બેસાલ્ટ) ખડક બંધારણવાળા હોય છે. હવાઈઅન ઢાલશંકુઓમાં બેસાલ્ટની સાથે સ્વભેદનક્રિયાથી તૈયાર થયેલા ટેફ્રાઇટ, ટ્રેકાઇટ અને ફોનોલાઇટ પણ ગૌણ પ્રમાણમાં જોવા મળે છે.

ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8

Categories
વાચન સમૃદ્ધિ

સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા (Statue of Liberty)

યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના ન્યૂયૉર્કના બારાના પ્રવેશદ્વારે લિબર્ટી ટાપુ પર આવેલી સ્વાતંત્ર્યદેવીની વિશ્વવિખ્યાત પ્રતિમા. આ શિલ્પનું પૂરું નામ છે ‘લિબર્ટી એન્લાઇટનિંગ ધ વર્લ્ડ’. તાંબાનું આ ભવ્ય પ્રતિમાશિલ્પ યુ.એસ.ની ઓળખના પ્રતીકરૂપ છે. પ્રતિમાવાળો લિબર્ટી ટાપુ મૅનહટ્ટન ટાપુના નૈઋત્ય છેડાથી આશરે ૨.૫ કિમી. જેટલા અંતરે આવેલો છે. ખુલ્લા ઝભ્ભા જેવું વસ્ત્ર પરિધાન કરેલી, જમણા હાથમાં પ્રગટેલી મશાલ પકડીને ઊભેલી સ્ત્રીનું આ ભવ્ય શિલ્પ જોનારની આંખોને મુગ્ધ કરે છે. મસ્તક પરના મુકુટના સાત આરા, સાત સમુદ્રો અને સાત ખંડો પરનાં સ્વાતંત્ર્યનાં પ્રકાશકિરણોનું સૂચન કરે છે. ડાબા હાથમાં રહેલું ઝૂલતું સાધન અમેરિકાના સ્વાતંત્ર્યદિનની રોમન અંકોમાં દર્શાવેલી ૪ જુલાઈ, ૧૭૭૬ની તારીખ સૂચવે છે. પગ હેઠળ દાબેલી સાંકળ અન્યાયી શાસનનો પ્રતિકાર કરતી બતાવી છે. લાખો પરદેશી પ્રવાસીઓ જ્યારે યુ.એસ.ના પ્રવેશદ્વાર સમા ન્યૂયૉર્કમાં પ્રવેશતાં સ્વાતંત્ર્યદેવીની આ પ્રતિમાની નજીકથી પસાર થાય છે ત્યારે તેમને આ પ્રતિમા આવકાર આપતી હોય અને સ્વતંત્રતા, સમાનતા ને બંધુતા માટેની પ્રેરણા આપતી હોય તેવું ન લાગે તો જ નવાઈ.

અમેરિકાના લિબર્ટી ટાપુ પર આવેલી સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા

સ્વાતંત્ર્યદેવીની આ પ્રતિમા ફ્રાન્સના લોકોએ ૧૮૮૪માં યુનાઇટેડ સ્ટેટ્સ ઑવ્ અમેરિકાના લોકોને ભેટ આપેલી છે.
સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા બાબત સર્વપ્રથમ ખ્યાલ ફ્રેન્ચ રાજદ્વારી અને ઇતિહાસવિદ એડવર્ડ રેને લેફેબ્વ્રે દ લૅબાઉલને સ્ફુરેલો. ૧૮૬૫માં સ્વાતંત્ર્યના આદર્શને ઊજવવા માટે સંયુક્ત ફ્રેન્ચ-અમેરિકન સ્મારક બાંધવાનું સૂચન તેમણે કરેલું. ફ્રેન્ચ શિલ્પી બાર્થોલ્ડી તેમના મિત્ર હતા. આવું ભવ્ય શિલ્પ બનાવવા માટે તેમણે બાર્થોલ્ડીને તૈયાર કર્યા. ફ્રેન્ચ શિલ્પી ફ્રેડરિક ઑગસ્ટ બાર્થોલ્ડીએ આ પ્રતિમાના આકારની રૂપરેખા બનાવેલી તેમ જ તેની પ્રતિષ્ઠા માટેનું સ્થળ પણ નક્કી કરી આપેલું. પ્રતિમા તૈયાર કરવા માટે ફ્રેન્ચ નાગરિકોએ નાણાંનું દાન કરેલું, જ્યારે યુ.એસ.ના નાગરિકોએ તેની બેઠક તૈયાર કરવા માટે ફાળો એકઠો કરેલો.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી બાળવિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-10, સ્વાતંત્ર્યદેવીની પ્રતિમા, પૃ. 95)

Categories
વાચન સમૃદ્ધિ

ડૉલ્ફિન

સેટેશિયા શ્રેણીના ડૉલ્ફિનિડે કુળનું એક જળચર સસ્તન પ્રાણી. મોટા ભાગનાં ડૉલ્ફિનો દરિયામાં વસે છે. કેટલાંક ડૉલ્ફિનો નદીમાં પણ વાસ કરતાં હોય છે. ચાંચ આકારનું તુંડ (snout) અને શંકુ આકારના દાંત એ ડૉલ્ફિનનાં વિશિષ્ટ લક્ષણો છે. ડૉલ્ફિનનો આકાર ટૉર્પીડો જેવો હોય છે. અરિત્ર (flippers) નામે ઓળખાતાં તેનાં અગ્ર ઉપાંગો (forelimbs) ક્ષેપણી (paddle) જેવા આકારનાં હોય છે. તેને પશ્ચ ઉપાંગો હોતાં નથી. મોટા ભાગનાં ડૉલ્ફિનોની પીઠ પર પૃષ્ઠ પક્ષ (dorsal fin) હોય છે. તરતી વખતે શરીરની સમતુલા જાળવવામાં અરિત્રો અને પૃષ્ઠ પક્ષ અગત્યનો ભાગ ભજવે છે. ડૉલ્ફિનને એક પુચ્છ પક્ષ (tail fin) પણ હોય છે. તરવામાં પુચ્છ પક્ષનો ઉપયોગ નોદક (propeller) તરીકે થાય છે. ડૉલ્ફિનની ચામડી લીસી, રબર જેવી હોય છે. ચામડીની નીચે મેદસ્તર (blubber) આવેલો હોય છે. મેદસ્તર શરીરનું તાપમાન જાળવવા ઉપરાંત, ખોરાકનો સંગ્રહ પણ કરે છે. શીર્ષ પ્રદેશ પર ધમણ-છિદ્ર (blow hole) નામે ઓળખાતું, એકલ નાસિકા છિદ્ર હોય છે.

સામાન્ય ડૉલ્ફિન                                કિલર વહેલ

ડૉલ્ફિનમાં પ્રતિધ્વનિ-અવસ્થાપક (echo location) સોનર તંત્ર હોય છે. તેની મદદથી તે તરતી વખતે માર્ગમાં આવેલી વસ્તુઓનું સ્થાનનિર્ધારણ કરે છે. શીર્ષની ટોચે મેદીપેશીનું બનેલું મેલૉન નામનું એક અંગ આવેલું હોય છે. તેમાંથી ટિક અને સિસોટીના અવાજના તરંગો નીકળે છે. આ તરંગો માર્ગમાં આવેલી વસ્તુઓ સાથે અથડાતાં પ્રતિધ્વનિ સોનર તંત્રના સંપર્કમાં આવે છે. તેને પરિણામે ડૉલ્ફિન વસ્તુના નિશ્ચિત સ્થાનનું નિદાન કરી શકે છે. ડૉલ્ફિનનાં શ્રવણગ્રાહી અને દૃષ્ટિગ્રાહી અંગો સારી રીતે વિકસેલાં હોય છે. ડૉલ્ફિનને ગંધગ્રાહી અંગો હોતાં નથી અને સ્વાદગ્રાહી અંગોનો વિકાસ અત્યલ્પ હોય છે. કેટલાંક સામાન્ય ડૉલ્ફિનો : 1. સામાન્ય ડૉલ્ફિન (Delphinus delphic) : નાના કદનાં ડૉલ્ફિનોની આ એક જાત છે, તે આશરે 2થી 2.5 મીટર લાંબું હોય છે. તેનું વજન 75 કિગ્રા. જેટલું હોય છે. તેની આંખની ફરતે ઘેરી પટ્ટી આવેલી હોય છે, જે ચાંચના આગલા છેડા સુધી લંબાયેલી હોય છે. 2. શીશીનાસા ડૉલ્ફિન (Tursiops fruncatus) : માનવીને સૌથી પરિચિત ડૉલ્ફિન. પોતાની નાની ચાંચને લીધે ડૉલ્ફિન જાણે મૃદુ હાસ્ય કરતું હોય તેવો આભાસ થાય છે. મનોરંજન ઉદ્યાનો અને જળાશયોમાં પોષવામાં આવતાં શીશીનાસા ડૉલ્ફિન માનવીને અત્યંત પ્રિય છે. 3. કિલર વહેલ (Orcinus orca) : સૌથી લાંબું ડૉલ્ફિન. લંબાઈ આશરે 9 મીટર, વજન 450 કિગ્રા. જેટલું.

(સંક્ષિપ્ત લેખ. વધુ વિગત માટે જુઓ : ગુજરાતી વિશ્વકોશ, વૉલ્યુમ ભાગ-8, ડૉલ્ફિન, પૃ. 609 અથવા જુઓ https://gujarativishwakosh.org/ડૉલ્ફિન/)