જ. ૧૫ જુલાઈ, ૧૯૦૯ અ. ૯ મે, ૧૯૮૧

ભારતીય યોજના આયોગનાં પ્રથમ મહિલાસભ્ય, બાહોશ સંસદ અને કુશળ વહીવટકર્તા દુર્ગાબાઈનો જન્મ આંધ્રપ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. બાળપણમાં પિતાનું અવસાન થતાં માતા દ્વારા ઉછેર થયો, માતા પાસેથી બાળપણમાં સમાજકાર્યના બોધપાઠ મળ્યા. તેમની માતા કૃષ્ણાવેનમ્મા જિલ્લા કૉંગ્રેસ કમિટીમાં મંત્રી હતાં. આઠ વર્ષની વયે દુર્ગાબાઈનાં લગ્ન જમીનદાર પરિવારના દત્તક પુત્ર સાથે થયાં. થોડા જ સમયમાં લગ્નવિચ્છેદ થયો, કારણ કે બંનેની વિચારસરણીમાં જમીન-આસમાનનો તફાવત હતો. ત્યારબાદ દુર્ગાબાઈએ ફરી ભણવાનું શરૂ કર્યું. હવે દુર્ગાબાઈ હિંદી ભાષા શીખવા લાગ્યાં અને તેમના કરતાં ઓછું ભણેલાંઓને તેઓ હિંદી ભાષાનું શિક્ષણ આપતાં. ૧૯૨૩માં પોતાના પિયરના મકાનમાં બાલિકા હિંદી પાઠશાળાની સ્થાપના કરી. જ્યાં ૪૦૦ જેટલી છોકરીઓ હિંદી ભાષા શીખી, આ કામમાં તેમનાં માતા પણ જોડાયાં. ગાંધીજીએ દુર્ગાબાઈની આ સિદ્ધિથી પ્રભાવિત થઈને સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો. યુવા અવસ્થાથી તેઓએ દારૂનું સેવન, દેવદાસીની પ્રથા, બાળવિવાહ, નિરક્ષરતા અને અંધશ્રદ્ધા જેવી સામાજિક બદીઓ સામે ઝુંબેશ શરૂ કરી. ખાદીના પ્રચાર-પ્રસાર, મીઠાના સત્યાગ્રહમાં તેઓએ આગળ પડતી ભૂમિકા ભજવી. મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ થઈ. ૧૯૪૬માં દુર્ગાબાઈ દેશની બંધારણ સમિતિનાં સદસ્ય બન્યાં. ‘આંધ્ર મહિલાસભા’ની સંસ્થા સ્થાપી. તેની નિશ્રામાં સમયાંતરે દવાખાનાંઓ, સારવાર કેન્દ્રો, સાક્ષરતા કેન્દ્રો તથા હસ્તકૌશલના એકમોની સ્થાપના કરી. હૉસ્પિટલ અને શ્રી વેંકટેશ્વર કૉલેજ સ્થાપી. ભારતના આયોજન પંચના સભ્ય તથા રાજ્યપાલ તરીકે પણ દેશને તેમની સેવાઓ પ્રાપ્ત થઈ હતી. ૧૯૫૩માં ભારતના અગ્રણી પ્રકાશક (સર) સી. ડી. દેશમુખ સાથે લગ્ન થયાં. તેઓ પોલજી હોફમાન ઍવૉર્ડ, નહેરુ લિટરસી ઍવૉર્ડ, યુનેસ્કો ઍવૉર્ડ અને પદ્મવિભૂષણથી સન્માનિત થયાં છે.
અંજના ભગવતી